છોટાઉદેપુર જિલ્લો

January, 2012

છોટાઉદેપુર  જિલ્લો : વડોદરા જિલ્લાનું વિભાજન કરીને બનાવાયેલો નવો જિલ્લો.

ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા – વનસ્પતિ : આ જિલ્લો 22 19´ ઉ. અ. અને 74 36´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે દાહોદ જિલ્લો, વાયવ્યે વડોદરા જિલ્લો, દક્ષિણે નર્મદા જિલ્લો તેમજ પૂર્વે અને અગ્નિએ અનુક્રમે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની સીમા આવેલી છે.

છોડાઉદેપુરની ટેકરીઓના ડુંગરાળ પ્રદેશમાં 4.5 ચો.કિમી.ના વિસ્તારમાં આશરે 690 મીટરની ઊંચાઈની ટેકરીઓવાળા આંબાડુંગર, ડુંગરગામ અને નૌતિટોકરી આવેલી છે. આ જિલ્લાની નદીઓમાં સુખી, હિરણ, મેણ, ઓરસંગ, ઊંચનો સમાવેશ થાય છે.

આ જિલ્લાનું સરેરાશ તાપમાન 12થી 43 સે. રહે છે. ઉનાળાનું સરેરાશ તાપમાન 26થી 43 સે. અને શિયાળાનું સરેરાશ તાપમાન 12થી 33 સે. રહે છે. સહ્યાદ્રિ અને સાતપુડાના ભાગ રૂપે રહેલા આ પૂર્વના ડુંગરાળ પ્રદેશમાં 2000 મિમી.થી વધુ વરસાદ અનુભવાય છે.

આ જિલ્લામાં ભેજવાળાં પાનખર જંગલો આવેલાં છે. માર્ચ અને એપ્રિલની સૂકી ઋતુમાં જંગલોનાં વૃક્ષોનાં પાંદડાં ખરી પડે છે. આ જંગલોમાં 50 ટકા વૃક્ષો સાગનાં છે. આ ઉપરાંત વાંસ, સીસમ, શીમળો, સાદડ, મોદડ, ધાવડો, ભાંગરો, શિરસ, હળદરવો, આંબળા, બહેડાં, ટીમરું વગેરે પ્રકારનાં વૃક્ષો થાય છે. આ જિલ્લાનો જંગલ વિસ્તાર આશરે 75,704 હેક્ટર છે. જંગલોને કારણે વન્યજીવો પણ જોવા મળે છે. જેમાં દીપડો, ઝરખ, જંગલી ભૂંડ, વાંદરાં, વરૂ, હરણ, નીલગાય વગેરે રહેલાં છે.

અર્થતંત્ર : આ જિલ્લામાં પ્રિ-કૅમ્બ્રિયન અને આર્કિયન યુગના ખડકો આવેલા છે. આર્કિયન યુગના સૌથી જૂના રૂપાંતરિત પામેલા નીસ ખડકો છોટાઉદેપુર, બોડેલી અને સંખેડાના પૂર્વ ભાગમાં જોવા મળે છે. આ ખડકોમાંથી ડોલોમાઇટ, ફ્લોરાઇટ, ગ્રૅનાઇટ વગેરે ખનીજો મળે છે. ગુજરાતના આ જિલ્લામાં વિશ્વનો સૌથી વિશાળ ફ્લોરસ્પારનો અનામત જથ્થો રહેલો છે. જે 400થી 600 મીટરની ઊંચાઈએથી આ જિલ્લાના આંબાડુંગર, ડુંગરગામ અને નૌતિટોકરી વિસ્તારમાંથી પ્રાપ્ત થાય છે. આંબાડુંગર પાસે કડીપાણી ખાતે ગુજરાત ખનિજ વિકાસ નિગમે તેના શુદ્ધીકરણ માટેનું એકમ સ્થાપ્યું છે, જે વિશ્વમાં અજોડ ગણાય છે.

આ જિલ્લામાં ખડકોના ખવાણને લીધે રચાયેલી સ્વસ્થાની જમીનો વધુ છે. આ જમીનમાં સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ ઓછું છે. ધોવાણને લીધે જમીનનું પડ પાતળું છે. આ જિલ્લામાં બાજરી, મકાઈ, જુવાર, ઘઉં, રાગી જેવાં ધાન્યની ખેતી થાય છે. ઘાસ અને ખેતીને કારણે અહીં પશુપાલનની પ્રવૃત્તિ જોવા મળે છે, તેથી ડેરીઉદ્યોગ વિકસ્યો છે. આદિવાસી વિસ્તારોમાં કુટિરઉદ્યોગ કે જેમાં હાથ બનાવટની ઉપયોગી વસ્તુઓ બનાવાય છે.

પરિવહન–વસ્તી  : આ જિલ્લો અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર ધરાવતો હોવાથી કોઈ મોટા ઉદ્યોગો સ્થાપાયા નથી. આ જિલ્લાને ગુજરાત રાજ્ય પરિવહનની બસોની સગવડ ઉપલબ્ધ છે. જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોને પાકી સડકોનો લાભ મળ્યો છે. આ ઉપરાંત ‘જીપો’ પરિવહનનું મુખ્ય સાધન બન્યું છે.

આ જિલ્લો આદિવાસીની વસ્તીની દૃષ્ટિએ નર્મદા અને તાપી જિલ્લા પછી આવે છે. આ જિલ્લામાં શહેરી વિસ્તાર ફક્ત 7% જેટલો જ છે. દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 967 છે. સાક્ષરતાનું પ્રમાણ 56% છે. આદિવાસી વસ્તીનું પ્રમાણ 80% જેટલું છે. અહીં 96% હિંદુઓ વસે છે. 48% લોકો ગુજરાતી ભાષા બોલે છે. વહીવટી સુગમતાને લક્ષમાં રાખીને આ જિલ્લાને છોટાઉદેપુર, નસવાડી, સંખેડા, બોડેલી, જેતપુર પાવી અને ક્વૉટ તાલુકામાં વહેંચેલ છે.

એક સમયે છોટાઉદેપુર એ આદિવાસીઓના હૃદય સમાન વિસ્તાર ગણાતો હતો. આ એક રજવાડું જિલ્લો છે. સંખેડામાં સાદા લાકડા ઉપર લીકરના ઉપયોગથી બનતું ફર્નિચર અને હસ્તકલાના અદભુત નમૂનાની વિશ્વભરમાં નિકાસ થાય છે.

છોટાઉદેપુર શહેર : આ શહેર એક સરોવર પાસે સ્થપાયું છે. આ શહેરમાં આવેલો કુસુમવિલાસ મહેલની સ્થાપના 1920માં થઈ હતી. આજે ત્યાં હોટેલ નિર્માણ થઈ છે. અહીં આવેલ પ્રેમભવન જોવાલાયક છે. પરંતુ તે જોવા માટે અગાઉથી મંજૂરી લેવી પડે છે. ઉનાળામાં રાજવી કુટુંબને રહેવા માટે કાલી નિકેતન(મહાર મહેલ)નું નિર્માણ કરાયેલું હતું. તે કલાની દૃષ્ટિએ ઉત્તમ ગણાય છે. વિકટોરિયન કલાને લક્ષમાં રાખીને જૈન મંદિર પણ જોવાલાયક છે. આ સિવાય અન્ય જૈન મંદિરો પણ આવેલાં છે. અહીં આવેલા મ્યુઝિયમમાં રાઠવા આદિવાસીનાં પિઠોરા ચિત્રો વધુ જાણીતાં છે. આ ચિત્રોમાં લીકર અને દૂધનો ઉપયોગ થતો હતો. આ જિલ્લામાં વસતા આદિવાસીઓના આવાસોની દીવાલો ઉપર આ ચિત્રો જોવા મળે છે. દર શનિવારે આદિવાસીઓનું બજાર ભરાય છે. દર અમાસના દિવસે અહીંનું બજાર બંધ રહે છે.

આ જિલ્લાની રચના 26 જાન્યુઆરી, 2013માં થઈ હતી. આ જિલ્લાનો વિસ્તાર 3,336 ચો.કિમી. જ્યારે વસ્તી 10,71,831 (2013 મુજબ) છે.

નીતિન કોઠારી