છીંક (sneeze) : નાકમાંના બાહ્યદ્રવ્ય, બાહ્યપદાર્થ કે પ્રવાહીને દૂર કરવા માટેની રક્ષણાત્મક ક્રિયા. તે ખાંસી(ઉધરસ)ની માફક એક ચેતા પરાવર્તી ક્રિયા (reflex action) છે. ખાંસી ગળા અને શ્વાસની નળીઓમાંના ક્ષોભન કરતા પદાર્થ કે પ્રવાહીને દૂર કરવા માટેની ક્રિયા છે, જ્યારે છીંક વડે નાકને સ્વચ્છ કરવાની ક્રિયા થાય છે. નાક અને તેના પાછલા ભાગમાં આવેલા ગળાના ભાગમાં ચચરાટ કે ક્ષોભન થાય તો તેની સંવેદનાની માહિતી પાંચમી કર્પરી ચેતા (cranial nerve) દ્વારા મસ્તિષ્કપ્રકાંડ(brain stem)માં પહોંચે છે. તેની પ્રતિક્રિયા કે તેના પ્રતિભાવ રૂપે વિવિધ ચાલક પ્રક્રિયાઓ થાય છે જેને કારણે મૃદુ તાળવું નીચે તરફ ખસે છે અને જોરથી પુષ્કળ પ્રમાણમાં નીચેથી ફેફસાંમાંની હવા નાક અને મોંમાંથી બહાર તરફ ધકેલાય છે. તેની સાથે તેમાંનો કચરો કે પ્રવાહી પણ બહાર ફેંકાય છે અને આમ નાસિકામાર્ગ (nasal passage) ચોખ્ખો થાય છે. તે સમયે આંખો બંધ થઈ જાય છે.

છીંક વિવિધ રોગ અને વિકારનું લક્ષણ હોય છે : શરદી, ઍલર્જિક નાસિકાશોથ (rhinitis) કે નાકમાં બાહ્ય પદાર્થ પ્રવેશે ત્યારે નાકમાં ચચરાટી થાય છે. નાકની અંદરની દીવાલના ચેપજન્ય સોજાને સામાન્ય શરદી (common cold) કહે છે. તે મોટે ભાગે વિષાણુ(virus)થી થતો રોગ છે. વિવિધ પ્રકારના વિષાણુઓ તેના માટે કારણભૂત હોય છે, જેમ કે નાસિકાવિષાણુ (rhinovirus, 15 %થી 40 %), કોરોના વાઇરસ(10 %થી 20 %), ઇન્ફ્લુએન્ઝા વિષાણુના A, B અને C પ્રકારો, પૅરાઇન્ફ્લુએન્ઝાના વિષાણુ, રેસ્પિરેટરી સિન્સીટિયલ વાઇરસ અને એડિનો વાયરસ (5 %થી 10 %) તથા કોક્સેકિ અને ઇકો વિષાણુઓ (1 %થી 2 %), બીટા હિમોલાયટિક સ્ટ્રેપ્ટોકોકાઇના A જૂથના જીવાણુઓ (2 %થી 10 %) અને અન્ય વિષાણુ મનાતા અવશિષ્ટ એજન્ટ્સ (30 %થી 50 %) પણ શરદીનો વિકાર સર્જે છે. શરદી આખી દુનિયામાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતો વિકાર છે. તેની સારવારમાં પ્રતિહિસ્ટામિન ઔષધો, વિટામિન સી અને વરાળના ન્યાસનો ઉપયોગ કરાય છે.

શરદીને બીજા કેટલાક રોગો કે વિકારોથી અલગ પાડવી જરૂરી ગણાય છે. દા.ત., ઋતુલક્ષી ઍલર્જી, બારમાસી (perennial) ઍલર્જી, ઇઓસિનરાગી (eosinophil) શ્વેતકોષોની અધિકતાવાળા બિન-ઍલર્જિક રોગો, ઔષધજન્ય નાસિકાશોથ, વિવિધ અન્ય ચેપ, સગર્ભાવસ્થામાં જોવા મળતો નસોનો વિકાર (vasomotor rhinitis of pregnancy) તથા નાકની અંદરની દીવાલની દુષ્કાર્યશીલતાના વિવિધ વિકારો. ઍલર્જિક વિકાર હોય તો ઉપચાર રૂપે કારણભૂત પદાર્થથી દૂર રહેવાની તેમજ પ્રતિ-હિસ્ટામિન દવાઓ, લોહીની નસોનું સંકોચન કરતી દવાઓ (decongestants), સ્થાનિક સ્ટીરૉઇડ ઔષધો તથા પ્રતિરક્ષાલક્ષી ઔષધોનો ઉપયોગ કરવાનું સૂચવાય છે.

શિલીન નં. શુક્લ

સંજીવ આનંદ