છપરા : બિહાર રાજ્યના. સરન જિલ્લાનું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન 25o 46’ ઉ. અ. અને 84o 45’ પૂ. રે. પર તે પટનાની પશ્ચિમે આશરે 48 કિમી. અંતરે આવેલું છે. ઘાઘરા નદીના ડાબા કિનારા પર તથા ગંગા અને ઘાઘરા નદીઓના સંગમ પાસે આ નગર વિકસ્યું છે. વિકાસની પ્રક્રિયા દરમિયાન આ નગર બે ભાગમાં વહેંચાઈ ગયું છે. જૂના ભાગમાં કૃષિપેદાશોનું બજાર તથા અઢારમી સદીથી ફ્રેન્ચ, ડચ તથા અંગ્રેજોના પ્રયત્નોથી વિકસેલા સૂરોખાર-શુદ્ધીકરણના ઔદ્યોગિક એકમો આવેલા છે. આ ભાગમાં ગોળ, અફીણ તથા લાખનો જથ્થાબંધ વ્યાપાર કરતા એકમો અને અળસીના તેલનું પિલાણ કરનારાં કારખાનાં પણ વિકસ્યાં છે. નગરથી આશરે 24 કિમી. અંતરે આવેલા સોનપુર ખાતે કારતકી પૂનમથી એક માસ સુધી મેળો ભરાય છે, જેમાં પશુપક્ષીઓનું બજાર પણ ભરાય છે અને તેમાં આખા રાજ્યમાંથી આવેલા વેપારીઓ મોટા પ્રમાણમાં ખરીદવેચાણ કરે છે. છપરા નગરના નવા ભાગમાં સરકારી કાર્યાલયો, ન્યાયાલયો, ઉદ્યાનો, ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ અને રમતગમતનાં સંકુલો આવેલાં છે. બિહારના કામેશ્વરસિંગ દરભંગા સંસ્કૃત વિશ્વવિદ્યાલય સાથે સંલગ્ન એક અલાયદી સંસ્કૃત કૉલેજ પણ અહીં આવેલી છે. રેલ તથા માર્ગ વાહનવ્યવહાર દ્વારા આ નગર રાજ્યનાં અન્ય નગરો સાથે સંકળાયેલું છે.
પ્રાચીન કાળમાં દધીચિ, ગૌતમ તથા ચ્યવન જેવા ઋષિઓના આશ્રમો આ સ્થળે હતા એવી માન્યતા પ્રવર્તે છે. 1529માં મુઘલ બાદશાહ અકબરે આ નગરની મુલાકાત લીધી હતી એવા પુરાવા સાંપડ્યા છે.
પૂર તથા પ્લેગ જેવા કુદરતી પ્રકોપોને લીધે ભૂતકાળમાં આ નગર અવારનવાર તારાજીનો ભોગ બન્યું છે. આ શહેરની વસ્તી 2,02,352 જ્યારે બૃહદ્ શહેરની વસ્તી આશરે 2,13,914 (2022).
બાળકૃષ્ણ માધવરાવ મૂળે