છત્રપુર : મધ્યપ્રદેશના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો તથા શહેર.
ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : આ જિલ્લો 24 6´ ઉ. અ.થી 25 20´ ઉ. અ. જ્યારે 78 59´થી 80 26´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે ઉત્તરપ્રદેશ રાજ્ય અને પૂર્વે પન્ના જિલ્લો, દક્ષિણે દમોહ, નૈર્ઋત્યે સાગર જિલ્લાની સીમાઓથી ઘેરાયેલો છે. મધ્યપ્રદેશના સાગર વિભાગનો આ એક ભાગ છે.
તે બુંદેલખંડ ઉચ્ચપ્રદેશના ઉત્તર ભાગમાં ભાગ સ્વરૂપે આવેલો છે. તેના દક્ષિણ ભાગમાં પન્નાની ટેકરીની હારમાળા આવેલી છે. આ જિલ્લાની ચોતરફ 100 મીટર ઊંચાઈ ધરાવતી ટેકરીઓ આવેલી છે. છત્રપુર જે સમુદ્રની સપાટીથી આશરે 300 મીટરની ઊંચાઈએ સ્થિત છે. આ ટેકરીઓની તળેટીના ભાગમાં ઉત્તરે કાંપનું મેદાન આવેલું છે. આ જિલ્લો પન્નાની હારમાળા, મધ્યનો ઉચ્ચપ્રદેશ અને ઉત્તરનું મેદાન – એ ત્રણ પ્રાકૃતિક ભાગમાં વહેંચાયેલો છે. પન્નાની હારમાળા વિંધ્યાચળ પર્વતીય હારમાળાની એક શાખા છે. આ જિલ્લાનું સૌથી વધુ ઊંચાઈ ધરાવતું શિખર બાલથા છે જેની ઊંચાઈ 607 મીટર છે. જિલ્લાનો મધ્યનો ઉચ્ચપ્રદેશ ઉત્તરથી પન્નાની ડુંગરાળ હારમાળા સુધી ગણાય છે. અહીં બુંદેલખંડના ગ્રૅનાઇટ ખડકો આવેલા છે જે નદીઓના જળવિભાજનનું કાર્ય કરે છે. ઉત્તરનાં મેદાનો સમુદ્રની સપાટીથી આશરે 150થી 300 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ જિલ્લાની મુખ્ય નદીઓ કેન, બેતવા, બઘાઈન (Baghain) છે.
આબોહવા : આ જિલ્લામાં માર્ચથી જૂન માસમાં ઉનાળો સખત ગરમ અને સૂકો રહે છે. ચોમાસામાં અગ્નિ તરફથી આવતા ભેજવાળા પવનોને કારણે ઉનાળો સાધારણ અનુભવાય છે. શિયાળામાં ડિસેમ્બરથી ફેબ્રુઆરીના સમયગાળામાં ઠંડીનું પ્રમાણ અધિક રહે છે. જ્યારે જૂનથી સપ્ટેમ્બર માસ સુધી વર્ષાઋતુ ગણાય છે. નાવગાઁવ ખાતે હવામાન વિભાગનું કાર્યાલય આવેલું છે. આ જિલ્લામાં મે માસમાં મહત્તમ તાપમાન 45.0 સે. જ્યારે લઘુતમ તાપમાન જાન્યુઆરી માસમાં આશરે 7 સે. હોય છે. ઑગસ્ટ માસમાં એટલે કે વર્ષાઋતુ દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ 88% જ્યારે ઉનાળામાં ભેજનું પ્રમાણ આશરે 30% રહે છે.
આ જિલ્લામાં સરેરાશ પવનની ગતિ 4 કિમી પ્રતિકલાકે, જ્યારે જૂન માસમાં પવનની ગતિ 1થી 8 કિમી./પ્રતિ- કલાકે રહે છે. સરેરાશ વરસાદ 922 મિમી. નોંધાયેલ છે. મહત્તમ વરસાદ બીજાવર ખાતે (1371 મિમી.) પડ્યો હતો.
અર્થતંત્ર : આ જિલ્લામાં મોટા ભાગના ઉપવિસ્તારમાં પ્રાથમિક કક્ષાની ખેતી લેવાય છે. લોકોની આજીવિકા ખેતી પર નિર્ભર છે. આ જિલ્લો પાણીની અછત ધરાવે છે. આથી રાજ્ય સરકારે આ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરેલો છે. મોટા ભાગના લોકો આકાશી ખેતી પર નિર્ભર છે. વિપુલ પાણીપુરવઠો ધરાવતી નદી ન હોવાથી નાના આડબંધની રચના થઈ છે; જે છત્તરપુર, રાજનગર, બીજાવર અને લુન્ડી ખાતે આવેલા છે. અહીં ભાદર, બેનીજંગ, શિવસાગર, ધામના, સૂરજપુર, કારાગંજ, કાકુનપુરા અને બારીગાર સરોવરો આવેલા છે.
આ જિલ્લામાં જંગલ હેઠળ રહેલો વિસ્તાર 1752.00 ચો.કિમી. જેટલો છે. જંગલોની આડપેદાશો દ્વારા અહીંના લોકો રોજીરોટી પણ મેળવે છે. આ જિલ્લામાં કુટિર ઉદ્યોગ અને નાના પાયાના ઉદ્યોગો જોવા મળે છે. આ ઉદ્યોગો સ્થાનિક લોકોની રોજગારી આપવા પૂરતા નથી. આ જિલ્લાના કેટલાક વિસ્તારમાં ગ્રૅનાઇટનો ખાણ ઉદ્યોગ જોવા મળે છે. આ જિલ્લામાં લોકો મોટે ભાગે છૂટક વેપાર કરે છે.
પરિવહન : છત્રપુર જિલ્લામાં રસ્તા અને રેલમાર્ગોની સુવિધા સારી છે. અહીં રાજ્ય પરિવહનની બસો, ખાનગી બસો, જીપ વગેરે ઉપલબ્ધ છે. મોટા ભાગના વિસ્તારોમાં બ્રૉડગેજ રેલમાર્ગ વધુ જોવા મળે છે.
પ્રવાસન : ખજૂરાહો (સ્મારકોનું જૂથ એ હિન્દુ મંદિરો અને જૈન મંદિરોનો સમૂહ છે.), ખાજવાકુટની ડૅમ (જિલ્લાનો સૌથી મોટો ડૅમ), જટાશંકર મંદિર, ભીમકુંડ, રાનેહ ધોધ (એશિયાનો એકમાત્ર ધોધ જ્યાં અગ્નિકૃત ખડક છે.), પાંડવ ધોધ, હનુમાન તૌરિય તેમજ કુટની આઇલૅન્ડ રિસોર્ટ અને પન્ના નૅશનલ પાર્ક, બાગેશ્વરધામ વગેરે જોવાલાયક છે.
વસ્તી : છત્રપુર જિલ્લાની વસ્તી 17,62,857 (2011) છે. વસ્તીની દૃષ્ટિએ જોઈએ તો ભારતમાં આ જિલ્લાનો ક્રમ 271મો છે. દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 884 છે. સાક્ષરતાનું પ્રમાણ 64.9% છે. આ જિલ્લાને વહીવટી સુગમતા ખાતર 11 તાલુકામાં વહેંચેલ છે. જિલ્લામાં બે શહેરોમાં મ્યુનિસિપાલિટી છે. ગામડાંની સંખ્યા 1216 છે. ભારતમાં સૌથી વધુ કેન્દ્રીય વિદ્યાલયો અહીં આવેલાં છે. છત્રપુર જિલ્લામાં આવેલી કૉલેજો મહારાજા છત્રસાલ બુંદેલખંડ યુનિવર્સિટી સાથે સંકળાયેલ છે. સ્વામી પ્રણવાનંદ હોમિયોપથી મેડિકલ કૉલેજ જે મધ્યપ્રદેશ મેડિકલ સાયન્સ યુનિવર્સિટી, જબલપુર સાથે સંકળાયેલ છે. આ જિલ્લાનું પાટનગર છત્રપુર છે.
ઇતિહાસ : રાજપૂત યુગ દરમિયાન ઉત્તર ભારતના રાજપૂતો સત્તા પર આવ્યા. ગુર્જર અને પ્રતિહાર રાજ્યના વિઘટનથી પાંચ રાજપૂત રાજ્યો રચાયાં. આમાં એક રાજ્ય માળવાના પરમારોએ બનાવ્યું. રાજવી છત્રસિંહ બુંદેલાએ છત્રપુર નગર 11મી સદીમાં વસાવ્યું. રાજપૂત રાજવીઓએ સુંદર મહેલ અને કિલ્લા બનાવ્યા.
છત્રપુર (શહેર) : આ શહેર મધ્યપ્રદેશ રાજ્યના છત્રપુર જિલ્લામાં આવેલું છે. તે નગરપાલિકા ધરાવે છે.
ભૌગોલિક સ્થાન – આબોહવા : 24 55´ ઉ. અ. અને 79 35´ પૂ. રે. પર આવેલું છે. સમુદ્રની સપાટીથી 305 મી.ની ઊંચાઈ ધરાવે છે. તેનો વિસ્તાર 78 ચો.કિમી. છે.
અહીંની આબોહવા ભેજવાળી ઉપ-ઉષ્ણકટિબંધ પ્રકારની છે. ઉનાળો અતિશય ગરમ અને શિયાળામાં ઠંડીનો અનુભવ થાય છે. વર્ષાઋતુ જૂનથી સપ્ટેમ્બર માસની ગણાય છે. આ શહેરમાં ભાગ્યે જ અતિવૃષ્ટિનો અનુભવ થયો હશે.
અર્થતંત્ર : અહીં મોટા પાયાના ઉદ્યોગો જોવા મળતા નથી. નાના પાયાના ઉદ્યોગો આવેલા છે, પરંતુ તે વધુ પ્રમાણમાં કારીગરોને રોજી-રોટી આપવાની ક્ષમતા ધરાવતા નથી. અહીં વસતા લોકોની રોજી ખેતી ઉપર અવલંબિત છે અને તેના આધારે વ્યાપાર-ધંધા ચાલે છે. ગ્રૅનાઇટની ખાણોને કારણે ગ્રેનાઇટ કાઢવા અને તેને પૉલિશ કરવાની ફૅક્ટરીઓ આવેલી છે. અહીં દુષ્કાળનો અનુભવ અવારનવાર થતો હોવાથી ખેતપેદાશો સામાન્ય ગુણવત્તાવાળી છે. દુષ્કાળમાં ખેતી અને પીવાના પાણીની અછત વર્તાય છે.
પરિવહન : આ શહેરમાં પાકા રસ્તા અને રેલવેની સુવિધા છે. અહીં આવેલું રેલવેસ્ટેશન 2017માં કાર્યરત થયું હતું. જે ‘મહારાજા છત્રસાલ’ સ્ટેશન તરીકે ઓળખાય છે. આ સ્ટેશનથી દિલ્હી, ઝાંસી, ભોપાલ, ઇન્દોર અને ઉજ્જૈનને સાંકળતી રેલવેની સુવિધા છે. આ સ્ટેશનથી ખજૂરાહો 35 કિમી. દૂર છે. ખજૂરાહો હવાઈ મથકનો લાભ છત્રપુરને મળ્યો છે. જ્યારે મોટું હવાઈ મથક કાનપુર છે, જે ઉત્તરપ્રદેશમાં આવેલું છે.
વસ્તી : આ શહેરની વસ્તી 99,519 (2011 મુજબ) છે. સાક્ષરતાનું પ્રમાણ 69% છે. દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 920 છે. અહીં હિન્દુઓની વસ્તી 80%, મુસ્લિમ વસ્તી 17.50%, જ્યારે અન્ય વસ્તીનું પ્રમાણ 2.30% છે. આ શહેરમાં મોટા ભાગની શાળાઓ કેન્દ્રીય વિદ્યાલય સાથે સંકળાયેલ છે જે ભારતમાં સૌથી મોટી શૈક્ષણિક સાંકળ ગણાય છે. અહીં આવેલી કૉલેજો જે મહારાજા છત્રસાલ બુંદેલખંડ યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે.
ઇતિહાસ : આ શહેરની સ્થાપના 1785માં કરવામાં આવી હતી અને તેનું નામ બુંદેલખંડના સ્થાપક નેતા છત્રસાલના નામ પરથી રાખવામાં આવ્યું છે. અહીં તેમની મૂર્તિ છે. લાંબા સમય સુધી તેમના વંશજોનું શાસન હતું. ત્યારબાદ રાજપૂતોના પોંવર કુળે અહીં પોતાનું નિયંત્રણ મેળવ્યું હતું. 1806માં બ્રિટિશ રાજ દ્વારા કુંવર સોનેસિંહ પોંવરને રાજ્ય ચલાવવા જણાવ્યું. તે સમયે પોંવર રાજાઓને હસ્તક 2900 ચો.કિમી. વિસ્તાર હતો. 1816થી પરતાબસિંહ, જગતસિંહ, વિશ્વનાથસિંહ, મહારાજા છત્રસાલ અને ભવાનીસિંહ રાજવીઓએ શાસન કર્યું હતું. 1947માં ભારત સ્વતંત્ર થતાં છત્રપુરના વંશજોએ ભારત સાથે જોડાણ સ્વીકાર્યું હતું. 1956માં વિંધ્યપ્રદેશને મધ્યપ્રદેશ રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યો.
નીતિન કોઠારી
ગોવિંદભાઈ વિસરામભાઈ પટેલ