છગન રોમિયો (જ. 1902, ઝુલાસણ; અ. 24 ઑગસ્ટ 1956, વડોદરા) : જૂની ગુજરાતી રંગભૂમિના નામાંકિત હાસ્યનટ. આખું નામ છગનલાલ નાગરદાસ નાયક. નાટ્યક્ષેત્રે તે એક વિરલ પ્રતિભા તરીકે યાદ રહેલ છે. શરૂઆતમાં તારાબાઈ સૅન્ડોના સરકસમાં રહ્યા. 1928માં ‘તરુણીના તરંગ’ નાટકમાં ‘રોમિયો’ના પાત્રમાં જીવંત અભિનય આપવાથી તેઓ ‘રોમિયો’ તરીકે ઓળખાયા. આ નામ તેમણે જરાય ક્ષોભ કે સંકોચ વિના સ્વીકારી લીધું. સર્વોદય નાટક મંડળીના ‘નટવર નૉવેલ્ટી’ નાટકની મુખ્ય ભૂમિકા નિભાવ્યા બાદ છગન રોમિયો કલાજગતમાં વિશેષ પ્રસિદ્ધિ પામ્યા.
તેમનો જન્મ મધ્યમ વર્ગના નાયક પરિવારમાં થયો હતો. અભિનય તેમની રગેરગમાં હતો. માત્ર આઠ જ વર્ષની બાળવયે તેઓ મુંબઈ ગયા. ઉર્દૂ નાટકમંડળીમાં જોડાયા. બાલકલાકાર તરીકે વિવિધ નાટકોમાં કામ કર્યા પછી તે ગુજરાતી નાટક કંપનીમાં જોડાયા. ‘કીમિયાગર’ નાટકમાં તેમણે ભજવેલા ખલનાયકના પાત્રના ઉત્કૃષ્ટ અભિનયને કારણે ઉત્તમ કોટિના નટ તરીકે ખ્યાતિ મેળવી. તેમણે ‘ગુણસુંદરી’, ‘મંગલફેરા’, ‘જવાબદારી’, ‘સતી આણલદે’, અને ‘ગાડાનો બેલ’ વગેરે ગુજરાતી ચલચિત્રોમાં ખૂબ યશસ્વી અભિનય આપીને પ્રશંસકોનો બહોળો વર્ગ ઊભો કર્યો હતો. તેમણે 46 વર્ષ સુધી રંગભૂમિ સાથેનો નાતો જાળવી રાખ્યો હતો. આમ તો, તેઓ માત્ર ત્રણ ગુજરાતી ચોપડી ભણેલા હતા; છતાં જીવનમાં અનુભવના પાઠ બરાબર ભણ્યા હતા અને વાસ્તવિકતાની એરણ ઉપર ઘડાયા હતા.
હાસ્યપ્રધાન ભૂમિકાઓમાં તેમનો કોઈ પર્યાય નહોતો. ‘છગન રોમિયો’ના નામમાત્રથી ટિકિટબારી પર ટંકશાળ પડતી. અંગ્રેજી ફિલ્મોમાં જેમ બડ સ્પેન્સર અને ટેરેન્સ હિલ તથા લૉરેલ અને હાર્ડીની લોકપ્રિય હાસ્યનટ જોડી હતી, તેમજ જૂની ગુજરાતી રંગભૂમિ અને તત્કાલીન ગુજરાતી ચલચિત્રોમાં છગન રોમિયો અને બાબુ રાજેની હાસ્યનટ જોડી અત્યંત સફળ અને લોકપ્રિય નીવડી હતી. શ્રી દેશી નાટક સમાજનો વડોદરામાં ‘સર્વોદય’ નાટકનો સળંગ 99મો પ્રયોગ ભજવ્યા પછી એમના વારસોએ ‘રોમિયો કલામંદિર’ સંસ્થા દ્વારા ‘રાંકનું રતન’ નાટક રજૂ કર્યું હતું. ઝુલાસણમાં એમના નામનો ‘છગન રોમિયો હૉલ’ બંધાવાયો છે.
દિનેશ દેસાઈ