છંદ

છંદ એટલે પદ્યબંધ. અર્થ અને ભાવની રમણીયતા અને સચોટતા વ્યક્ત કરવા સારુ વ્યવહારની ભાષાના શબ્દાન્વયને બહુધા અતિક્રમીને નિયત અક્ષરો કે માત્રાઓવાળાં પાદ-ચરણોમાં રચાયેલું હૃદયાહલાદક વાક્ય તે છંદ. છંદ એ કવિતાનો બાહ્ય પરિવેશમાત્ર નથી. એ કાવ્યને અધિક ચારુતાવાળું બનાવે છે. પદ્યબંધની આહલાદકતા તેની ગેયતા, લય અને ભાવાનુકૂળ શબ્દપ્રયોગમાં રહી છે. ગદ્ય અને પદ્યનું ભેદક લક્ષણ છંદ છે. જોકે છંદ કાવ્યતત્વ માટે અનિવાર્ય નથી. અછાંદસ રચનામાં પણ કાવ્ય હોય છે. કાવ્યમાં અર્થ જેટલો જ છંદ મહત્વનો છે. પ્રાચીન સાહિત્યમાં કાવ્યની સૌથી પહેલી અભિવ્યક્તિ છંદોમય ભાષામાં થઈ છે. છંદનો આપણો પરિચય વેદની ઋચાઓથી આરંભાય છે.

વૈદિક છંદો : વૈદિક મંત્રોનું પદ્યસ્વરૂપ જોતાં જણાય છે કે ઉપલબ્ધ વૈદિક મંત્રો પૂર્વે પણ છંદોનો પ્રયોગ થતો હશે. પારસિકો અને સપ્ત સૈન્ધવ આર્યો જુદા પડ્યા ન હતા તે કાળમાં પણ છંદોના પ્રયોગો થતા હતા એમ વિદ્વાનોની ધારણા છે. એકથી પાંચ અક્ષરનાં ચરણવાળા ઉક્થા આદિ છંદોનું નિરૂપણ આ અર્થમાં સપ્રયોજન છે. અનુક્રમણીકાર કાત્યાયને ‘નિયત સંખ્યામાં અક્ષરોના માપવાળું વાક્ય તે છંદ’ એવી છંદની વ્યાખ્યા આપી છે. [કોશ અનુસાર ‘છન્દસ્’ શબ્દના ઇચ્છા, સંહિતા (સંધિ), આર્ષ (ઋષિર્દષ્ટ મંત્ર), સમગ્ર મંત્રબ્રાહ્મણસાહિત્ય અને વૃત્તબંધ એવા અર્થો છે.] છન્દસ્ શબ્દની વ્યુત્પત્તિ બ્રાહ્મણો તથા ઉપનિષદોમાં મળે છે. તેમાંથી વૈદિક છંદોનું એક વિશિષ્ટ પ્રયોજન પણ જાણવા મળે છે. ‘તે દેવો છંદોરૂપી ઢાલ વડે સુરક્ષિત બનીને અસુરો સામે ગયા. આ છે છંદોનું છન્દસ્ત્વ.’ આ અને આવી બધી વ્યુત્પત્તિઓ દ્વારા છંદોનું સુરક્ષારૂપ પ્રયોજન બતાવાયું છે. વ્યાકરણ અનુસાર चुरादि ગણના છાદનાર્થક કે આહલાદનાર્થક छद् ધાતુને असुन् પ્રત્યય લાગી छन्दस् (ન.) શબ્દ સિદ્ધ થયો છે. એ જ અર્થવાળા चद् ધાતુ ઉપરથી પણ छन्दस् શબ્દ સિદ્ધ કરાયો છે. अच् પ્રત્યયાન્ત छन्द: (પું.) શબ્દ પણ આ અર્થમાં પ્રયુક્ત છે. વૈદિક મંત્રો આહલાદન અને છાદન એ બેય હેતુઓ માટે પ્રયોજાય છે.

છન્દસ્ કે છંદનું સ્વતંત્ર શાસ્ત્ર છે. હાલની ભારતીય ભાષાઓના છંદોનું બંધારણ મહદંશે વૈદિક છન્દ:શાસ્ત્રને અનુસરતું છે. છન્દસ્ એ છ વેદાંગોમાંનું એક વેદાંગ છે. તેમાં વૈદિક મંત્રોનાં પદ્યસ્વરૂપોનું નિરૂપણ છે. પાણિનીય શિક્ષામાં આ વેદાંગને ‘વેદના પગ’ કહ્યું છે. જેમ પગ વિના મનુષ્યની ગતિ સંભવતી નથી તેમ છંદોના જ્ઞાન વિના વેદાર્થ ગ્રહણ કરવામાં પ્રગતિ થતી નથી. વેદાધ્યાયી માટે છંદોનું જ્ઞાન અનિવાર્ય છે. સામવેદીય આર્ષેય બ્રાહ્મણે પણ છંદોના જ્ઞાનની આવશ્યકતા બતાવી છે. મંત્રાર્થજ્ઞાનમાં પણ છંદોનું જ્ઞાન ઉપયોગી છે. ‘ઋચાઓમાં અર્થાનુસારી પાદવ્યવસ્થા હોય છે’, એવાં વિધાનોમાં આ ઇંગિત છે. ઋષિ દીર્ઘતમાએ તેમના ‘અસ્યવામીય’ સૂક્તમાં કહ્યું છે : ‘ઋષિઓ અક્ષરોનાં પરિમાણ અનુસાર સાત છંદોમાં મંત્રવાણી વદે છે. અર્થાત્ ગાયત્રીના ચોવીસ, ઉષ્ણિક્ના અઠ્ઠાવીસ એમ વિભિન્ન છંદોનાં પરિમાણોમાં મંત્રોનું દર્શન કરે છે.’ ‘મંત્રોના સાત (બહુપ્રયુક્ત) છંદો ચાર ચાર અક્ષરોની ઉત્તરોત્તર વૃદ્ધિથી બને છે.’ – એ વિધાનમાં તો મંત્રાક્ષરોની સંખ્યાનો સ્પષ્ટ નિર્દેશ છે. ઘણી સંહિતાઓ અને બ્રાહ્મણોમાં છંદો અને તેમની અક્ષરસંખ્યાના નિર્દેશો છે. ‘છન્દ:શાસ્ત્રમ્’ના રચયિતા પિંગલે તેની કૃતિમાં તંડી, કૌષ્ટુકિ, યાસ્ક આદિ પૂર્વાચાર્યો તેમજ સૈતવ, રાત, માંડવ્ય આદિ વૈદિક અને પ્રશિષ્ટ ઉભય છંદ:શાસ્ત્રના રચયિતા આચાર્યોનો નામોલ્લેખ કર્યો છે. અનુશ્રુતિ અનુસાર શિવ છન્દ:શાસ્ત્રના આદ્ય પ્રવક્તા છે.

વેદોના સર્વ મંત્રો છંદોબદ્ધ છે. યજુર્મંત્રો પણ છંદોબદ્ધ છે. અનુક્રમણીકારોએ યજુર્મંત્રોના છંદો બતાવેલા છે. માત્ર ગદ્યસમ મંત્રોમાં પાદસંખ્યા ચોક્કસ નથી એટલું કહી શકાય. ઉક્થા, અત્યુક્થા, મધ્યા, પ્રતિષ્ઠા, સુપ્રતિષ્ઠા એ ગાયત્રીપૂર્વના પાંચ છંદો તેમજ ગાયત્ર્યાદિ છંદોના દૈવ, આસુર આદિ પ્રકારોમાં યજુર્મંત્રોના છંદો શોધી શકાય. આમ વેદવાણી છંદોમયી છે, તેથી વેદવાણીને પણ ‘છન્દસ્’ કહી છે. પાણિનિએ તેમની અષ્ટાધ્યાયીમાં વેદવાણી માટે ‘છન્દસ્’ અને લોકભાષા માટે ‘ભાષા’ શબ્દોનો વ્યવહાર કર્યો છે. છતાં છન્દસ્ એટલે પદ્યબંધ એવો અર્થ મુખ્યત્વે સ્વીકારાયેલો છે.

વૈદિક છંદો એક અક્ષરથી આરંભી છવ્વીસ અક્ષરોના પાદવાળા છે. એટલે કે એક આખા મંત્રમાં ચારથી આરંભી એકસો ચાર સુધીના અક્ષરો છે. મોટે ભાગે છંદના ચાર પાદ (ચરણ) હોય છે, પણ ગાયત્રી અને ઉષ્ણિક્ના ત્રણ પાદ, પંક્તિના પાંચ પાદ અને કોઈ મંત્રના બે કે એક પાદ પણ મળે છે. છતાં અક્ષરગણનામાં ગાયત્રી, ઉષ્ણિક્ કે પંક્તિ છંદોના કુલ અક્ષરોનો ચતુર્થાંશ પાદ ગણાય. ગાયત્રીનો ચતુર્થાંશ છ અક્ષરનો, ઉષ્ણિક્નો સાત અક્ષરનો અને પંક્તિનો દસ અક્ષરનો પાદ ગણાય. પ્રયોગમાં ગાયત્રપાદ આઠ અક્ષરનો હોય છે. ઉક્થાથી આરંભી કૃતિ પર્યન્તના છવ્વીસ છંદોમાં પાદાક્ષરોમાં ઉત્તરોત્તર એક એક અક્ષરની અને સમગ્ર છંદમાં ચાર ચાર અક્ષરની વૃદ્ધિ થાય છે. વેદમંત્રોમાં ગાયત્રીથી જગતી પર્યન્તના છંદોનો અધિકાંશે પ્રયોગ થયો છે. શુક્લ યજુર્વેદના એક મંત્રમાં છંદોની ગાયત્રી, ત્રિષ્ટુભ, જગતી, અનુષ્ટુપ, પંક્તિ, બૃહતી, ઉષ્ણિક્, કકુભ – એમ જે સૂચિ મળે છે તે ચતુરક્ષરવૃદ્ધિ અનુસાર નથી; યાર્દચ્છિક છે.

મોટે ભાગે છંદોની અક્ષરસંખ્યા અને પાદસંખ્યા નિશ્ચિત હોય છે, છતાં ઓછાવત્તા અક્ષરો અને પાદવાળા મંત્રો પણ હોય છે. એકબે અક્ષરો ઓછાવત્તા હોય તોપણ છંદ બદલાતો નથી કે છંદોભંગ થતો નથી એમ ઐતરેય બ્રાહ્મણમાં કહ્યું છે. નિયત કરતાં એક અક્ષર ન્યૂન હોય તે છંદને ‘નિચૃત’ અને બે અક્ષર ન્યૂન હોય તો ‘વિરાટ વિશેષણ લગાડાય છે. એક અક્ષર અધિક હોય તો છંદને ‘ભૂરિક્’ અને બે અક્ષર અધિક હોય તો ‘સ્વરાટ’ વિશેષણનો પ્રયોગ થાય છે. બે અક્ષર ન્યૂન કે અધિક હોતાં છંદોનિર્ણયમાં સંદેહ ઊભો થાય ત્યારે મંત્રના પ્રથમ પાદની અક્ષરસંખ્યા પરથી છંદોનિર્ણય થાય છે. એક પાદ કે દ્વિપાદ સિવાયના મંત્રોમાં પાદસંખ્યા વધારે હોય તોપણ સમગ્ર છંદની અક્ષરસંખ્યાથી તે વધતી નથી.

પૂર્ણ અક્ષરસંખ્યાવાળો છંદ કૃત કહેવાય. એક અક્ષરની ન્યૂનતાવાળો ત્રેતા, બે અક્ષરો ન્યૂન હોય તો દ્વાપર અને ત્રણ અક્ષરો ન્યૂન હોય તો તે કલિ કહેવાય. કોઈ છંદનું કોઈ ચરણ પાંચ અક્ષરોનું હોય તો તેને શંકુમતી વિશેષણ લાગે. જો છ અક્ષરોનું ચરણ હોય તો તેને કકુમ્મતી વિશેષણ લાગે. ત્રણ પાદવાળા ગાયત્રી કે ઉષ્ણિક્ છંદમાંનું મધ્ય ચરણ જો અન્ય બે ચરણો કરતાં નાનું હોય તો તે ઉષ્ણિક્ પિપીલિકમધ્યા કહેવાય. અને જો મધ્યચરણ મોટું હોય તો યવમધ્યા કહેવાય. વિરાટ અને કકુભને સ્વતંત્ર છંદો પણ કહ્યા છે. પિંગલે વિરાટનો પાદ દસ અક્ષરનો કહ્યો છે. કે. હ. ધ્રુવે પાંચ અક્ષરના વિરાટ છંદનું અનુમાન કર્યું છે. અન્ય એક ગણના અનુસાર મુખ્ય સાત વૈદિક છંદોના તેમની અક્ષરસંખ્યા અનુસાર દૈવ, આસુર, પ્રાજાપત્ય, આર્ષ, યાજુષ, સામ્ન, આર્ચ અને બ્રાહ્મ  – એમ આઠ પ્રકાર છે. દૈવી ગાયત્રીનો એક અક્ષર, ઉષ્ણિક્ના બે, અનુષ્ટુપના ત્રણ, બૃહતીના ચાર, પંક્તિના પાંચ, ત્રિષ્ટુપના છ અને દૈવી જગતીના સાત અક્ષર હોય. આસુરી પ્રકારમાં ગાયત્રીના પંદર અને ઉત્તરોત્તર એક એક અક્ષર ઘટતાં આસુરી જગતી નવ અક્ષરોની હોય છે. પ્રાજાપત્યા પ્રકારમાં ગાયત્રીના આઠ અક્ષર અને ઉત્તરોત્તર ચતુરક્ષરવૃદ્ધિથી પ્રાજાપત્યા જગતીના બત્રીસ અક્ષરો હોય છે. આર્ષ છંદ એટલે ઋષિપ્રયુક્ત છંદ. કોઈ પણ છંદના દૈવ, આસુર અને પ્રાજાપત્ય પ્રકારોના અક્ષરોનો યોગ (સરવાળો) તે આર્ષ છંદ થાય છે. આમાંના આર્ષ સિવાયના ત્રણ પ્રકારોનાં ઉદાહરણો ઉપલબ્ધ નથી. યાજુષ, સામ્ન, આર્ચ અને બ્રાહ્મ પ્રકારોમાં યાજુષી ગાયત્રી આર્ષી ગાયત્રીના એક પાદ (ચતુર્થાંશ) જેટલી એટલે કે છ અક્ષરોની હોય છે. આમ આર્ષ પ્રકારના ચતુર્થાંશ અક્ષરો અનુસાર ગાયત્રીના છ અને એક એક અક્ષરની વૃદ્ધિથી જગતીના બાર અક્ષરો હોય છે. સામ્ન પ્રકારો આર્ષનાં બે ચરણો જેટલી અક્ષરસંખ્યાવાળા અને આર્ચ – પ્રકારો આર્ષ છંદનાં ત્રણ ચરણો જેટલી સંખ્યાવાળા હોય છે, અને બ્રાહ્મ પ્રકારો યાજુષ, સામ્ન અને આર્ચ – એ ત્રણના અક્ષરોના યોગ જેટલા થાય છે. યાજુષ આદિ ચાર પ્રકારોનાં ઉદાહરણો પણ ઉપલબ્ધ નથી.

છંદ:શાસ્ત્રોમાં દૈવ આદિ આઠેય પ્રકારોનું નિરૂપણ છે એ વસ્તુસ્થિતિ પરથી અનુમાન થઈ શકે કે આ સર્વ પ્રકારના છંદોનો મંત્રોમાં પ્રયોગ થતો હશે. કાલના ગર્ભમાં પાછલા ચાર પ્રકારો યાજુષ, સામ્ન, આર્ચ અને બ્રાહ્મ એ પ્રકારોથી યજુર્વેદ, સામવેદ, ઋગ્વેદ અને બ્રહ્મવેદ એટલે કે અથર્વવેદનું સૂચન પણ નીકળી શકે. અતિજગતી આદિ ઉત્કૃતિ પર્યંતના છંદોમાં પણ દૈવ આદિ આઠ પ્રકારો સંભવે. હલાયુધે તેની ટીકામાં આ સર્વનાં ઉદાહરણો આપ્યાં છે.

છંદ:શાસ્ત્રમાં પાદ એટલે ચતુર્થ ભાગ એવા અર્થમાં પ્રયોગ થયો છે. ગાયત્રી અને ઉષ્ણિક્ છંદોના મંત્રો પ્રસ્તારમાં ત્રણ પાદવાળા ગણાય છે. પંક્તિ છંદના કોઈ વખત પાંચ પાદ હોય છે, પણ પ્રસ્તાર-ગણનામાં તેમના પાદ ચતુર્થાંશના હિસાબે જ ગણાય. કૃતિ આદિ અલ્પપ્રયુક્ત છંદોના મંત્રોનાં પાંચ, છ કે સાત ચરણો પણ હોય છે; પણ કુલ અક્ષરોની ર્દષ્ટિએ બધાંય ચરણોના મળી કુલ અક્ષરોમાં કશોય ફેર પડતો નથી. એકપદા અને દ્વિપદા છંદોના મંત્રો પણ છે. સામાન્યપણે છંદોનાં ચાર ચરણો હોય છે.

ગાયત્રી છંદના ચોવીસ અક્ષરો નિયત છે, પણ એકવીસથી માંડી છવ્વીસ અક્ષરો સુધીના પણ કેટલાક મંત્રો આ છંદમાં છે. અક્ષરોના ઓછાવત્તાપણા અનુસાર ગાયત્રી છંદમાં પાદનિચૃત, અતિપાદનિચૃત, હ્રસીયસી, વર્ધમાના, પ્રતિષ્ઠા, વારાહી, નાગી, પિપીલિકમધ્યા, યવમધ્યા, ઉષ્ણિગ્ગર્ભા, ભૂરિક, ત્રિપાદવિરાટ આદિ અનેક ભેદો છે. સર્વ વૈદિક છંદોમાં સમગ્ર છંદ કે પાદની અક્ષરસંખ્યા નિયત કરેલી છે, પણ પાદાક્ષરોના લઘુ-ગુરુ પરિમાણનો કોઈ નિયમ નથી. ઉત્તરવર્તી કાળમાં તેમના લઘુ-ગુરુ પરિમાણનો નિશ્ચય થયો, તેથી ગાયત્ર્યાદિ સર્વ પ્રકારોના પછીના સમયમાં અનેક ભેદો થયા.

ઉષ્ણિક્ છંદના અઠ્ઠાવીસ અક્ષરો અને આઠ આઠના બે તથા બારનો એક – એમ ત્રણ પાદ હોય છે. પાદાક્ષરોના ન્યૂનાધિક્ય અનુસાર તેના કકુભ, પુરઉષ્ણિક્, પરોષ્ણિક, કકુમ્ન્યંકુશિરા, તનુશિરા, પિપીલિકમધ્યા એવા ભેદો છે. સમગ્ર ઉષ્ણિકના સત્તાવીસથી ઓગણત્રીસ સુધીના અક્ષરો મળે છે.

અનુષ્ટુપ આઠ આઠ અક્ષરોના ચાર પાદ અને કુલ બત્રીસ અક્ષરોવાળો છંદ છે. વૈદિક મંત્રોમાં ક્વચિત્ ત્રિપદા અનુષ્ટુપ મળે છે. ત્રિપદા અનુષ્ટુપને ગાયત્રીથી જુદો તારવવા માટે માત્ર પૂર્વાપર મંત્રના છંદ ઉપરથી જ નિર્ણય થઈ શકે. ચતુષ્પદા અનુષ્ટુપના પાદાક્ષરન્યૂનાધિક્ય અનુસાર કૃતિકવિરાટ, નષ્ટરૂપા વિરાટ, મહાપદપંક્તિ આદિ પ્રભેદો છે અને તેમની અક્ષરસંખ્યા અઠ્ઠાવીસથી બત્રીસ સુધીની હોય છે. વૈદિક અનુષ્ટુપના લક્ષણમાં માત્ર અષ્ટાક્ષરપાદનો નિર્દેશ છે. પણ પ્રશિષ્ટ સંસ્કૃતમાં તદુપરાન્ત આંશિક લઘુગુરુવ્યવસ્થા પણ કહી છે. તદનુસાર ચારેય પાદોના છેલ્લા ચાર અક્ષરોમાં પાંચમો અક્ષર લઘુ અને છઠ્ઠો ગુરુ હોય. અને પહેલા તથા ત્રીજા પાદમાં સાતમો અક્ષર ગુરુ તથા બીજા અને ચોથા પાદમાં લઘુ હોય છે. વૈદિક મંત્રોમાં પ્રયુક્ત છંદોમાં અનુષ્ટુપ ચોથા ક્રમે આવે છે. પણ ઉત્તરકાલીન સાહિત્યમાં તેનો વિપુલ પ્રમાણમાં પ્રયોગ થયો છે. તેના પાદની લઘુગુરુવ્યવસ્થામાં પણ ઘણું વૈવિધ્ય છે.

બૃહતી નવ નવ અક્ષરોવાળાં ચાર ચરણો અને છત્રીસ અક્ષરનો છંદ છે. બૃહતીનાં કેટલાંક વૈદિક ઉદાહરણોમાં બાર, દસ કે આઠ અક્ષરોનાં ચરણો પણ મળે છે. છંદના કુલ અક્ષરો તો છત્રીસ જ હોય છે. પાદાક્ષરસંખ્યા અનુસાર બૃહતીના પુરસ્તાદબૃહતી, ઉપરિષ્ટાદબૃહતી, વિષ્ટારબૃહતી, મહાબૃહતી, સતોબૃહતી આદિ પ્રભેદો છે. ત્રિપદા બૃહતી પણ છે.

પંક્તિ દસ દસ અક્ષરોનાં ચાર ચરણોવાળો ચાલીસ અક્ષરોનો છંદ છે. પણ તેનાં આઠ આઠ અક્ષરનાં પાંચ ચરણો પણ હોય છે. ક્વચિત્ આઠ આઠ અક્ષરનાં છ ચરણો પણ મળે છે અને ત્યારે તે જગતી પંક્તિ કે વિસ્તાર પંક્તિ કહેવાય છે.

ત્રિષ્ટુપ, અગિયાર અક્ષરોનું એક એવાં ચાર ચરણોવાળો ચુંવાળીસ અક્ષરોનો છંદ છે. ક્વચિત્ તેના છેંતાળીસ અક્ષર પણ મળે છે. તેંતાળીસ, એકતાલીસ, ચાલીસ, ઓગણચાલીસ અક્ષરોવાળાં ઉદાહરણો પણ છે. એકપદા અને દ્વિપદા ત્રિષ્ટુપ પણ છે.

જગતી બાર અક્ષરોવાળાં ચાર ચરણોનો અડતાલીસ અક્ષરોવાળો છંદ છે. પંચપદા, ષટ્પદા અને ક્વચિત્ અષ્ટપદા જગતી પણ મળે છે. એકપદા અને દ્વિપદા જગતી પણ છે.

જગતી પછીના અતિજગતી આદિ છંદો અતિછંદ કહેવાય છે; કેમ કે અતિજગતી, શક્વરી, અતિશક્વરી, અષ્ટિ, અત્યષ્ટિ, ધૃતિ અને અતિધૃતિ – એ સાતમાંનાં ચાર નામો અતિશબ્દથી આરંભાય છે. જગતીના અડતાલીસ અક્ષરો પછી ઉત્તરોત્તર ક્રમે ચાર ચાર અક્ષરોની વૃદ્ધિથી અતિજગતી આદિ છંદો બને છે. આ છંદોમાં પાદસંખ્યાનો નિયમ નથી. સાતેય છંદોમાં ચાર કરતાં વધારે અને આઠ સુધીનાં ચરણોનાં ઘણાં ઉદાહરણો શોધીને ઈવેરનોન આર્નોલ્ડે તેના ‘વેદિક મીટર્સ’ના પુસ્તકમાં આપ્યાં છે.

અતિજગતી બાવન અક્ષરોનો છંદ છે. પંચપદા અતિજગતીમાં પાંચ ચરણો 12+12+12+8+8 અક્ષરોવાળા મળે છે. ચતુષ્પદા અતિજગતીમાં ન્યૂનાધિક અક્ષરો પણ હોય છે.

શક્વરીમાં આઠ આઠ અક્ષરોવાળાં સાત ચરણ હોય છે. કુલ છપ્પન અક્ષર હોય છે. તૈત્તિરીય સંહિતામાં શક્વરીને સપ્તપદા કહી છે.

અતિશક્વરી સાઠ અક્ષરોનો છંદ છે. મોટે ભાગે તેના 16+16+12+8+8 – એ પ્રમાણેના અક્ષરોવાળા પાંચ પાદ હોય છે. પાદાક્ષરોમાં કે કુલ અક્ષરોમાં એકાદ અક્ષરનું ન્યૂનાધિક્ય પણ હોય. સોળ અક્ષરોવાળા પાદના આઠ આઠના ભાગ કરી સપ્તપદા અતિશક્વરી પણ થાય છે.

અષ્ટિ છંદમાં ચોસઠ અક્ષરો અને 16+16+16+8+8 – એ પ્રમાણે અક્ષરોવાળા પાંચ પાદ હોય છે. આ છંદમાં પણ સોળ અક્ષરવાળા પાદના આઠ આઠના વિભાગ કરી કુલ આઠ પાદ પણ થાય છે.

અત્યષ્ટિ છંદમાં અડસઠ અક્ષરો અને 12+12+8+8+8+12+8 – એવી અક્ષરસંખ્યાવાળા સાત પાદ હોય છે. પાદાક્ષરોમાં અને સમગ્ર છંદમાં પણ એકાદ અક્ષરનું ન્યૂનાધિક્ય હોય છે.

ધૃતિ બોતેર અક્ષરોનો અને નવ નવ અક્ષરોવાળાં આઠ ચરણોનો છંદ છે. તેના પાદાક્ષરોની સ્પષ્ટ વિગત મળતી નથી.

અધિધૃતિ સમગ્રના છોતેર અક્ષર અને 12+12+8+8+8+12+8+8 – એ પ્રમાણેના અક્ષરોવાળા આઠ પાદ હોય છે. આના પાદાક્ષરો વગેરેના ન્યૂનાધિક્યની ચોક્કસ વિગત મળતી નથી.

તૃતીય સપ્તકમાં કૃતિ, પ્રકૃતિ, આકૃતિ, વિકૃતિ, સંકૃતિ, અભિકૃતિ અને ઉત્કૃતિ એમ સાત છંદો છે. દ્વિતીય સપ્તકના અંતિમ અતિધૃતિ છંદ પછી ઉત્તરોત્તર ચાર ચાર અક્ષરોની વૃદ્ધિથી કૃતિ વગેરે છંદો બને. આ સપ્તકના છંદો ઋગ્વેદમાં મળતા નથી. આ સપ્તકના છંદોનાં નામાભિધાન પણ જુદા જુદા શાસ્ત્રકારોએ જુદાં જુદાં આપ્યાં છે. કૃતિ એંશી અક્ષરોનો, પ્રકૃતિ ચોરાશીનો, આકૃતિ અઠ્યાશીનો, વિકૃતિ બાણુ અક્ષરનો, સંકૃતિ છન્નુનો, અભિકૃતિ એકસોનો અને ઉત્કૃતિ એકસોચાર અક્ષરોનો હોય છે. આ સપ્તકના છંદોની પાદસંખ્યા નિશ્ચિત નથી. એક કે બે અક્ષરોના ન્યૂનાધિક્યથી આ છંદોમાં પણ નિચૃત, વિરાટ, ભૂરિક, સ્વરાટ પ્રકારો થાય.

પ્રગાથ વસ્તુત: છંદ નથી. ત્રણ ઋચાઓ કે બે ઋચાઓ તોડી ત્રણ ઋચા બનાવી તે તૃચના પાઠની આ વિશિષ્ટ પદ્ધતિ છે. આ તૃચ ઉચ્ચસ્વરે ભણાય છે તેથી તે પ્રગાથ કહેવાય છે. કાત્યાયને ઋક્સર્વાનુક્રમણીમાં બાર્હત, કાકુભ, મહાબાર્હત, વિપરીતોત્તર અને આનુષ્ટુપ પ્રગાથો ગણાવ્યા છે. વેંકટ માધવે ઓગણીસ જેટલા પ્રગાથો ગણાવ્યા છે. ઔષ્ણિહ, ગાયત્રબાર્હત, ગાયત્રકાકુભ, પાંક્તકાકુભ અને સર્વ પ્રગાથો વસ્તુત: ત્રણ કે બે જુદા છંદોની ઋચાઓના બનેલા તૃચોના પ્રગાથ છે.

ગાથા શબ્દ વૈદિક મંત્રોમાં મળે છે. રૈભી, નારાશંસી વગેરે ગાથાનાં નામો પણ મળે છે. પિંગલે ગાથાનું લક્ષણ આપ્યું નથી. પણ तत्रानुक्तं गाथा એમ નામનિર્દેશ તો કર્યો જ છે. એટલે કે ગાયત્રી, ત્રિષ્ટુભાદિ છંદોમાં તેમજ અન્ય લૌકિક પ્રકારોમાં રચિત લૌકિક કાવ્યો ગાથા નામથી જાણીતાં હશે. પાછળથી આર્યા વગેરે માત્રાછંદો માટે ગાથા શબ્દ શાસ્ત્રકારોએ યોજેલો છે. ઋગ્વેદના સમકાલીન ગણી શકાય એવા પારસિકોના ‘ઝન્દ અવસ્તા’ ગ્રંથના મંત્રો ગાથા કહેવાય છે. તેથી એમ અનુમાન કરી શકાય કે કદાચિત્ વૈદિક મંત્રો માટે પણ ગાથા છંદ વપરાયો હોય.

વેદોત્તર કાલના છંદો : વેદના અક્ષરપરિમાણાત્મક છંદો વેદોત્તરકાલની સંસ્કૃત આદિ ભાષાઓમાં અનેક રૂપે ઊતરી આવ્યા. સ્વરૂપવૈવિધ્ય અને શાસ્ત્રીય ચોકસાઈની ર્દષ્ટિએ તેમનો ઘણો વિકાસ થયો. વૈદિક છંદોમાં અક્ષરોની ગુરુલઘુવ્યવસ્થા શાસ્ત્રોમાં કહી નથી. જોકે તે છંદોમાં યાર્દચ્છિક રીતે લઘુગુરુવ્યવસ્થા થયેલી છે, વેદોત્તર સમયમાં નિયત અક્ષરપરિમાણની સાથે છંદોમાં લઘુગુરુવ્યવસ્થા તથા યતિનાં તત્વો ઉમેરાયાં. આને લીધે છંદોના અનેક પ્રભેદો અસ્તિત્વમાં આવ્યા. સંસ્કૃત ભાષાના વ્યાકરણમાં વર્ણધ્વનિની સૂક્ષ્મતાઓનો જે વિચાર છે તેનો વૈદિક મંત્રોમાં પાઠ અને અર્થ પૂરતો પ્રયોગ તો થતો હતો, પણ વેદોત્તરકાલમાં તેનો છંદવૈવિધ્ય માટે ઉપયોગ થયો. વૈદિક છંદોમાં પણ લય અને સંગીત છે, પણ તેની ઘણી મર્યાદાઓ છે. અમુક જ ગેય સ્વરોમાં કરાતો સસ્વર મંત્રપાઠ, તેમજ કર્મકાંડમાં કરાતો એકશ્રુતિ મંત્રપાઠ વગેરેને લીધે ગાનવૈવિધ્યનું ક્ષેત્ર ઘણું સીમિત રહ્યું છે.

શાસ્ત્રકારોએ વૃત્ત અને જાતિ એમ બે પ્રકારના છંદો કહ્યા છે. વૃત્ત એ લઘુ-ગુરુવ્યવસ્થાવાળો અક્ષરપરિમાણાત્મક છંદ છે. જાતિ એ વર્ણના ઉચ્ચારણકાલની માત્રાઓના પરિમાણવાળો છંદ છે. વૈદિક છંદો વૃત્તો છે, પણ વૈદિક છંદોમાં અક્ષરોની સંખ્યા જ પ્રધાન છે, વર્ણોની લઘુગુરુવ્યવસ્થા નહિ. ઉત્તરકાલીન છંદોમાં લઘુગુરુભેદે છંદભેદ થાય છે. માત્રાપરિમાણાત્મક ગાથાઓ વૈદિક સમયમાં પણ લોકપ્રચલિત હતી પણ મંત્રોમાં તેમનો પ્રયોગ થયેલો જણાતો નથી. જોકે વૈદિક મંત્રોમાં રૈભી, નારાશંસી વગેરે ગાથાનામો મળે છે. પિંગલ વગેરે શાસ્ત્રકારોએ માત્રાપરિમાણાત્મક આર્યાને ગાથા કહી છે. વૈદિક છંદો લોકભાષામાં પ્રયોજાતા ન હતા. વાલ્મીકિએ લોકભાષામાં સર્વપ્રથમ અનુષ્ટુપનો પ્રયોગ કર્યો તેથી તે લોકભાષાના આદિકવિ કહેવાયા.

અન્ય એક રીતે છંદો ગણમેળ છંદ, માત્રામેળ છંદ અને અક્ષરમેળ છંદ – એમ ત્રણ પ્રકારના પણ કહેવાયા છે. આર્યા, ગીતિ વગેરે છંદો માત્રા ગણોના માપથી રચાય છે, તે ગણમેળ છંદ. ઔપચ્છંદસિક વગેરે છંદો સમસંખ્યક માત્રાઓના પાદવાળા છે, તે માત્રામેળ છંદ. અને ગાયત્રી, જગતી તેમજ ઇન્દ્રવજ્રા વગેરે નિયત સંખ્યાના અક્ષરોના પાદવાળા, તે અક્ષરમેળ છંદ.

વૈદિક છંદો પ્રમાણેની પાદવ્યવસ્થા અનુવૈદિક છંદોમાં ચાલુ રહી છે. પદ્ય સામાન્ય રીતે ચાર પાદનું હોય છે; પણ અનુષ્ટુપ જેવા કેટલાક છંદોના ઓછાવત્તા પાદવાળા પ્રયોગો પણ ઇતિહાસ, પુરાણ વગેરેમાં મળે છે. અનુવૈદિક છંદોમાં યતિનું એક નવું તત્વ ઉમેરાયું. વૈદિક મંત્રોમાં યતિ નથી. તેમનો પાઠ સંહિતામાં (વર્ણો અને પદોના અનંતરિત પાઠમાં) થાય છે. મંત્ર અર્ધો કે આખો ભણાય ત્યાં જ વિરામ થાય છે. યતિ એ છંદોગાનની અનુકૂળતા માટેનું, પાદની વચ્ચે આવતું વિરામસ્થાન છે. દીર્ઘ છંદોના પાદોમાં એકાધિક યતિ પણ હોય છે.

શાસ્ત્રકારોએ વર્ણવૃત્તોની લઘુગુરુવ્યવસ્થા માટે અક્ષરોનાં ત્રણ ત્રણનાં ઝૂમખાં – ત્રિક કલ્પ્યાં છે. આ ત્રિકો અક્ષરગણ કહેવાય છે. પિંગલાચાર્યે આવા આઠ અક્ષર ગણો કહ્યા છે. પ્રત્યેક ગણના ત્રણ અક્ષરોની નિશ્ચિત લઘુગુરુવ્યવસ્થા છે. य, र અને त ગણોમાં અનુક્રમે આદિ, મધ્ય અને અંત્ય અક્ષર લઘુ અને શેષ બે ગુરુ હોય છે. भ, ज અને स ગણોમાં આદિ, મધ્ય અને અંત્ય અક્ષર ગુરુ અને શેષ બે લઘુ હોય છે. म ગણના ત્રણેય અક્ષરો ગુરુ હોય છે અને न ગણના બધાય લઘુ હોય છે.

– એવી અક્ષરરચના થાય. લઘુ માટે ल અને ગુરુ માટે ग સંજ્ઞા છે.

માત્રાઓના પાંચ ગણ છે. માત્રાગણોમાં અક્ષરસંખ્યાનું મહત્વ નથી, પણ અક્ષરોની ઉચ્ચારણકાલની માત્રાઓની સંખ્યા ગણાય છે. द ગણ બે માત્રાઓનો, એક ગુરુ કે બે લઘુ વર્ણોનો છે. त ગણ ત્રણ માત્રાઓનો, લઘુ-ગુરુ, ગુરુ-લઘુ કે ત્રણ લઘુ વર્ણોનો છે. च ગણ ચાર માત્રાઓનો, બે ગુરુ કે બે લઘુ એક ગુરુ કે લઘુ-ગુરુ-લઘુ કે ગુરુ-લઘુ-લઘુ, કે ચાર લઘુ વર્ણોનો છે. प  ગણ પાંચ માત્રાઓનો અને લઘુ-ગુરુ વર્ણોની આઠ પ્રકારની રચનાવાળો છે. ष ગણ છ માત્રાઓનો અને લઘુ-ગુરુ વર્ણોની તેર પ્રકારની રચનાવાળો છે. પિંગલાચાર્યે માત્ર ચાર માત્રાઓના ગણ જ બતાવ્યા છે.

લઘુ-ગુરુનો નિશ્ચય વર્ણના ઉચ્ચારણકાલને આધારે થાય છે. હ્રસ્વ વર્ણ લઘુ અને દીર્ઘ વર્ણ ગુરુ ગણાય. સંયુક્ત વર્ણ પૂર્વેનો હ્રસ્વ પણ ગુરુ ગણાય, અંત્ય વ્યંજન પૂર્વેનો હ્રસ્વ ગુરુ ગણાય, અનુસ્વારયુક્ત અને વિસર્ગયુક્ત હ્રસ્વ ગુરુ ગણાય, શ્લોકપાદને અંતે આવેલો હ્રસ્વ વિકલ્પે ગુરુ ગણાય. ह તેમજ र વર્ણના સંયોગ પૂર્વેનો હ્રસ્વ ગુરુ ગણાતો નથી. પ્લુતસ્વરની ત્રણ માત્રાઓ હોવા છતાં છંદમાં તેની બે માત્રાઓ જ ગણાય. કેટલાક માત્રાછંદોમાં પ્લુતની ત્રણ કે વધારે માત્રાઓ પણ ગણાય એમ રા. વિ. પાઠકનો અભિપ્રાય છે. જિહવામૂલીય અને ઉપધ્માનીય વર્ણ ગુરુ છે. જોકે એમનો પ્રયોગ માત્ર વેદમાં જ મળે છે. લઘુ વર્ણની એક અને ગુરુની બે માત્રા ગણાય.

છંદોના અક્ષરસંખ્યાનુસારી સમૂહો વૃત્તિ (વર્ગ) કહેવાય. વૃત્તિઓ વૈદિક છંદોને આધારે ગણાય છે. જેમ કે બાર અક્ષરના પાદવાળો છંદ જગતી વૃત્તિનો ગણાય અને બાર અક્ષરના પાદવાળા બધા છંદો જગતી વૃત્તિમાં અંતર્ગત થાય. વૃત્તિ અનુસારની ગણના કેવળ અનુકૂળતા માટેની છે. વર્ણછંદોનું નિરૂપણ વૃત્તિ (સમૂહ) વિભાગ અનુસાર કરાયું છે. આ બધા છંદો ‘લઘુ ગુરુ વર્ણ’ સ્વરૂપના હોઈ તે રૂપછંદો કહેવાય. માત્રાત્મક સ્વરૂપવાળા તે માત્રાછંદો.

જેમના ચારેય પાદની લઘુગુરુરચના સમાન હોય તે બધા સમ છંદ કહેવાય. એકી (ઓજ) પાદની રચના એક છંદની અને બેકી (યૂક) પાદની રચના કોઈ અન્ય છંદની હોય તે અર્ધસમ છંદ, તથા જેના ચારેય પાદ જુદા જુદા છંદના હોય તે વિષમ છંદ કહેવાય. અનુવૈદિક કાળના છંદો સમ, અર્ધસમ અને વિષમ – એમ ત્રણ પ્રકારના છે.

અનુવૈદિક સમ છંદો પણ એક અક્ષરના પાદથી માંડી છવ્વીસ સુધીના પાદવાળા છે. સત્તાવીસથી અડતાલીસ સુધીના અક્ષરોના પાદવાળા સમછંદો દંડક છંદો કહેવાય છે. તેથીય આગળ નવસો નવાણુ અક્ષરોના પાદવાળા દંડક છંદો પણ છે. સત્તાવીસથી ઉપરના અક્ષરોના પાદવાળા છંદોના હેમચંદ્રે દંડક અને શેષજાતિ – એમ બે વિભાગ કર્યા છે.

છંદોનું નિરૂપણ કરનાર સર્વપ્રથમ ગ્રંથ પિંગલાચાર્યનો છે. પ્રાકૃત છંદોનું સર્વપ્રથમ નિરૂપણ ભરતમુનિના નાટ્યશાસ્ત્રમાં મળે છે.

ઉત્તર વૈદિક છંદોમાં યતિનો નિર્દેશ કરવાનો હોવાથી તેમની અક્ષર- સંખ્યા પાદાનુસારી હોય છે. એકથી પાંચ અક્ષરોના પાદવાળા ઉક્થા, અત્યુક્થા, મધ્યા, પ્રતિષ્ઠા અને સુપ્રતિષ્ઠા છંદોનો પ્રયોગ વિરલ છે. યજુર્મંત્રોમાં તેમનો પ્રયોગ શોધી શકાય. ઉક્થા અને અત્યુક્થાનાં ઉક્તા અને અત્યુકથા નામાન્તરો પણ છે. ઉક્થા એક અક્ષરના પાદવાળો વર્ગ છે. તેના પાદમાં એક ગુરુ અક્ષર જ હોય છે. તેના અન્ય પ્રકારો નથી. અત્યુક્થાવૃત્તિના પાદમાં બે અક્ષર હોય છે. તેમની લઘુગુરુ રચના અનુસાર તેના મદ, દુ:ખ અને સુખ નામે ત્રણ છંદો બને છે. મધ્યા વર્ગમાં ત્રણ અક્ષરોનો પાદ અને તેમની લઘુગુરુરચના म, य, र કે स ગણથી થાય છે અને તદનુસાર નારી, કેશા આદિ છંદો બને છે. આમાંના મૃગી છંદના બે પાદ જોડી છ અક્ષરોનો એક પાદ બનાવીએ તો ગુજરાતીનો ઝૂલણા છંદ થાય. પ્રતિષ્ઠા વર્ગમાં ચાર અક્ષરોનો પાદ હોય છે. તેની રચના આઠેય ત્ર્યક્ષર ગણોમાંના કોઈ એક ગણ પછી પાદાંતે એક ગુરુ અક્ષર ઉમેરીને થાય છે. તદનુસાર તેના કન્યા, સુમુખી આદિ છંદો બને છે. સુપ્રતિષ્ઠા વર્ગમાં પાંચ અક્ષરોનો પાદ હોય છે. પાદરચના આઠેય ત્ર્યક્ષર ગણોમાંના કોઈ એકને અંતે બે અક્ષર જેમાંનો છેલ્લો ગુરુ હોય તે જોડવાથી થાય છે. તેના પ્રીતિ, વિદગ્ધક, અક્ષરોપપદા આદિ છંદો બને છે. કે. હ. ધ્રુવે પાંચ અક્ષરના પાદવાળા વિરાજ છંદની કલ્પના કરી છે. વિરાજ કે વિરાટ એ વેદનો છંદ છે.

ગાયત્રી વર્ગના છંદોમાં છ અક્ષરોનો પાદ હોય છે. સમગ્ર ચોવીસ અક્ષરોનો ચતુર્થાંશ છ એમ ગણી છંદ:શાસ્ત્રમાં તેને ષડક્ષરપદા — છ અક્ષરોના પાદવાળી ગણી છે. અનુવૈદિક છંદોમાં બે ત્ર્યક્ષર ગણવાળા ચાર પાદ હોય છે. ત્ર્યક્ષર ગણાનુસારી પાદરચના અનુસાર ગાયત્રીવૃત્તિમાં સાવિત્રી, તનુમધ્યા, ગુરુમધ્યા, શશિવદના, માલિની, લઘુમાલિની, શિખંડિની વગેરે છંદો બને છે. ननमयय રચનાવાળો, પંદર અક્ષરોના પાદવાળો માલિની છંદ આ ષડક્ષરપદા માલિની કરતાં ભિન્ન છે.

સાત અક્ષરોના પાદવાળા ઉષ્ણિક્ વર્ગમાં ત્રણ અક્ષરવાળા બે ગણોના અંતે એક ગુરુ અક્ષર — એમ પાદરચના હોય છે. લઘુગુરુવર્ણરચના અનુસાર તેમાં ગાંધર્વી, ઉષ્ણિક, ભ્રમરમાલા, સરલ, કુમુદ્વતી, મનોજ્ઞા વગેરે છંદો બને છે.

આઠ અક્ષરોના પાદવાળા અનુષ્ટુપ વર્ગમાં જેની પાદરચના र य ल ग હોય તેને હેમચંદ્રે અનુષ્ટુપ કહ્યો છે. સામાન્ય રીતે અનુષ્ટુપ છંદની પાદરચનામાં માત્ર પાદના પાછલા ચાર અક્ષર(વસ્તુત: પાંચ, છ અને સાત એ ત્રણ અક્ષર)ની લઘુગુરુવ્યવસ્થાનો જ નિર્દેશ છે. र य ल ग વાળો છંદ તો આ વર્ગના અનેકમાંનો એક છંદ છે. પાદના આઠેય અક્ષરો લઘુ પછી ગુરુ એ ક્રમે આવે તે વિભા છંદ છે. આઠેય ગુરુ અક્ષરોવાળો તે વિદ્યુન્માલા છે. તેમાં ચાર અક્ષર પછી યતિ હોય છે. અન્ય ગણરચના અનુસાર આ વૃત્તિમાં માણવક કે માણવકાક્રીડિત જેમાં ચાર અક્ષર પછી યતિ હોય, નારાચ, પ્રમાણી, સમાની વગેરે છંદો બને છે. સમાની છંદની વિશેષતા એ છે કે તેના પાદાક્ષરો ગુરુ પછી લઘુ એવા ક્રમે હોય છે. આ છંદનાં સમાન કે સમાનિકા એવાં નામાંતરો છે. તેથી ઊલટું, પ્રમાણી છંદમાં પાદાક્ષરો લઘુ પછી ગુરુ એવા ક્રમે હોય છે. આ છંદનાં પણ પ્રમાણ કે પ્રમાણિકા એવાં નામાંતરો છે. આ સિવાય જેમના પાદનો ગુરુલઘુક્રમ ભિન્ન હોય તેવા આ વર્ગના છંદો ‘વિતાન’ નામે ઓળખાય છે. વિતાન નામનો એક છંદ પણ છે.

નવ અક્ષરોના પાદવાળા બૃહતીવર્ગમાં ત્રણ ત્ર્યક્ષર ગણની પાદરચના હોય છે. જુદી જુદી લઘુગુરુ પાદવ્યવસ્થા અનુસાર તેમાં બૃહતી, ભુજગશિશુસૃતા, ઉદય, ઉત્સુક, ભદ્રિકા, સૌમ્યા, રુચિરા, શશિલેખા, કામિની વગેરે છંદો બને છે. પ્રશિષ્ટ બૃહતીમાં પાંચમે અક્ષરે યતિ હોય છે. વૈદિક બૃહતીમાં યતિ હોતો નથી.

દસ અક્ષરોના પાદવાળા પંક્તિવર્ગના છંદોમાં ત્રણ ત્ર્યક્ષર ગણોને અંતે એક ગુરુ એવી પાદરચના હોય છે. જેની પાદરચના मसजग હોય તે શુદ્ધ વિરાટ્ કહેવાય. શુદ્ધ વિરાટ્ પંક્તિ વૃત્તિનો એક છંદ છે. પિંગલે વિરાટ નામે વૈદિક છંદ કહ્યો છે જેના પાદાક્ષરો દસ છે. ગાયત્રી વગેરે વૈદિક છંદોમાં બે અક્ષર ઓછા હોતાં તે છંદને વિરાટ વિશેષણ લગાડાય છે. તે તો તે તે છંદમાં બે અક્ષરની ન્યૂનતાનું સૂચક વિશેષણ માત્ર છે. જુદી જુદી લઘુગુરુ અક્ષરરચના અનુસાર પંક્તિવૃત્તિમાં મત્તા, પંક્તિકા, પણવ, મયૂરસારિણી, કુમુદિની, ઉદ્ધત, વિપુલભુજા, માલા વગેરે વિવિધ છંદો બને છે.

અગિયાર અક્ષરોના પાદવાળા ત્રિષ્ટુપ વર્ગમાં ત્રણ ત્ર્યક્ષર ગણને અંતે બે અક્ષરો જેમાં છેલ્લો અક્ષર ગુરુ હોય તેવી રચના હોય છે. ગુરુલઘુના રચનાવૈવિધ્ય અનુસાર તેમાં દોધક, શાલિની, ભ્રમરવિલસિત, રથોદ્ધતા, સ્વાગતા, અપરવક્ત્ર, ઇન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા આદિ છંદો બને છે. ઇન્દ્રવજ્રા અને ઉપેન્દ્રવજ્રાના પાદોનાં મિશ્રણથી ચૌદ પ્રકારનો ઉપજાતિ છંદ થાય છે. બાર અક્ષરવાળા વર્ગમાં પણ ઇંદ્રવંશા અને વંશસ્થના પાદોનાં મિશ્રણથી ઉપજાતિ બને છે. ઉક્થા વગેરે પાંચ અને ગાયત્રી આદિ વર્ગોનાં છંદોમાં પણ પાદસંકરથી ઉપજાતિ બને એમ હેમચંદ્રે પૂર્વાચાર્યોના મતાનુસાર કહ્યું છે. વૈદિક ત્રિષ્ટુપ અને જગતી છંદોના મંત્રોમાં પાદમિશ્રણ મળે ખરું, પણ તે ત્યાં ઉપજાતિ કહેવાતો નથી.

બાર અક્ષરના પાદવાળા જગતી વર્ગમાં ચાર ત્ર્યક્ષર ગણોના પાદવાળા છંદો છે. વિભિન્ન ગણરચના અનુસાર તેમાં ઇંદ્રવંશા, વંશસ્થ કે વંશસ્થવિલ કે તોટક, દ્રુતવિલંબિત, ભુજંગપ્રયાત, સ્રગ્વિણી, લલિતા, પ્રમિતાક્ષરા, વૈશ્વદેવી આદિ છંદો બને છે.

તેર અક્ષરોના પાદવાળા અતિજગતી વર્ગમાં ચાર ત્ર્યક્ષર ગણ અને અંતે ગુરુ — એમ પાદરચના હોય છે. લઘુગુરુરચના અનુસાર તેમાં ઉર્વશી, પ્રહર્ષિણી, રુચિરા, નર્તકી, ચપલા આદિ છંદો બને છે.

ચૌદ અક્ષરોના પાદવાળા શક્વરી વર્ગના છંદોમાં ત્રણ ત્ર્યક્ષર ગણ અને અંતે બે અક્ષરો, જેમાં છેલ્લો ગુરુ હોય, એવી પાદરચના હોય છે. લઘુગુરુરચના અનુસાર તેમાં અપરાજિતા, વસંતતિલકા, ઉદ્ધર્ષિણી કે લતા વગેરે છંદો છે.

પંદર અક્ષરોના પાદવાળા અતિશક્વરી વર્ગના છંદોમાં પાંચ ત્ર્યક્ષર ગણનો પાદ હોય છે. આ વૃત્તિમાં ગણરચના અનુસાર શશિકલા, માલા, માલિની – જેને ભરત નાન્દીમુખી કહે છે તે – વગેરે છંદો છે. માલિની, ઉપમાલિની અને લઘુમાલિની એ ત્રણેય સ્વતંત્ર છંદો છે. કામક્રીડા છંદના સર્વ પાદાક્ષરો ગુરુ હોય છે.

સોળ અક્ષરોના પાદવાળા અષ્ટિવૃત્તિના વર્ગમાં પાંચ ત્ર્યક્ષર ગણને અંતે એક ગુરુ એવી પાદરચના હોય છે. અપવાદ તરીકે તેના અચલ ધૃતિ છંદમાં પાંચ न ગણો અને અંતે એક લઘુ એમ સર્વલઘુ પાદરચના હોય છે. તે જ રીતે કામુકી છંદમાં પાંચ म ગણ અને અંતે ગુરુ — એમ સર્વગુરુ પાદરચના હોય છે. વિકલ્પે કામુકી છંદમાં પાંચ स ગણ અને અંતે ગુરુ એવી રચના પણ છે. અન્ય લઘુગુરુરચના અનુસાર આ વર્ગમાં મત્તગજવિલસિત, વાણિની, પંચચામર, ચિત્ર વગેરે છંદો બને છે.

સત્તર અક્ષરોના પાદવાળા અત્યષ્ટિ વર્ગમાં પાંચ ત્ર્યક્ષરગણ અને અંતે બે અક્ષર એમ પાદરચના હોય છે. આ વૃત્તિમાં શિખરિણી, પૃથ્વી, મંદાક્રાન્તા જેવા બહુપ્રયુક્ત છંદો છે. અને વંશપત્રપતિત, હરિણી જે યતિભેદે હારિણી કહેવાય છે તે, નર્કુટક જે યતિભેદે વાણિની કહેવાય છે તે છંદો છે.

અઢાર અક્ષરોના પાદવાળા ધૃતિવર્ગમાં છ ત્ર્યક્ષર ગણોના પાદવાળા છંદો છે. આ વર્ગના અન્ય છંદોમાં કાગ્ચી કે વાચાલ કાગ્ચી, મણિમાલા, કુસુમિતલતાવેલ્લિતા કે યતિભેદે ચિત્રલેખા, લલિત, શાર્દૂલલલિત, કુરંગિકા, સુરભિ, હારિણીપદ આદિ છે.

ઓગણીસ અક્ષરોના પાદવાળા અતિધૃતિ વર્ગમાં છ ત્ર્યક્ષર ગણોને અંતે એક ગુરુ એવી પાદરચના હોય છે. તેમાં શાર્દૂલવિક્રીડિત, મકરંદિકા, પુષ્પદામ, મુગ્ધક, ઊર્જિત, માધવીલતા, તરુણીવદનેન્દુ આદિ છંદો છે.

વીસ અક્ષરોના પાદવાળા કૃતિ વર્ગમાં છ ત્ર્યક્ષર ગણોને અંતે બે અક્ષરોવાળો પાદ હોય છે. અક્ષરરચનાવૈવિધ્ય અનુસાર તેમાં સુવદના, દસ વખત લઘુ પછી ગુરુ એવી રચનાવાળો વૃત્ત છંદ, મત્તેભવિક્રીડિત, મુદ્રા કે શોભા, નંદક, શશાંકરચિત વગેરે છંદો છે.

એકવીસ અક્ષરોના પાદવાળા પ્રકૃતિ વર્ગમાં સાત ત્ર્યક્ષર ગણોનો પાદ હોય છે. તેમાં સ્રગ્ધરા, કથાગતિ, શશિવદના, વનમંજરી, તરંગ આદિ છંદો છે. છ અક્ષરના પાદવાળો ગાયત્રી વર્ગનો શશિવદના છંદ આ શશિવદનાથી ભિન્ન છે.

બાવીસ અક્ષરોના પાદવાળા આકૃતિ વર્ગમાં સાત ત્ર્યક્ષર ગણને અંતે એક ગુરુ એવી પાદરચના હોય છે. તેમાં મદ્રક, મહાસ્રગ્ધરા, મદિરા કે દીપાર્ચિ આદિ છંદો છે.

ત્રેવીસ અક્ષરોના પાદવાળા વિકૃતિ વર્ગમાં સાત ત્ર્યક્ષર ગણને અંતે એક લઘુ અને અંતે ગુરુ એવી પાદરચના હોય છે. તેમાં અશ્વલલિત, હંસગતિ, ચિત્રક, વૃંદારક આદિ છંદો છે.

ચોવીસ અક્ષરોના પાદવાળા સંકૃતિ વર્ગમાં આઠ ત્ર્યક્ષર ગણોની પાદરચના હોય છે. તેમાં તન્વી, લલિતલતા, મેઘમાલા, દ્રુતલઘુપદગતિ આદિ છંદો છે.

પચીસ અક્ષરોના પાદવાળા અભિકૃતિ વર્ગમાં આઠ ત્ર્યક્ષર ગણને અંતે એક ગુરુ એવી પાદરચના હોય છે. તેમાં ક્રૌંચપદા, હંસલય, હંસપદા, ચપલ આદિ છંદો છે.

છવ્વીસ અક્ષરોના પાદવાળા ઉત્કૃતિ વર્ગમાં આઠ ત્ર્યક્ષર ગણને અંતે ल ग કે ग ग એવી પાદરચના હોય છે. તેમાં ભુજંગવિજૃંભિત, અપવાહ, આપીડ, વેગવતી આદિ છંદો છે.

છવ્વીસ અક્ષર પર્યંતના પાદવાળાં વૃત્તોમાં એકથી આરંભી એક એક અક્ષરની વૃદ્ધિથી નવો છંદ બને છે. પણ તેથી આગળના મોટા છંદોમાં એક એક ત્ર્યક્ષર ગણની વૃદ્ધિથી નવો છંદ બને છે. આવા છંદોના શાસ્ત્રકારોએ દંડક અને પ્રચિત એમ બે વર્ગો પાડ્યા છે. દંડક છંદોની પાદરચના પ્રથમ બે न  ગણ (છ લઘુ અક્ષરો) અને પછી સાત આઠ એમ र ગણોની ઉત્તરોત્તર વૃદ્ધિથી થતા જુદા જુદા છંદ બને છે. કેટલાક આચાર્યોના મતે બે न ગણો પછી સાત, આઠ આદિ સંખ્યાના त, य આદિ ગણો પણ મુકાય છે. આ છંદોમાં સત્તાવીસથી આરંભી નવસો નવાણુ અક્ષરોના પાદવાળા છંદો શાસ્ત્રકારોએ કહ્યા છે. દંડક સિવાયના ભિન્ન ભિન્ન ગણોવાળી પાદરચનાવાળા છંદો પ્રચિત કહેવાય. હેમચંદ્રે માત્ર र ગણની પાદરચનાવાળા છંદોને દંડક કહ્યા છે. અને त, य વગેરે ગણોવાળી પાદરચનાના છંદોને પ્રચિત કહ્યા છે. અને ત્ર્યક્ષર ગણોની મિશ્ર રચનાવાળા છંદોને શેષજાતિ નામે નવા વર્ગમાં મૂક્યા છે. પિંગલે શેષજાતિ વર્ગ કહ્યો નથી.

દંડક વર્ગના છંદોમાં પાદારંભે બે न ગણ પછી સાત र ગણની પાદરચના હોય તે ચંડવૃર્દષ્ટિ કે ચંદવૃર્દષ્ટિપ્રપાત છંદ કહેવાય. આ છંદમાં ઉત્તરોત્તર એક એક र ગણની વૃદ્ધિ કરતાં ચૌદ र ગણ સુધીના અનુક્રમે અર્ણ, અર્ણવ, વ્યાલ, જીમૂત, લીલાકર, ઉદ્દામ અને શંખ છંદો બને છે. ચૌદથી આગળ પંદર સોળ એમ र ગણની વૃદ્ધિ કરતાં નવસો નવાણું સુધીના અક્ષરોના પાદવાળા સમુદ્ર, ભુજંગ આદિ છંદો બને છે. જો પાદના આરંભમાં એક न  ગણ, પછી એક ग અને પછી સાત, આઠ, નવ આદિ સંખ્યામાં र ગણ આવે તો र ગણની વૃદ્ધિના ક્રમે પન્નગ, દંભોલિ, હેલાવતી, માલતી, કેલિ, કંકેલ્લિ, લીલાવિલાસ આદિ છંદો બને છે. પાંચ લઘુવર્ણો પછી યથેષ્ટ र ગણનો પાદરચનાવાળો ચંડકાલ છંદ કહેવાય છે. જો र ગણને સ્થાને य ગણવાળી પાદરચના હોય તો તે સિંહવિક્રાન્ત કહેવાય. પાંચ લઘુ વર્ણો પછી ત્રણ ગુરુ વર્ણ અને પછી યથેષ્ટ य ગણવાળી પાદરચના હોય તે મેઘમાલા છંદ, સમગ્ર પાદ યથેષ્ટ र ગણથી રચાયો હોય તે મત્તમાતંગ, સમગ્ર પાદ स ગણથી રચાયો હોય તે કુસુમાસ્તરણ, સમગ્ર પાદ य ગણથી રચાયો હોય તે સિંહવિક્રીડ, સમસ્ત પાદમાં અનુક્રમે લઘુગુરુ એવી રચના હોય તે અનંગશેખર, સમસ્ત પાદમાં અનુક્રમે ગુરુલઘુ હોય તે અશોકપુષ્પમંજરી કહેવાય. યથેષ્ટ त ગણો અને અંતે બે ગુરુ અક્ષરોવાળી પાદરચના તે કામબાણ, યથેષ્ટ भ ગણોને અંતે બે ગુરુવાળી રચના તે ભુજંગવિલાસ, બે न ગણો પછી યથેષ્ટ પંચમાત્રિક માત્રાગણોવાળી પાદરચના તે ઉત્કલિકા છંદ કહેવાય. આ છંદમાં અક્ષરગણો અને માત્રાગણોનું મિશ્રણ છે.

હેમચંદ્રે કહેલા શેષજાતિ છંદોમાં જેની પાદરચનામાં માલાચિત્ર છંદ, પ્રમોદ મહોદય છંદ, નૃત્તલલિત છંદ, લલિતલતા છંદ, પિપીલિકા છંદ હોય તેમાં यमतननन પછી પાંચ, દસ કે પંદર લઘુ અક્ષરો અને અંતે जभर આવે તે અનુક્રમે પિપીલિકાકરભ, પિપીલિકાપણવ અને પિપીલિકામાલા છંદો કહેવાય. દંડક અને શેષજાતિ સહિતનાં આ બધાં સમવૃત્તો છે.

અર્ધસમ છંદ બે વૃત્તોના પાદના મિશ્રણથી બને છે. તેમાં એકી સંખ્યાના પાદની રચના સમાન વૃત્તની હોય છે અને બેકી પાદ અન્ય છંદની સમાન રચનાવાળા હોય છે. બે સમાન અડધાંનું મિશ્રણ હોવાથી તે અર્ધસમ છંદ કહેવાય છે. તેમાં ઉપચિત્ર અને દ્રુતવિલંબિતનું મિશ્રણ તે હરિણીપ્લુતા છંદ. આ જ પાદમાં सससलग અને દોધક છંદનું મિશ્રણ તે ઉપચિત્ર છંદ કહેવાય. અન્ય અર્ધસમ છંદોમાં વેગવતી કે આયાતલિકા છંદ. દ્રુતમધ્યા કે ઉપચિત્રા કે આયાતલિકા પરાન્તિકા છંદ, ભદ્રવિરાટ કે ઔપચ્છંદસિક છંદ, કેતુમતી, આખ્યાનકી, વિપરીતાખ્યાનકી એ બન્ને ઉપજાતિના પ્રકારો, યવમતી છંદ, ષટ્પદાવલી છંદ, મકરાવલી છંદ, કરિણી છંદ, પ્રબોધિતા છંદ, અપરવક્ત્ર છંદ એ બે વૈતાલીય છંદના પ્રભેદો, અપરવક્ત્રના ચારેય પાદમાં અંતે એક એક ગુરુ ઉમેરાય તે પુષ્પિતાગ્રા છંદ, માલભારિણી છંદ — તેને નિતંબિની પણ કહે છે તે છે. પુષ્પિતાગ્રા અને માલભારિણી એ બે ઔપચ્છંદસિક છંદના પ્રભેદો છે. અન્ય વિલસિતલીલા છંદ માનિની છંદ, કામિની છંદ, શિખી છંદ, નિતંબિની, વારુણી છંદ, વતંસિની છંદ વગેરે છે. ત્રણ જ અક્ષરોનો પાદ એ પ્રાગ્ગાયત્રી મધ્યમા છંદનો પાદ છે. કામિની, શિખી, નિતંબિની, વારુણી અને વતંસિની છંદોના સમવિષમ પાદોનો વ્યત્યય થતાં અનુક્રમે વાનરી, શિખંડી, સારસી, અપરા અને હંસી છંદો બને છે. તદુપરાંત અન્ય ઇલા છંદ, મૃગાંકમુખી છંદ, શિખા છંદ છે. આ છંદનો સમવિષમનો વ્યત્યય તે ખંજા છંદ, અતિરુચિરા વગેરે છંદો છે.

વિષમ છંદોમાં ચારેય પાદની રચના ભિન્ન ભિન્ન છંદોના પાદની હોય છે. આઠ અક્ષરના પાદવાળા અનુષ્ટુપ છંદમાં પ્રત્યેક પાદના પ્રથમ અક્ષર પછી स કે न સિવાયના કોઈ પણ ગણવાળી રચના હોય અને ચતુર્થ અક્ષર પછી य ગણ ન હોય તે વક્ત્ર છંદ. શાસ્ત્રકારોએ આ છંદના અસંખ્ય પ્રભેદો બતાવ્યા છે. આઠ અક્ષરોવાળા વર્ગના પ્રથમ પાદમાં આઠ જ અક્ષરો હોય અને બીજા, ત્રીજા અને ચોથા પાદમાં અનુક્રમે બાર, સોળ અને વીસ એમ ચાર ચાર અક્ષરો વધારે હોય તે પદચતુસર્ધ્વ છંદ. આ છંદમાં પાદવ્યત્યય થતાં તેના ચોવીસ પ્રભેદ થાય છે. આ છંદના ચારેય પાદમાં આરંભે બે ગુરુ અને પછી સર્વ લઘુ વર્ણો હોય તે પ્રત્યાપીડ છંદ. પદચતુસર્ધ્વ છંદના પાદોમાં અંતે બે બે ગુરુ વર્ણ આવે તે આપીડ છંદ. આપીડના પાદોનો વ્યત્યય થતાં કલિકા, લવલી અને અમૃતધારા છંદો બને છે. પિંગલ કલિકાને લવલી છંદ કહે છે. ચાર પાદમાં અનુક્રમે सजसल, नसजग, भनजलग અને सजसजग એવી રચના હોય તે ઉદગાતા છંદ, તેનું તૃતીય ચરણ જો ननसस હોય તો તે લલિત છંદ. ચાર પાદમાં અનુક્રમે मसजभगग, सनजरग, ननस અને नननजय એવી રચના હોય તે ઉપસ્થિતપ્રચુપિત છંદ, તેના તૃતીય ચરણની ननस ननस એવી રચના હોય તો તે વર્ધમાન છંદ. ઉપસ્થિત પ્રચુપિતના તૃતીય ચરણની तजर એવી રચના હોય તે શુદ્ધ વિરાટ્ ઋષભ છંદ. પૂર્વાર્ધમાં સર્વ ગુરુવર્ણોની રચના અને ઉત્તરાર્ધમાં દસ न અને અંતે બે લઘુ એવી સર્વલઘુ રચના હોય તે સૌમ્યા છંદ. સૌમ્યાના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધનો વ્યત્યય તે જ્યોતિ છંદ. જયદેવ આ બેય છંદોને અનંગક્રીડા કહે છે. અહીન્દ્ર તેમને શિખા કહે છે.

માત્રા છંદો : માત્રાગણનાથી રચાતા છંદોમાં માત્રા ગણ અને ત્ર્યક્ષર ગણ — એમ બેય ગણોને આધારે માત્રાઓની ગણના થાય છે. ત્ર્યક્ષર ગણોમાં य, र અને त ગણોના ત્રણેય અક્ષરોની મળી કુલ પાંચ માત્રાઓ; भ, ज, स ગણોની પ્રત્યેકની ચાર ચાર માત્રાઓ; म ગણની છ માત્રાઓ અને न ગણની ત્રણ માત્રાઓ ગણાય છે. ए, ऐ, ओ, औ સ્વરો પ્રાકૃત છંદોમાં પાદાન્તે હોય તો તેમની એક જ માત્રા ગણાય છે. માત્રા છંદોમાં પ્રતિપાદ કે પૂર્વાર્ધ અપરાર્ધની કે સમવિષમ પાદોની માત્રાસંખ્યાભેદે વૈતાલીય વગેરે છંદો બને છે. વૈતાલીય છંદમાં અક્ષરાનુસાર માત્રાઓ ગોઠવતાં તેના અનેક પ્રભેદો, જેમ કે, આયાતલિકા છંદ, પ્રાચ્યવૃત્તિ છંદ, ઉદીચ્યવૃત્તિ છંદ, પ્રવૃત્તક છંદ વગેરે. અપરાંતિકામાં ઉપરના ચાર છંદોના મિશ્રણથી તેના છ પ્રભેદો થાય છે. આ સર્વ છંદોના ઓજ પાદોનાં મિશ્રણથી ચારુહાસિની છંદના અનેક પ્રભેદો થાય છે. વૈતાલીય છંદના પાદોમાં ગુરુલઘુનાં વિભિન્ન સ્થાનાંતરોથી તેના અનેક પ્રભેદો થાય છે.

માત્રા સમક છંદો : આ છંદોમાં ચારેય પાદની માત્રાઓ સોળ સોળની — એમ સરખી સંખ્યાની હોય છે. આ છંદોમાં ઉપચિત્રા આદિ આઠ છંદો છે.

આર્યા : કેટલાક શાસ્ત્રકારોએ આર્યાના લક્ષણમાં ચારેય પાદની જુદી જુદી માત્રાઓ કહી છે. જ્યારે બીજા કેટલાકે પદ્યના પૂર્વ અને અપર અર્ધની માત્રાઓ કહી છે. હેમચંદ્રે આર્યામાં પાદવ્યવસ્થા કહી નથી. એક લક્ષણ અનુસાર આર્યાના વિષમ પાદોમાં બાર માત્રાઓ, દ્વિતીયમાં અઢાર અને ચતુર્થમાં પંદર માત્રાઓ હોય. પ્રાકૃત આદિમાં આર્યાને ગાથા કહી છે. સંસ્કૃત પ્રાકૃતમાં આર્યા લોકપ્રિય હતી. આર્યા સપ્તશતી, ગાથા સપ્તશતી વગેરે સંગ્રહો જાણીતા છે. માત્રાછંદોમાં ગેયતા છે તેથી લોકોમાં તેમનો બહોળો પ્રયોગ થયેલો છે. યતિભેદે અને વર્ણરચનાભેદે આર્યાના પથ્યા, ચપલા, વિપુલા, મુખચપલા, જઘનચપલા, ગીતિ, ઉપગીતિ, ઉદગીતિ, આર્યાગીતિ એવા નવ ભેદો છે. ગીતિના પણ રિપુચ્છંદા, લલિતા, ભદ્રિકા, વિચિત્રા, સ્કંધક એવા પ્રભેદો છે. ગાથાના અન્ય ભેદોમાં જાતિફલ, ગાથ, ઉદગાથ, વિગાથ, અવગાથ, સંગાથ, ઉપગાથ – એવા પ્રભેદો છે. સ્કંધકના ઉપસ્કંધક, ઉત્સ્કંધક, અવસ્કંધક, સંકીર્ણક આદિ પ્રભેદો છે. ગાથના દામ, ઉદ્દામ, વિદામ, અવદામ, સંદામ, ઉપદામ, દામિની, માલાદામ આદિ પ્રભેદો છે. વસ્તુત: આ બધાય આર્યાના જ ભેદોપભેદો છે. ગલિતક છંદના પ્રત્યેક પાદમાં એકવીસ માત્રાઓ હોય અને પાદાન્ત યમકયુક્ત હોય. તેના અંતરગલિત ઉપગલિત આદિ વીસ પ્રભેદો છે. ખંજક છંદ ગલિતક જેવો જ છે. માત્ર તેમાં પાદાન્ત યમકને બદલે અનુપ્રાસ હોય છે. તેના છત્રીસ પ્રભેદો છે. તેના પાદ લંબાવાય તો શીર્ષક છંદ બને છે. તેના દ્વિપદીખંડ, દ્વિભંગિકા, ત્રિભંગિકા, સમશીર્ષક, વિષમશીર્ષક આદિ ભેદો છે.

પ્રાકૃત અને અપભ્રંશ છંદો : અપભ્રંશના છંદો માત્રામેળના છે. તેમનાં લક્ષણોમાં ત્ર્યક્ષર ગણોનો પણ ઉલ્લેખ થયેલો છે; પણ ત્યાં તે ત્ર્યક્ષર ગણની માત્રાઓ સમજવાની છે, અક્ષરો નહિ; જેમ કે, હેમચંદ્રે ઉત્સાહ છંદનું લક્ષણ अ ज श्चू:. ત્ર્યક્ષર ગણ ज સિવાયના છ च માત્રા ગણો એમ કહ્યું છે. અનેક છંદોનાં લક્ષણો આ પ્રકારનાં છે. આ બધા ગેય છંદો છે. રાસ છંદનું લક્ષણ આપ્યા પછી હેમચંદ્ર કહે છે : सर्वा अपि जातयो रासका भवन्ति इति केचित् —રાસક મૂળે લૌકિક છંદ છે તેમ માત્રા છંદો મૂળે લૌકિક છે.

સમપાદ લૌકિક છંદોમાં ચારેય પાદની માત્રાસંખ્યા સરખી છે. ઉત્સાહ, રાસ, ઇન્દ્રગોપ, કોકિલ, આમોદ, મેઘ વગેરે રાસકના અનેક પ્રભેદો છે. મેઘ અને વિભ્રમ છંદોને પ્રાચીન છંદોવિદોએ માત્ર અપભ્રંશમાં જ ગણ્યા છે. તે સિવાયના છંદો સંસ્કૃત-પ્રાકૃતમાં પ્રયોજાતા હશે. રાસ-રાસુ નામનો છંદ પણ છે. આ છંદોમાં પાંચ પાદ હોય ત્યારે ત્રણ પાદે પદ્યનો પૂર્વાર્ધ ગણાય. ઉત્તરાર્ધમાં બે પાદ હોય. માત્રા છંદોમાં બીજા પણ મત્તબાલિકા, મત્તમધુકરી, મત્તવિલાસિની, મત્તકરિણી વગેરે પ્રકારો છે. તેમના મિશ્રણથી બહુરૂપા છંદ થાય છે. તેના રા અને વસ્તુ એ બે મુખ્ય પ્રકારો છે. ઉત્સાહ આદિ છંદોના મિશ્રણથી વસ્તુક, રાસાવલય, સંકીર્ણ, ભ્રમર વગેરે છંદો થાય છે. ઉત્સાહ વગેરે જે છંદોમાં દેવસ્તુતિ હોય તે છંદ ફુલ્લડક કહેવાય છે અને મનુષ્ય વગેરે દેવેતરની સ્તુતિ હોય તે ઝમ્બટક કહેવાય છે. ધ્રુવા એ કડવકોના આરંભે અને અંતે આવતો માત્રા છંદ છે. તે દ્વિપદી, ચતુષ્પદી કે ષટ્પદી રૂપે હોય છે. ષટ્પદી ધ્રુવાના ષટ્પદજાતિ, ઉપજાતિ, અવજાતિ વગેરે પ્રભેદો છે. એક વખત કહેવાઈ ગયેલ વસ્તુનું ચતુષ્પદી કે ષટ્પદીમાં જુદી રીતે ભંગ્યંતરે કથન તે છણિકા. ચતુષ્પદીને વસ્તુક પણ કહે છે. તેના પંચાવન જેટલા પ્રભેદો છે. પદ્ધડિકા અને રગડાધુવક નામના ભેદો પણ છે. દ્વિપદી, ચતુષ્પદી, ષટ્પદી તેમના શબ્દાર્થ પ્રમાણે બે, ચાર કે છ પાદના હોય જ એવું નથી. તેમાં એકાદ પાદ વધારે પણ હોય. દ્વિપદીના માત્રાસ્થાનભેદે અને પાદસંખ્યાભેદે ઘણા પ્રકારો છે. ગાથા છંદનું ગાથા નામથી ક્યાંય લક્ષણ મળતું નથી. પિંગલે ‘अत्रानुक्तं गाथा’ — આ ગ્રંથમાં જે નથી કહ્યું તે ગાથા, એટલું જ કહ્યું છે. પણ આ સૂત્રની ટીકામાં હલાયુધે વૃત્તચંદ્રિકામાંથી ‘ગાથા છ કે ત્રણ ચરણોવાળી હોય’ એવું વિવરણ આપ્યું છે. પિંગલે વૈદિક ત્રિષ્ટુપ, જગતી, અતિજગતી, શક્વરી, અર્દષ્ટિ, અત્યર્દષ્ટિ, ધૃતિ, અતિધૃતિ અને કૃતિ છંદોની ગાથાઓ બતાવી છે. એટલે તેના મતે પણ ગાથા એ કોઈ સ્વતંત્ર છંદ નથી પણ વૈદિક છંદમાં લૌકિક ભાષાનું કાવ્ય તે ગાથા એમ સમજાય છે. ઐતરેય બ્રાહ્મણના શુન:શેપાખ્યાનમાં અનુષ્ટુપ છંદની ગાથાઓ છે. પરવર્તી કાળમાં આર્યાને ગાથા કહી છે. ઈરાની આર્યોના ધર્મગ્રંથ ઝંદ અવસ્તાનાં પદ્યો ગાથા કહેવાય છે. વૈદિક અને અવસ્તા ભાષાની સગાઈ જોતાં એ સૂચક લાગે છે.

પ્રશિષ્ટ સંસ્કૃતના કેટલાક અક્ષરમેળ છંદો છેક ગુજરાતી સુધી ઊતરી આવ્યા છે. તેમાં ઇન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા, ઇંદ્રવંશા ઉપજાતિ, વંશસ્થ, વસંતતિલકા, રથોદ્ધતા, દ્રુતવિલંબિત, વિયોગિની, પુષ્પિતાગ્રા, પૃથ્વી, શાલિની, મંદાક્રાન્તા, સ્રગ્ધરા, માલિની, શિખરિણી, શાર્દૂલવિક્રીડિત વગેરે બહુપ્રયુક્ત છંદો છે.

નટવરલાલ યાજ્ઞિક

ગુજરાતીમાં છંદોરચના

છંદોના મુખ્ય બે પ્રકાર છે : વૃત્તો અને જાતિ છંદો. સંસ્કૃત વૃત્તો પ્રાચીન સમયથી ઉપયોગમાં લેવાય છે. જાતિ છંદો પ્રમાણમાં પાછળથી લખાયા છે. ‘વૃત્ત’ સંસ્કૃત છંદો માટે રૂઢ થયેલો શબ્દ છે અને ‘છંદ’ જાતિ છંદો માટે; પરંતુ ગુજરાતીમાં વ્યાપકપણે બંને માટે ‘છંદ’ શબ્દનો પ્રયોગ થાય છે.

ગુજરાતીમાં ચાર પ્રકારના છંદોનો કવિઓએ ઉપયોગ કર્યો છે : (1) અક્ષરમેળ અથવા રૂપમેળ, (2) માત્રામેળ, (3) સંખ્યામેળ અને (4) લયમેળ. વૈદિક છંદો(ગાયત્રી વગેરે)માં પ્રત્યેક પંક્તિમાં અક્ષરસંખ્યા નિશ્ચિત છે; પરંતુ પ્રત્યેક અક્ષરનું સ્થાન નિશ્ચિત નથી. એથી એ અક્ષરમેળ છંદો કહેવાતા. પછી, પ્રત્યેક પંક્તિમાં પ્રત્યેક અક્ષરનું સ્થાન નિશ્ચિત થતાં ઇન્દ્રવજ્રા, વસંતતિલકા, શાલિની જેવા પ્રત્યેક અક્ષરનું રૂપ (લઘુ કે ગુરુ) મુકરર કરેલા છંદો પ્રચલિત બન્યા એથી એ રૂપમેળ કહેવાયા. વ્યાપકપણે અક્ષરમેળ, વર્ણમેળ, રૂપમેળ કે ત્રણમેળ તરીકે આ છંદો ઓળખાય છે.

જાતિ છંદોમાં અક્ષરને સ્થાને માત્રાનો મેળ હોય છે. પ્રત્યેક પંક્તિ ત્રણ, ચાર, પાંચ કે સાત માત્રા(લઘુની એક અને ગુરુની બે માત્રા)ની સંધિનાં નિશ્ચિત કરેલાં આવર્તનોની હોય છે એથી એ માત્રામેળ કે આવૃત્તસંધિમેળ છંદો કહેવાય છે. ગુજરાતીમાં પ્રાચીન-મધ્યકાલીન સાહિત્યમાં આ માત્રામેળ છંદોમાંથી વિકસેલા દેશી બંધોનો વિકાસ થયો છે અને મુખ્યત્વે એ દેશીબંધો ગેય કવિતામાં પ્રયોજાયેલા છે. ગેયતાને અનુરૂપ થવા માત્રામેળ છંદોના નિયમો શિથિલ બનીને એમાં સંગીતનું મહત્ત્વ સ્વીકારાયું છે. એમાં નિશ્ચિત કરેલી માત્રાસંધિઓનાં આવર્તનો હોય છે; પરંતુ પ્લુતિ(સ્વરને લંબાવીને બોલવો)નો ઉપયોગ એમાં વિશેષ અને અનિયત રીતે થતો હોવાથી આ છંદો લયમેળ છંદો તરીકે પ્રચલિત થયા છે.

પ્રાચીન-મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય મુખ્યત્વે ગેય છે. ગાન દ્વારા લોક-સમૂહ સમક્ષ એ રજૂ થતું હતું. રાસ, ફાગુ, પદ્યકથા, આખ્યાન જેવાં સાહિત્યસ્વરૂપો આ દેશીબંધોમાં રચાયાં છે; વિવિધ રાગ-રાગિણીઓમાં ગાવા માટે એ લખાયાં છે. ઈ. સ. 1184માં રચાયેલા કવિ શાલિભદ્રસૂરિના ‘ભરતેશ્વરબાહુબલિરાસ’માં આ દેશીબંધો- દેશીઓનો પ્રયોગ જોવા મળે છે. એ પછી વિવિધ સાહિત્યપ્રકારોમાં અપભ્રંશમાંથી વારસા રૂપે મળેલા દેશીબંધોનો વિપુલ ઉપયોગ થયો છે. અપભ્રંશના વારસા રૂપે આવેલી પદ્યકથાઓ મુખ્યત્વે ચોપાઈ અને દુહામાં લખાયેલી છે. (‘હંસાઉલી’, ‘માધવાનલ કામકંદલાપ્રબંધ’ વગેરે) ચોપાઈબદ્ધ રચનાઓમાં વચ્ચે દુહા પણ પ્રયોજાયા છે. ભાવની ઉત્કટતા નિરૂપવા ગેય પદોને પણ એમાં સ્થાન મળ્યું છે. ‘કાન્હડદે પ્રબંધ’ જેવા અનેક પ્રબંધોમાં પણ મુખ્યત્વે ચોપાઈ પ્રયોજાયેલી છે. દુહા (દોહા), ચોપાઈ, વસ્તુ ઉપરાંત હરિગીત, પધ્ધરી વગેરે છંદોની દેશીઓ પણ એમાં ઉપયોગમાં લેવાઈ છે. રાસમાં આરંભે બે પંક્તિની ચોપાઈ (16 માત્રાની) અને પછી અન્ય માપવાળી ચાર પંક્તિ મળીને છ પંક્તિઓની કડીઓ જોવા મળે છે. જોકે સળંગ રચનાવાળા છંદો પણ એમાં પ્રયોજાયા છે, તો સોરઠા, દોહા, રોળા, મદનાવતાર જેવા છંદો પણ ઉપયોગમાં લેવાયા છે. આખ્યાનોમાં આરંભમાં કર્મણ, માંડણ, ભીમ જેવા કવિઓએ સળંગ એક જ બંધનો ઉપયોગ કર્યો છે અને વચ્ચે પદો પણ મૂક્યાં છે. ભાલણે હરિગીત, ચોપાઈ વગેરેની દેશીઓ ઉપયોગમાં લીધી છે. નાકરે પણ હરિગીતની દેશીનો વિશેષ ઉપયોગ કર્યો છે. કેટલાક કવિઓએ દોહાની દેશી(અંત્ય ધ્રુવખંડને બાદ કરીએ તો દુહો જ)ને કુશળતાપૂર્વક પ્રયોજી છે. ભાલણ, નાકર, પ્રેમાનંદ એમાં મુખ્ય છે.

નરસિંહ પૂર્વે દુહા-ચોપાઈ-સવૈયા-હરિગીત છંદોની દેશીઓ ઉપયોગમાં લેવાઈ હતી. નરસિંહે ઝૂલણા બંધને વિપુલતાથી પ્રયોજીને અનુપમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પછીના કવિઓએ ‘ઓખા કરતી સાદ’, ‘હો રે હઠીલા રાણા’ (ચોપાઈ), ‘મહેતે વજાડ્યો શંખ, સમર્યા વનમાળી’ (રોળા), ‘પછી સુદામોજી બોલિયા સુણ સુંદરી રે’ (દોહા), ‘વડસાસુ ઘણું ભારે માણસ, બોલ્યાં પરમ વચન વહુ જી’ (સવૈયા) એમ વિવિધ દેશીઓને આખ્યાનોમાં પ્રયોજીને અપાર વૈવિધ્ય પ્રગટ કર્યું છે. દેશી એ શિષ્ટ સંગીતના અમુક રાગની અમુક ગતનું અમુક દેશમાં રૂઢ થયેલું સ્વરૂપ છે. એ રીતે દેશી રાગોના વાચક આ બધા દેશીબંધો મધ્યકાલમાં વિપુલતાથી ખેડાયા છે. પદ્યવાર્તામાં કવિ શામળે ચોપાઈ-દુહા જેવા છંદોનો જ ઉપયોગ કર્યો છે. દેશી એનામાં નથી.

પદ સાહિત્યમાં, નરસિંહથી દયારામ સુધીમાં લયમેળ છંદોની વિવિધ લીલાઓનો અનુભવ થાય છે. દેશીઓની જેમ એ લયમેળ છંદોમાં ત્રિકલ, ચતુષ્કલ આદિ સંધિઓનાં આવર્તનો પકડાય છે. ‘મુખડાની માયા લાગી રે મોહન પ્યારા’ (મીરાં) એ સપ્તકલ સંધિની રચના છે. ‘શ્યામ રંગ સમીપે ન જાવું, મ્હારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું’ (દયારામ) જેવી ગરબીની ધ્રુવપંક્તિ ષટ્કલોની બનેલી છે. નરસિંહનું ‘જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે’ એ સપ્તકલની રચના છે, તો એનું પ્રસિદ્ધ પદ ‘વૈષ્ણવજન’ ‘રે’ના તાનપૂરક સાથે સવૈયામાં છે. આ જ કવિનું ‘નાગર નંદજીના લાલ, રાસ રમંતાં મારી નથડી ખોવાણી’ એ ચતુષ્કલોનું બનેલું પદ છે. છપ્પામાં દોહરા અને રોળાની પંક્તિઓ છે, જ્યારે ચંદ્રાવળામાં દોહરા અને ચરણાકુળનો પ્રયોગ થયેલો છે. અખો પોતાના છપ્પામાં અને પ્રીતમ એના ‘કક્કા’માં ચોપાઈનો પ્રયોગ કરે છે. ફાગુ કાવ્યમાં રોળા અને દોહા પ્રયોજાયા છે.

મધ્યકાલમાં માત્રામેળ અને લયમેળ છંદોની સમાન્તરે અક્ષરમેળ- રૂપમેળ છંદોમાં પણ રચનાઓ થઈ છે. મેરુતુંગાચાર્યનું ‘પ્રબંધચિંતામણિ’ શ્રીધરનું ‘રણમલ્લ છંદ’, જયશેખરસૂરિનું ‘અર્બુદાચલવિનતી’, સાલિસૂરિનું ‘વિરાટપર્વ’, સોમસુન્દરસૂરિનું ‘રંગસાગરનેમિનાથ ફાગુ’, ધનદેવગણિનું ‘સુરંગાભિધાન નેમિનાથ ફાગુ’, કેશવદાસનું ‘કૃષ્ણલીલાકાવ્ય’, વાસણદાસનું ‘રાધારાસ’ લક્ષ્મીદાસનું ‘અમૃતરસપચીસી’, ગોપાલ ભટ્ટનું ‘ફૂલાં ચરિત્ર’, કવિ માધવનું ‘રૂપસુંદરકથા’ જેવાં અનેક કાવ્યોમાં ભુજંગપ્રયાત, દ્રુતવિલંબિત, માલિની, ઉપજાતિ, વસંતતિલકા, શાર્દૂલવિક્રીડિત જેવાં અનેક સંસ્કૃત વૃત્તો પ્રયોજાયેલાં છે. ‘વિરાટપર્વ’ ‘રૂપસુંદરકથા’ જેવી કૃતિઓ તો માત્ર અક્ષરમેળ – રૂપમેળ છંદોમાં જ લખાઈ છે. અલબત્ત, માત્રામેળ – લયમેળના પ્રમાણમાં સંસ્કૃત વૃત્તોનો પ્રવાહ પાતળો છે એ નોંધવું જોઈએ.

અર્વાચીન કાળમાં 19મી સદીમાં લયમેળી રચનાઓની દીર્ઘ કૃતિઓ ઓછી લખાઈ છે. અક્ષરમેળ – રૂપમેળ છંદોનું વિશેષ ખેડાણ થયું છે અને એમાં અવનવા પ્રયોગો પણ થયા છે. સંખ્યામેળ છંદોનો પ્રકાર ગુજરાતીમાં હિન્દીમાંથી આવ્યો છે, અને મનહર-ઘનાક્ષરી-વનવેલી જેવા છંદો (અક્ષરસંધિ આવર્તનવાળા) દલપતરામથી અદ્યતન કવિઓ સુધી વૈવિધ્ય સાથે ઉપયોગમાં લેવાયા છે. મધ્યકાળમાં પણ મનહર ઉપયોગમાં લેવાયેલો. દલપતરામે એને વિપુલપણે ખેડ્યો અને કેશવલાલ ધ્રુવે એની અગેય પદ્યરચનાની નાટ્યોચિત શક્યતાને ઉપસાવી આપી. એ પછી ઉમાશંકર અને નવીન કવિઓએ એને અસરકારતાથી ઉપાસ્યો છે.

અર્વાચીન કાળમાં અક્ષરમેળ – રૂપમેળ છંદોને વિપુલ પ્રમાણમાં કવિઓએ પ્રયોજ્યા છે. છંદોનાં સફાઈદાર રૂપો ક્રમે ક્રમે વિલસતાં આવે છે. સંસ્કૃત છંદોમાં કવિઓ બોલચાલના લહેકા પણ ઉતારી શક્યા છે. ન્હાનાલાલના ‘પિતૃતર્પણ’નો અનુષ્ટુપ અને સુન્દરમનો ’13–7ની લોકલ’નો અનુષ્ટુપ જુદા જુદા મિજાજનો પરિચય કરાવી રહે છે. ઉપજાતિકુળમાં ઇન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા, વંશસ્થ, ઇન્દ્રવંશા, વસંતતિલકા, પૃથ્વી જેવા છંદોનો કવિઓએ વ્યાપક રીતે ઉપયોગ કર્યો છે. નવીન કવિઓએ તે તે છંદની પંક્તિના ટુકડા કરી ભાવાનુસારી ગોઠવણી પણ કરી છે. એમાં કેટલીક વાર એક પંક્તિમાં છંદના એક ટુકડાને બેવડાવ્યો પણ હોય છે. કેટલીક વાર પ્રથમ ચાર અક્ષર લુપ્ત કરી આઠ અક્ષરના ચરણથી ચમત્કૃતિ પણ સાધે છે; જેમ કે, ઉપજાતિમાં – ‘રંભારવ ધેનુઓના’. વસંતતિલકામાં પ્રથમ ગુરુને સ્થાને બે લઘુ મૂકવાના, અંત્ય ગુરુ પૂર્વે એકાદ લઘુ ઉમેરી દેવાના પ્રયોગો પણ કવિઓએ કર્યા છે. ઠાકોરે પૃથ્વીમાં ત્રણ અક્ષર ઉમેરી ‘પૃથ્વીતિલક’ નામે છંદપ્રયોગ કર્યો છે. સખંડ  યતિવાળા  છંદોમાં શાલિની, મંદાક્રાંતા, સ્રગ્ધરા, શિખરિણી, માલિની, હરિણી, લલિત તથા શાર્દૂલવિક્રીડિત જેવા છંદના ઉપયોગ ક્રમે ક્રમે વધુ મનોરમ બન્યા છે. કવિ કાન્તે આ છંદોની શ્રીને પૂર્ણપણે પ્રગટ કરેલી અનુભવાય છે. એમણે અને અન્ય કવિઓએ અભ્યસ્ત શિખરિણીમાં શિખરિણીના પ્રથમ અને અંત્ય ખંડોને બેવડાવ્યા પણ છે.

ઉપજાતિ સાથે વસંતતિલકા, શાલિની, અનુષ્ટુપ; વસંતતિલકા સાથે મંદાક્રાંતા, સ્રગ્ધરા, શાલિની, માલિની, અનુષ્ટુપ, ઇંદ્રવંશા, હરિણી, પૃથ્વી જેવા છંદોને એક જ શ્લોક કે કડીમાં સાથે નિરૂપવાના મનોહારી ભાવાનુરૂપ પ્રયોગો પણ કવિઓએ કર્યા છે. ઉમાશંકરનો ઉપજાતિ, ન્હાનાલાલનો અનુષ્ટુપ, કાન્તના મંદાક્રાંતા અને શિખરિણી, ઠાકોર અને સુન્દરમનો પૃથ્વી, રાજેન્દ્રનો હરિણી – એમ કવિઓની વિશિષ્ટ મુદ્રાઓ તે તે છંદો પર ઊપસી આવેલી અનુભવાય છે.

અર્વાચીન કવિઓએ ગુલબંકી, સવૈયો, હરિગીત, ઝૂલણા જેવા માત્રામેળ છંદોની પણ વિવિધ લીલાઓને પ્રભાવક રીતે પ્રગટ કરી છે. કાન્તનો ઝૂલણા-વૈભવ નિરંજનમાં પરંપરિત બની નવું જ પરિમાણ પ્રગટ કરે છે. નરસિંહરાવનો ખંડ હરિગીતનો પ્રયોગ ધ્યાન ખેંચે છે પણ પછી નિરંજને એમનાં ‘પાત્રો’માં ગદ્યની નજીકની બોલચાલની લઢણમાં એ છંદને ઢાળીને નવો જ વળોટ આપ્યો છે. એ પછી હસમુખ પાઠક, નલિન રાવળ જેવા કવિઓના આ પ્રકારના પ્રયોગો ધ્યાન ખેંચી રહે છે. સવૈયો, ચોપાઈ, ગુલબંકી જેવા છંદોની અર્વાચીન કાળમાં કવિઓએ જાણે ઇબારત જ ફેરવી નાખી હોય એવા પ્રવાહી રૂપમાં રજૂ કર્યા છે. ગદ્યના સીમાડાને આ છંદનો કાવ્યલય સ્પર્શી જતો અનુભવાય છે. આ છંદોને પરંપરિત બનાવીને એની વિવિધ તરાહો અસરકારકતાથી પ્રગટ કરવામાં કવિઓને સારી સફળતા મળી છે. હરિગીત જેવા છંદને સંવાદમાં પણ કવિઓએ પ્રયોજ્યો છે. માત્રિક છંદોની વિવિધ ચાલ, ખંડિત થઈ અખંડિત રહેતા સંધિઓ અને એમની ભાવાનુરૂપ ગોઠવણી, આવર્તનાત્મક સંધિઓની એકવિધતામાં લય ઇબારત જાળવીને વૈવિધ્યપૂર્ણ લયવર્તુળો દ્વારા ભાવને લચક આપવાની ક્ષમતા, નાનામોટા સંધિખંડોને પ્રાસથી ર્દઢબંધ કરવાનો કસબ માત્રામેળ છંદોની વિવિધતાભરી સુંદરતા પ્રગટાવી રહે છે.

અત્યારે લયમેળ ગીતરચનાઓ પણ લખાય છે. લોકગીતો અને લગ્નગીતોના વિવિધ ઢાળોનો પણ આશ્રય લેવાય છે તો બીજી બાજુ અછાંદસ તરફનું વલણ પણ વધ્યું છે અને ગદ્યકાવ્ય તરફ પણ કવિઓ વળ્યા છે. મહાકાવ્ય લખવા માટે ગુજરાતીમાં છંદની શોધ આરંભાયેલી એમાં પ્રવાહી પદ્યરચના સિદ્ધ કરવા માટે નર્મદે વીરવૃત્ત, ખબરદારે મહાછંદ, ન્હાનાલાલે ડોલનશૈલી, ઠાકોરે બ્લૅન્ક વર્સને લક્ષ્ય કરી શુદ્ધ અગેય પદ્યની રચના માટે કરેલો પૃથ્વી છંદનો પ્રયોગ, કેશવ હ. ધ્રુવે વનવેલીની નાણેલી ક્ષમતા એ બધું છંદના ક્ષેત્રે કેવા પ્રયોગો થયા છે એનું નિદર્શન છે. ઉમાશંકરે ચારે કુળના છંદોને એક કાવ્યમાં સાથે પ્રયોજવાનો પણ પ્રયોગ કર્યો છે. આજની અછાંદસ રચનાઓનો તથા ન્હાનાલાલની ડોલનશૈલીનો લય – બંનેયની તુલના કરવા જેવી છે. આજની અછાંદસ રચનાઓમાં લયકારીનો અનેક પ્રયોગો થયેલા જોવા મળે છે. ગઝલમાં પણ ગુજરાતી કવિઓએ ગઝલની વિવિધ સંધિઓની કાપકૂપ કરી પ્રયોગાત્મક અભિવ્યક્તિ સાધવાના પ્રયત્નો પણ કર્યા છે. બંગાળી પયાર કે મરાઠી અંજની-દિંડી-અભંગ ગુજરાતીમાં ઉપયોગમાં લેવાયા છે પણ પછી એમનો ખાસ વિકાસ થયો નથી. અત્યારે સંસ્કૃત વૃત્તો લખાય છે, માત્રામેળી પરંપરિત રચનાઓના અવનવા પ્રયોગો થાય છે. વનવેલી-મનહરમાં પણ રચનાઓ થાય છે. લયમેળી ગીતરચનાઓ અને અછાંદસ ગદ્યરચનાઓ પણ સર્જાય છે.

ચિમનલાલ ત્રિવેદી

ગુજરાતી ગઝલની પદ્યરચના

ગુજરાતી ગઝલ એ ગઝલનો ચોથો અવતાર છે. અરબીમાં સાંજના વખતે બેદુયિન યુવાનોની, તંબૂ બહાર થતી પોતાના પ્રેમ વિશેની ગોઠડી તેનો વિષય હતો. અને તેને વિશિષ્ટ છંદ-બંધારણ હતું. ફારસીમાં આવ્યા પછી છંદનાં નામ તો તેનાં તે જ રહ્યાં પણ ઉચ્ચારણ ફારસી વર્ણવ્યવસ્થા પ્રમાણે થવા લાગ્યું. વિષય તો પ્રેમનો રહ્યો, પણ તેની સાથે સૂફી તત્વજ્ઞાન પણ ઉમેરાયું. પ્રિયપાત્ર સનમ (ફારસીમાં પુંલ્લિંગ) હતું. શુદ્ધ ફારસીમાંથી તુર્કી લશ્કરી પડાવોની ભાષા ઉર્દૂમાં આવતાં તેનું રૂપ થોડું ફારસી કાવ્યની ર્દષ્ટિએ ઝંખવાયું. ઉર્દૂના સારા શાયરો તો ફારસીમાં અથવા ફારસીપ્રચુર ઉર્દૂમાં જ ગઝલરચના કરતા. વલી ગુજરાતીની (1668–1707) રેખતાની ઉર્દૂ બોલીની ગઝલને તેના સમકાલીનો તો બેહૂદી જ લેખતા. આ ઉર્દૂ બોલી, રેખતામાંથી ગઝલ ગુજરાતીમાં આવી. દયારામે (1773–1853) શ્રીકૃષ્ણને સનમ બનાવ્યા. નર્મદ તથા ત્યારપછીના ગઝલકારોનો સનમ સ્ત્રીજાતિનો – માશૂક બન્યો. આ આશિક-માશૂક, સનમ-સાકી, મય, રકીબ, ફન, કબર વગેરેની એ પ્રતીકસૃષ્ટિ સાથે ગઝલનું ગુજરાતમાં અવતરણ થયું; પરંતુ આધુનિક ગુજરાતી ગઝલ તો માનવહૃદયના ગહનભાવો, ઊર્મિઓ, જીવનની વિટંબણા, પ્રેમની ભાવાવસ્થાઓ, તત્વજ્ઞાનીની ર્દષ્ટિએ જીવનદર્શન વગેરે ઘણા સંકુલ વિષયોની છણાવટ કરે છે.

પદ્યરચના

છંદનું અરબી

નામ

અરબી ગણમાપ ગુજરાતી

ગણમાપ

ગણસંખ્યા
1. હજ્ઝ મ-ફા-ઈ-લુન્ લ ગા ગા ગા 4
ઉદાહરણ
તને હું જો ઉં છું ચંદા કહે તે એ જુએ છે કે ?

(કાન્ત)

 ∪ — — —  ∪ — — —  ∪ — — —  ∪ — — —
4 4 4 4
2 રમલ ફા-ઇ-લા-તુન્ ગા લ ગા ગા 4
કેટલી વે ધક્ બની ગૈ રાત માથે રાત રાણી !

(રશીદ મીર)

— ∪ — — — ∪ — — — ∪ — — — ∪ — —
4 4 4 4
3 રજઝ મુસ્-તફ્-ઇ-લુન્ ગા ગા લ ગા 4
ઉદાહરણ :
જ્યાં જ્યાં નજર્ મારી ઠરે યાદી ભરી

ત્યાં આપની

(કલાપી)

—  —  ∪ — —  —  ∪ — —  —  ∪ — —  —  ∪ —
4 4 4 4
4 કામિલ મુ-ત-ફા-ઇ-લુન્ લલગાલગા 4
ઉદાહરણ :
ન ખુદી હતી ન ખુદા હતો ન અમે હતા ન તમે હતા.
∪ ∪ —  ∪ — ∪ ∪ —  ∪ — ∪ ∪ —  ∪ — ∪ ∪ —  ∪ —
5 5 5 5
5 વાફિર મુ – ફા – લગા લલ ગા 4
અલ – તુન્ È ¾ È È ¾
ઉદાહરણ :
સદાચરણે સદા સુખ છે દુરાચરણે

નકી દુખ છે

(રણછોડભાઈ

ઉદયરામ)

∪ — ∪ ∪ — ∪ — ∪ ∪ — ∪ — ∪ ∪ — ∪ — ∪ ∪ —
5 5 5 5
6 મુતકFારિબ ફ-ઊ-લુન્ લ ગા ગા 4
ઉદાહરણ :
ગ યા યા 2 યારી નિભાવી

શક્યા કયાં

(રજનીકાન્ત

પંચોલી)

∪ —  — ∪ —  — ∪ —  — ∪ —  —
3 3 3 3
7 મુતદારિક ફા – ઇ – લુન્ ગા લ ગા 4
¾ È ¾
ઉદાહરણ :
માફ કર્ જે ધરા હું ગગન્

માં હતો

(ગની

દહીંવાળા)

 — ∪ — — ∪ — — ∪ — — ∪ —
3 3 3 3
8 મુક્તઝબ મક્-ઊ-લા-તુ ગા ગા ગા લ 4
ઉદાહરણ :
નિષ્ફળ જીવ ધર્ પત રાખ ઢળ્શે રાત

થાશે પ્રાત

(મન્ઝર

કુતિ યાણવી)

—  — — ∪ —  — — ∪ —  — — ∪ —  — — ∪
4 4 4 4

– આ મુખ્ય આઠ અક્ષરમેળ છંદો છે તેના ગણ મિશ્ર કરીને પણ રચના થઈ શકે છે અને કરાય છે; પરંતુ ગુજરાતીમાં મુખ્યત્વે હજઝ, રમલ, રજઝ અને મુતકારિબમાં રચનાઓ થયેલી છે.

પરિભાષા : બહર એટલે છંદ અને અરૂઝ એટલે છંદ:શાસ્ત્ર. પંક્તિને મિસરા કહે છે. કંડિકાની પહેલી પંક્તિને ઉલા મિસરા અને બીજી પંક્તિને સાની મિસરા કહે છે. બે પંક્તિઓ અથવા આઠ ગણ-આવર્તનોથી શૅર બને છે. ઉપર દર્શાવેલા આઠ છંદ-સ્તંભોના આઠ આવર્તનવાળી કડી સાલિમ બહર કહેવાય. મિશ્ર છંદોનો શૅર હોય તો તે મુરક્કબ બહર કહેવાય. ગઝલનો પહેલો શૅર મત્લા કહેવાય છે. પહેલા શૅરના બે લીટીના છેલ્લા બે શબ્દોના પ્રાસને રદીફ કહે છે. ત્યારપછી આવતા દરેક શૅરની બીજી લીટી મત્લાના રદીફ સાથે અનુપ્રાસમાં હોય છે. તેને કાફિયા કહે છે. દરેક ગઝલમાં પાંચ, સાત, આઠ કે તેથી વધારે પણ શૅર હોઈ શકે. છેલ્લા શૅરને મક્તા કહે છે. તેમાં શાયરનું નામ અથવા તો તેણે રાખેલું તખલ્લુસ આવે છે અને ગઝલ જાણે કે તેણે પોતાને ઉદ્દેશીને કહી હોય તેવા ભાવ આવે છે. જે ચાર ગણ ભેગા થવાથી પંક્તિ બને તે મિસરા કહેવાય, તે ગણને રુકન કહે છે. તેનું બહુવચન અરકાન થાય. કોઈ એક પંક્તિમાં અક્ષરવિન્યાસ માપથી ઓછોવધતો હોય તો વજન બરાબર નથી તેમ કહેવાય છે. તગઝ્ઝુલ એટલે ગઝલની ચોટશક્તિ. ઉપર બતાવેલ છંદમાં ઉદાહરણની પંક્તિઓને લઘુ-ગુરુના માપમાં બતાવી છે. તેવી રીતે થતા વિશ્લેષણને તક્તીઅ કહે છે.

પ્રાસવિન્યાસ : ધારો કે પાંચ શૅરની ગઝલ હોય તો તેના રદીફ-કાફિયા આ પ્રમાણે થાય :

      —  a A

      —  a A   —       1

      —  X X

      —  a A   —       2

      —  Y Y

      —  a A    —      3

      —  Z Z

      —  a A    —      4

      —  P P

      —  a A     —     5

પ્રથમ મત્લાની કડીમાં બંને લીટીના પ્રાસ મળે છે. તે જ પ્રાસ અનુપ્રાસ રૂપે પછી બધી કડીઓમાંના સાની મિસરામાં આવર્તન પામતો હોવો જોઈએ. આ સંરચનાથી જુદી જુદી કડીઓ એક સંવિધાનમાં આવતી લાગે છે.

રજનીકાન્ત પંચોલી

અંગ્રેજીમાં છંદરચના

છંદ, વૃત્ત, અથવા મીટર એટલે કાવ્યમાં લયબદ્ધ માપ પ્રમાણે અક્ષરો(syllable વ્યંજન, સ્વરયુક્ત શ્રુતિ)નો વિન્યાસ. કાવ્યમાં બેથી ત્રણ અક્ષરોનો ગણ (foot) થાય. અને ત્રણ, ચાર, પાંચ કે છ ગણની એક પંક્તિ થાય. બે પંક્તિની એક કંડિકા થાય. બે કંડિકાની યુગ્મકંડિકા (couplet) થાય; ત્રણ પંક્તિની મૂળ ઇટાલિયન ટેર્સારીમા થાય; સાત પંક્તિની મૂળ નૉર્મન ફ્રેંચમાંથી આવેલી રાઇમ રૉયલ થાય; નવ પંક્તિની સ્પેન્સેરિયન કંડિકા થાય. આ બધાં કંડિકાસ્વરૂપોમાં અલગ અલગ અંત્યપ્રાસની વ્યવસ્થા હોય છે.

કાવ્યની પંક્તિઓમાં એક જ લયનાં આવર્તન હોય તો કર્ણમાધુર્ય ઊપજે છે. આવર્તિત પંક્તિના છેડે પ્રાસ મળે તો શ્રુતિચારુત્વ અને ગેયતા વધે છે.

ગ્રીક અને લૅટિનની પદ્યપંક્તિઓ અક્ષરોમાં આવતા ગુરુ અને લઘુ સ્વરોના ઉચ્ચારણ ઉપર આધારિત હતી. સંસ્કૃતમાં અક્ષરમેળ છંદનું બંધારણ છે તેવું બંધારણ આ ભાષાઓની કાવ્યપંક્તિઓનું હતું. અક્ષરને તેમાં આવતા સ્વરની ઉચ્ચારણગત લંબાણટૂંકાણની સમયાવધિ પ્રમાણે તે તે ભાષાના ધ્વનિવિજ્ઞાનની વ્યવસ્થા પ્રમાણે ગુરુ કે લઘુ ગણવામાં આવતી. ગ્રીક લૅટિન પદ્યશાસ્ત્રના ગણ નીચે પ્રમાણે છે :

        (1)     આયેમ્બસ : બે અક્ષરનો ગણ; પહેલો લઘુ, બીજો ગુરુ, ∪ —

        (2)     ટ્રૉકી : બે અક્ષરનો ગણ; પહેલો ગુરુ, બીજો લઘુ;  — ∪

        (3)     સ્પૉન્ડી : બે અક્ષરનો ગણ; બંને અક્ષર ગુરુ; — —

        (4)     પિરસ : બે અક્ષરનો ગણ; બંને અક્ષર લઘુ; ∪ ∪

        (5)     ઍનપિસ્ટ : ત્રણ અક્ષરનો ગણ; પહેલા બે લઘુ, ત્રીજો ગુરુ, ∪ ∪ —

        (6)     ડેક્ટિલ : ત્રણ અક્ષરનો ગણ; પહેલો ગુરુ, બીજા બે લઘુ — ∪ ∪

ગ્રીક અને લૅટિનમાં વર્ણનાત્મક કાવ્યની પંક્તિઓ ખાસ કરીને પાંચ ગણની પેન્ટામીટર (pentameter) અથવા છ ગણની હેક્સામીટર (hexa meter)માં લખાતી. હોમરના ઇલિયડની પંક્તિઓ છ ગણની હેક્સામીટરમાં છે. આવા ગણ બે અથવા ત્રણ અક્ષરના પણ હોઈ શકે. તેથી કાવ્યના ઉચ્ચારણમાં વૈવિધ્ય આવે, આ હેક્સામીટરને એપિક મીટર પણ કહે છે. ગ્રીક-લૅટિન કાવ્યસાહિત્યના ઍલિજી, ઓડ, થ્રેવીડી, લિરિક જેવા પ્રકારોના પંક્તિબંધારણમાં પણ આ ગણોને જ એકમ તરીકે લેખવામાં આવે છે; પરંતુ તેમની પ્રાસવ્યવસ્થા તથા પંક્તિઓની લંબાઈમાં વૈવિધ્ય હોય છે.

પશ્ચિમ યુરોપની ઇટાલિયન અને ફ્રેંચ ભાષા લૅટિનમાંથી ઊતરી આવી છે. કાળક્રમે થતા ધ્વનિપરિવર્તનથી હવે તે (લૅટિન નહિ પણ) ઇટાલિયન અથવા ફ્રેંચ ભાષા કહેવાય છે. અંગ્રેજી ભાષા બંને ભાષાથી ભિન્ન જરમૅનિક કુળની છે.

અંગ્રેજી પ્રજા ઉપર 1066માં નૉર્મન્ડીથી નૉર્મન-ફ્રેંચભાષી રાજ્યકર્તાઓ આવ્યા. તેમની હાલ લુપ્ત બનેલી ભાષા ઉપરથી અર્વાચીન અંગ્રેજી છંદ-વ્યવસ્થા ગોઠવાયેલી છે.

આ નૉર્મન-ફ્રેંચની અસર નીચે આવ્યા પહેલાં સાતમીથી દશમી સદી સુધીના અંગ્રેજી પદ્યનું રૂપ જુદું જ હતું. આ પદ્યરચના વર્ણસગાઈવાળી (alliterative verse) કહેવાય છે. આ પદ્યવ્યવસ્થામાં એક પંક્તિના બે ભાગ રાખવામાં આવે છે. પ્રથમ ભાગ મોટો અને બીજો નાનો. પ્રથમ ભાગમાં વર્ણસગાઈવાળા બે શબ્દો મુખ્ય હોય છે ને બીજામાં તેવી વર્ણસગાઈવાળો એક શબ્દ હોય છે. વચ્ચે યતિ (caesura) હોય છે; દા.ત.,

ઇન નિથ અવ્ મેયઅહ્ હ્વેન મર્થિઝ બિન ફેલઅ

ચૌદમી સદીથી આ પ્રકાર નષ્ટપ્રાય થતો ગયો. જોકે ચૉસર- (ચૌદમી સદી)ના સમકાલીન અને ‘પિઅર્સ પ્લાઉમન’ના કાવ્યકાર લેલૅન્ડ આ વર્ણસગાઈવાળી પદ્યપંક્તિનો ઉપયોગ કરે છે.

ચૉસરે મુખ્ય તથા નૉર્મન-ફ્રેંચનાં કંડિકારૂપો પ્રયોજ્યાં. તેમાં હિરોઇક કપ્લેટ મુખ્ય છે. આ કંડિકામાં આયેમ્બિક પેન્ટામીટરની બે પંક્તિ પ્રાસયુક્ત થાય અને એક યુગ્મકંડિકા બને; દા.ત.,

હવેન આપ્રિલ્લ વિથ હિઝ શાઉરિઝ સૂટઅ

દ્રુખ્ત અવ્ માર્ચ હેથ પર્સિડ ટુ રૂટઅ

કાળક્રમે અક્ષરના સ્વરની ગુરુતા-લઘુતા પર આધારિત ગ્રીક લૅટિન છંદવ્યવસ્થાથી, ઇટાલિયન અને ફ્રેંચ વ્યવસ્થા ઉચ્ચારણભેદે જુદી પડે છે. આ નવ્ય ભાષાઓમાં અક્ષરના સ્વરની ગુરુતા-લઘુતા ઉપરથી નહિ પણ તેમાં સ્વરભાર છે કે નહિ તેના ઉપરથી પદ્યપંક્તિ બંધાય છે. આ પદ્યની તક્તી કરવા (scan) માટે ગણનાં નામ તો તેનાં તે જ એટલે કે આયેમ્બસ, ટ્રૉકી વગેરે રહે છે. પણ તેમાં સ્વરભાર છે કે નહિ તે દર્શાવવાનાં પ્રતીક જુદાં યોજાય છે. પહેલાં ગુરુલઘુ ¾ È પ્રતીકોથી જણાવાતાં હવે સ્વરભારયુક્ત અક્ષર (stress — syllable) માટે  (ચિહન) વપરાય છે અને સ્વરભારવિહીન અક્ષર માટે x (ચિહન) વપરાય છે; પરંતુ ગણનું નામ તો તેનું તે જ રાખવામાં આવે છે. ઉદાહરણ તરીકે અંગ્રેજી શબ્દ મ્યૂ-ઝિ-યમમાં ત્રણ અક્ષર (syllable) છે. પહેલો અક્ષર લંબાઈમાં ગુરુ છે. પણ અંગ્રેજી ઉચ્ચારણવ્યવસ્થા પ્રમાણે એ સ્વરભારયુક્ત નથી. જ્યારે ઝિ બીજો અક્ષર લંબાઈમાં લઘુ છે પણ એ સ્વરભારયુક્ત છે. તેથી xx´ આમ ઉચ્ચારણ થાય. અંગ્રેજી હઉ ટેલમાં બે અક્ષર છે. જેમાં પહેલો સ્વરભારયુક્ત નથી અને બીજો છે.

અંગ્રેજી ભાષાનું ખાસ ખેડાયેલું પદ્યરૂપ બ્લૅન્ક વર્સ છે. તેનું બંધારણ પાંચ આયેમ્બસ ગણનું છે.

આને અંત્યપ્રાસની જરૂર ન હોવાથી બ્લૅન્ક વર્સ કહે છે. આમાં ચારુતા તથા વૈચિત્ર્ય આણવા માટે અમુક ગણ આયેમ્બસના બદલે બીજા પાંચમાનો કોઈ પણ એક હોઈ શકે. આને છંદ-ક્ષતિ નહિ પણ એક જાતનું ચારુત્વ લેખવામાં આવે છે. શેક્સપિયર અને મિલ્ટનનાં મોટા ભાગનાં કાવ્યો આ પદ્યરૂપમાં છે. ચૉસરની હિરોઇક કપ્લેટ પણ સત્તરમી સદીના કવિ ડ્રાયડન અને અઢારમી સદીના કવિ ઍલેક્ઝાન્ડર પોપના હાથે પરિષ્કૃત થઈને ઉત્તમ કવિતાનું વાહન બને છે.

અંગ્રેજીમાં ઘણી લિરિક રચનાઓ આયેમ્બિક બે ગણ, ત્રણ ગણ, અથવા ચાર ગણની નાની પંક્તિઓમાં જુદી જુદી પ્રાસવ્યવસ્થાથી કરવામાં આવે છે.

અંગ્રેજીમાં પદ્યવ્યવસ્થા નૉર્મન-ફ્રેંચ પરથી આવી તેમ જુદાં જુદાં કાવ્યરૂપો પણ બીજી યુરોપીય ભાષાઓમાંથી આવ્યાં છે.

રાઇમ રૉયલ ફ્રેંચમાંથી આવેલું કાવ્યસ્વરૂપ છે. તેમાં પાંચ ગણ- (મુખ્યતયા આયેમ્બિક)ની સાત પંક્તિઓ હોય છે અને તેમની પ્રાસરચના એ પ્રમાણે હોય છે. શેક્સપિયરના સમકાલીન કવિ એડમન્ડ સ્પેન્સરે એક નવું કંડિકારૂપ યોજ્યું, જે તેના નામથી સ્પેન્સેરિયન સ્ટૅન્ઝા કહેવાય છે. રાણી એલિઝાબેથ પહેલીનાં ગુણગાન કરતું કાવ્ય ‘ફેરી ક્વીન’ આ પ્રકારની કંડિકામાં લખાયું છે. આ નવ પંક્તિની કંડિકા છે. આઠ પંક્તિઓ પાંચ ગણવાળી આયેમ્બિક પંક્તિઓ અને નવમી પંક્તિ છ ગણવાળી હોય છે. પ્રાસરચના આ પ્રકારની છે. ab abb cd dd આ સ્ટૅન્ઝા-પ્રકાર સ્પેન્સરની પછી બાયરન (‘ચાઇલ્ડ હેરલ્ડ’), શેલી (‘અડૉનિસ’) કીટ્સ (‘ધ ઇવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ’) વગેરે કવિઓએ પણ સફળતાથી યોજ્યો છે.

ઇટાલિયનમાંથી અંગ્રેજીમાં આવેલ બીજા પદ્યપ્રકારો છે સૉનેટ, ટેર્સારીમા અને ઓટાવારીમા.

સૉનેટ ઇટાલિયન કવિ પૅટ્રાર્કના અનુકરણમાં અંગ્રેજીના સોળમી સદીના કવિ વાઇટ અને સરી લાવ્યા તે પછી તેમાં એલિઝાબેથ યુગના કવિઓએ ઘણું કામ કર્યું છે. પ્રખ્યાત અંગ્રેજી સૉનેટકાર છે સર ફિલિપ સિડની, ડ્રેયટન, શેક્સપિયર, મિલ્ટન. ઓગણીસમી સદીમાં વર્ડ્ઝવર્થે પણ ઘણાં સારાં સૉનેટ રચ્યાં છે. તે આયેમ્બિક પેન્ટામીટરની ચૌદ પંક્તિઓવાળું કાવ્યરૂપ છે. તેની રચના મૂળ ઇટાલિયન રૂપમાં 8 અને 6 પંક્તિઓના બે ખંડમાં થતી. અંગ્રેજી કવિઓ ચાર ચાર પંક્તિની ત્રણ કંડિકાઓ અને છેલ્લે યુગ્મકંડિકા યોજે છે. ઇટાલિયન રૂપમાં પ્રાસવ્યવસ્થા ab ba cd dc | | efg efg છે અને અંગ્રેજી પ્રકારના સૉનેટની પ્રાસવ્યવસ્થા ab ab, cd cd, ef ef અને g g છે.

ટેર્સારીમા : આ પદ્યપ્રકારમાં કવિ દાન્તેની ‘ધ ડિવાઇન કૉમેડી’ લખાઈ છે. તેનું અંગ્રેજી રૂપ આયેમ્બિક પેન્ટામીટરની ત્રણ પંક્તિઓની કંડિકાનું છે, પણ તેની પ્રાસવ્યવસ્થા સંકુલ હોય છે. તે એક કંડિકાને બીજી કંડિકાથી જોડતી જોડતી આગળ વધે છે. જેમ કે a b a, b c b, c d c, d e d, e f e. અંગ્રેજ કવિ શેલીનું પ્રખ્યાત કાવ્ય ‘ઑડ ટુ ધ વેસ્ટ વિન્ડ’ આ પદ્યપ્રકારમાં લખાયું છે.

ઓટાવારીમા : આ પદ્યપ્રકાર પણ ઇટાલીથી અંગ્રેજી સાહિત્યમાં આવ્યો છે. આઠ પંક્તિઓની એક કંડિકા થાય છે અને દરેક પંક્તિ આયેમ્બિક પેન્ટામીટર હોય છે. તેની પ્રાસરચનામાં ત્રણ ત્રણ પંક્તિઓ એકબીજી સાથે પ્રાસ મેળવે છે. અને છેલ્લે બે પંક્તિ યુગ્મક રચે છે :

ab ab ab cc

ઓગણીસમી સદીના રોમૅન્ટિક યુગના કવિ લૉર્ડ બાયરને પ્રવાસ- વર્ણનકાવ્યો અને કથાકાવ્યોમાં આ પદ્યપ્રકાર વાપર્યો છે.

રજનીકાન્ત પંચોલી