ચ્યાંગ કાઈ-શેક (જ. 31 ઑક્ટોબર 1887, ચિક્રાઉ (ચેકિયાંગ); અ. 5 એપ્રિલ 1975, ફૉર્મોસા) : ઈ. સ. 1931થી ઈ. સ. 1949 સુધી પ્રજાસત્તાક ચીનની રાષ્ટ્રવાદી સરકારના વડા. જનરાલિસિમો (સેનાપતિ) ચ્યાંગ કાઈ-શેકના નામનો ચીની ભાષામાં અર્થ થાય છે : ‘સૂર્યદેવતાનો ખડ્ગ-બાહુ’. શાળાનું શિક્ષણ પૂરું કર્યા પછી ઈ. સ. 1906માં તેઓ પોઓટિંગ-ફૂની લશ્કરી તાલીમ-શાળામાં દાખલ થયા; ત્યાંથી વળતે વર્ષે તેમને તેજસ્વી વિદ્યાર્થી તરીકે વધારે તાલીમ માટે જાપાન મોકલવામાં આવ્યા. અહીં તેઓ વિદેશવાસ ભોગવતા ચીનના
રાષ્ટ્રવાદી ક્રાંતિકારી નેતા ડૉ. સુન યાટ-સેનના સંપર્કમાં આવ્યા અને તેમની ક્રાંતિકારી સંસ્થા(તુંગ-મેંગ-હુઈ)ના સભ્ય બન્યા. તેમણે આ સંસ્થા તરફથી ઈ. સ. 1911ની ચીની ક્રાંતિમાં ભાગ લીધો હતો. ક્રાંતિ પછી પણ ચીનના સરમુખત્યાર બની બેઠેલા યુઆન શીહ-કાઈને હઠાવવાના સંઘર્ષમાં તેમણે ડૉ. સુન યાટ-સેનને સાથ આપ્યો હતો.
આ સંઘર્ષ દરમિયાન જ ઈ. સ. 1916માં ડૉ. સુન યાટ-સેને દક્ષિણ ચીનમાં કૅન્ટૉનમાં સ્વતંત્ર રાષ્ટ્રવાદી સરકારની સ્થાપના કરી. તેમણે પોતાની ક્રાંતિકારી સંસ્થાને ‘કુઓ મિન્ટાંગ’(કુઓ = દેશ, મિન = જનતા, ટાંગ = પક્ષ, અર્થાત્ ‘રાષ્ટ્રવાદી જનતા પક્ષ’)નું નામ આપી, તેની રશિયાના સામ્યવાદી પક્ષના ધોરણે નવરચના કરી. તે ઉપરાંત, તેમણે પક્ષના સભ્યોને લશ્કરી તાલીમ આપવા માટે કૅન્ટૉન પાસે વ્હામ્પોઆમાં એક લશ્કરી તાલીમ શાળા ખોલી અને ચ્યાંગ કાઈ-શેકને તેના વડા બનાવ્યા.
ઈ. સ. 1925માં ડૉ. સુન યાટ-સેનનું અવસાન થતાં ચ્યાંગ કાઈ-શેકે પક્ષના જમણેરી સભ્યો (વેપારીઓ અને શ્રીમંતો) તથા લશ્કરી શાળાના સૈનિકોની મદદથી પક્ષ અને સરકાર ઉપર કબજો જમાવી દીધો. તે પછી ઈ. સ. 1926માં તેમણે પક્ષનાં લશ્કરી દળો સાથે કૂચ કરી. આ કૂચ દરમિયાન તેમણે એક જ વર્ષમાં દક્ષિણ ચીનના બધા જ પ્રાંતો કબજે કર્યા તથા નાનકિંગને રાષ્ટ્રવાદી સરકારની રાજધાની બનાવી. દરમિયાનમાં તેમણે પક્ષમાં ઘૂસી ગયેલ સામ્યવાદીઓની ‘સાફસૂફી’ કરી. તે પછી તેમણે ઉત્તર તરફની આગેકૂચ જારી રાખી, પેકિંગ (હાલનું બેજિંગ) કબજે કર્યું તથા ત્યાં રાજધાની ખસેડી. અહીં તેમણે નવું બંધારણ ઘડી, તે મુજબ ધારાસભાની ચૂંટણી કરાવી અને આ ધારાસભાએ 1931માં તેમને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા. આમ, તેઓ એકીસાથે પક્ષના, રાષ્ટ્રના, સરકારના તથા લશ્કરના વડા બન્યા તથા જિંદગીભર આ હોદ્દા ઉપર રહ્યા.
ચ્યાંગ કાઈ-શેકે ચીનમાં બળવાન કેન્દ્રીય સરકારની સ્થાપના કરી, દેશમાં આર્થિક, શૈક્ષણિક તથા સામાજિક સુધારા કર્યા અને વિદેશી સત્તાઓ સાથે સમજૂતીઓ કરીને તેમણે લગભગ એક સદી પહેલાં પ્રાપ્ત કરેલા અને ચીનના રાષ્ટ્રીય સાર્વભૌમત્વ ઉપર કલંક જેવા, તેમના વિશેષાધિકારો રદ કરાવ્યા. આમ છતાં, સામાન્ય જનતાની ગરીબી દૂર કરવામાં તે નિષ્ફળ ગયા. વળી, 1931માં જાપાને ચીનના મંચુરિયા પ્રાંત ઉપર આક્રમણ કરી, તેના ઉપર કબજો જમાવી દીધો, ત્યારે તેમણે જાપાનનો સામનો કરવાને બદલે તેને નમતું આપ્યું. આને કારણે લોકોમાં ચ્યાંગ કાઈ-શેકની પ્રતિષ્ઠા ઝાંખી પડી. તેમણે ચીનમાંથી જાપાનને હાંકી કાઢવાને બદલે સામ્યવાદીઓને હાંકી કાઢવાના પ્રયત્નો કર્યા; પરંતુ તેમાં તેઓ સફળ થયા નહિ. દરમિયાનમાં ઈ. સ. 1937માં જાપાને ચીન ઉપર રીતસર આક્રમણ કર્યું અને મૉંગોલિયા, પેકિંગ, શાંગહાઈ, નાનકિંગ અને કૅન્ટૉન જીતી લીધાં. ચ્યાંગ કાઈ-શેક આ બધે મોરચે જાપાની દળોની સામે પીછેહઠ કરતા ગયા અને છેવટે પોતાની સરકાર સાથે પશ્ચિમ ચીનમાં સરહદે આવેલા ચુંગકિંગ પ્રાંતમાં ખસી ગયા. અહીં તેમને બર્મા (હાલનું મ્યાનમાર) તથા હિંદી-ચીનમાંથી ઇંગ્લૅન્ડ અને અમેરિકા તરફથી મદદ મળતાં તેઓ ટકી રહ્યા.
ઈ. સ. 1941માં જાપાન દ્વિતીય વિશ્વવિગ્રહમાં ભળ્યું, ત્યારે ચ્યાંગ કાઈ-શેકને જાપાનની સામે ચીની સામ્યવાદીઓ(જેમણે વાયવ્ય ચીનમાં શાનસી પ્રાંતમાં અલગ સરકાર સ્થાપી હતી)નો પણ ટેકો મળ્યો હતો; પરંતુ ઈ. સ. 1945માં દ્વિતીય વિશ્વવિગ્રહમાં જાપાનનો પરાજય થતાં, સામ્યવાદીઓએ ચ્યાંગ કાઈ-શેકને આપેલો ટેકો પાછો ખેંચી, તેમની જ સામે યુદ્ધ જાહેર કર્યું. પરિણામે, ચ્યાંગ કાઈ-શેકનાં રાષ્ટ્રવાદી દળો અને માઓ ત્સે-તુંગની નેતાગીરી નીચેનાં સામ્યવાદી દળો વચ્ચે ચાર વર્ષ સુધી ભીષણ આંતરવિગ્રહ ચાલ્યો, જેમાં આખરે સામ્યવાદીઓનો વિજય થયો. તેમણે ઈ. સ. 1949ની ઑક્ટોબરની પહેલી તારીખે ચીનમાં સામ્યવાદી શાસનની ઘોષણા કરી અને ચ્યાંગ કાઈ-શેકને ચીનની તળભૂમિ ત્યજી દઈને નજીકના ફૉર્મોસા (તાઇવાન) ટાપુમાં નાસી જવું પડ્યું. અહીં તેમણે પોતાની સરકાર જ ચીનની સાચી રાષ્ટ્રીય સરકાર છે તેમ જાહેર કર્યું. અમેરિકા સહિત વિશ્વનાં અનેક રાષ્ટ્રોએ તેને ચીનની સાચી સરકાર તરીકે માન્યતા આપી; એટલું જ નહિ, પણ તેને યુનોમાં તથા તેની સલામતી સમિતિના કાયમી સભ્ય તરીકે પણ લેવામાં આવ્યું. ચ્યાંગ કાઈ-શેક જિંદગીભર આ ફૉર્મોસાની કહેવાતી ચીની રાષ્ટ્રવાદી સરકારના વડા રહ્યા. તેમનું અવસાન થતાં તેમનો પુત્ર સરકારનો વડો બન્યો.
ચ્યાંગ કાઈ-શેક ચીનના શક્તિશાળી નેતા હતા; પરંતુ તેમનો સત્તાપ્રેમ, આમજનતાની હાડમારીઓને તથા વહીવટમાંથી ભ્રષ્ટાચારને દૂર કરવાની તેમની અસમર્થતા અને અમેરિકાનું આશ્રિતપણું – આ તત્વોએ તેમને ચીનની જનતામાં અળખામણા બનાવી દીધા હતા.
દેવેન્દ્ર ભટ્ટ