ચૌહાણ, ચેતન પ્રતાપસિંઘ (જ. 21 જુલાઈ 1947 બરેલી, ઉત્તર- પ્રદેશ; અ. 16 ઑગસ્ટ 2020, ગુરુગ્રામ) : ભારતનો ઓપનિંગ બૅટ્સમૅન તથા ઑફબ્રેક ગોલંદાજ અને વિકેટની નજીકનો ચપળ ક્ષેત્રરક્ષક. ચેતન ચૌહાણના પિતા આર્મી ઑફિસર હતા. 1960માં તેમણે પૂનામાં વસવાટ કર્યો. ચેતન ચૌહાણે બી.એ.ની ડિગ્રી વાડિયા કૉલેજ પુણેમાંથી મેળવી. તેમણે રોહનટન બારિમા ટ્રોફી માટે પૂના યુનિવર્સિટી તરફથી પ્રતિનિધિત્વ કર્યું અને તેમનો ક્રિકેટ ક્ષેત્રે પ્રવેશ થયો. 1967–68માં રણજી ટ્રૉફીમાં મહારાષ્ટ્ર તરફથી પ્રવેશ. 1974–75 સુધી મહારાષ્ટ્ર તરફથી અને ત્યારબાદ 1975–76થી દિલ્હી તરફથી રણજી ટ્રૉફીમાં રમ્યા.
ઑસ્ટ્રેલિયા (1977–78; 1980–81), પાકિસ્તાન (1978–79), ઇંગ્લૅન્ડ (1979) અને ન્યૂઝીલૅન્ડ(1980–81)નો વિદેશ પ્રવાસ. ટેસ્ટમાં ગાવસ્કરના ઓપનિંગ સાથી તરીકે વિશિષ્ટ નામના હાંસલ કરી. 40 ટેસ્ટમાં 31.57ની સરેરાશથી 2084 રન. 1980-81માં એડિલેડ ખાતે કરેલા 97 રન એ એમનો સૌથી મોટો ટેસ્ટ જુમલો. 1982માં અર્જુન ઍવૉર્ડ. દિલ્હીમાં બૅંક ઑવ્ બરોડામાં નોકરી; પરંતુ 1991ની ચૂંટણીમાં નોકરી છોડીને ઉત્તરપ્રદેશના અમરોહા મતવિસ્તારમાંથી ભારતીય જનતા પક્ષના લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા.
કુમારપાળ દેસાઈ