ચૌહાણ, આશિષ  (. 16 માર્ચ, 1968, અમદાવાદ, ગુજરાત) :  નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઇ)ના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (સીઇઓ) અને મૅનેજિંગ ડાયરેક્ટર (એમડી). બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (બીએસઇ)ના પૂર્વ એમડી અને સીઇઓ, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(યુજીસી)ના સભ્ય તથા પ્રયાગરાજ (અલ્લાહાબાદ) યુનિવર્સિટીના ચાન્સેલર. આઇઆઇટી, બૉમ્બે અને આઇઆઇએમ, કલકત્તામાંથી ટૅક્નૉક્રેટ.

મૂળે ગુજરાતી આશિષ ચૌહાણે પ્રાથમિક શિક્ષણ અમદાવાદના પાલડી વિસ્તારમાં સ્થિત દીવાન બલ્લુભાઈ માધ્યમિક શાળામાંથી મેળવ્યું. ત્યાર બાદ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજી, બૉમ્બેમાંથી મિકૅનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ, કૉલકાતામાં પોસ્ટગ્રૅજ્યુએટ ડિપ્લોમાની ઉપાધિ મેળવી. કૉલકાતામાં આઇઆઇએમ કૅમ્પસમાંથી જ 1991માં ચૌહાણ ભારતીય ઔદ્યોગિક વિકાસ બૅંક(આઇડીબીઆઈ)માં ઑફિસર તરીકે ભરતી થયા.

સરકારે 1993માં નૅશનલ સ્ટૉક એક્સચેન્જ(એનએસઇ)ની સ્થાપના કરવાની દરખાસ્ત રજૂ કરી અને આ માટે મુખ્ય ટીમમાં ચૌહાણનો સમાવેશ થયો. ટીમના સભ્ય તરીકે 1993થી 2000 સુધી ચૌહાણે એનએસઇ માટે ઇક્વિટી અને ડેરિવેટિવ્સ બજાર સ્થાપના કરવાની જવાબદારી અદા કરી. સાથે સાથે, એનએસઇ માટે ભારતમાં પ્રથમ વાણિજ્યિક સેટેલાઇટ ટેલિકૉમ નેટવર્ક સહિત ઇન્ફર્મેશન ટૅક્નૉલૉજી માળખું સ્થાપિત કરવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરી. નૅશનલ સિક્યૉરિટીઝ ક્લિયરિંગ કૉર્પોરેશન(એનએસસીસીએલ) અને નૅશનલ સિક્યૉરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ(એનએસડીએલ)ની સ્થાપના માટેની યોજનામાં પણ ચૌહાણ સંકળાયેલા હતા.

2001માં એનએસઇ છોડીને ચૌહાણ રિલાયન્સ ઇન્ફોકૉમના ચીફ ઇન્ફર્મેશન ઑફિસર (સીઆઇઓ) બન્યા. પછી 2005માં રિલાયન્સ ગ્રૂપના સીઆઇઓ બનાવવામાં આવ્યાં. 2009માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છોડીને ચૌહાણ બીએસઇના ડેપ્યુટી સીઇઓ બન્યા અને 2012માં સીઇઓ તરીકે પ્રમોટ થયા. 2013માં તેમણે બીએસઇ સ્ટાર એમએફ નામનું મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યૂશન પ્લૅટફૉર્મ વિકસાવ્યું હતું. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ સ્થાપિત કરવામાં પણ ચૌહાણે ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. 2022માં ચૌહાણે એમડી અને સીઇઓ તરીકે એનએસઇમાં પુનરાગમન કર્યું.

કૉર્પોરેટ ઉપરાંત ચૌહાણ જાહેર નીતિ અને ઉચ્ચશિક્ષણમાં પણ પ્રદાન ધરાવે છે. તેઓ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના સભ્ય છે, પ્રયાગરાજ (અલ્લાહાબાદ) યુનિવર્સિટીના ચાન્સેલર છે, આઇઆઇએમ-કૉલકાતાના ગવર્નિંગ બોર્ડના સભ્ય છે તથા ડેટા સિક્યૉરિટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના બોર્ડના સભ્ય પણ છે.

તેમણે પોતાના જીવનની સફર પર ‘સ્થિતપ્રજ્ઞઃ ધ પ્રોસેસ ઑફ મેઇન્ટેનિંગ એન ઇક્વિલિબ્રિયમ’ નામનું પુસ્તક લખ્યું છે.

તેમને સીઇઓ ઑફ ધ યર, ઇન્ડિયન બિઝનેસ લીડર ઑફ ધ યર વગેરે પુરસ્કારો પણ એનાયત થયા છે.

કેયૂર કોટક