ચૌર પંચાશિકા : કાશ્મીરી કવિ બિલ્હણ(સમય ઈ. સ. 1050–1127)નું પ્રસિદ્ધ કાવ્ય. તે વસંતતિલકા છંદમાં રચેલા 50 શ્લોકોનું છે. એનાં ‘ચૌરપંચાશિકા’, ‘ચૌરસુરતપંચાશિકા’, ‘ચૌરીસુરત- પંચાશિકા’ અને ‘બિલ્હણકાવ્ય’ – એવાં ચાર નામો પ્રચલિત છે. એમાં યુવાન કવિના રાજકુમારી સાથેના છૂપા પ્રેમની વાર્તા ગૂંથેલી છે. પરંપરા મુજબ યુવાન અને રૂપાળો કવિ રાજકુમારીના પ્રેમમાં પડી છૂપી રીતે આનંદપ્રમોદ માણ્યા પછી પકડાય છે અને રાજાના ગુસ્સાથી ફાંસીની સજા પામે છે. ફાંસીના માંચડા પર ચડતાં ચડતાં તે રાજકુમારી સાથે માણેલા વિલાસોને જાહેરમાં અંતિમ ઇચ્છા તરીકે વર્ણવે છે. આ કાવ્યમાં પોતાના પ્રેમનું અને પ્રેમિકા સાથેના દૈહિક વિલાસોનું વર્ણન રાજાને સ્પર્શી જતાં ખુશ થયેલો રાજા કવિની સજા માફ કરી તેનાં લગ્ન રાજકુમારી સાથે કરાવી આપે છે.
કાશ્મીરી અને ઉત્તર ભારતીય પરંપરા મુજબ આ રાજકુમારી મહિલાપત્તનના રાજા વીરસિંહની પુત્રી ચંદ્રલેખા હતી. દક્ષિણ ભારતીય પરંપરા મુજબ આ રાજકુમારી પાંચાલના રાજા મદનાભિરામની પુત્રી યામિની પૂર્ણતિલકા હતી. રામ તર્કવાગીશના અભિપ્રાય મુજબ, ચોરપલ્લીના સુંદર નામના રાજકુમારને રાજા વીરસિંહની પુત્રી વિદ્યા સાથે છૂપા પ્રેમસંબંધને લીધે થયેલી ફાંસીની સજામાંથી બચવા કાલિ દેવીની સ્તુતિ કરતા 50 શ્લોકોની કવિતા એ ‘ચૌરપંચાશિકા’ છે. ચૌર નામના કવિની આ રચના છે એવો પણ એક મત છે. અંગ્રેજ વિદ્વાન કીથ ચોરની દીકરી ચૌરી સાથેના પ્રણયની વાર્તા આ કાવ્યમાં હોવાનું માને છે. કુલ 50 શ્લોકોમાંથી 33 શ્લોકો બધી હસ્તપ્રતોમાં સમાન છે. બાકીના શ્લોકોને કીથ પ્રક્ષિપ્ત માને છે. બિલ્હણના જીવન વિશે આપણને પ્રાપ્ત થતી માહિતીમાં રાજકુમારી સાથે પ્રણયની વાત ક્યાંય મળતી નથી તેથી આ કાવ્યમાં કવિની કલ્પના જ રહેલી જણાય છે. પાછળથી શ્લોકો ઉમેરાયા છતાં આ કાવ્યમાં સંવાદિતા અને એકસૂત્રતા રહેલી છે.
આ લોકપ્રિય કાવ્યમાં કલ્પનાવૈવિધ્ય, સૌંદર્યર્દષ્ટિ, પ્રેમનાં પૂર્વાનુભૂત સુખોની સ્મૃતિઓનું આકર્ષક ચિત્રણ, સરળ અને ભાવપૂર્ણ કાવ્યશૈલી, નિર્ભય નાયક, હિંમતવાળી નાયિકા, નાયક-નાયિકાના દેહસંબંધનાં ઉત્તેજક શૃંગારિક ચિત્રો જોવા મળે છે. આ રમણીય કાવ્યમાં ઉઘાડો કે અનુચિત શૃંગાર, પ્રેમના ગૌરવનો અભાવ, યૌનસંબંધોને જ શૃંગાર લેખવાનું વલણ, પુનરુક્તિઓ વગેરે વાચકને ખટકે તેવાં છે. કરુણાની ઊર્મિ તથા શૃંગારના રમણીય આલેખનથી આ કાવ્ય મધ્યયુગના ‘કૃષ્ણકર્ણામૃત’ જેવાં કાવ્યો પર કવિવર જયદેવના ‘ગીતગોવિંદ’ના જેવી જ અસર જન્માવી છે.
પ્ર. ઉ. શાસ્ત્રી