ચૌધરી, શંખો (જ. 25 ફેબ્રુઆરી 1916, દેવઘર, બિહાર, અ. 2007) : પ્રસિદ્ધ ભારતીય શિલ્પી. વીસમી સદીમાં ભારતીય ચિત્રશિલ્પક્ષેત્રે ભારે પરિવર્તન આવ્યું. પરદેશના વાદોની સાર્વત્રિક અસરો હતી. શાળાશિક્ષણ ઢાકામાં થયું. પછી શાંતિનિકેતનમાં જોડાયા. વિશેષ યોગ્યતા સાથે શાંતિનિકેતનમાંથી કલાનો ડિપ્લોમા લીધો. 1948માં મિનિસ્ટ્રી ઑવ્ એજ્યુકેશન દ્વારા યુવાનો માટેની સ્કૉલરશિપ મેળવી. 1949માં તેમણે તેમનાં શિલ્પોનો પ્રથમ વનમૅન-શો મુંબઈમાં કર્યો. ત્યારપછી અભ્યાસ અર્થે યુરોપ ગયા. ઇંગ્લૅન્ડ અને પૅરિસમાં કામ કર્યું. ઇટાલી, બેલ્જિયમ, સ્વિટ્ઝર્લૅન્ડ અને હોલૅન્ડના કલા-સંગ્રહાલયો જોયાં. તેનાથી તેમની ક્ષિતિજો વિસ્તરી.
1950માં વડોદરામાં મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં રીડર અને હેડ ઑવ્ ધ ડિપાર્ટમેન્ટ તરીકે જોડાયા. હવે ગુજરાત તેમની કર્મભૂમિ બની.
ચિત્રકલાક્ષેત્રે ગુજરાતમાં નારાયણ શ્રીધર બેન્દ્રે અને શિલ્પક્ષેત્રે શંખો ચૌધરી કલાપ્રવર્તકો બન્યા. શંખોનું કામ કલાનાં શુદ્ધ તત્વો રજૂ કરતું હતું અને તે દ્વારા એક કલાપ્રવાહ ઊભો થયો. લાકડું, પથ્થર, ધાતુ, માટી (ટેરાકોટા) વગેરે માધ્યમોમાં બૌદ્ધિક અભિગમથી નવસર્જન થયું. ચૌધરી વર્ષો સુધી વડોદરામાં અધ્યાપક રહ્યા બાદ મધ્યસ્થ લલિતકલા અકાદમી ન્યૂ દિલ્હીમાં અધ્યક્ષ તરીકે રહ્યા. મહેન્દ્ર પંડ્યા, રજનીકાન્ત પંચાલ, નરેન્દ્ર પટેલ, રાઘવ કનોરિયા, રમેશ પટેરિયા જેવા તેમના શિષ્યોએ આંતરરાષ્ટ્રીય સ્થાન મેળવેલ છે.
શિક્ષણકાર્ય સાથે 1954માં ઇન્ડિયન સ્કલ્પ્ચર ઍસોસિયેશનના પ્રથમ માનાર્હ સેક્રેટરી થયા અને તે જ વર્ષમાં ન્યૂ દિલ્હીથી પ્રેસિડન્ટ પ્લાક મળ્યો. 1956માં ભારતના પ્રથમ 9 કલાકારોમાં તેમને સ્થાન મળ્યું. આંતરયુનિવર્સિટી શિક્ષણક્ષેત્રે પણ કામ કર્યું. યુગોસ્લાવિયામાં આંતરરાષ્ટ્રીય સિમ્પોઝિયમમાં ભારતીય શિલ્પકલા વિશે રજૂઆત કરી.
1962માં રાજસ્થાન (ભારત) ખાતે મકરાણામાં શિલ્પના વર્કશૉપનું સંચાલન કર્યું. આ નિયુક્તિ મધ્યસ્થ લલિતકલા અકાદેમી દ્વારા થયેલી. બાદ 1965માં વ્યાખ્યાતા તરીકે પોલૅન્ડ ગયા. આ કાર્યક્રમ સાંસ્કૃતિક આદાનપ્રદાન કાર્યક્રમ હેઠળ થયો. 1966થી 68 વડોદરા ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં અધ્યક્ષ તરીકે કામ કર્યું. ઉંમર થતાં પણ પૂરા તરવરાટથી કામ કરતા. નવી પેઢીના ઉછેરમાં તેમનો મહત્વનો ફાળો રહ્યો. ભારત સરકાર આયોજિત પ્રદર્શનમાં તેમનાં શિલ્પો પ્રદર્શિત થયાં અને મૉસ્કો, ઈસ્ટર્ન યુરોપ, વેસ્ટ જર્મની, સ્વિટ્ઝર્લૅન્ડ, પૅરિસ, મલાયા, સિંગાપોર, અને ટોકિયોમાં રજૂ થયાં.
તેમનાં સર્જનોમાં અભ્યાસી તરીકે પોર્ટ્રેઇટ કર્યાં છે. સર્જક તરીકે પ્રણાલીગત તત્વો સાથે ટેરાકોટા અને આરસ, બ્રાઝ અને વૂડમાં નવાં રૂપો નિરમ્યાં છે. બ્રાંકુશી જેવા પરદેશી કલાકારની સાદગી તેમનામાં ઊતરી છે.
મોટા કદના શિલ્પમાં રાષ્ટ્રપિતા ગાંધીજીનું શિલ્પ બ્રાઝિલ માટે થયું. આ તેમની મોટી સિદ્ધિ હતી. તે જ રીતે મ. સ. યુનિવર્સિટીનાં મકાનો પર રિલીફ મ્યુરલ્સ કર્યાં. આ રીતે કલા જનતા સુધી પહોંચી.
નવા યુગના પ્રવર્તક ચૌધરી ગ્રીક કલાનાં શિલ્પોને ખૂબ વખાણતા. તેનું રચનાકૌશલ (composition) સમજાવતા. કલાનું સ્વરૂપ બદલાતું રહે પરંતુ તેનાં તત્ત્વોની જાળવણી માટે દરેક યુગે કલાકાર સજાગ હોય છે.
1956માં લલિત કલા અકાદમી તરફથી રાષ્ટ્રીય પુરસ્કાર, 1971માં પદ્મશ્રી, 1974માં ધ સેન્ટર ઇસ્કોલર ફિલિપાઇન્સ તરફથી માનદ્ ડિ. લિટ્, 1997માં રવીન્દ્ર ભારતી યુનિવર્સિટી દ્વારા માનદ્ ડૉકટરેટ, 2000-02માં કાલિદાસ સન્માન, 2002માં આદિત્ય કલા શિખર ઍવોર્ડ, 2004માં લલિત કલા અકાદમી તરફથી લલિત કલા રત્ન તેમ જ 2004માં લાઈફ ટાઈમ એચિવમેન્ટ ઍવોર્ડ પ્રાપ્ત થયા છે.
નટુભાઈ પરીખ