ચૌધરી મેદિની (જ. 1927, રામચા, જિ. કામરૂપ, અસમ; અ. 13 ફેબ્રુઆરી 2003, ગૌહત્તી) : અસમિયા નવલકથાકાર. ‘વિપન્ન સમય’ નામની તેમની ઐતિહાસિક નવલકથા બદલ તેમને 1999ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ગુવાહાટીની કૉટન કૉલેજમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી હતી. પ્રારંભમાં કેટલોક સમય તેમણે શાળામાં શિક્ષક તરીકે કામગીરી કરી. પછી એક દૈનિકના સહતંત્રી તરીકે કામ કર્યું. છેલ્લે તેઓ સરકારી નોકરીમાં જોડાયા. 1943–50માં પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓ માટે સ્વયંસેવક તરીકે તેમણે સેવા બજાવી. તેઓ બંગાળી તેમજ અંગ્રેજી ભાષાના જાણકાર હતા.
1971માં તેમની પ્રથમ નવલકથા પ્રગટ થઈ. ત્યારબાદ તેમણે 22 ગ્રંથોની રચના કરી. તેમાં 10 નવલકથાઓ અસમિયા ભાષામાં, 2 પ્રવાસવર્ણનો તથા 3 કૃતિઓ અંગ્રેજીમાં છે. તેમની મહત્ત્વની નવલકથાઓમાં ‘અરણ્ય પ્રાન્તાર’ (1972), ‘બોન્દુકા બેહાર’ (1976), ‘અરણ્ય આદિમ’ (1977), ‘તાત નદી નાશિલ’ (1977), ‘જાદુઘર’, ‘કીર્તિમુખ’, ‘સપન સપન લાગે’, ‘ફાગૂ નટ આજાર ફૂલ’ અને ‘ફિરંગદેવ’(1982)ની ગણના થયા છે.
‘તાત નદી નાશિલ’ને અસમ પ્રકાશન પરિષદનો પુરસ્કાર મળ્યો છે. ‘લૂઇત, બરાક અરુ ઇસ્લામ’ (1982) તેમની ગદ્યકૃતિ છે. ‘બોન્દુકા બેહાર’ મધ્ય યુગના વૈષ્ણવ લેખક અને ધર્મોપદેશક માધવદેવના જીવન પર આધારિત અને ‘ફિરંગદેવ’ કલાકાર અને રાજકીય ક્રાંતિકારી વિષ્ણુ રાભાના જીવન પર આધારિત ચરિત્રાત્મક નવલકથાઓ છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘વિપન્ન સમય’માં કેટલાક ઐતિહાસિક તેજસ્વી ચરિત્રલેખો છે. તેમાં એવા પુરાગામીઓનાં ચરિત્રો છે, જેઓ પોતાનાં નિર્ભેળ મનોબળ તથા ર્દઢ આસ્થા વડે અસમિયા પ્રજાને ભારતની રાષ્ટ્રીયતાના મુખ્ય પ્રવાહ સાથે ઓતપ્રોત કરી શક્યા હતા. અસમિયા પ્રજા ઓગણીસમી સદીના બ્રિટિશ આધિપત્યને કારણે લાંબા સમયથી અંધકારઘેરી અનિશ્ચિતતામાં અટવાતી અટૂલી પડી ગઈ હતી. તેના ઇતિહાસ અને સંસ્કૃતિ વિશેની તેમની ઊંડી જાણકારી આ મહાન ગ્રંથમાં છે.
મહેશ ચોકસી