ચૌધરી, અહીન્દ્ર (જ. 6 ઑગસ્ટ 1897, કોલકાતા; અ. 4 નવેમ્બર 1974, કોલકાતા) : રવીન્દ્રયુગની બંગાળી રંગભૂમિના અપ્રતિમ કલાકાર. પોતાના સ્વાભાવિક અને પ્રભાવશાળી અભિનય વડે તેમણે આધુનિક યુગની બંગાળી રંગભૂમિમાં નવો પ્રાણ રેડ્યો. 1923માં સ્ટાર થિયેટર(આર્ટ થિયટર લિ.)ના નાટક ‘કર્ણાર્જુન’માં અર્જુનની ભૂમિકા ભજવી વ્યાવસાયિક નટ તરીકે પોતાની કારકિર્દી આરંભી અને 1957 પર્યંત નવાં શિખરો સર કરતા રહ્યા. સ્ટાર થિયેટર, મિનર્વા થિયેટર, નાટ્યનિકેતન, રંગમહલ, નાટ્ય ભારતી વગેરે ખ્યાતનામ થિયેટર કંપનીઓ સાથે સંકળાયેલા અહીન્દ્ર ચૌધરી 1955માં વેસ્ટ બેંગાલ એકૅડેમી ઑવ્ ડાન્સ, ડ્રામા ઍન્ડ મ્યુઝિકના ડીન તરીકે નિમાયા. આ એકૅડેમી રવીન્દ્ર ભારતી યુનિવર્સિટીમાં ભળી ગઈ ત્યારે તેઓ નાટ્યવિભાગના અધ્યક્ષ બન્યા. 1957માં તેમણે કલકત્તા યુનિવર્સિટીમાં ગિરીશચંદ્ર સ્મૃતિ વ્યાખ્યાન આપ્યું. 1963માં ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’ના ખિતાબથી નવાજ્યા. 1970માં રવીન્દ્રભારતી યુનિ.એ તેમને ડી.લિટ્.ની માનાર્હ પદવી એનાયત કરી. તેમણે નાટક અને રંગમંચવિષયક અનેક પુસ્તકો લખ્યાં છે. તેમણે પોતાનાં સંસ્મરણો ‘ઇન સર્ચ ઑવ્ ધ લૉસ્ટ સેલ્ફ’ પુસ્તકમાં આલેખ્યાં છે જે તત્કાલીન બંગાળી રંગભૂમિ વિશે તલસ્પર્શી માહિતી પૂરી પાડે છે. તેમણે ટ્રસ્ટ બનાવી પોતાનું ઘર તથા વિશાળ લાઇબ્રેરી રાષ્ટ્રને અર્પણ કરી દીધાં હતાં. તેમની વિરલ અભિનયપ્રતિભાને કારણે લોકો તેમને ‘નટસૂર્ય’ કહેતા. તેમની યાદગાર ભૂમિકાઓમાં અર્જુન અને કર્ણ (કર્ણાર્જુન), દુર્યોધન (શ્રીકૃષ્ણ), દશરથ અને રાવણ (શ્રી રામચંદ્ર), શકુનિ (ચક્રવ્યૂહ), ફરહાદ (શીરીં ફરહાદ), ઔરંગઝેબ (રાયસિંહ), જતીન (ગૃહપ્રવેશ), કૈલાસ (ચંદ્રનાથ), માઇકેલ (માઇકેલ મધુસૂદન), પ્રિયનાથ (કાશીનાથ), ડૉ. વિક્રમાદિત્ય (નર્સિંગ હોમ) વગેરેનો સમાવેશ થાય છે.
મહેશ ચંપકલાલ શાહ