ચેહફ, અન્તોન પાવલોવિચ (જ. 29 જાન્યુઆરી 1860, તાગન્રોગ, રશિયા; અ. 14 જુલાઈ 1904, બાડેનવીલર, જર્મની) : રૂસી વાર્તાકાર અને નાટ્યકાર. પિતા નાના વેપારી હતા અને દાદા જુવાનીમાં કોઈ જમીનદારના ગુલામ હતા. 1884માં ચેહફે મૉસ્કો યુનિવર્સિટીમાંથી તબીબી ઉપાધિ મેળવી. એ દરમિયાન જ મોટા કુટુંબને પોષવા, મોટા ભાઈ ઍલેક્ઝાન્દ્રના અનુકરણે, છાપાં અને સામયિકોમાં વાર્તાઓ, રેખાચિત્રો, હાસ્યલેખો લખવાનું શરૂ કર્યું. પછીનાં 3 વર્ષમાં સંગ્રહો પણ ઉપનામથી પ્રસિદ્ધ કર્યા. ‘નૉવિયે વ્રેમ્યા’ અખબારના તંત્રીની ઓળખાણ થતાં ચેહફની આવક વધી, વાર્તાઓની ગુણવત્તા સુધરી અને લોકપ્રિયતા પણ વધી. દાક્તરી અભ્યાસ સમયે જ થયેલા ક્ષયના રોગે 1890માં રશિયાના દૂર પૂર્વમાં આવેલ સહાલીન ટાપુની મુલાકાત દરમિયાન માઝા મૂકી. આ મુલાકાતના અનુભવો એણે 1893માં પ્રસિદ્ધ કર્યા. 1892માં દુષ્કાળ રાહતનું કામ પણ ચેહફે કર્યું; પછી મૉસ્કો નજીક મેલીહોવો નગરમાં એણે તબીબી વ્યવસાય શરૂ કર્યો. આ ગાળા દરમિયાન ચેહફે ‘વૉર્ડ નં. 6’ (1890), ‘માય લાઇફ’ (1890), ‘પેઝન્ટ’ (1890) વગેરે ખૂબ જાણીતી વાર્તાઓ લખી. ‘ધ સીગલ’ (1896) અને ‘અંકલ વાન્યા’ (1899) નામનાં 2 નાટકો પણ એણે લખ્યાં. 1896માં પિટ્સબર્ગમાં ‘ધ સીગલ’ની રજૂઆત થઈ; પરંતુ પ્રેક્ષકોએ એ ન સ્વીકારતાં ચેહફે નાટકો લખવાનું બંધ કર્યું. પરંતુ 1898માં સ્તનિસ્લાવ્સ્કી અને નેમિરોવિચ-દાનશેન્કોના દિગ્દર્શન હેઠળ મૉસ્કો આર્ટ થિયેટરે એની સફળ રજૂઆત કરી. એ જ વર્ષે કથળતી તબિયતને કારણે ચેહફ યાલ્ટા રહેવા ગયા. ત્યાં લિયો તૉલ્સ્તૉય અને મૅક્સિમ ગૉર્કી જેવા લેખકોનો એમને પરિચય થયો. ‘ધ લેડી વિથ ધ ડૉગ’ (1890), ‘બિટ્રોથ્ડ’ (1890) વગેરે જાણીતી વાર્તાઓ ચેહફે અહીં લખી. જોકે જીવનના છેલ્લા અડધા દાયકામાં ચેહફે નાટ્યલેખન તરફ જ ધ્યાન આપ્યું. 1901માં મૉસ્કો આર્ટ થિયેટરની અભિનેત્રી ઑલ્ગા કનિપર સાથે એમણે લગ્ન કર્યાં હતાં. અભિનય માટે ઑલ્ગા મૉસ્કોમાં અને તબિયત સાચવવા ચેહફ યાલ્ટામાં રહે. આ દરમિયાન સ્તનિસ્લાવ્સ્કીની પ્રેરણાથી ચેહફે 2 શકવર્તી નાટકો લખ્યાં – ‘ધ ચેરી ઑર્ચાર્ડ’ (1904) અને ‘ધ થ્રી સિસ્ટર્સ’ (1901). જીવનના અંતિમ તબક્કામાં જર્મનીના બાડેનવીલરના આરોગ્યધામમાં રહેવું પડ્યું, જ્યાં જુલાઈમાં એમનું મૃત્યુ થયું. જીવનના અનેકવિધ અનુભવોમાંથી અને તબીબી વ્યવસાય દરમિયાનનાં નિરીક્ષણોમાંથી ચેહફે પોતાનાં પાત્રો સર્જ્યાં છે. વિશિષ્ટ પ્રકારનું કારુણ્ય અને હતાશાનો મિજાજ એમના સર્જનમાં નીતરે છે. ‘ધ ડ્રિયરી સ્ટોરી’ (1889) નામની વાર્તામાં જીવનની આ અસંગતિ દેખા દે છે. વાસ્તવવાદના મહાન પુરસ્કર્તા ગણાતા આ નાટ્યલેખકનાં નાટકોમાં જીવન જાણે રોજિંદાપણામાં અટવાતું ઢસડાતું ચીતરાયું છે; અને એનાં પાત્રો કશુંક પરિવર્તન સતત ઝંખતાં, મંથન કરતાં હોય છે. ચેહફનાં આ નાટકો તત્કાલીન રૂસી જીવનનું ચિત્રણ કરે છે, જે પછીના દાયકામાં આવનારી ક્રાંતિનાં એક બાજુ એંધાણ આપે છે; બીજી બાજુ તેને ગૉગોલ, તૉલ્સ્તૉય, દોસ્તયેવ્સ્કી વગેરે મહાન ગદ્યકારોની પંક્તિમાં સર્જક તરીકે સ્થાન આપે છે, અને ત્રીજી બાજુ સવાયા દિગ્દર્શક તરીકે જગતની રંગભૂમિને માર્ગ ચીંધી આપે છે. ચેહફનું બીજું મહત્વનું પ્રદાન તે એણે લખેલી અડધો ડઝન જેટલી વોદેવિલ નાટિકાઓ – ‘ધ બેઅર’ (1888), ‘ધ પ્રપોઝલ’ (1888), ‘ધ વેડિંગ’ (1889) વગેરે. કેટલાકને મતે આ ફારસ જેવાં નાટકો એકલાં જ ચેહફને વિશ્વસાહિત્યમાં સ્થાન અપાવી શક્યાં હોત. ગુજરાતીમાં ચેહફનાં નાટકો – ‘ધ ચેરી ઑર્ચાર્ડ’, ‘ધ થ્રી સિસ્ટર્સ’, ‘અંકલ વાન્યા’ વગેરે અનુવાદ રૂપે ઉપલબ્ધ છે. એનાં હાસ્યપ્રધાન નાટકોની પણ અવારનવાર રજૂઆત થઈ છે; એની ટૂંકી વાર્તાઓનાં તો અનેક ભાષાઓમાં ભાષાંતરો થયાં છે. અર્નેસ્ટ જે. સિમૉન્સે ‘ચેહફ (chekhov) : અ બાયોગ્રાફી’(1970)માં પ્રસિદ્ધ કર્યું છે. રોનાલ્ડ એ. હિન્ગ્લેએ ‘અ ન્યૂ લાઇફ ઑવ્ અન્તોન ચેખોવ’ (1976) પ્રસિદ્ધ કર્યું છે.
હસમુખ બારાડી