ચેસ્ટરટન, ગિલ્બર્ટ કીથ (જ. 29 મે 1874, કૅમ્પડન હિલ; અ. 14 જૂન 1936, લંડન) : પ્રસિદ્ધ અંગ્રેજ સાહિત્યકાર. તે મુખ્યત્વે નિબંધકાર તરીકે વિખ્યાત છે પણ તેમણે કાવ્યલેખન-નવલકથાલેખનક્ષેત્ર પણ ખેડ્યું છે. પિતા એસ્ટેટ એજન્ટ હતા. સેંટ પૉલ શાળામાં અભ્યાસ કર્યો જ્યાં ‘ધ ડિબેટર’ નામનું સામયિક ચલાવ્યું. ‘ધ સ્લૅડ સ્કૂલ ઑવ્ આર્ટ’માં જોડાઈને તેમણે લલિતકળાઓનો, ખાસ કરીને ચિત્રકળાનો અભ્યાસ કર્યો. હિલેરી બેલૉકની નવલકથાઓનાં તેમણે કરેલાં ચિત્રાંકનો જાણીતાં છે. તેમણે પત્રકારત્વના વ્યવસાયને સ્વીકાર્યો. અઠવાડિક
નિબંધશ્રેણીઓના ફળસ્વરૂપ ટૂંક સમયમાં નિબંધસંગ્રહો પ્રકાશિત થવા લાગ્યા, જે દ્વારા એક વિલક્ષણ નિબંધકાર તરીકે તે જાણીતા થયા. તેમનાં પ્રથમ બે પ્રકાશનો કવિતાનાં છે : ‘ધ વાઇલ્ડ નાઇટ’ અને ‘ગ્રૅબિયર્ડ્ઝ ઍટ પ્લે’ – બંનેનું પ્રકાશનવર્ષ 1900. આ ગાળામાં તેમનાં લગ્ન ફ્રાન્સિસ બ્લૉગ સાથે થયાં અને વસવાટ બૅટરસી ખાતે ફેરવાયો. 1904માં તેમનાં બે પુસ્તકો પ્રસિદ્ધ થયાં : ‘નેપોલિયન ઑવ્ નૉટિંગ હિલગેટ’ અને ‘લિટલ ઇંગ્લૅન્ડર’. રૉબર્ટ બ્રાઉનિંગ, ડિકિન્ઝ અને બર્નાર્ડ શૉ ઉપરના તેમના વિવેચનાત્મક ગ્રંથો પણ આ સમયગાળામાં પ્રકાશિત થયા. ખ્રિસ્તી ધર્મ પરત્વેના તેમના વિચારોનું વિવરણ તેમના ગ્રંથ ‘ઑર્થડૉક્સી’માં મળે છે તો સમાજજીવનને સ્પર્શતા તેમના વિચારો ‘વૉટીઝ રાગ વિથ ધ વર્લ્ડ’માં આલેખાયા છે. રહસ્યકથાઓના આલેખનમાં પણ તેમને રસ હતો. ‘ધ ઇનોસન્સ ઑવ્ ફાધર બ્રાઉન’ ડિટેક્ટિવ કથાઓનો સંગ્રહ છે. ‘મેનલીવ’ તેમની જાણીતી નવલકથા છે – જીવન માણવાની તેમની ઉત્કટ ઝંખનાનું પ્રતિબિંબ આ નવલકથામાં જોવા મળે છે. ઉત્તર વયમાં તેમનાં કાવ્યોનો સર્વસંગ્રહ પ્રસિદ્ધ થયો. વિરલ બુદ્ધિપ્રતિભા અને લાક્ષણિક રમૂજવૃત્તિ ધરાવતા આ અત્યંત લોકપ્રિય લેખકે પોતાના જીવનના શેષ કાળમાં ખ્રિસ્તી ધર્મોપદેશકો પર ગ્રંથો લખ્યા છે જેમાંના મુખ્ય છે : ‘સેન્ટ ફ્રાન્સિસ ઑવ્ અસિસી’ તથા ‘સેંટ ટૉમસ ઍક્વિનસ’. ‘ધ વિક્ટોરિયન એજ ઇન લિટરેચર’ અને ચૉસર પરના એમના અન્ય ગ્રંથો પણ પ્રસિદ્ધ છે. પત્રકારત્વના પ્રકાશનક્ષેત્રના પ્રવૃત્તિશીલ વ્યવસાય સાથે જોડાયા હોવા છતાં ચેસ્ટરટને 100થી અધિક ગ્રંથોની રચના કરી છે.
નલિન રાવળ