ચેસવિક ઉપસાગર : યુ.એસ.ના પૂર્વ કિનારાના નીચા ભાગોમાં બનેલા ખાંચામાં ઍટલૅન્ટિક મહાસાગરના ભાગરૂપ વિશાળ ઉપસાગર. ભૌગોલિક સ્થાન : તે 35° ઉ. અ. અને 76° પ. રે. છે. તે યુ.એસ.નાં મૅરીલૅન્ડ અને વર્જિનિયા રાજ્યોને સ્પર્શે છે. તેના પૂર્વ ભાગમાં ડેલમાર્વા દ્વીપકલ્પ આવેલો છે. આ ઉપસાગર આશરે 300 કિમી. લાંબો અને 5થી 48 કિમી. પહોળો છે. નવી દુનિયાની શોધ થયા પછી 1607ના એપ્રિલ માસની 26મી તારીખે સૌપ્રથમ અંગ્રેજોએ આ ઉપસાગરની હેન્રી ભૂશિર ખાતે જહાજ થોભાવ્યું અને 17 દિવસ પછી તેમાં આવેલા જેમ્સટાઉન દ્વીપ ઉપર તેમણે કૅમ્પ સ્થાપ્યો. તેના પછીના વર્ષે કપ્તાન જ્હૉન સ્મિથે આ ઉપસાગરની શોધ કરી. અમેરિકાની સ્વાતંત્ર્યલડતના સંદર્ભમાં ચેસવિક ઉપસાગર દરિયાઈ માર્ગે ખેલાયેલા યુદ્ધનું એક અગત્યનું સ્થળ હતું; ત્યાં 1781માં અને 1812માં અગત્યનાં યુદ્ધો લડાયાં હતાં.

યુ.એસ.ના ઍટલૅન્ટિક મહાસાગરમાંથી ચેસવિક ઉપસાગરમાં પ્રવેશ કરીએ ત્યાં સમુદ્રની પહોળાઈ આશરે 21 કિમી. જેટલી છે. તેની એક બાજુએ ચાર્લ્સની ભૂશિર છે, જ્યારે બીજી બાજુએ હેન્રીની ભૂશિર છે. આ ઉપસાગર સંખ્યાબંધ નદીઓનાં મુખ કે નદીનાળાં ધરાવે છે, તેથી તેનો કિનારો અત્યંત ખાંચાખૂંચીવાળો બનેલો છે. તેના પશ્ચિમ કિનારે પેટાપ્સકો (જેના કાંઠે બાલ્ટીમોર બંદર આવેલું છે), સેવર્ન, પૅટુક્સ્ટન્ટ (Patuxent), પોટોમૅક (Potomac) (જેના કાંઠે પાટનગર વૉશિંગ્ટન આવેલું છે), રૅપ્પાહૅન્નોક (Rappahannock), યૉર્ક અને જેમ્સ નદીઓની નદીનાળો આવેલી છે. ઉત્તર-પૂર્વમાં આવેલી એલ્ક નદીનાળ, ડેલાવેર નદીનાળ સાથે ‘ચેસવિક-ડેલાવર નહેર’ દ્વારા સંકળાયેલી છે. આ જળમાર્ગ સ્ટીમરો માટે ટૂંકો છે, જે કૅમ્ડેન-ફિલાડેલ્ફિયા બંદર-વિસ્તારને આવરે છે. આ ઉપસાગરમાં ઊંડાં જળની સ્ટીમરો અવરજવર કરી શકે છે. તેના કિનારે આવેલાં વર્જિનિયાનાં ન્યૂપૉર્ટ ન્યૂઝ, નોર્ફોક અને પૉર્ટમથ બંદરો તેમજ મૅરીલૅન્ડનું બાલ્ટીમોર બંદર અગત્યનાં છે.

અહીં આવેલા અસંખ્ય નાના નાના ટાપુઓ પર મુખ્યત્વે કરચલા, ફીનમત્સ્ય અને ઑઇસ્ટર જેવા દરિયાઈ જીવો પકડવામાં આવે છે. અહીંના કૅમ્બ્રિજ, ક્રિસફીલ્ડ અને સૉલ્ઝબરી જેવાં કેન્દ્રોમાં દરિયાઈ ખાદ્યસામગ્રીને લગતા ઉદ્યોગોનો વિકાસ થયો છે. આ ઉપરાંત મૅરીલૅન્ડના સૅન્ડી પૉઇન્ટ અને કૅન્ટ ટાપુને જોડતો ‘ચેસવિક ઉપસાગર પુલ’ બાંધવામાં આવ્યો છે. આ પુલ 11 કિમી. લાંબો છે. આ પૈકી 6.4 કિમી. સુધી તે સંપૂર્ણ રીતે પાણી પરથી પસાર થાય છે.

બીજલ પરમાર