ચેવિયટ ટેકરીઓ : ઇંગ્લૅન્ડ અને સ્કૉટલૅન્ડ વચ્ચેની સીમારૂપ 50 કિમી. લંબાઈનો ટેકરી-વિસ્તાર. તે આશરે 55° 24’ ઉ. અક્ષાંશવૃત્ત અને 2° 20’ પૂ. રેખાંશવૃત્ત પર આવેલો છે. તેનો પૂર્વ ભાગ પ્રાચીન જ્વાળામુખી ખડકોથી રચાયેલો છે અને સમુદ્રસપાટીથી આશરે 816 મી.ની ઊંચાઈએ પહોંચે છે. આ ટેકરીઓ સીધા ઢોળાવવાળી, ગોળાકાર અને લગભગ વેરાન છે. તેની સપાટી બહુ ખરબચડી નથી. તેના પર ઘેટાંપાલકોના થોડાક આવાસો આવેલા છે. વળી તેની આસપાસના વિસ્તારમાંથી પ્રાગૈતિહાસિક વસવાટના પુરાવા મળી આવે છે. દૂર પશ્ચિમમાં આવેલી ટેકરીઓ નીચી છે, જે મૃદ-ખડક (shale) તથા રેતી-ખડકથી રચાયેલી છે. 1955થી આ જમીન ભૂમિ વિભાગમાં ગઈ છે અને અહીં રાષ્ટ્રીય જંગલ ઉદ્યાન (National Forest Park) બનાવવામાં આવ્યું છે.

બીજલ પરમાર