ચેલ્યાબિન્સ્ક : સોવિયેટ રશિયાનું એક મોટું ઔદ્યોગિક નગર, જે તે જ નામનું વહીવટી મથક છે. આશરે 87,900 ચોકિમી.ના ક્ષેત્રફળને આવરતો ચેલ્યાબિન્સ્ક વહીવટી વિભાગ, યુરલ પર્વતના પૂર્વ પડખેથી શરૂ થઈ છેક પૂર્વમાં પ. સાઇબીરિયાના મેદાન સુધી વિસ્તરેલો છે. તેના ઊંચા પર્વતીય ભાગો દેવદાર, ફર, સ્પ્રૂસ અને બર્ચનાં શંકુદ્રુમ જંગલોથી ઢંકાયેલા છે. યુરલનો ઔદ્યોગિક પ્રદેશ ખનિજસંપત્તિની ર્દષ્ટિએ અતિ સમૃદ્ધ છે; ત્યાં લોહ, નિકલ, સોનું, તાંબું, જસત, ટાઇટેનિયમ, ક્રોમાઇટ વગેરે ધાતુમય ખનિજો ઉપરાંત લિગ્નાઇટ મળી આવે છે. જોકે અહીંના ઉદ્યોગોને જરૂરી એવો કોકિંગ કોલસો દેશના કારાગન્ડા ક્ષેત્રમાંથી મંગાવવામાં આવે છે. આ પ્રદેશમાં ખનિજ આધારિત વિશાળ પાયા પરના ભારે ઉદ્યોગોનો વિકાસ થયો છે. મૅગ્નિટોગોર્સ્ક, ચેલ્યાબિન્સ્ક, ઝ્લેટોઉસ્ટ, સૅટેકા, ઍશા વગેરે શહેરોમાં લોખંડ-પોલાદનાં કારખાનાં છે. અહીં રાસાયણિક ઉદ્યોગોનો વિકાસ થયો છે. પૂર્વના સ્ટેપ-પ્રદેશમાં ખેતી અગત્યની પ્રવૃત્તિ છે. ઘઉં અહીંનો મુખ્ય પાક છે. આમ છતાં શહેરી વસાહતો માટે બટાટા તથા શાકભાજીનું જથ્થાબંધ ઉત્પાદન કરવામાં આવે છે. વળી અહીં ઘેટાપાલનની સાથે સાથે ડેરી માટે પશુપાલન પણ થાય છે.

આ વહીવટી વિભાગનું કેન્દ્ર ચેલ્યાબિન્સ્ક નગર યુરલ પર્વતોના ઢોળાવોમાં આશરે 55° 10’ ઉ. અક્ષાંશવૃત્ત તથા 61° 24’ પૂ. રેખાંશવૃત્ત પર મિયાસ નદીકાંઠે આવેલું છે. તે રશિયાના સીમા-થાણા તરીકે 1736માં સ્થપાયું અને તેને 1787માં કસબાનો દરજ્જો મળ્યો. 1894–96માં ‘ટ્રાન્સસાઇબીરિયન રેલમાર્ગ’ બંધાયા પછી તેનો વિકાસ સધાયો. બીજા વિશ્વયુદ્ધમાં પૂર્વ તરફના ભાગોમાં ઉદ્યોગોની સ્થાપના થવાથી, તેના ઔદ્યોગિક વિકાસને ઘણું પ્રોત્સાહન મળ્યું. આજે આ શહેર ‘યુરલના ઔદ્યોગિક પ્રદેશ’ના દક્ષિણના અર્ધા ભાગનું મુખ્ય કેન્દ્ર છે. તે રેલ, સડક અને હવાઈમાર્ગો ઉપરાંત, સંદેશવ્યવહારનાં સાધનોથી દેશનાં અન્ય શહેરો સાથે સંકળાયેલું છે. અહીં લોખંડ-પોલાદનાં વિશાળકાય કારખાનાં ઉપરાંત, જસતની રિફાઇનરી અને મિશ્રધાતુ બનાવવાનો સંકુલ છે. વળી અહીં શ્રેણીબદ્ધ મધ્યમ તથા ભારે કદના ઇજનેરી ઉદ્યોગોનો વિકાસ થયો છે, જે સ્ટીલપાઇપ અને પ્રેસિંગ, બુલડોઝર, સ્ક્રૅપર, ટ્રૅક્ટર, ઔદ્યોગિક યંત્ર-સામગ્રી અને મશીન ટૂલ્સનું ઉત્પાદન કરે છે. 1930થી અહીં ટ્રૅક્ટર બનાવવાનાં કારખાનાં સ્થાપવામાં આવ્યાં છે. અહીંનાં આ કારખાનાં દેશભરમાં સૌથી વધુ મોટાં છે. આ સિવાય અહીં ચામડાં અને પગરખાં તથા માંસ માટેના અને અનાજ દળવાના ઉદ્યોગો પણ છે.

આ શહેરમાં વિશાળ પૉલિટૅક્નિક સંસ્થા ઉપરાંત તબીબી કૉલેજ, શિક્ષક તાલીમ, ખેતીવાડી અને યંત્રને લગતી તથા વૈજ્ઞાનિક સંશોધન અંગેની સંસ્થાઓ છે. આ શહેરમાં નાટ્યગૃહ, બૅલે નૃત્યગૃહ, સંગીતગૃહ અને અનેક ચલચિત્રગૃહો આવેલાં છે. આ શહેરની વસ્તી આશરે 11,30,273 (2010) જેટલી છે.

બીજલ પરમાર