ચેલ્લપ્પા, ચિન્નમન્નૂર સુબ્રમણિયન [જ. 29 સપ્ટેમ્બર 1912, બાટલાગુંડૂ, જિ. ડિંડિગુલ (તે વખતનો જિ. મદુરૈ), તામિલનાડુ; અ. 18 ડિસેમ્બર 1998] : તમિળ નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક, કવિ અને નાટ્યકાર. તેમને તેમની નવલકથા ‘સુતંતિર દાકમ’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે મદુરા કૉલેજમાંથી બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ અંગ્રેજીનું સારું જ્ઞાન ધરાવતા હતા. તેઓ ‘ચિ. સુ.’ ચેલ્લપ્પાથી ઓળખાતા હતા.
મહાત્મા ગાંધીની સ્વદેશી અને અસહકારની લડતમાં જોડાવા અભ્યાસ છોડ્યો, ધરપકડ વહોરી અને કારાવાસ પણ ભોગવ્યો હતો. સ્વાતંત્ર્યની લડતની સાથોસાથ તામિલનાડુમાં સુબ્રમણ્ય ભારતીની કાવ્યાત્મક ભાવનાને કારણે અદ્યતન તમિળ લખાણો પાંગર્યાં ને સમૃદ્ધ બન્યાં. 1934માં તેમણે લેખનકાર્ય શરૂ કર્યું. તેમણે 15 વાર્તાસંગ્રહો, 2 વ્યંગ્યસંગ્રહ, 2 સાહિત્ય વિવેચનગ્રંથો, 2 કાવ્યસંગ્રહો, 3 નવલકથાઓ, 1 નાટક અને 2 અનૂદિત કૃતિઓ આપ્યાં છે. તેમની નવલકથા ‘જીવનમામ’નું પ્રસારણ ધારાવાહિક રીતે દૂરદર્શન કેન્દ્ર, ચેન્નાઈથી કરવામાં આવ્યું હતું. અમેરિકામાંની એક તમિળ સાહિત્યિક સંસ્થાના પ્રથમ સાહિત્યિક પુરસ્કાર ‘વિલક્કુ’થી અને બીજી નવલકથા ‘સુતંતિર દાકમ’ માટે વર્ષના શ્રેષ્ઠ નવલકથા પુરસ્કાર (1997) ‘ઇલક્કિય ચિન્તનૈ’થી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેમની પુરસ્કૃત કૃતિ ‘સુતંતિર દાકમ’માં 1927થી 1934 દરમિયાન તામિલનાડુમાં ચાલેલા સ્વાતંત્ર્યસંગ્રામનું કલાત્મક અને સ્પષ્ટ વિવરણ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. તેને આધુનિક તમિળ સાહિત્યની મહાકાવ્યસ્વરૂપ કૃતિ માનવામાં આવે છે. આ કૃતિ તમિળમાં લખાયેલ ભારતીય નવલકથામાં એક અનોખું પ્રદાન ગણાય છે.
બળદેવભાઈ કનીજિયા