ચેમ્બરલિન, જોસેફ (જ. 8 જુલાઈ 1836, લંડન; અ. 2 જુલાઈ 1914, લંડન) : ઓગણીસમી સદીના બ્રિટનના જાણીતા રાજકારણી, સંસદસભ્ય તથા મંત્રી. લંડનમાં પગરખાં-ઉત્પાદક પિતાને ત્યાં જન્મ. શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ સોળમા વર્ષે કૌટુંબિક વ્યવસાયમાં જોડાયા. વહીવટી અને ધંધાકીય સૂઝથી તેમના હરીફોમાં અગ્રિમ સ્થાને પહોંચી, ધનસંપત્તિ મેળવ્યા બાદ નિવૃત્ત થયા (1874). બર્મિગહામની સુધરાઈનાં કાર્યોમાં અગાઉથી રસ લેતા હોવાથી તે સુધરાઈના મેયર બન્યા (1873). મેયર તરીકે શિક્ષણ, ગંદા વસવાટનાબૂદી, રહેઠાણ-વ્યવસ્થામાં સુધારણા જેવા મહત્વના પ્રજાકીય સુધારા કરતાં કરતાં તે રાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતનામ બન્યા.
1876માં બર્મિગહામના મતવિસ્તારમાંથી ચૂંટાઈ આવી આમસભા(House of Commons)ના સભ્ય બન્યા. સંસદમાં ઉદ્દામવાદી વક્તા તરીકે નામના મેળવી. સત્તાધારી લિબરલ પક્ષમાં જોડાઈ તેમણે અસરકારક કામગીરી કરતાં વડા પ્રધાન ડબલ્યુ. ઈ. ગ્લૅડસ્ટનના સહાયક બન્યા. એ પછી ગ્લૅડસ્ટનના બીજા પ્રધાનમંડળમાં (1880–85) ‘બોર્ડ ઑવ્ ટ્રેડ’ના પ્રમુખ નિમાયા (1882). આ સમયમાં બ્રિટનના તાબા હેઠળના આયર્લૅન્ડની પ્રજાએ જમીનસુધારા અને હોમરૂલ માટેની માગણી જોરદાર બનાવતાં લિબરલ પક્ષમાં મતભેદો સર્જાયા. ગ્લૅડસ્ટને આયર્લૅન્ડને હોમરૂલ આપવા માટેની લિબરલ પક્ષની વચનબદ્ધતા જાહેર કરી (1885) ત્યારે લિબરલ પક્ષમાં તિરાડ પડી. ચેમ્બરલિને ગ્લૅડસ્ટનની સરકારને હરાવવામાં સાથ આપ્યો. લિબરલ પક્ષનું ભંગાણ કાયમી બની રહ્યું.
ચેમ્બરલિને લિબરલ યુનિયનિસ્ટ પક્ષના નેતા તરીકે 1885માં કન્ઝર્વેટિવ પક્ષની સત્તાધારી સરકાર પર વધુ પ્રગતિશીલ સામાજિક નીતિ અપનાવવા અને આવકવેરો, શિક્ષણ, ગરીબો માટે રહેઠાણવ્યવસ્થા, ખેત-મજૂરો માટે ‘3 એકર જમીન અને ગાય’ વગેરે બાબતોમાં સુધારા કરવા દબાણ કર્યું. 1892 પહેલાં સરકારે આમાંના જે કેટલાક સુધારા કર્યા તે ચેમ્બરલિનના વિશિષ્ટ પ્રદાન તરીકે ઓળખાવાયા.
કન્ઝર્વેટિવ પક્ષની સરકારે સામાજિક સુધારા, બ્રિટિશ સામ્રાજ્ય અને વિદેશનીતિ અંગે અપનાવેલા અભિગમથી, ચેમ્બરલિને પોતાનું વલણ બદલ્યું અને સામ્રાજ્યવાદના સમર્થક બન્યા. તે રૉબર્ટ સેસિલની સરકારના પ્રધાનમંડળમાં ‘સેક્રેટરી ઑવ્ સ્ટેટ ફૉર કૉલનીઝ’ તરીકે જોડાયા (1895).
એ પછીનાં વર્ષોમાં ચેમ્બરલિન શાહીવાદી વિચારસરણીનો પ્રચાર કરતા રહ્યા. 1906માં કન્ઝર્વેટિવ પક્ષ અને લિબરલ યુનિયનિસ્ટ પક્ષને સામાન્ય ચૂંટણીમાં નોંધપાત્ર પીછેહઠ ખમવી પડી ત્યારે ચેમ્બરલિન પોતાના બર્મિગહામ મતવિસ્તારમાંથી સંસદસભ્ય ચૂંટાયા. એ જ વર્ષે તેમને લકવાનો હુમલો થતાં કાયમ માટે અસહાય બન્યા. તેમનું અવસાન લંડનમાં થયું. તેમના બે પુત્રો ઑસ્ટિન વિદેશમંત્રી તરીકે અને નેવિલ વડા પ્રધાન તરીકે પછીનાં વર્ષોમાં બ્રિટિશ રાજકારણમાં નામાંકિત બન્યા.
રમેશકાન્ત ગો. પરીખ