ચેમ્બરલિન, ઓઇન (જ. 10 જુલાઈ 1920, સાન ફ્રાન્સિસ્કો, યુ. એસ.; અ. 28 ફેબ્રુઆરી 2006, બર્કલે, કૅલિફૉર્નિયા) : એમિલિયો સર્જે સાથે પ્રતિ-પ્રોટૉન(antiproton)ની શોધ માટે 1959નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અમેરિકન ભૌતિકશાસ્ત્રી. પિતા એડવર્ડ ચેમ્બરલિન વિખ્યાત રેડિયોલૉજિસ્ટ હતા. 1941માં ડાર્ટમથ કૉલેજમાંથી સ્નાતક થયા. 1942–45 દરમિયાન પરમાણુ બૉમ્બના વિકાસ માટેના ‘મૅનહટન પ્રૉજેક્ટ’ માટે લૉસ ઍલમોસની પ્રયોગશાળામાં કામ કર્યું. અહીં તેમણે એમિલિયો સર્જેના હાથે નીચે પરમાણુ વિખંડન(fisson)ના પ્રયોગમાં સક્રિય ભાગ ભજવ્યો. તેમાં વપરાતા અને ફરી ઉદભવતા ન્યુટ્રૉન જલના શોષણ અને વિવર્તન અંગે વિસ્તૃત અભ્યાસ કર્યો. આ અભ્યાસ પરમાણુબૉમ્બ-વિસ્ફોટમાં અત્યંત ઉપયોગી સાબિત થયો. 1945માં પ્રૉજેક્ટનું કામકાજ પૂરું થતાં શિકાગો યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસાર્થે જોડાયા અને 1949માં પીએચ.ડી. થયા. તે અભ્યાસ દરમિયાન જ ઇલિનૉઇસ આગૉર્ન લૅબોરેટરીમાં સંશોધનકાર્ય કરતા રહ્યા. 1948માં બર્કલી શહેરમાં આવેલ યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયામાં જોડાયા. અહીં તેમણે આલ્ફા-કણ-ક્ષય (a particle decay), પ્રવાહીમાં ન્યુટ્રૉનનું વિવર્તન અને ઉચ્ચ-ઊર્જા ન્યૂક્લિયર પ્રક્રિયા વિશે સંશોધન કર્યું. 1954માં આ યુનિવર્સિટીમાં ઍસોસિયેટ પ્રોફેસર નિમાયા. 1955માં એમિલિયો સર્જે સાથે બેવટ્રૉન કણપ્રવેગકની મદદથી પ્રતિપ્રોટૉનની શોધ કરી.
બેવટ્રૉન કણપ્રવેગક અન્ય કણપ્રવેગક કરતાં અનેકગણા વધુ વેગવાળા પારમાણ્વીય કણો ઉત્પન્ન કરી શકે છે. ઓઇન અને સર્જેએ બેવટ્રૉનમાંથી પ્રાપ્ત થતા શક્તિશાળી કણોના પ્રતાડન દ્વારા વિવિધ તત્ત્વના પરમાણુવિખંડનના અસંખ્ય પ્રયોગ કર્યા. આ પ્રયોગમાં ઉદભવતા પારમાણ્વીય કણોનું વિશ્લેષણ કરતાં એક નવો જ ઉપપારમાણ્વિક (sub-atomic) કણ મળી આવ્યો, જેને તેમણે પ્રતિપ્રોટૉન તરીકે ઓળખાવ્યો, કારણ કે આ કણ પ્રોટૉન જેટલું જ દ્રવ્યમાન ધરાવતો હતો, પરંતુ તેનો વિદ્યુતભાર ઋણ હતો. પ્રતિકણની પ્રથમ આગાહી 1926માં પૉલ ડિરૅકે કરી હતી અને ઇલેક્ટ્રૉનના પ્રતિકણ પૉઝિટ્રૉનની શોધ દ્વારા કાર્લ ડેવિડ ઍન્ડરસને આ હકીકતને સમર્થન આપ્યું હતું. 1956માં ઓઇને પ્રતિન્યુટ્રૉનની શોધ કરી. તેમણે ઉપયોગમાં લીધેલા બેવટ્રૉન કણપ્રવેગકનો ઉપયોગ અત્યારે કૅન્સરની સારવાર માટે કરવામાં આવે છે.
તેમની પાછલી જિંદગીમાં તેમણે હાઇડ્રોજન અને ડ્યૂટિરિયમના પરમાણુઓ સાથે પ્રતિપ્રોટૉન અને પ્રતિન્યુટ્રૉનની પ્રક્રિયા વિશે કામ કર્યું. નિવૃત્તિ સુધી યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયામાં કાર્ય કર્યું હતું.
સૂ. ગી. દવે
રાજેશ શર્મા