ચેપ અને ચેપી રોગો (રોગો, સંક્રામક) (infection and infectious diseases)
January, 2012
ચેપ અને ચેપી રોગો (રોગો, સંક્રામક) (infection and infectious diseases) : સૂક્ષ્મ જીવો દ્વારા થતો વિકાર, જે એક સજીવમાંથી બીજા સજીવમાં ફેલાવો (સંક્રમણ, transmission) કરે છે. એ રોગને ચેપી (સંક્રામક) રોગ કહે છે. તે રોગકારી વિષાણુઓ (viruses), જીવાણુઓ (bacteria), ફૂગ (fungus), પ્રજીવ (protozoa), બહુકોષી પરોપજીવો (multi-cellular parasites) અને પ્રાયૉન (prion) નામના વિષમ પ્રોટીનના અણુથી થાય છે. તે વનસ્પતિ તથા પ્રાણીઓમાં રોગ કરે છે. તેઓ ફેલાતા રોગો હોવાથી અંગ્રેજીમાં તેમને કૉમ્યુનિકેબલ (સંક્રામ્ય) રોગો કહે છે. ક્યારેક તે સીધા સંસર્ગ(contact)થી પણ થાય છે, તેથી તેમને સંસર્ગજન્ય (contageous) રોગો પણ કહે છે. સૂક્ષ્મ જીવો પાણી, આહાર, શારીરિક પ્રવાહીઓ, સંદૂષિત (contaminated) પદાર્થો, થૂંકબિંદુ કે વાતમાર્ગી (airborne) અથવા જંતુ કે પ્રાણી દ્વારા એક વાહક(ચેપવાહક, vector અથવા vehicle)ના રૂપે કાર્ય કરવાથી ફેલાય છે. કોઈ સૂક્ષ્મ જીવની તેના આશ્રયદાતા (host) પ્રાણીના શરીરમાં પ્રવેશીને તથા સંખ્યાવૃદ્ધિ કરીને વિકાર કરવાની ક્ષમતાને ચેપક્ષમતા (infectivity) કહે છે અને આશ્રયદાતાની તેવું થવા દેવાની નબળાઈને ચેપવશ્યતા (susceptibility to infection) કહે છે. જ્યારે સૂક્ષ્મ જીવ આશ્રયદાતા પ્રાણીના શરીરમાં પ્રવેશે, સ્થાયી થાય અને સંખ્યા વધારે ત્યારે તેને ‘ચેપ લાગ્યો’ કહે છે અને જો તેને કારણે આશ્રયદાતાને તકલીફ થાય (દા. ત., તાવ આવવો, પરુ થવું વગેરે) તો તેને ‘ચેપી રોગ થયો’ કહે છે.
વર્ગીકરણ : અસંખ્ય પ્રકારના સૂક્ષ્મ જીવોમાંથી કેટલાક જ ચેપ કરે છે. તેઓ 2 પ્રકારના હોય છે – પ્રાથમિક રોગકારક સૂક્ષ્મ જીવો (primary pathogens) અને તકવાદી (opportunistic). પ્રથમ પ્રકારના સૂક્ષ્મ જીવો સામાન્ય વ્યક્તિને ચેપ કરે છે જ્યારે બીજા પ્રકારના સૂક્ષ્મ જીવો જ્યારે વ્યક્તિની રોગપ્રતિકારક્ષમતા ઘટે એવા સંજોગો થાય ત્યારે તેનો લાભ ઉઠાવીને ચેપ કરે છે. પ્રાથમિક રોગકારક સૂક્ષ્મ જીવો મોટે ભાગે માણસમાં જ ચેપ કરે છે; પરંતુ કેટલાંક પાલતુ પ્રાણીઓ કે અન્ય સજીવોમાંથી ફેલાઈને આવે છે. સંજોગભોગી સૂક્ષ્મ જીવો માણસના આંતરિક કે બાહ્ય વાતાવરણમાં સતત સંપર્કમાં હોય છે; પરંતુ તે ઈજા કે પ્રતિરક્ષાલક્ષી (immunological) વિકારની હાજરીમાં ચેપ કરે છે; દા. ત., ધનુર્વાના જીવાણુ વ્યક્તિના મળમાર્ગમાં હોય છે; પરંતુ ઈજા પછી ધનુર્વાનો રોગ કરે છે. શ્વાસનળીમાંના કેટલાક જીવાણુઓ અને ફૂગ વ્યક્તિ જ્યારે ભારે માત્રામાં ઍન્ટિબાયૉટિક લે તે પછી સંજોગભોગી ચેપ રૂપે રોગ કરે છે. આવું જ કૅન્સરની સારવારમાં ઔષધો કે વિકિરણ વાપર્યા પછી ચાંદું પડે કે લોહીના શ્વેતકોષો ઘટે ત્યારે થાય છે. HIVનો ચેપ, મલેરિયા, ઓરી વગેરે પણ વ્યક્તિની રોગપ્રતિકારકતા (પ્રતિરક્ષા, immunity) ઘટાડીને સંજોગભોગી ચેપ કરવા દે છે.
રૉબર્ટ કૉકે કોઈ રોગ ચેપી છે કે નહિ તે નક્કી કરવા 4 ધોરણો આપેલાં છે. તે ફક્ત રોગીમાં (અને સામાન્ય વ્યક્તિમાં નહિ) હાજર હોય છે તેવી સાબિતી હોય અને જે વ્યક્તિમાં તેનો ચેપ ફેલાય તેને તે રોગ થાય. તેનું સંવર્ધન થઈ શકે. આ ધોરણોની મદદથી ક્ષયરોગના જીવાણુ ઓળખી શકાયા હતા; પરંતુ ઉપદંશ (syphilis) જેવા રોગમાં આ ધોરણોની હાજરી હોતી નથી.
ચેપથી થતા રોગોને વસ્તીરોગવિદ્યા (epidermiology) પ્રમાણે 4 રીતે વર્ણવાય છે – પ્રસંગોપાત્ત કિસ્સા (sporadic cases), વસ્તીસ્થાયી (endemic), વસ્તી-ઉપદ્રવકારી (epidemic) તથા સર્વત્ર-ઉપદ્રવી (pandemic). જેના કિસ્સા ક્યારેક જ જોવા મળે તેમને પ્રસંગોપાત્ત, જે કોઈ વિસ્તારમાં સામાન્ય રીતે જોવા મળે તે વસ્તીસ્થાયી, જેનો ચોક્કસ સમયગાળામાં વાવડ કે વ્યાપક ફેલાવો થાય તેને ઉપદ્રવકારી અને જેનો વાવડ વિશ્વવ્યાપી હોય તેને સર્વત્ર-ઉપદ્રવી રોગ કહે છે. કેટલાક ચેપ અમુક ઋતુમાં થાય છે. તે ઋતુકાલીન (seasonal) અને કેટલાક વર્ષાયુ (perineal) હોય છે.
ફેલાવો અથવા સંક્રમણ (transmission) : ચેપનો ફેલાવો વિવિધ રીતે થાય છે. છીંક, ખાંસી, બોલવું, ચુંબન કરવું કે ગાવું જેવી ક્રિયાઓ દ્વારા હવામાં થૂંકબિન્દુઓ (droplet infection) ઊડે છે. તેના દ્વારા ફેફસાંના ચેપ અને મગજનાં આવરણો(તાનિકા, meninges)માં ચેપ (તાનિકાશોથ, meningitis) ફેલાય છે. સંદૂષિત (contaminated) પાણી અને આહાર દ્વારા જઠર અને આંતરડાંના ચેપ ફેલાય છે. ઉપદંશ (syphilis), પરમિયો (gonorrhoeo), માનવ પ્રતિરક્ષા-ઊણપકારી વિષાણુ (human immunodeficiency virus, HIV) વગેરેનો ચેપ જાતીય (લૈંગિક) ક્રિયાઓ દ્વારા ફેલાય છે. HIV તથા યકૃતશોથ-બી(hepatitis-B)નો ચેપ લૈંગિક ક્રિયાઓ ઉપરાંત સંદૂષિત લોહી કે લોહીના ઘટકો દ્વારા ફેલાય છે. ચેપ ક્યારેક સીધા સંસર્ગથી (contageon) તો ક્યારેક તે કોઈ વાહક (vehicle) દ્વારા ફેલાય છે. વાહકો 2 પ્રકારના હોય છે – ભૌતિક અને સજીવ. ભૌતિક વાહકોમાં હવા, પાણી, ખોરાક, મળ, મૂત્ર, શારીરિક પ્રવાહીઓ વગેરેનો સમાવેશ થાય છે. સજીવ વાહકોમાં જંતુઓ, માખી, મચ્છર, વંદા, ચાંચડ વગેરેનો સમાવેશ થાય છે. સજીવ વાહકો પણ ઘણી વખતે ભૌતિક વાહક હોય છે, જેમ કે માખીના શરીર પર ચોંટીને સૂક્ષ્મ જીવો મળથી આહારના પદાર્થ સુધી પહોંચે છે. મચ્છરના શરીરમાં મલેરિયાના સૂક્ષ્મ જીવનો વિકાસ થાય છે. તે ભૌતિક રીતે નહિ પણ જૈવિક રીતે ચેપનો ફેલાવો કરે છે. આ રીતે વિષાણુજ મસ્તિષ્કશોથ (viral encephalitis), છગાસ રોગ, આફ્રિકન નિદ્રાકારક વ્યાધિ વગેરે રોગો પણ ફેલાય છે. સામાન્ય રીતે તેઓ મચ્છર, ચાંચડ, જૂ વગેરેથી ફેલાય છે. આ રોગોના સૂક્ષ્મ જીવોના જીવનચક્રમાં અમુક ચોક્કસ તબક્કા જે તે વાહક જંતુમાં થાય છે.
ક્યારેક બલિષ્ઠ ચેપ (virulent infection) તીવ્ર વિકાર સર્જીને ફેલાવો વધારે છે; જેમ કે, કૉલેરામાં ઘણા ઝાડા થવાથી રોગકારક સૂક્ષ્મ જીવ વધુ આશ્રયદાતાઓ સુધી ફેલાય છે. તેવું જ શરદી કરતા વિષાણુનું પણ છે. તે તીવ્ર વિકાર સર્જી વધુ છીંકો દ્વારા વધુ ફેલાવો પામે છે.
માનવમાં ચેપની હાજરી કે ચેપીરોગનો વિકાસ થતો હોય ત્યારે તે ઘણી વખત ચેપ ફેલાવે છે. કેટલીક વખતે રોગકારક સૂક્ષ્મ જીવ અને માનવ આશ્રયદાતા સહજીવનની સ્થિતિમાં આવે છે. ત્યારે પણ તે ચેપ ફેલાવી શકે છે. આવી વ્યક્તિને ચેપધારક (carrier) કહે છે.
ચેપ ફેલાવવામાં 5 પરિબળો મહત્વનાં છે – હાથ, માખી, મળ, દર્દીની વસ્તુઓ અને પાણી. મળથી આહાર સુધી સૂક્ષ્મ જીવને જવામાં માખી, પાણી અને/અથવા વ્યક્તિનો હાથ મહત્વની ભૂમિકા ભજવે છે. તેવી જ રીતે સંદૂષિત દર્દીની વસ્તુઓ પણ ચેપવહન કરે છે. ચેપ ફેલાતો અટકાવવાનાં પગલાં લઈને આ પાંચેય વસ્તુઓ દ્વારા થતો ચેપનો ફેલાવો (સંક્રમણ) અટકાવાય છે. કોઈ વિસ્તારમાં ચેપી રોગનો ઉપદ્રવ (વાવડ, epidermic) થાય તો તેની તપાસ કરીને તેને ફેલાતો અટકાવવાનાં પગલાં લેવાય છે.
ચેપનો ફેલાવો વધવામાં જેમ સૂક્ષ્મ જીવની બલિષ્ઠતા(virulence)નું મહત્વ છે તેમ આશ્રયદાતા વ્યક્તિઓ(hosts)ની ચેપવશ્યતાનું પણ મહત્વ છે. ચેપવશ્યતા ઘટાડવા તેમની રોગપ્રતિકારકતા (પ્રતિરક્ષા) વધારાય છે. તે માટે રસી (vaccine) ઉપયોગી સાધન છે. ચેપનો ફેલાવો રોકવાના વિષયને વધુ છણાવટથી અન્યત્ર ચર્ચેલો છે. (જુઓ આરોગ્ય અને રોગપ્રતિરોધ.) ચેપનો ફેલાવો રોકવા માટે કીટનિયંત્રણ (pest control), સૂક્ષ્મજીવનાશન (disinfection) તથા નિ:સૂક્ષ્મજીવીકરણ (sterilization) નામની પ્રક્રિયાઓ પણ કરાય છે.
નિદાન : ચેપનું નિદાન શારીરિક તપાસ તથા નિદાનશાળાની કસોટીઓ (laboratory tests) દ્વારા કરાય છે. વિષાણુજ મસા (warts), ગૂમડાં, ફેફસાંમાં પરુ, પાતળા ઝાડા, તાવ આવવો વગેરે વિકારોમાં શારીરિક તપાસ ઘણી ઉપયોગી માહિતી આપે છે. વળી દર્દીનાં લોહી, ચેપી પ્રવાહી, પરુ, મૂત્ર, મળ વગેરેને નિદાનશાળામાં સૂક્ષ્મદર્શક વડે, રાસાયણિક કસોટીઓ વડે તથા સંવર્ધન-કસોટી (culture test) વડે તપાસાય છે. સૂક્ષ્મ જીવને યોગ્ય માધ્યમ પર ઉછેરીને તેની ઓળખ નક્કી કરવી તથા તેની ઔષધવશ્યતા (susceptibility to antibiotic) જાણવી એ બંને ક્રિયાઓને સંવર્ધન અને વશ્યતા-કસોટી (cultural and sensitivity test) કહે છે. વળી કેટલાક સૂક્ષ્મ જીવો પ્રતિરક્ષાલક્ષી (immunological) પ્રતિક્રિયા સર્જે છે. તેમના કિસ્સામાં પ્રતિજન-પ્રતિદ્રવ્યલક્ષી કસોટીઓ પણ ઉપલબ્ધ છે. તેમને રુધિરરસીય કસોટીઓ (serological test) કહે છે; દા. ત., આંત્રજ્વર(ટાઇફૉઇડ તાવ)માં વિડાલની કસોટી. વિષાણુઓના ચેપમાં વિષાણુના DNAનું આમાપન (assay) કરી શકાય છે; દા. ત., HIVનો ચેપ. બહુગુણકીય શૃંખલાપ્રતિક્રિયા-(polymerase chain reaction, PCR)ની મદદથી હવે અનેક સૂક્ષ્મ જીવના ચેપનું નિદાન શક્ય બન્યું છે. જોકે તે હાલ ઘણી મોંઘી પ્રક્રિયા છે.
આ ઉપરાંત વિવિધ ચિત્રણપ્રણાલીઓ પણ નિદાનમાં ઉપયોગી છે; જેમ કે, એક્સ-રે-ચિત્રણ, ધ્વનિચિત્રણ (sonography); સી.એ.ટી. સ્કૅન, એમ.આર.આઇ., પેટ-સીટી વગેરે.
ચેપી રોગોની નિશ્ચિત સારવાર છે પ્રતિજૈવ (antibiotic) ઔષધો. તેમણે ચેપી રોગોથી થતા મૃત્યુનો દર ઘટાડ્યો છે : સન 2002માં વિશ્વભરમાં કેટલાક સૂક્ષ્મ જીવોના ચેપથી થયેલાં મૃત્યુનો અંદાજ ઉપલબ્ધ છે.
સારણી 1 : પ્રથમ 5 ચેપી રોગથી થતાં મૃત્યુ (આંકડા દસ લાખમાં છે.)
ક્રમ | કારણ | મૃત્યુ | બધાં મૃત્યુના % |
0. | બધા ચેપ | 14.7 | 25.9 |
1. | નીચલો શ્વસનમાર્ગ | 3.9 | 6.9 |
2. | HIV/AIDS | 2.8 | 4.9 |
3. | પાતળા ઝાડા | 1.8 | 3.2 |
4. | ક્ષયરોગ | 1.6 | 2.7 |
5. | મલેરિયા | 1.3 | 2.2 |
વિશ્વવ્યાપી ઉપદ્રવો અથવા સર્વત્ર–ઉપદ્રવ (pandemic) : વિશ્વના અનેક દેશોને કોઈ રોગનો વાવડ (ઉપદ્રવ) અસરગ્રસ્ત કરે તો તેને વિશ્વવ્યાપી કે સાર્વત્રિક ઉપદ્રવ કહે છે. ઈ. સ. 541થી 750 વચ્ચે પ્લેગ(મરકી)ના રોગે યુરોપની 50 %થી 60 % વસ્તીનો નાશ કર્યો હતો. સન 1347–1352ના કાલામૃત્યુએ યુરોપમાં 250 લાખ મૃત્યુ સર્જ્યાં હતાં (જેણે યુરોપ, આફ્રિકા અને એશિયાની 25 %થી 50 % વસ્તીને અસરગ્રસ્ત કરી હતી.) વિશ્વની ત્યારે કુલ વસ્તી 5000 લાખ હતી. સન 1518–1568માં મેક્સિકોમાં થયેલા ઉપદ્રવોએ ત્યાંની વસ્તી 200 લાખમાંથી 10 લાખ કરી દીધી હતી ! 1556–1560ના પૂર્વયુરોપી ઇન્ફ્લુએન્ઝાએ 20 %ના દરે મૃત્યુ કર્યાં હતાં. 18મી સદીમાં યુરોપમાં બળિયા(શીતળા)ના રોગે દર વર્ષે 4 લાખના દરે 600 લાખ યુરોપિયનોને મૃત્યુને ઘાટ ઉતાર્યા હતા. ચેપગ્રસ્તોમાંથી 30 % પુખ્ત દર્દીઓ અને 80 % 5 વર્ષ સુધીનાં બાળકો મૃત્યુ પામ્યાં હતાં અને જીવતાં રહ્યાં હતાં તેમાંથી અંધ થયાં હતાં. 19મી સદીમાં ક્ષય રોગે યુરોપની ચોથા ભાગની વસ્તીને મારી નાખી હતી. સન 1918ના ફ્લૂએ 200–500 લાખ લોકોને યુરોપમાં મારી નાખ્યા હતા, જે વિશ્વની કુલ વસ્તીના 2 % હતા. હાલ પણ વિશ્વભરમાં ઇન્ફ્લુએન્ઝા દર વર્ષે 2.5થી 5 લાખ લોકોને મારી નાખે છે.
વિશ્વવ્યાપક ચેપ થવાનાં કારણોમાં વિવિધ માનવીય પરિબળો પણ કારણરૂપ છે; જેમ કે, વન્ય વસવાટમાં માનવીની ઘૂસણખોરી, કૃષિવિદ્યામાં તફાવતો (કીટનાશકોનો ઉપયોગ), વરસાદી વનોનો નાશ, અનિયંત્રિત શહેરીકરણ, આધુનિક ઝડપી અને વિશ્વવ્યાપી પરિવહન, વાતાવરણનું પ્રદૂષણ વગેરે.
શિલીન નં. શુક્લ