ચેપવાહકો (vectors) : ચેપ કરે એવા સૂક્ષ્મ જીવોનું વહન કરતા સજીવો. સૂક્ષ્મ જીવો(microbes)થી લાગતો ચેપ વિવિધ રીતે ફેલાય છે. ચેપ ફેલાવાની પ્રક્રિયાને ચેપવહન અથવા સંક્રમણ (transmission) કહે છે. ચેપગ્રસ્ત દર્દીના સ્પર્શ દ્વારા, થૂંકબિંદુ (droplets) દ્વારા તથા દૂષિત માટી અને ઇન્જેક્શનની સોય દ્વારા ચેપ સીધેસીધો ફેલાય છે. તેવી જ રીતે માતાના શરીરમાં રહેલા ગર્ભમાં પણ તે સીધેસીધો ફેલાઈ શકે છે. આ ઉપરાંત કેટલાક પરોક્ષ માર્ગે પણ ચેપ ફેલાય છે જેમ કે ચેપવાહનો (vehicles), ચેપવાહકો, દર્દીની વસ્તુઓ અને કપડાં તથા દર્દી, તેના સંપર્કમાં આવતી વ્યક્તિઓ કે ચેપધારક (carrier) વ્યક્તિના અસ્વચ્છ હાથ અને આંગળાં. વાયુમાર્ગી ફેલાવો પણ પરોક્ષ પ્રકારનો ફેલાવો ગણાય છે. ચેપના પરોક્ષ પ્રકારના ફેલાવાને અંગ્રેજીમાં ટૂંકમાં પાંચ ‘F’થી ઓળખવામાં આવે છે. Flies (માખી અને અન્ય જંતુ), fingers (હાથ અને આંગળાં), fomites  (અશુદ્ધ વસ્તુઓ, વાસણો અને કપડાં), food (અશુદ્ધ આહાર) અને fluid (અશુદ્ધ પાણી અને અન્ય પ્રવાહીઓ). પાણી, ખોરાક, શાકભાજી, ફળો, દૂધ અને દૂધની બનાવટો, બરફ, લોહી, રુધિરપ્રરસ (plasma), રુધિરરસ (serum), પેશી, અવયવ વગેરે નિર્જીવ પદાર્થો જ્યારે ચેપ કરતા સૂક્ષ્મ જીવોનું વહન કરે ત્યારે તેમને ચેપવાહનો કહે છે. ચેપ ફેલાવતા રજકણો જ્યારે હવામાં ઊડે ત્યારે તેને વાયુમાર્ગી ચેપનો ફેલાવો કહે છે. ક્યારેક વ્યક્તિના શરીરમાં સૂક્ષ્મ જીવો હોય પરંતુ તે રોગ ન કરતા હોય એવું બને છે. આવી વ્યક્તિના મળ તથા પ્રવાહીઓ દ્વારા તે બહાર નીકળે છે અને તેમનાં અશુદ્ધ આંગળાં કે હાથ દ્વારા તે બીજી વ્યક્તિના ખોરાક કે પાણીમાં પ્રવેશે છે. ચેપકારક સૂક્ષ્મજીવોને આવી રીતે પોતાના શરીરમાં આશ્રય આપતી વ્યક્તિને કે પ્રાણીને ચેપધારક (carrier) કહેવામાં આવે છે.

સારણી 1 : ચેપવાહકો

પ્રકાર જૂથ ઉદાહરણો
1. અમેરુદંડી

(invertebrate)

(જંતુઓ)

ડિપ્ટેરા

સિફોનેપ્ટેરા

ઑર્થોપ્ટેરા

એનેપ્લુરા

હેમિપ્ટેરા

એકેરિના

કોપિપોડા

માખીઓ અને મચ્છરો

ચાંચડ (fleas)

વંદો

જૂ (lice)

માંકડ (bugs) અને બીજા જંતુ

ટિક્સ અને માઇટ્સ (ticks, mites)

સાઇક્લોપ્સ (પોરા, cyclopes)

2. મેરુદંડી

(vertebrate)

(પ્રાણીઓ)

ઉંદર અને અન્ય મૂષકો અથવા

કૃન્તક (rodents); ચામાચીડિયું

ચેપવાહકો દ્વારા ફેલાતો ચેપ (સારણી 1) : ચેપકારક સૂક્ષ્મ જીવનું વહન કરતા સજીવ બે પ્રકારના છે : જંતુઓ અને પ્રાણીઓ. જંતુઓના જીવનચક્ર અંગેના અભ્યાસને જંતુવિદ્યા (entomology) કહે છે અને તેના તબીબી વિજ્ઞાનને લગતા અભ્યાસને તબીબી જંતુવિદ્યા (medical entomology) કહે છે. ચેપવાહકો મુખ્ય બે રીતે ચેપનું વહન કરે છે : (અ) યાંત્રિક (mechanical) અને (આ) જૈવિક (biological). જ્યારે સૂક્ષ્મ જીવો ચેપવાહક જંતુ (દા. ત., માખી)ના શરીર પર ચોંટે અને તેના દ્વારા તે ખોરાક કે પાણીને પ્રદૂષિત કરે ત્યારે યાંત્રિક પ્રકારનું ચેપવહન થયેલું ગણાય છે. જ્યારે સજીવના શરીરમાં સૂક્ષ્મ જીવો પ્રવેશીને તેમનું જીવનકાર્ય કરે અને તે માટે તેમને ચેપવાહક સજીવના શરીરની જરૂર હોય જ તો તેવા ચેપવહનને જૈવિક પ્રકારનું ચેપવહન કહેવાય છે. તેના 3 ઉપપ્રકારો છે : (સા. 1) સંખ્યાવૃદ્ધિકારક (propagative) ચેપવહન, દા. ત., પ્લેગના જીવાણુઓ ઉંદરને ચોંટેલા ચાંચડના શરીરમાં સંખ્યાવૃદ્ધિ કરે છે પરંતુ

સારણી 2 : ચેપવહનની શૃંખલાઓ

  ચેપવહનની શૃંખલા રોગ
1.

દા. ત.

માનવ → જંતુ → માનવ

માનવ → એનોફિલિસ મચ્છર → માનવ

માનવ → સ્નેઇલ → માનવ

 

મલેરિયા

શિસ્ટોસોમિયાસિસ

2.

દા. ત.

અન્ય પ્રાણી → જંતુ → માનવ

સસ્તન (ઉંદરડી) → ચાંચડ → માનવ

પક્ષી →  → માનવ

 

પ્લેગ

મસ્તિષ્કશોથ

(encephalitis)

3.

દા. ત.

માનવ → જંતુ → અન્ય પ્રાણી → માનવ

માનવ → પોરા (cyclops) → માછલી → માનવ

માનવ → સ્નેઇલ → માછલી → માનવ

માનવ → સ્નેઇલ → કરચલો → માનવ

 

માછલી-પટ્ટીકૃમિ

ક્લોનોર્કિસ સિનેન્સીસ

પેરેગોનિમિએસિસ

તેના રૂપમાં કોઈ ફેરફાર થતો નથી. (સા. 2) જીવનચક્રીય તથા સંખ્યાવૃદ્ધિકારક (cyclo-propagative) ચેપવહન, દા. ત., મલેરિયાના સૂક્ષ્મ જીવો મચ્છરના શરીરમાં સંખ્યાવૃદ્ધિ પામે છે તેમજ તેમના જીવનચક્રના કેટલાક તબક્કા પણ પૂરા કરે છે અને તેથી તેમના રૂપમાં પણ ફેરફાર થાય છે. (સા. 3) જીવનચક્રીય તથા વિકાસકારક (cyclo-developmental) ચેપવહન, દા. ત., મચ્છરના શરીરમાં હાથીપગાના સૂક્ષ્મ જીવો વિકાસ પામે છે પરંતુ તેની સંખ્યાવૃદ્ધિ થતી નથી. ક્યારેક ચેપવાહક જંતુની માદામાંથી તેની સંતતિમાં ચેપકારક સૂક્ષ્મ જીવનું સંક્રમણ થાય છે. તેને પારપ્રજનન સંક્રમણ (transovarial transmission) કહે છે. ક્યારેક ચેપવાહક જંતુનું રૂપાંતરણ (metamorphosis) થતું હોય ત્યારે તે ચેપકારક સૂક્ષ્મ જીવનું પણ ચેપવાહકના બીજા રૂપમાં સંક્રમણ થાય છે. આવા સમયે ચેપધારકનું નવું રૂપ પણ ચેપનું વહન કરે છે. તેને પારરૂપાંતરણ સંક્રમણ (transstadial transmission) કહે છે.

ચેપ ફેલાવવાની પદ્ધતિઓ : જંતુઓ વિવિધ રીતે ચેપ ફેલાવે છે. (1) તેઓ કાં તો કરડે છે (ડંખ), દા. ત., મલેરિયા ફેલાવતા મચ્છર, પ્લેગ ફેલાવતા ચાંચડ; (2) જઠરમાંથી ઊલટક્રિયા (regurgitation) કરીને સૂક્ષ્મ જીવને ખોરાક કે પાણી પર ઓકી કાઢે છે; (3) ક્યારેક મળમાંથી ખોતરી કાઢીને સૂક્ષ્મજીવનો ફેલાવો કરે છે અને (4) ક્યારેક આશ્રયદાતાના શારીરિક પ્રવાહીઓને સૂક્ષ્મ જીવ વડે પ્રદૂષિત કરે છે.

સારણી 3 : તબીબી જંતુવિદ્યા

સામાન્ય રીતે આ ચારમાંની કોઈ એક પદ્ધતિ દ્વારા માણસના શરીરમાં પ્રવેશીને સૂક્ષ્મ જીવ રોગ કરે છે. માણસ અને ચેપવાહક જંતુ વચ્ચે ચેપ કરતા સૂક્ષ્મ જીવનું સંક્રમણ સામાન્યત: ત્રણ રીતે થાય છે (જુઓ સારણી 2).

ચેપવાહક દ્વારા માનવમાં ચેપ ફેલાવવાની પ્રક્રિયા કેટલાંક પરિબળો પર આધારિત છે, જેમ કે માણસના આહારનો પ્રકાર, જંતુની ચેપવાહકતા(infectivity)ની તીવ્રતા, માણસની ચેપવશ્યતા (susceptibility), માણસ સાથે જંતુની સંસર્ગમાં આવવાની વધુ શક્યતા, યોગ્ય વાતાવરણીય ઘટકો વગેરે. દા. ત., એનોફિલિસ મચ્છરની માદા ચોખ્ખા પાણીના ખાબોચિયામાં ઈંડાં મૂકે છે અને એમાંથી જન્મતા માદા મચ્છરો સાંજના સમયે ઝાડીમાંથી ઘરમાં પ્રવેશે છે અને માણસને કરડે છે. જ્યારે ક્યુલેક્સ મચ્છરની માદા ગંદા પાણીમાં ઈંડાં મૂકે છે અને તેના મચ્છર મધ્યરાત્રિએ ડંખ મારે છે. આમ વિવિધ વાતાવરણીય સંજોગો – ચોમાસાની ઋતુ, ખાબોચિયાં ભરાય અને ઝાડી હોય તેવી જગ્યા અને માણસની વસ્તી વગેરે વિવિધ પરિબળો – મલેરિયા કે હાથીપગાનો રોગ કરવા અને ફેલાવવામાં અસર કરે છે.

તબીબી જંતુવિદ્યા : ચેપવાહક જંતુઓના જીવનચક્રનો અભ્યાસ, તેમનાં વિશિષ્ટ લક્ષણો અને જીવનપદ્ધતિઓનો અભ્યાસ તથા તેની મદદથી તેમનો નાશ કરવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ તબીબી જંતુવિદ્યાનું મહત્વનું કાર્ય છે. સારણી 3માં વિવિધ જંતુઓ (આકૃતિ 1) અને તેમનાથી ફેલાતા રોગો અને તેમનાં વિશિષ્ટ લક્ષણો દર્શાવેલાં છે. જંતુઓના જીવનચક્રમાં 4 રૂપો થાય છે. ઈંડાં, ઇયળ, કોશેટો અને પુખ્ત જંતુ. જંતુઓના નિયંત્રણનાં 4 મહત્વનાં પાસાં છે : (1) વાતાવરણીય નિયંત્રણ, (2) રાસાયણિક નિયંત્રણ, (3) જૈવિક નિયંત્રણ અને (4) જનીનીય (genetic) નિયંત્રણ. કોઈ એક નિયંત્રણની પદ્ધતિ સંપૂર્ણપણે અસરકારક નથી, માટે એકથી વધુ રીતે નિયંત્રણ કરવાના પ્રયોગો ચાલે છે.

(1) વાતાવરણીય નિયંત્રણ : આ સર્વશ્રેષ્ઠ પ્રકારનું નિયંત્રણ ગણાય છે, કેમ કે તેના દ્વારા કાયમી ધોરણે જંતુની નાબૂદી શક્ય બને છે. તેમાં જંતુના ઉછેરની જગ્યાની નાબૂદી, ખાડા-ખાબોચિયાંને માટીથી ભરી દેવાં, યોગ્ય પ્રકારે ગટરની વ્યવસ્થા કરવી, નળ દ્વારા પાણી પૂરું પાડવું, ઘન કચરો અને અન્ય કચરાનો યોગ્ય નિકાલ કરવો, ઘર અને આસપાસની જગ્યા ચોખ્ખી રાખવી તથા જાહેર શિક્ષણ અને સરકારી મદદ વગેરે વિવિધ બાબતો વાતાવરણીય નિયંત્રણમાં ઉપયોગી છે.

(2) રાસાયણિક નિયંત્રણ : ઑર્ગેનોક્લોરિન, ઑર્ગેનોફૉસ્ફરસ અને કાર્બામેટ જૂથના વિવિધ જંતુનાશકો (insecticides) વડે ચેપવાહક જંતુઓનો નાશ કરી શકાય છે. જંતુનાશકો એકલા આ કાર્ય કરી શકે તેમ નથી. વળી, તેમની આડઅસરો આરોગ્ય માટે જોખમી પણ હોય છે. તે હવા અને પાણીને પ્રદૂષિત પણ કરે છે. ડીડીટીને સ્થાને અન્ય સજીવો જેનું વિઘટન કરી નાશ કરી શકે તેવા જૈવવિઘટનશીલ (biodegradable) જંતુનાશકો વાપરવા માટે પ્રયત્નો કરાઈ રહ્યા છે. હાલ તે માટે મેથોક્સિક્લોર, એબેટ વગેરે વપરાય છે. મચ્છરોની ઇયળ અને કોશેટાને મારવા માટે ખનિજતેલ(દા. ત., ડીઝલ, કેરોસીન, બળતણનું તેલ વગેરે)ને ખાબોચિયામાં રેડવામાં આવે છે. સામાન્ય રીતે એક હેક્ટર જગ્યા પર 40થી 90 લિટર તેલ દર અઠવાડિયે એક વખત નાખવામાં આવે છે. પૅરિસગ્રીન અથવા એસિટોઆર્સેનાઇટ પણ ઇયળને મારે છે. ઇયળને મારવા માટે ફેન્થિઓન, ક્લૉરપારીફૉસ તથા એબેટ વપરાય છે. મચ્છરના નાશ માટે ઘરમાં અને ખુલ્લી જગ્યામાં દવાઓનો છંટકાવ કરાય છે. ઘરમાં ડીડીટી, ગામા-એચસીએચ, મેલેથિઓન અને પ્રોપોક્સુર વપરાય છે. બહાર છંટકાવ માટે પાયરિથ્રમ વપરાય છે.

(3) જૈવિક નિયંત્રણ : મલેરિયાનો રોગ ફેલાવતા એનોફિલિસ મચ્છરનાં ઈંડાંમાંથી ઇયળો બને છે. તે ખાબોચિયામાં ભરાયેલા પાણીમાં ઊછરે છે. તેને ખાઈ જતી ગેમ્બુસિઆ નામની માછલી મલેરિયાના મચ્છરને નિયંત્રણમાં લેવા માટે ઉપયોગી છે. તેવી જ રીતે જીવાણુ, ફૂગ, કૃમિ, પ્રજીવો (protozoa) અને વિષાણુઓનો પણ આ પ્રકારનો ઉપયોગ કરવાના પ્રયોગો થઈ રહ્યા છે. જોકે આવું જૈવિક નિયંત્રણ પોતે પણ કોક સમયે જોખમી પુરવાર થઈ શકે તેવો ભય સેવાય છે. મચ્છરોના જનીનીય નિયંત્રણના પણ પ્રયોગો થઈ રહ્યા છે.

સારણી 4 : કેટલાક જંતુનાશકો (insecticides) અને અપાકર્ષકો (repellants)

  જૂથ/પ્રકાર ઉદાહરણ
સંસર્ગ

(contact) ઝેર

(1) કુદરતી

 

 

પાયરેથ્રમ, રોટીનોન, ડેરિસ, નિકોટિન, ખનિજતેલ

 

 

 

 

 

 

(2) સંશ્લેષિત

(synthetic)

(ક) ઑર્ગેનોક્લોરિન રસાયણો : ડીડીટી,

મેથોક્સિક્લોસ, બેન્ઝાયલહેક્ઝાક્લોરાઇડ

(BHC) અથવા હેક્ઝા-ક્લૉરોસાઇકલો હેક્ઝેન

અથવા ગેમેક્સિન અથવા હૅક્સિડૉલ, લિન્ડેન,

ક્લૉરડેન, હેપ્ટાક્લોસ, ડાયેલડ્રિન, આલ્ડ્રિન,

ટોક્સાફેન, કિપોન, માયરેક્સ વગેરે.

(ખ) ઑર્ગેનોફૉસ્ફરસ રસાયણો : ક્લૉરથિઓન,

ડાયાઝિઓન, ડાયોક્ઝેથિઓન, ડાયમિથોએટ,

માલાથિઓન, ફેન્થિઓન, ડાયક્લૉવેસિ,

પેરાથિઓન, રોનેલ, એબેટ વગેરે.

(ગ) કાર્બામેટ રસાયણો : કાર્બેરિલ, ડાયમેટિલાન,

પાયરોલાન, પ્રોપોક્સુર વગેરે.

(ઘ) સંશ્લેષિત પાયરેથ્રોઇડ રસાયણો : રેસ્મેથ્રિન,

બાઓરેસ્મેથ્રિન, પ્રોથ્રિન વગેરે.

જઠરનાં ઝેર પૅરિસગ્રીન, સોડિયમ ક્લોરાઇડ
ધૂમ્રકારકો

(fumigant)

હાઇડ્રોજન સાયેનાઇડ, મિથાઇલ બ્રોમાઇડ,

સલ્ફર ડાયૉક્સાઇડ, કાર્બન ડાયસલ્ફાઇડ

અપાકર્ષકો મેટા-ડાયઇથાયલ ટોલ્યુએમાઇડ, બન્ઝાઇલ

બેન્ઝોએટ, ઇન્ડેલોન, ડાયમિથાઇલ ફ્થેલેટ,

ડાયબ્યુટાઇલ ફ્થેલેટ, ઇથાઇલ હેક્ઝાનિડિઓલ

મચ્છરના ડંખથી બચવાના વિવિધ ઉપાયો : રાત્રે મચ્છરદાની ખૂબ ઉપયોગી રહે છે. તે સફેદ અને સામાન્યત: લંબચોરસ હોય છે જેથી અંદર મચ્છર હોય તો જાણી શકાય. તેની ચારે દીવાલો અને છત

ચેપવાહકો : (અથી ઇ) જંતુનું જીવનચક્ર : (અ) ઈંડાં, (આ) ઇયળ, (ઇ) કોશેટો, (ઈ) જંતુ, (ઉ) એનોફિલિસ મચ્છર, (ઊ) ક્યુલેક્સ મચ્છર, (એ) માખી, (ઐ) રેતમાખી, (ઓ) ત્સેત્સે માખી, (ઔ) માથાની જૂ, (અં) શરીરની જૂ, (અ:) ચાંચડ, (ક) માંકડ, (ખ) કઠણ ટિક (બગો), (ગ) મૃદુ ટિક (બગો), (ઘ) પરુની જીવાત, (ચ) પોરા, (છ) ઉંદર, (જ) ગાય, (ઝ) ભેંસ, (ટ) બકરી-ઘેટું, (ઠ) કૂતરો, (ડ) ભૂંડ, (ઢ) માછલી, (ણ) ચેપધારક કે ચેપગ્રસ્ત માણસો.

જાળીવાળી રખાય છે. જાળીમાંનાં છિદ્રો 0.12 સેમી.થી મોટાં રખાતાં નથી. 6.25 ચોસેમી.માં 150 છિદ્રો હોય છે. બારીબારણાં પરની ધાતુ કે અન્ય પદાર્થની જાળી પણ આ જ પ્રકારનાં છિદ્રોવાળી રખાય છે. સાંજના સમયે અથવા રાત્રે જો મચ્છરદાની ન હોય તો મચ્છરને દૂર રાખતાં અપાકર્ષક દ્રવ્યો (repellents) શરીર પર ચોપડવામાં આવે છે. તેમાં ડાયઇથાઇલ ટોલ્યુએમાઇડ મુખ્ય છે. તે 18થી 20 કલાક માટે અસરકારક છે. અન્ય અસરકારક અપાકર્ષકો ઇન્ડાલોન, ડાયમિથાઇલ ફ્થેલેટ, ડાયમિથાઇલ કાર્બેટ, ઇથાઇલ હેક્સાનેડિઓલ વગેરે છે.

માખીઓના ઉપદ્રવને રોકવાના વિશિષ્ટ ઉપાયો : તે માટે શુદ્ધ વાતાવરણ માટેના ઉપાયો ખૂબ જ મહત્વના છે. ઘન કચરા(garbage)ને ઢાંકેલા વાસણમાં સંગ્રહ કરવાનું અને યોગ્ય રીતે નિકાલ કરવાનું સૂચવાય છે. જાહેર સફાઈને સુસંગત સંડાસની વ્યવસ્થા, ખુલ્લી જગ્યામાં મળત્યાગનો નિષેધ અને વાતાવરણની એકંદર સફાઈ મહત્વના ઉપાયો ગણાય છે. ડીડીટી (5 %), મેથોક્સિક્લોર (5 %), લિન્ડેન (0.5 %), ક્લોરડેન (2.5 %) વગેરેને 5 લિ./100 ચોમી.ના દરે છાંટવામાં આવે છે. જોકે માખી પર ડીડીટીની અસર ઘટી ગયેલી છે. જંતુનાશક દવાઓમાં ખાંડ ઉમેરવાથી તેમની અસરકારકતા વધે છે. ઘરમાં છંટકાવ વખતે પાણી કે ખોરાક પ્રદૂષિત ન થાય તે જોવામાં આવે છે. માખીઓને ઝેરી પદાર્થ આપવા મક્ષિપ્રલોભક (bait) તૈયાર કરાય છે. ડાયાઝિનોન, માલાથીઑન, ડાયક્લોર્વોસ, રીનેલ કે ડાયમિથોએટવાળા ઝેરી ઘન કે પ્રવાહી મક્ષિપ્રલોભકો બનાવવામાં આવે છે. ખાંડમાં ફોર્મેલિન અને પાણી અથવા દૂધ ભેળવવાથી પણ તે સહેલાઈથી બને છે. આવી રીતે ઝેરી દોરીઓ કે પટ્ટીઓ પણ બનાવાય છે. ખુલ્લી હવામાં પાયરેથ્રિન, ડીડીટી અને ગામા-HCHનો છંટકાવ કરાય છે. રેઝિન અને દિવેલ ઉકાળીને કાગળ પર ચોપડવાથી માખીપત્ર (fly paper) બને છે જેના પર માખી ચોંટી જાય છે. બારીબારણાં પર જાળી નાખવાથી (6.25 સેમી.માં 14 છિદ્રો) માખીને દૂર રાખી શકાય છે. સૌથી મહત્વનું કાર્ય જાહેર આરોગ્ય શિક્ષણ ગણાય છે.

રેતમાખીનો ઉપદ્રવ રોકવા માટે ઉપર જણાવેલા ઉપાયો ઉપરાંત ઘરની આસપાસની ઝાડી દૂર કરવી, ઘરની દીવાલોમાંનાં છિદ્રો પૂરવાં, ઢોરને રાખવાની જગ્યા ઘરથી 45.7 મી.થી વધુ દૂર રાખવી વગેરે છે. ત્સેત્સે માખીનો ઉપદ્રવ ઘટાડવા જે વનસ્પતિમાં તે ઊછરતી હોય તેનો નાશ કરવો મુખ્ય ગણાય છે.

અન્ય જંતુઓનું નિયંત્રણ : ઉપર જણાવેલી વિવિધ પ્રક્રિયાઓ મુખ્યરૂપે વિવિધ જંતુઓના નાશ માટે ઉપયોગી છે. ખસ અને જૂનો ઉપદ્રવ ઘટાડવા શારીરિક સ્વચ્છતા મહત્વની છે અને તેના દ્વારા અસરગ્રસ્ત દરેક વ્યક્તિની એકસાથે પૂરતી સારવાર જરૂરી ગણાય છે. પ્લેગ ફેલાવતા ચાંચડનો નાશ કરવા ડીડીટી ગામા-HCH અને ડાયેલડ્રિનનો છંટકાવ, ડાયઇથાયલ ટોલ્યુએમાઇડવાળાં કપડાં પહેરવાથી ચાંચડનું અપાકર્ષણ અને ઉંદરનાશની પ્રક્રિયાઓ વગેરે ઉપાયો છે. માંકડ ઘર, ફર્નિચર, ઢોરનાં રહેઠાણ અને માળામાં રહે છે. તેથી છંટકાવની પદ્ધતિથી તેમને નિયંત્રિત કરાય છે. પ્રદૂષિત પાણીમાંના પોરા(cyclops)ને દૂર કરવા પાણીને ગાળવું, ઉકાળવું કે તેમાં ક્લોરિન, ચૂનો (lime) કે એબેટ નામની દવા નાખવી વગેરે ઉપયોગ સૂચવાય છે. બાર્બસ અને ગેમ્બુસિઆ નામની માછલીઓ પોરા ખાઈ જાય છે. માટે તેમને પાણીમાં ઉછેરવાથી પણ પોરાનું નિયંત્રણ થાય છે. વાવને સ્થાને નળીકૂપ(tube well)નો ઉપયોગ કરવાથી આરોગ્યને હાનિ કરતો પોરાનો ઉપદ્રવ ઘટે છે.

ચેપવાહક પ્રાણીઓ : કેટલાંક પ્રાણીઓ વિવિધ રોગોનાં ચેપધારક અને ચેપવાહક હોય છે. ઘેટાં, બકરાં, ગાય, ભેંસ, ભૂંડ, માછલી વગેરે વિવિધ પ્રકારના કૃમિનો રોગ ફેલાવે છે. તેવી જ રીતે ચેપધારક માણસ પણ વિવિધ ચેપનો ફેલાવો કરે છે. આ ઉપરાંત હડકવા રોગગ્રસ્ત કૂતરો હડકવાને ફેલાવે છે અને તેવી જ રીતે પ્રાણીઓના દૂધમાં ક્ષયના જીવાણુ આવે છે. પ્રાણીઓના લગભગ 150 જેટલા ચેપી રોગો માણસમાં ફેલાય છે. આવા રોગોને પ્રાણીજન્ય રોગો (zoonoses) કહે છે. તેમાંના કેટલાકને સારણી 5માં દર્શાવ્યા છે.

સારણી 5 : પ્રાણીઓથી થતા કેટલાક રોગો

રોગ પ્રાણીઓ
1 હડકવા કૂતરો, શિયાળ
2 જપાનીઝ મસ્તિષ્કશોથ પક્ષીઓ, ભૂંડ, ઘોડા
3 એન્થ્રેક્સ ભૂંડ
4 બ્રુસેલોસિસ ગાય, ભેંસ, ઘેટાં, બકરાં
5 લેપ્ટોસ્પાઇરોસિસ ઉંદરો
6 પ્લેગ ઉંદરો
7 સાલ્મોનેલોસિસ અને ટાઇફૉઇડ તાવ સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ
8 ક્ષય ભૂંડ, ગાય, ભેંસ, ઘેટાં,

બકરાં, કૂતરો

9 બહુકોષ્ઠી કૃમિરોગ (hydatidosis) કૂતરો, ગાય, ઘેટાં
10 ટિનિઆસીસ ગાય, ભેંસ
11 લિશમેનિઆસિસ કૂતરો, ઉંદરો

બધાં પ્રાણીઓમાં પ્રાણીજન્ય રોગ ફેલાવવા બાબતે મૂષકો અથવા કૃન્તક (rodents) મહત્વના ગણાય છે. બે પ્રકારના મૂષકો છે : (1) ઘરેલુ (domestic) અને (2) જંગલી. કાળો ઉંદર (black rat, rattus rattus), નૉર્વેજિયન ઉંદર (rattus norvegicus) અને ઘરઉંદર (house mouse, musculus musculus) રોગ ફેલાવવાની બાબતે મહત્વના ગણાય છે. જંગલી ઉંદર(કોળ)ની વિવિધ જાતો છે. જેમાંની ટેર્ટરા ઇન્ડિકા જાત ભારતમાં પ્લેગના ચેપના સ્રોતમૂળ (reservoir) તરીકે કાર્ય કરે છે. ઉંદરો વિવિધ પ્રકારના રોગો ફેલાવે છે.

તે કરડીને (ઉંદર કરડવાનો તાવ), ખોરાક અને પાણીને પ્રદૂષિત કરીને (આંતરડાંના રોગો, ટાઇફૉઇડ તાવ) તથા ઉંદર-ચાંચડ દ્વારા (પ્લેગ અને ટાઇફસ વગેરે) વિવિધ રોગોનો ફેલાવો કરે છે. તેમના નિયંત્રણના ઉપાયોને પ્રતિમૂષક પગલાં (antirodent measures) કહે છે. પ્રતિમૂષક પગલાં મુખ્યત્વે 5 પ્રકારનાં છે : (1) જાહેર સફાઈ, (2) ઉંદર પકડવાનાં પાંજરાં, (3) મૂષકનાશકો (rodenticides), (4) ધૂમ્રીકરણ (fumigation) અને (5) પ્રાયોગિક રાસાયણિક વંધ્યીકારકો (chemosterilizers). ઘન કચરાનો બંધ પાત્રોમાં સંગ્રહ અને યોગ્ય નિકાલ, ઉંદરમુક્ત (ratproof) મકાનોનું બાંધકામ, ઉંદરનાં દરોનું કૉંક્રીટથી પુરાણ વગેરે જાહેર સફાઈનાં કામો છે. રેડસ્ક્વીલ, નોર્બ્રોમાઇડ, ઝિંક ફૉસ્ફાઇડ, સોડિયમ ફલ્યુરોએસિટેટ, ફલ્યુરોએસિટેમાઇડ, સ્ટ્રિક્નિન વગેરે મૂષકનાશકો ઉપયોગી છે. સામાન્ય વપરાશમાં બેરિયમ કાર્બોનેટ અને ઝિંક ફૉસ્ફાઇડ મુખ્ય છે. વૉરફેરિન, ડાયફેલિનોન, કૌમાફ્યુરિલ અને પિનટોન પણ વપરાય છે જે 4થી 10 દિવસમાં ધીમું મૃત્યુ આણે છે. કૅલ્શિયમ સાયેનાઇડ અથવા સાયેનોગૅસ અથવા સાયમેગ નામે ઓળખાતું દ્રવ્ય, કાર્બન ડાયસલ્ફાઇડ, મિથાઇલ બ્રોમાઇડ, સલ્ફરડાયૉક્સાઇડ વગેરે ધૂમ્રીકારકો છે. તેમાંથી સાયનોગૅસ સૌથી વધુ વપરાય છે. ઉંદરના દરમાં તેનો ધુમાડો નાખવાથી ઉંદર અને ચાંચડનો નાશ થાય છે. સાયનોગૅસનો પંપ પણ ઉપલબ્ધ છે.

સારણી 6 : ઉંદરોથી ફેલાતા રોગો

  જૂથ ઉદાહરણ
1 જીવાણુજન્ય

(bacteria)

પ્લેગ, ટયુલેરિમિઆ, સાલમોનેલાથી થતા આંતરડાંના

રોગો (દા. ત., ટાઇફૉઇડનો તાવ)

2 વિષાણુજન્ય

(viral)

લાસા તાવ, રુધિરસ્રાવી જ્વર (haemorrhagic

fever) મસ્તિષ્કશોથ

3 રિકેટિશયલ સ્ક્રબ ટાઇફસ, મ્યુરાઇન ટાઇફસ, રિકેટિશયનલ પૉક્સ
4 પરોપજીવી

(parasitic)

લિશમેનિઆસિસ, અમિબિઆસિસ, ચગાસનો રોગ,

ટ્રિચિનોસિસ વગેરે

5 અન્ય ઉંદર કરડવાનો તાવ, લેપ્ટોસ્પાયરોસિસ, રિંગ-વર્મ

(વીંટી-કૃમિ) વગેરે

શિલીન નં. શુક્લ