ચેપનાશકો (antiseptics) : જીવંત સ્નાયુઓ ઉપર ચોપડવાથી જીવાણુઓ(વાઇરસ, બૅક્ટેરિયા, ફૂગ, પ્રોટોઝોઆ)ને મારી શકે અથવા અટકાવી શકે તેવાં રાસાયણિક સંયોજનો. કેટલીક વાર સંક્રમણહારક પદાર્થો, જીવાણુનાશક દ્રવ્યો વગેરે શબ્દો પણ સાધારણ ભેદ સાથે વપરાશમાં છે.

સંક્રમણહારક (disinfectant) પદાર્થો નિર્જીવ ચીજોને જીવાણુરહિત કરવા વપરાય છે. તે બીજાણુ(spores)નો નાશ કરતાં નથી. દા. ત., શસ્ત્રક્રિયા માટે વપરાતાં સાધનો તથા હૉસ્પિટલોમાં વપરાતાં ગાદલાં, ઓશીકાં, ચાદરો, પ્યાલા વગેરેને જીવાણુરહિત કરવામાં આવે છે. આ ક્રિયાને નિર્જીવાણૂકરણ (sterilization) કહે છે તથા આવાં સંયોજનોને સ્વચ્છકારકો (sanitizers) પણ કહે છે. ચેપનાશક સંયોજનો જીવંત પેશીઓને જીવાણુરહિત બનાવવા વપરાય છે. દા. ત., ઇન્જેક્શન આપતાં અગાઉ ચામડીને સ્પિરિટ વડે સાફ કરાય છે.

લૂઈ પાશ્ચર અને રૉબર્ટ કૉખે સંક્રામક (infectious) રોગોનું કારણ જીવાણુઓ છે તે સાબિત કરેલું. અંગ્રેજ સર્જન લિસ્ટરે વાઢકાપ બાદ જખમ સડી જવાનું કારણ જીવાણુઓ છે તે શોધી કાઢેલું. લિસ્ટરે સૌપ્રથમ 1867માં કાર્બોલિક ઍસિડ (ફીનૉલ) ચેપનાશક તરીકે વાપરવાની શરૂઆત કરેલી. સંક્રમણહારક સંયોજનોની ક્રિયાશીલતા ફીનૉલ ગુણાંક દ્વારા દર્શાવાય છે. ગુણાંક 10 એટલે ફીનૉલ કરતાં 10 ગણો સંક્રમણહારક સક્રિય પદાર્થ. 1865થી 1880 સુધી ફીનૉલ ચેપનાશક તરીકે ખૂબ વપરાતો પરંતુ તેની વિષાણુ અસરને લીધે હવે હેલોજનયુક્ત ફીનૉલ વ્યુત્પન્નો, ક્રીસૉલ વગેરે વપરાય છે. બીસ-ફીનૉલ્સ પ્રબળ જીવાણુનિરોધી (bacteriostatic) તથા ફૂગરોધી (fungistatic) છે. તે સાબુ તથા પ્રક્ષાલકોમાં ઉમેરવામાં આવે છે. ક્લૉરોક્રીસૉલ, ક્લૉરોઝાઇલીનોલ, હેક્ઝાક્લૉરોફિન વગેરે પણ આ માટે વપરાય છે. સામાન્ય ઘરગથ્થુ ફિનાઇલ ક્રીસૉલનું સાબુમાં તૈયાર થયેલું પાયસ (emulsion) છે. હેક્ઝાક્લૉરોફિન ગ્રામ પૉઝિટિવ જીવાણુઓ ઉપર સક્રિય છે. આયોડિન તથા કેટલાંક ક્લોરિન સંયોજનો ચેપનાશક તરીકે ખૂબ વપરાશમાં છે. આયોડિન છેક 1839થી વપરાતું આવ્યું છે અને 1862થી વાઢકાપમાં પણ તે ચેપનાશક તરીકે વપરાય છે. તેનાં સામાન્ય સ્વરૂપો ટિંક્ચર આયોડિન (જેમાં 2.0 % આયોડિન તથા 2.4 % સોડિયમ આયોડાઇડનું આલ્કોહૉલમાં ઓગાળેલું દ્રાવણ) તથા આયોડિન દ્રાવણ (2 % આયોડિન તથા 2.4 % સો. આયોડાઇડનું જલીય દ્રાવણ) છે. ટિંક્ચર આયોડિન અસરકારક જીવાણુનાશક છે. કાર્બનિક પદાર્થો (શરીરમાંની પેશી, સ્નાયુ વગેરે) દ્વારા તેનો પ્રતિકાર થતો નથી. ક્લોરિન સંયોજનોનો જીવંત સ્નાયુઓ દ્વારા પ્રતિકાર થાય છે. સોડિયમ હાઇપોક્લોરાઇટ (ડાકીન દ્રાવણ), ડાઇક્લોરામાઇન-T વગેરે આનાં ઉદાહરણ છે. ફ્લોરો તથા બ્રોમો સંયોજનો અસરકારક હોવાથી વપરાશમાં નથી. આયોડોફૉર્મ (CHI3) તેની ગંધને લીધે વપરાશમાં નથી; તેને બદલે આયોડોલ (ટેટ્રા આયોડોપાયરોલ) વપરાય છે. મર્ક્યુરિક ક્લોરાઇડ (HgCl2) છેક 1880થી વપરાશમાં છે પણ હવે તેનાથી ઓછાં વિષાળુ દ્રવ્યો વપરાય છે. મર્ક્યુરી લવણોના વપરાશથી જીવંત કોષો ઉપર પ્રતિકૂળ અસર થતી જણાઈ છે. તેને બદલે કાર્બ-મર્ક્યુરી સંયોજનો ઓછાં વિષાળુ, બિન-પ્રકોપક (non-irritant), જીવાણુનાશક તથા જંતુઘ્ન છે પણ જીવંત કોષો પર તેની પણ પ્રતિકૂળ અસર હોવાને લીધે ખાસ વપરાશમાં નથી. માત્ર મર્ક્યુરોક્રોમ, મરક્રેસીન, મરફીનાઇલ નાઇટ્રેટ, મરથાયોલેટ તથા મેટાફીન, ફીનાઇલ મર્ક્યુરી નાઇટ્રેટ ઉપયોગમાં છે.

કાર્બ-નાઇટ્રોજન (ચતુર્થક અમોનિયમ લવણો) સંયોજનો જીવાણુનાશક છે. તે મુખ્યત્વે સંક્રમણહારક તરીકે વપરાય છે તથા બિનવિષાળુ, બિનઉત્તેજક છે. સિટાઇલ પિરડિનિયમ ક્લોરાઇડ આવું જીવાણુનાશક સંયોજન છે.

1894થી આજ પર્યંત આલ્કોહૉલ (દારૂ) ચેપનાશક તરીકે વપરાતો રહ્યો છે. 62.5 %થી 70 % સંકેન્દ્રિત ઇથાઇલ આલ્કોહૉલ આ માટે વપરાય છે. તે ઝડપી જીવાણુનાશી (germicidal) છે પરંતુ નિર્બલ બૅક્ટેરિયારોધક છે. તે વિષાળુ નથી, ચામડી ઉપર પ્રકોપક અસર કરતો નથી કે જીવંત કોષો તેનો પ્રતિકાર કરતા નથી. આઇસોપ્રોપાઇલ આલ્કોહૉલ પણ તેના જેટલો જ અસરકારક છે. મિથાઇલ આલ્કોહૉલ ઓછો અસરકારક છે. કેટલાંક ઉપચયનકારકો – હાઇડ્રોજન પૅરૉક્સાઇડ, ઝિંક પૅરૉક્સાઇડ, પોટૅશિયમ પરમૅંગેનેટ, સોડિયમ પરબોરેટ વગેરે અસરકારક ચેપનાશકો છે. પરંતુ વિશિષ્ટ જરૂરિયાત માટે જ વપરાય છે.

જીવાણુનિરોધી (bacteriostatic) રંગકોના ઉપયોગ ચોક્કસ પ્રકારે મર્યાદિત પ્રમાણમાં શસ્ત્રક્રિયામાં થાય છે. ક્રિસ્ટલ (જેન્શિયન) વાયોલેટ, એક્રીફ્લૅવીન, મિથિલીન બ્લૂ, પિરડિન સંયોજનો વગેરે આનાં ઉદાહરણો છે. આ ઉપરાંત નાઇટ્રૉફ્યુરાન વ્યુત્પન્નો હાલમાં વપરાશમાં આવ્યાં છે. ઇથિલીન ઑક્સાઇડ તથા આલ્કાઇલેટિંગ સંયોજનો પણ ચોક્કસ પ્રકારે વપરાય છે. હેક્ઝામિથિલીન ટ્રેટ્રામાઇન (હેક્ઝામિન) મૂત્ર-જીવાણુનાશક તરીકે વપરાય છે.

જ. પો. ત્રિવેદી