ચેન, સર અર્નસ્ટ બૉરિસ (જ. 19, જૂન, 1906, બર્લિન, જર્મની; અ. 12 ઑગસ્ટ 1979, આયર્લૅન્ડ) : પેનિસિલિન અને વિવિધ ચેપી રોગોને મટાડવાની તેની ક્ષમતાના સંશોધન માટે 1945ના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તેમની સાથે સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ તથા હાવર્ડ વૉલ્ટર ફ્લૉરીને પણ તે જ વર્ષે આ પુરસ્કાર એનાયત થયો હતો. તે જન્મે જર્મન હતા પણ તેમની રાષ્ટ્રીયતા બ્રિટિશ હતી.

સર અર્નસ્ટ બૉરિસ

શરીરક્રિયાશાસ્ત્ર (physiology) તથા રસાયણશાસ્ત્રનો અભ્યાસ તેમણે બર્લિનમાં કર્યો હતો. તેમણે કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં હૉપકિન્સના હાથ નીચે કાર્ય કર્યું હતું. ત્યારબાદ તે ઑક્સફર્ડ ગયા અને ફ્લૉરી સાથે પેનિસિલિન વિશે સંશોધન કરવા જોડાયા. તેમણે તથા એન. જી. હીટલીએ પેનિસિલિન ઉત્પન્ન કરતી ફૂગનાં ઉત્પાદન, અલગીકરણ અને કસોટીકરણ (testing) વિશે મહત્વનું સંશોધનકાર્ય કર્યું, જેને કારણે પેનિસિલિન એક કીમતી ઍન્ટિબાયૉટિક ઔષધ રૂપે સાબિત થયું. 1948માં તે રોમ ખાતેના ઇન્ટરનેશનલ રિસર્ચ સેન્ટર ફૉર કેમિકલ માઇક્રોબાયૉલૉજીના નિયામક તરીકે જોડાયા અને 1961માં તે ઇમ્પિરિયલ કૉલેજ, લંડનમાં માઇક્રોબાયૉલૉજીના પ્રૉફેસર તરીકે જોડાયા. 1970માં તેમને નાઇટનો ખિતાબ આપી બહુમાન કરાયું હતું.

શિલીન નં. શુક્લ