ચેન્નાઈ (જિલ્લો) : તમિળનાડુ રાજ્યનો સૌથી નાનો અને સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો.

ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 12 59´ ઉ. અ.થી 13 9´ ઉ. અ. અને 80 12´ પૂ. રે.થી 80 19´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. સમુદ્રની સપાટીથી આશરે 6 મીટરની ઊંચાઈએ સ્થિત છે. આ જિલ્લો સ્થાનભેદે 2 મીટરથી 10 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ જિલ્લાની નૈર્ઋત્યે થોડી નાની ટેકરીઓ આવેલી છે. જેમાં સેન્ટ થોમસ માઉન્ટ, પલ્લાવરમ્ અને તમ્બારમ્ વધુ જાણીતી છે. ભારતના પૂર્વ કિનારે આવેલો આ જિલ્લો અગ્નિ દિશાનાં મેદાનો અને કોરોમાંડલના કિનારા સાથે સંકળાયેલો છે.

આ જિલ્લો ઉત્તરે તિરુવલ્લુર (Tiruvllur), પશ્ચિમે કાંચીપુરમ્ અને દક્ષિણે ચેંગાલપટ્ટુ જિલ્લાઓથી ઘેરાયેલો છે, જ્યારે પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર આવેલો છે. આ જિલ્લાનો સમુદ્રકિનારો અર્ધચંદ્રાકારે આવેલો છે. જેની લંબાઈ 25.60 કિમી. છે. જે તમિળનાડુ રાજ્યના કુલ સમુદ્રકિનારાના 2.5 જેટલો છે. મધ્યમાં કૂમ અને દક્ષિણે અદ્યાર (Adyar) નદી-નાળ (ખાડી) આવેલી છે. બંકિગહામ નહેર અને ઓત્તેરી નુલ્લાહ (Otteri Nullah) ઝરણાને કારણે અહીં ટાપુઓ રચાયા છે. આ જિલ્લો ભૂકંપગ્રસ્ત સીસ્મિકલ ઝોન-III માં આવે છે. ભૂસ્તરીય રચનાને આધારે આ જિલ્લો રેતાળ, કાંપ અને નક્કર ખડકોનો બનેલો છે.

આબોહવા – વનસ્પતિ : આ જિલ્લાની આબોહવા વિષુવવૃત્તીય સવાના પ્રકારની છે. આ જિલ્લાનું સરેરાશ તાપમાન 33 સે. છે. ઉનાળાનું મહત્તમ તાપમાન 38 સે. જ્યારે શિયાળાનું લઘુતમ તાપમાન 14 સે. જેટલું રહે છે. સરેરાશ વરસાદ 1,267 મિમી. જેટલો રહે છે.

જિલ્લાના કુલ વિસ્તારના 2.71 ચો.કિમી.માં રક્ષિત જંગલો આવેલાં છે. અહીં તાડ, નાળિયેરી, સુંદરી જેવાં વૃક્ષો જોવા મળે છે. ગુઇન્ડી રાષ્ટ્રીય ઉદ્યાન જેનો સમાવેશ તેના જંગલવિસ્તારમાં કરાયો છે.

અર્થતંત્ર – પરિવહન : અહીંની ખેતીમાં ડાંગર મુખ્ય છે. ચેન્નાઈ શહેરના વિકાસને કારણે શહેરના પરા વિસ્તારોમાં સ્થપાયેલા ઔદ્યોગિક એકમો તેમજ જિલ્લાના અન્ય ભાગના એકમોને લીધે લોકો પોતાની રોજીરોટી મેળવે છે. આ સિવાય ગૃહઉદ્યોગો પણ રોજીનું કારણ બન્યા છે.

અહીં પાકા રસ્તા અને રેલમાર્ગોની સગવડ ઉપલબ્ધ છે.

વસ્તી : ચેન્નાઈ શહેરને કારણે આ જિલ્લામાં પ્રથમ સદીથી વસાહતનું પ્રમાણ વધ્યું હતું. ચેન્નાઈ એક મહાનગર બનતાં જિલ્લાનો વિસ્તાર વધવા લાગ્યો. આ જિલ્લાનો વિસ્તાર 175 ચો.કિમી. હતો જે આજે વધીને 426 ચો.કિમી. થયો છે.

આ જિલ્લાની કુલ વસ્તી (2011 મુજબ) 46,46,732 છે. જે 175 ચો.કિમી.ના વિસ્તારના સંદર્ભમાં હતી. દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 929 છે. પછાત જાતિ અને આદિવાસીઓનું પ્રમાણ અનુક્રમે 61,27% અને 72.99% છે. સાક્ષરતાનું પ્રમાણ 81.27% રહ્યું છે. આ જિલ્લાનો વિસ્તાર 426 ચો.કિમી. થતા વસ્તી (2011 મુજબ) 67,48,026 છે. અહીં હિન્દુઓ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, જૈન વગેરે ધર્મના લોકો વસે છે, જેનું પ્રમાણ અનુક્રમે 81%, 9%, 8% અને 1.11% છે.

આ જિલ્લાને વહીવટી સુગમતા ખાતર વેલ્લાચેરી, પુરસાવાલ્કમ, અપનાપરમ, અમીન્જીકારી અને ગુઇન્ડી તાલુકામાં વહેંચેલ છે. 2018માં ગ્રેટર ચેન્નાઈ કૉર્પોરેશન અસ્તિત્વમાં આવતાં આ જિલ્લામાં છ નવા તાલુકાઓનો સમાવેશ કરાયો તેમાં તિરુવલ્લુર અને કાંચીપુરમ્ જિલ્લાના કેટલાક તાલુકાઓ આ જિલ્લામાં ભેળવવામાં આવ્યા. આમ 2024 મુજબ આ જિલ્લાના કુલ 16 તાલુકાઓ છે. આ જિલ્લાનું પાટનગર ચેન્નાઈ છે. આ સમગ્ર વિસ્તાર ‘ગ્રેટર ચેન્નાઈ કૉર્પોરેશન’ તરીકે ઓળખાય છે. પરિણામે જિલ્લા અને ગ્રેટર ચેન્નાઈ કૉર્પોરેશનનો વિસ્તાર એકસરખો જ દર્શાવાય છે.

બૃહદ ચેન્નાઈ મહાનગરપાલિકા : દક્ષિણ ભારતના ‘દ્વાર’ તરીકે ઓળખાતું શહેર.

ભૌગોલિક સ્થાન – આબોહવા : આ શહેર 13 4´ ઉ. અ. અને 16 30´ પૂ. રે. પર આવેલું છે. તે સમુદ્રની સપાટીથી 7 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. ચેન્નાઈ જિલ્લાનું મુખ્ય શહેર છે અને તમિળનાડુ રાજ્યનું પાટનગર છે. ભૂકંપની સંભવિતતા ધરાવતાં સીસ્મિકલ ઝોન-III વિભાગમાં આવે છે. કરોડો વર્ષ પહેલાં થયેલી ભૂસ્તરીય હિલચાલને પરિણામે તે સમયે 4થી 5 કિમી.ની ઊંડાઈએ તાપમાન 200થી 300 જેટલું હશે. આથી અહીં ગ્રૅનાઇટ ખડકો જોવા મળે છે. આ શહેરની નદીઓમાં કૂમ નદી જે મધ્યમાં અને અદ્યાર નદી દક્ષિણે આવેલી છે. કોશસ્થાન નદી સમુદ્રને મળે છે. તે પહેલાં નદીઓ પંખાકારે નદીનાળ રૂપે વહીને સમુદ્રને ઈન્નોર ખાતે મળે છે. ઉત્તેરી નુલ્લાહની પૂર્વથી પશ્ચિમે વહે છે. જે બંકિગહામ કૅનાલમાં ભળી જાય છે. ચેન્નાઈમાં ભૂમિ નીચે સંગ્રહાયેલું પાણી સરેરાશ 4થી 5 મીટરની ઊંડાઈએ મળે છે. આ શહેરને આશરે 25 કિમી. લંબાઈનો સમુદ્રકિનારો પ્રાપ્ત થયો છે.

આ શહેરની આબોહવામાં ઉનાળાનું તાપમાન સૂકું, જ્યારે શિયાળામાં આબોહવા ભેજવાળી અને સૂકી રહે છે. ઉનાળામાં સૌથી ઊંચું તાપમાન 31 મે, 2003ના રોજ અનુભવાયું હતું. જે એક રેકૉર્ડ સમાન ગણાય છે. એકંદરે ડિસેમ્બર-જાન્યુઆરી માસમાં વાતાવરણમાં ઠંડક અનુભવાય છે. આજ દિન સુધી શિયાળાનું લઘુતમ તાપમાન 11 ડિસેમ્બર, 1895 અને 29 જાન્યુઆરી, 1905માં 13.9 સે. નોંધાયું હતું. ચેન્નાઈમાં મોટા ભાગનો વરસાદ ઈશાનના ભેજવાળા પવનોને કારણે પ્રાપ્ત થાય છે. જે જૂનથી સપ્ટેમ્બર માસના સમયગાળામાં પડે છે. અહીંનો સરેરાશ વરસાદ 1200 મિમી. જેટલો પડે છે. ચેન્નાઈમાં આજ દિન સુધીનો મહત્તમ વરસાદ 2570 મિમી. 2005માં પડ્યો હતો. આ શહેર અનેક વાર ચક્રવાતનો ભોગ બનતું રહે છે. ચક્રવાતને કારણે સમુદ્રનું પાણી નિચાણવાળા વિસ્તારમાં ધસી જાય છે. આવા વિનાશક ચક્રવાતનો અનુભવ ઈ. સ. 2015 અને 2023માં થયો હતો.

વનસ્પતિ અને પ્રાણીસંપત્તિ : અદ્યાર (Adyar) નદીના નદીનાળ ભાગમાં વિવિધ પ્રકારના સ્થાનિક અને યાયાવર પક્ષીઓ સંવર્ધન માટે આવે છે. આ વિસ્તારમાં 130 પ્રજાતિનાં પક્ષીઓ નોંધાયાં છે. જે એક રેકૉર્ડ સમાન છે. પંકભૂમિના જળપ્લાવિત પલ્લીકાનારાયણી અને સરોવરમાં શિયાળામાં યાયાવર પક્ષીઓ પોતાના નિવાસ ઊભા કરે છે. તિરુવનમિયુર(Tiruvamiyur)થી નિલાન્ગારી સમુદ્રકાંઠે શિયાળાની ઋતુમાં કાચબા પોતાનાં ઈંડાં મૂકે છે. ગુન્ડી રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે અને અરીગનાર અન્તા પ્રાણીશાસ્ત્ર પાર્ક આવેલ છે. ‘મદ્રાસ ખાતે ક્રોકોડાઇલ બૅન્ક ટ્રસ્ટ’ સંશોધન કેન્દ્ર આવેલું છે. બૃહદ શહેરનો આશરે 64% જેટલો વિસ્તાર જંગલઆચ્છાદિત છે. જ્યાં વિવિધ પ્રજાતિનાં વૃક્ષો જોવા મળે છે. ખાસ કરીને કોપરપોડ, લીમડા વગેરે વૃક્ષો આવેલાં છે. ચેન્નાઈમાં અનેક સરોવરો આવેલાં હતાં, પરંતુ શહેરીકરણને લીધે જળપ્લાવિત વિસ્તારો, તળાવો વગેરે પુરાઈ ગયાં છે. 1970માં 650 જળપ્લાવિત વિસ્તારો હતા, પરંતુ આજે એટલે 2015માં ફક્ત 27 જ બચ્યાં છે. ચેન્નાઈની કૂમ અને અદ્યાર નદીઓ પ્રદૂષણસભર બની છે. જળપ્લાવિત વિસ્તારો પુરાઈ જવાથી તેમજ 2015 અને 2023માં વરસાદ અને સમુદ્રની ભરતીનું પાણી શહેરમાં ધસી જતાં પારાવાર નુકસાન પહોંચ્યું હતું. 2019માં સૌપ્રથમ વાર પીવાના પાણીની તંગી નિર્માણ પામી હતી.

અર્થતંત્ર : ચેન્નાઈ વર્ષોથી પાકા રસ્તા, રેલમાર્ગો દેશનાં અન્ય રેલવેજંકશનો અને રાજ્યનાં શહેરો સાથે પરિવહનનાં વિવિધ સાધનો સાથે સંકળાયેલ છે તેમજ દરિયાઈ માર્ગો અને હવાઈ માર્ગો સાથે પણ સંકળાયેલ છે. આ ઉપરાંત તે વિદેશના અનેક દેશો સાથે ઘનિષ્ઠ વ્યાપારિક સંબંધોથી સંકળાયેલ છે. આથી તેને ‘Gateway of South India’ કહે છે. ચેન્નાઈમાં ઑટોમોબાઇલ્સ, સૉફ્ટવૅર સેવાઓ, હાર્ડવેર, હેલ્થકેર અને નાણાકીય સેવાઓ અહીં ઉપલબ્ધ છે. 2021માં ચેન્નાઈ જિલ્લો કે જેણે દેશના અન્ય જિલ્લાઓ કરતાં વધુ નિકાસ કરી હતી. ચેન્નાઈ ઇન્ફર્મેશન ટૅકનૉલૉજીના સંદર્ભમાં ભારતનું સૌથી મોટું ‘હબ’ ગણાય છે. ઑટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝનો વધુ વ્યાપ થયો હોવાથી તે ‘ડેટ્રોઇટ ઑફ ઇન્ડિયા’ તરીકે ઓળખાય છે. અહીં રેલવેના કોચ બનાવવાનું મોટું એકમ કાર્યરત છે. ચેન્નાઈમાંથી ચર્મની વિવિધ બનાવટોના એકમો સ્થપાયેલા હોવાથી ભારતના કુલ ચર્મના 50% ચર્મની નિકાસ ચેન્નાઈ કરે છે. આ સિવાય ઇલેક્ટ્રૉનિક, હાર્ડવૅરની સૌથી વધુ નિકાસ અહીંથી થાય છે. ભારતનું ત્રીજા ક્રમે આવતું ‘મદ્રાસ સ્ટૉક એક્સચેન્જ’ છે. 1683માં ભારતમાં યુરોપિયન પદ્ધતિ મુજબ બૅન્કિંગ સેવા આપતી પ્રથમ મદ્રાસ બૅન્ક હતી. 1683માં ભારતમાં યુરોપિયન પદ્ધતિ મુજબ બૅન્કિંગ સેવા આપતી પ્રથમ મદ્રાસ બૅન્ક હતી. 1683માં સૌપ્રથમ વાણિજ્ય બૅન્ક તે ‘Bank of Hindustan’ હતી. આજે તો અનેક રાષ્ટ્રીયકૃત અને ખાનગી બૅન્કોની સેવા ઉપલબ્ધ છે. આ સિવાય DRDO, ISROના અનેક એકમો કાર્યરત છે. પ્રવાસીઓ મહત્તમ ‘મેડિકલ ટૂરિઝમ’નો લાભ લે છે. તેનો ફાળો લગભગ 40% જેટલો છે. અહીં તેલ શુદ્ધીકરણ અને ચલચિત્રનિર્માણના ઉદ્યોગો વિકસ્યા છે. દીવાસળી અને ફટાકડા બનાવવાના એકમો આવેલા છે.

પરિવહન : ચેન્નાઈ શહેરમાં સૌપ્રથમ હવાઈ સેવાનો પ્રારંભ 1910માં થયો હતો. 1915માં તાતા જૂથે સૌપ્રથમ વાર ‘Tata Air Mail’નો પ્રારંભ કર્યો હતો. તે સમયે કરાંચી અને મદ્રાસ (ચેન્નાઈ) વચ્ચે હવાઈ સેવાની શરૂઆત થઈ હતી. 15 ઑક્ટોબર, 1932ના રોજ શ્રી જે. આર. ડી. તાતાએ કરાંચી અને મુંબઈ વચ્ચે વિમાન ઉડાડ્યું હતું. આજે ભારતમાં ‘ચેન્નાઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક’ કાર્યરત છે. તે શહેરથી 20 કિમી. દૂર છે. ભારતીય હવાઈ દળનું ‘Southern Air Command’ મથક ચેન્નાઈ ખાતે આવેલું છે. એ જ રીતે ભારતીય નૌકાદળનો હવાઈ અડ્ડો ચેન્નાઈ ખાતે આવેલો છે.

ભારતમાં સૌપ્રથમ રેલમાર્ગનું નિર્માણકાર્ય ચેન્નાઈ ખાતે 1832માં થયું હતું. ઈ. સ. 1837માં ‘મદ્રાસ રેલમાર્ગ’ તરીકેનો પ્રારંભ થયો હતો. ચેન્નાઈમાં સ્થપાયેલો રેલમાર્ગ બ્રિટિશરોના સમયમાં થયો હતો. 1950માં ભારતીય રેલમાર્ગને છ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો. આજે ચેન્નાઈ ભારતનું સૌથી વધુ ધમધમતું રેલવેસ્ટેશન છે. ઈ. સ. 1928માં સૌપ્રથમ ચેન્નાઈમાં ભૂગર્ભરેલમાર્ગનો પ્રારંભ થયો હતો. ચેન્નાઈમાં મેટ્રો રેલમાર્ગનો પ્રારંભ 2015માં થયો હતો. આજે તો ચેન્નાઈ મેટ્રો રેલમાર્ગથી ધમધમે છે. આ માર્ગની લંબાઈ 54 કિમી. છે. અને તેની વચ્ચે 41 રેલવેસ્ટેશનો આવેલા છે. ભવિષ્યમાં નવા ત્રણ માર્ગો ઉપર મેટ્રો દોડાવવાનું વિચાર્યું છે. જેની લંબાઈ 116 કિમી. થશે. ચેન્નાઈમાં 1,780 કિમી. લંબાઈના રસ્તાઓ આવેલા છે. અહીંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 45 અને 205 પસાર થાય છે. મોટા શહેરો સાથે તે રાજ્યના ધોરી માર્ગ સાથે સંકળાયેલ છે. અહીં અનેક ફ્લાયઓવર્સનું નિર્માણ કરાયું હોવાથી આ શહેરને ‘City of Flyover’ તરીકેનું ઉપનામ મળ્યું છે. અહીં મહત્ત્વના બે એક્સપ્રેસ વે નું નિર્માણ કરાયું છે. તેમજ અહીં તમિળનાડુ સ્ટેટ હાઈવેની બસોની સેવા ઉપલબ્ધ છે. ચેન્નાઈના બસસ્ટેશન સાથે આંધ્રપ્રદેશ, કેરળ અને કર્ણાટક રાજ્યની બસ સેવાનું સંકલન સારું છે. અહીં ખાનગી બસો, ઑટોરિક્ષા વગેરે પણ ઉપલબ્ધ છે.

ચેન્નાઈ એ પૂર્વ ભારતનું મહત્ત્વનું બંદર છે. નૌકાદળનું થાણું અહીં કાર્યરત છે. અનેક મત્સ્યબંદરો પણ આવેલાં છે.

પ્રવાસન : ભારતના શહેરી વિસ્તારમાં આવેલા રેતીપટમાં ‘મરીના રેતીપટ’ વધુ લાંબો છે. મહાબલીપુરમનો યુનેસ્કોએ ‘વર્લ્ડ હેરિટેજ’ તરીકે સમાવેશ કર્યો છે. 2020 સુધીમાં અહીં 1.1 કરોડ સ્થાનિક અને 6.3 લાખ વિદેશી પર્યટકોએ લાભ લીધો છે. ચેન્નાઈના પર્યટન વિભાગે મરીના સિવાય બીજા રેતીપટોનો વિકાસ કર્યો છે. ચેન્નાઈમાં 835 સરકારી પાર્ક આવેલા છે. સૌથી મોટો પાર્ક થોલકાઅપ્પીઆ પોન્ગા છે. જે 538 એકરમાં ઊભો કરાયો છે. બૉટેનિક ગાર્ડન પણ અહીં આવેલો છે. મદ્રાસ મગર બૅન્ક અને સર્પગૃહો પણ આવેલાં છે. બાળકો માટે રમતગમતનાં સાધનો અનેક પાર્કોમાં હોય છે. 120 મલ્ટીપલ સિનેમાગૃહો આવેલાં છે. ઝવેરાત માટેનું મોટું બજાર છે.

વસ્તી : આ શહેરની વસ્તી (2011 મુજબ) 46,46,732  છે. આ શહેરમાં અંગ્રેજી ભાષા બોલનારા અને ‘White-Collar-Works’ લોકોનું પ્રમાણ અધિક છે. તમિળ ભાષાનો ઉપયોગ પણ વધુ છે. આશરે તે પ્રમાણ 78% છે. આ સિવાય તેલુગુ, ઉર્દૂ, હિન્દી, મલયાળમ ભાષા પણ બોલાય છે. આ સિવાય કોરિયન, જાપાનીઝ, ફ્રેંચ, ચાઇનીઝ ભાષા પણ બોલાય છે.

ચેન્નાઈ શિક્ષણ માટેનું મોટું કેન્દ્ર છે. પ્રાઇમરીથી શરૂ કરીને કૉલેજોના શિક્ષણ માટેની અનેક સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. આ શહેરમાં સાક્ષરતાનું પ્રમાણ આશરે 90% છે. 2023ના વર્ષમાં અહીં 420 પબ્લિક સ્કૂલો આવેલી છે. આ શાળાઓ સરકારી સંસ્થાઓ સાથે સંકળાયેલી છે. 1857ના વર્ષમાં સૌપ્રથમ ‘યુનિવર્સિટી ઑફ મદ્રાસ’ની સ્થાપના થઈ હતી. જ્યાં સાયન્સ, આર્ટ્સ, કૉમર્સ વિષયોનું જ્ઞાન આપતી કૉલેજો સ્થપાયેલી છે. ટૅકનૉલૉજી અને એન્જિનિયરિંગ કૉલેજો તેમજ મેડિકલ કૉલેજ આવેલી છે, જે ‘મદ્રાસ મેડિકલ કૉલેજ’ તરીકે ઓળખાય છે. જેની સ્થાપના 1835ના વર્ષમાં થઈ હતી. આ શહેરમાં અનેક પુસ્તકાલયો આવેલાં છે.

ઇતિહાસ : મૂળ નામ મદ્રાસપટ્ટનમ્. તે ટોંડાઇ-મંડલમ્ રાજ્યમાં આવેલું હતું. તે નેલ્લોર જિલ્લાની પેન્નાર નદી અને દક્ષિણ આર્કટ જિલ્લાની પેન્નાર નદીની વચ્ચે આવેલું છે. તે સમયે તે જિલ્લાનું મુખ્ય મથક કાંચીપુરમ્ હતું. ઈ. સ.ની બીજી સદીમાં આ પ્રદેશમાં ટોંડાઈમાન ઇયામ તિરાયન રાજાનું આધિપત્ય હતું, તે ચૌલ વંશનો હતો. ત્યારબાદ સાતવાહન ગાદી પર આવ્યો. ઈ. સ.ની ત્રીજી સદીમાં તેનું પતન થતાં તેને સ્થાને પલ્લાવાસ ગાદી પર આવ્યો. નવમી સદી સુધીનાં આશરે છસો વર્ષ સુધી અહીં તેના વંશજોએ શાસન કર્યું. 879માં ફરી વાર ચૌલ જાતિના લોકોએ ગાદી સંભાળી. તેઓ 1264 સુધી સત્તા પર રહ્યા. તે પછીથી અહીં પાંડ્ય જાતિના લોકો સત્તા પર આવ્યા. 1334–35માં અહીં મુસ્લિમો આવ્યા ત્યાં સુધી પાંડ્ય વંશે શાસન કર્યું. 1639માં ભારતમાં અંગ્રેજોએ આવવાનું શરૂ કર્યું તે પહેલાં અહીં રાજા ચાંદ્રીગિરિનું આધિપત્ય હતું. અંગ્રેજોએ તેને ચેન્નાપટ્ટીનમ્ તરીકે ઓળખાવ્યું. ત્યારબાદ તેને ચેન્નાપ્પાનાયકાર નામ અપાયું. આ કારણે આજે આ શહેર ચેન્નાઈ તરીકે ઓળખાય છે. 1639માં બ્રિટનના દલાલ ફ્રાન્સિસ ડેએ આનું નામ મદ્રાસપટ્ટનમ્ આપેલું, કારણ કે ત્યાં આ નામનું ગામ આવેલું હતું, તેનાથી ઉત્તરે ચેન્નાપટ્ટીનમ્ આવેલું છે. સમય જતાં આ બંનેનો વિસ્તાર થતાં એક થઈ ગયાં. બ્રિટિશરો તેને મદ્રાસપટ્ટનમ્ કહેતા, જ્યારે ભારતીયો તેને ચેન્નાપટ્ટીનમ્ તરીકે ઓળખતા.

ડમરલા વેંકટપતિ નાયક મદ્રાસના રાજા હતા. 1639માં કૂમ નદી અને એગમોર નદીનો પડતર વિસ્તાર અંગ્રેજોને આપ્યો. ફૉર્ટ સેન્ટ જ્યૉર્જે ઈસ્ટ ઇન્ડિયા  કંપની દ્ધારા વેપાર ચલાવવા કેટલીક કોઠીઓ સ્થાપી.

1646માં ગોલકોંડાનાં દળોએ જનરલ મીર જુમલાના નેતૃત્વ હેઠળ મદ્રાસ (ચેન્નાઈ) જીતી લીધું. 1687માં ગોલકોંડાની પડતી થતાં દિલ્હીના મુઘલો સત્તા પર આવ્યા, તેમણે અંગ્રેજોને તેમનો વેપાર ચલાવવા પરવાનો આપ્યો. 1687 –92માં ગવર્નર એલિહી યાલે દ્વારા અહીં કૉર્પોરેશનની સ્થાપના થઈ. 1698માં ટૉમસ પિટ ગવર્નર તરીકે નિમાયા. તેમની દેખરેખ હેઠળ મદ્રાસ(ચેન્નાઈ)નો વેપાર-વિકાસ થયો. 1702માં દાદુખાને નાકાબંધી કરી હતી. 1708માં દાદુખાન દ્વારા અંગ્રેજોને કેટલાક પરા-વિસ્તારોની ભેટ મળી, તેમાં થિરુવોટ્ટિયુર, વ્યાસરાપડી, કાથિવક્કમ્, નુનગંબક્કમ્ અને સતનગાડુનો સમાવેશ થાય છે. 1742માં વેપેરી, પેરામ્બુર અને પેરિયામેટ ગામો પણ અંગ્રેજોને ભેટ મળ્યાં. 1744થી 1746 સુધી નિકોલસ મોર્સે ગવર્નર તરીકે નિમાયા. 1744માં ફ્રેન્ચોએ મદ્રાસ (ચેન્નાઈ) પડાવી લીધેલું. તે સમયમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે સંઘર્ષો થયા. 1749માં અંગ્રેજોએ મદ્રાસ (ચેન્નાઈ) પાછું મેળવી લીધું. મૈસૂરના હૈદરઅલીએ 1769 અને 1780માં અહીં આક્રમણો કર્યાં, પરંતુ અંગ્રેજોએ તેનો વળતો જવાબ આપ્યો હતો. ત્યારબાદ આ શહેરનો વિકાસ થતો રહ્યો. 1801માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને અહીંનો સંપૂર્ણ અધિકાર મળ્યો. 1857 પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી આ હવાલો લઈ લેવામાં આવ્યો. ત્યારપછી 1947 સુધી આ વિસ્તારનો વહીવટ બ્રિટિશ શાસન હેઠળ રહ્યો હતો.

નીતિન કોઠારી

 

નીતિન કોઠારી