ચેદિ (દેશ) : મધ્યપ્રદેશના બુંદેલખંડના પૂર્વ ભાગ અને તેની આસપાસના પ્રદેશનું પ્રાચીન નામ. ઋગ્વેદ, મહાભારત, બૌદ્ધ સાહિત્ય વગેરેમાં તેનો ઉલ્લેખ છે. ચેદિ રાજાએ યમુનાના દક્ષિણ કિનારે રાજ્ય સ્થાપ્યું હતું. 16 મહાજનપદોનો બૌદ્ધસાહિત્યમાં ઉલ્લેખ છે. તે પૈકી ચેદિ એક જનપદ હતું. બૌદ્ધસાહિત્ય પ્રમાણે કાશી અને ચેદિ એકમેકનાં પડોશી રાજ્યો હતાં અને તે વત્સ દેશની દક્ષિણે અને કાશીના નૈર્ઋત્ય ખૂણે આવેલાં હતાં. મધ્યયુગ દરમિયાન નર્મદા નદીના કાંઠા સુધી ચેદિ રાજ્ય ફેલાયેલું હતું. તેનો વિસ્તાર યમુનાની દક્ષિણે અને નર્મદાની ઉત્તરે અને શોણ નદીની પશ્ચિમે ચંદેરીના કિલ્લા સુધી હતો. ‘હૈમકોશ’ પ્રમાણે ત્રિપુરી શહેર એ જ ચેદિનગર છે. તેનું સ્થળ નર્મદા ઉપરના જબલપુર નજીક હોવાનું કહેવાય છે. બીજા એક મત મુજબ ચેદિ ઇન્દ્રપ્રસ્થને અગ્નિ ખૂણે આવેલું હતું અને તેની રાજધાની શુક્તિમતી હતી.
શિવપ્રસાદ રાજગોર