ચેતના (consciousness) : માનવશરીરની અંદર અથવા બહાર પર્યાવરણમાં થતી પ્રક્રિયાઓ અંગેની જાગૃતિ અથવા સભાનતા. તે એક પરિકલ્પના (concept) છે. મનની કોઈ અવસ્થા નથી; પરંતુ મનની ઘણી બધી સ્થિતિનો ચેતનામાં અનુભવ છે; મનની અવસ્થાઓ સતત બદલાતી રહે છે. ચેતનાના સ્વરૂપ વિશે સદીઓથી મનોવિજ્ઞાનીઓ, તત્વચિંતકો, ફિલસૂફો, તબીબો વગેરેમાં ઘણાં મતમતાંતરો પ્રવર્તે છે.
ચેતનાની મૂળભૂત મનોવૈજ્ઞાનિક પરિકલ્પના પ્રમાણે મનુષ્યના મનને 3 સ્થિતિમાં વહેંચી શકાય : ચેતન (conscious), પૂર્વચેતન (pre-conscious) અને અચેતન(unconscious). ચેતના એ મનની જાગ્રત સ્થિતિ છે. તે મનના ત્રણે પ્રકારોમાં રહેલાં વિચારો, સંવેદના, લાગણી અને સ્મૃતિનો સમૂહ છે. પૂર્વચેતન મન તેના ઘટકો અંગે અમુક ક્ષણે જાગ્રત નથી હોતું; પરંતુ તેને ગમે ત્યારે જાગૃતિમાં લાવી શકાય છે. અચેતન મન તેની સ્થિતિથી અજ્ઞાન હોય છે. તેના ઘટકો જાગૃતિમાં લાવવા શક્ય નથી. કેટલાક મનોવિજ્ઞાનીઓના મતે નિશ્ચેતન (non-conscious) મન એ મનની ચોથી અવસ્થા છે; તેના ઘટકો અંગે મનુષ્યનું મન જાગૃત નથી પરંતુ શરીરમાં તેની હાજરી છે; દા. ત., લોહીની નસોમાં લોહી વહેવું અથવા પ્રકાશ પડતાં આંખના પડદા ઉપર રાસાયણિક પ્રક્રિયા થવી. મનની આ ચારેય સ્થિતિમાંથી ચેતન મન સૌથી વધુ સ્વીકૃત થયેલી પરિકલ્પના છે, જ્યારે અચેતન મનની સ્થિતિ હોવા અંગે સૌથી વધુ ગૂંચવાડો પ્રવર્તે છે.
ચેતનાનું સ્વરૂપ : મનની ચેતન-અવસ્થા દરમિયાનની સ્થિતિનો સામૂહિક અનુભવ તે ચેતના. પોતાની ક્રિયાઓ પ્રત્યે અને પોતાની આસપાસ રહેલા વિશ્વ પ્રત્યે જાગૃતિ એ ચેતનાનો ચાવીરૂપ ઘટક છે. આ જાગૃતિમાં આપણાં જે તે ક્ષણનાં વિચારો, લાગણી, સંવેદના, સ્મૃતિ વગેરેનો સમાવેશ થઈ જાય છે. જાગૃતિના આ અનુભવ દરમિયાન મનની ચેતન-અવસ્થા સતત બદલાતી રહી શકે છે. સામાન્ય ચેતન-અવસ્થા સિવાય મનોવિજ્ઞાનીઓ ચેતનાની બદલાયેલી અન્ય બે અવસ્થાઓ પણ વર્ણવે છે : સ્વપ્ન અને નિદ્રા. સ્વપ્નની અવસ્થા બે ઘટકો ધરાવે છે : નિદ્રાસ્વપ્ન અને દિવાસ્વપ્ન. આમ, ચેતના દરમિયાન મનની 3 અવસ્થા શક્ય છે – સામાન્ય ચેતન, સ્વપ્ન અને નિદ્રા. ચેતનાની આ સામાન્ય માનસિક અવસ્થાઓ સિવાય પણ અન્ય પ્રયત્નો દ્વારા ચેતનાની અવસ્થાઓમાં ફેરફારો લાવી શકાય છે. ધ્યાન, સંમોહન, નશો વગેરે આ રીતે ફેરફાર પામતી અવસ્થાનાં ઉદાહરણો છે. આ અવસ્થાઓ વચ્ચેનો ભેદ એટલે જે તે સમયના અનુભવની ગુણવત્તાનો ભેદ. ચેતનાની સામાન્ય અવસ્થાઓ કરતાં બદલાયેલી અવસ્થાઓ દરમિયાન જાગૃતિ, પ્રતિભાવ, લાગણી અને સંવેદનાના પ્રમાણમાં નોંધપાત્ર વધઘટ જોવા મળે છે. આ અવસ્થાઓ દરમિયાન ક્યારેક વ્યક્તિની પોતાની જાત અને અન્ય પ્રત્યેની જાગૃતિ ખૂબ જ વધી જાય છે. આધ્યાત્મિક વ્યક્તિઓ અને તત્વચિંતકો આ અવસ્થા તે ચેતનાનું સાચું સ્વરૂપ હોવાનો દાવો કરે છે.
કેટલાક ચેતનાના આ રીતે બદલાયેલા તીવ્ર સ્વરૂપને ભ્રમ-વિભ્રમ ઉત્પન્ન કરનારી મનની ભ્રામક અવસ્થા તરીકે વર્ણવે છે. ક્યારેક તે મનની પલાયનવૃત્તિ(escapism)નો ભાગ બની રહે છે. આ પ્રકારે વાસ્તવિકતાથી દૂર ભાગવા કેટલાક લોકો દારૂ, ચરસ, ગાંજો, ભાંગ, બ્રાઉન શુગર, અફીણ વગેરે જેવાં કેફી દ્રવ્યોનો ઉપયોગ કરે છે.
તબીબી વિદ્યા પ્રમાણે ચેતનાનું સ્વરૂપ કંઈક જુદું જ છે; એટલે કે ચેતના મનની સભાન અવસ્થા છે, વ્યક્તિ તેમાં જીવે છે. વ્યક્તિ આ સભાનતા ગુમાવે છે ત્યારે તેને બેભાન અથવા અચેતન ગણવામાં આવે છે. મગજની મૃત-અવસ્થાને નિશ્ચેતન મનની અવસ્થા કહેવાય છે.
હંસલ ભચેચ