ચેટ (ચેટક સ્થાપેલી પ્રત્યય)
January, 2012
ચેટ (ચેટક સ્થાપેલી પ્રત્યય) : અનુચર, દાસ, સેવક. સંસ્કૃત સાહિત્યમાં એક વિશેષ પ્રકારનું કાર્ય કરનાર અનુચરને ‘ચેટ’ કહેવામાં આવે છે. સંસ્કૃત સાહિત્યમાં તે નાયકનો એવો સહાયક અનુચર છે જે નાયકનાયિકાના પરસ્પર મિલનની તક પૂરી પાડવામાં ચતુર હોય છે. संधानचतुरश्चेटक: ।
ભરતનાટ્યશાસ્ત્રમાં આ ‘ચેટ’નાં કેટલાંક વિશિષ્ટ લક્ષણો નિરૂપ્યાં છે. તે કલાપ્રિય, વાચાળ, વિરૂપ, ગંધસેવી અને માન્યામાન્યવિશેષજ્ઞ હોય છે. એક ઉદાહરણ જોઈએ :
सा चन्द्रसुन्दरमुखी स च नंदसूनु–
र्दैवाय़्न्नकुञ्जभवनं समुपाजगाम ।
अत्रान्तरे सहचरस्तरणौ कठोरे
पानीयपानकपटेन सरः प्रतस्थे ।।
(રસમંજરી)
[શ્રીનંદનંદન કૃષ્ણ અને ચંદ્રમુખી રાધિકા અચાનક નિકુંજભવનમાં જઈ પહોંચ્યાં ત્યારે તેમનો સહચર ‘અત્યંત કઠોર તાપ છે’ એમ કહી પાણી પીવાના બહાને સરોવર તરફ ગયો.]
અહીં નાયકનાયિકાને એક કરવાનું ચાતુર્ય પ્રગટાવતો સહચર ચેટ પ્રકારનો દાસ છે. ભાણ પ્રકારનાં નાટકોનું આ પ્રિય પાત્ર છે.
ચેટી સંસ્કૃત નાટકોમાં નાયિકાની સહચરી તરીકે નિરૂપણ પામે છે.
‘મૃચ્છકટિક’ના શકારનો ચેટ આ કાર્યથી દૂર રહે છે.
ગિરીશ ઈ. ઠાકર