ચેટરજી, સોમનાથ (જ. 25 જુલાઈ 1929, તેજપુર, આસામ; અ. 13 ઑગસ્ટ 2018, કોલકાતા) : ભારતની 14મી લોકસભાના સર્વાનુમતિથી ચૂંટાયેલા સાંસદ અને સૌપ્રથમ વાર ભારતીય સામ્યવાદી (માર્કસવાદી) પક્ષનું પ્રતિનિધિત્વ ધરાવનાર લોકસભાના અધ્યક્ષ.
તેમના પિતા એન. સી. ચેટરજી સર્વોચ્ચ અદાલતના ઍડ્વોકેટ તેમજ હિંદુ મહાસભાના વિભાગીય અધ્યક્ષ હતા. માતા વીણાપાણિદેવી. સોમનાથ ચેટરજીએ કલકત્તા યુનિવર્સિટીમાંથી સ્નાતક થઈને કેમ્બ્રિજ અને પછી ગ્લાસગો યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કરેલો. 1950માં રેણુ ચેટરજી સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયા. વિદ્યાર્થીકાળથી ઇતર પ્રવૃત્તિઓમાં રસ લેવા સાથે મજદૂર-સંગઠનોમાં અને સામાજિક–રાજકીય પ્રવૃત્તિમાં તેઓ રસ લેતા. વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંસ્થાઓની કામગીરીમાં પણ તેઓ સક્રિય હતા. વ્યવસાય તરીકે વકીલાત પસંદ કરી. પિતાથી અલગ માર્ગ પસંદ કરીને વરિષ્ઠ ઍડ્વોકેટ તરીકે તેઓ કૉલકાતાની વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતમાં કામગીરી બજાવતા હતા. તેઓ 1968માં ભારતીય સામ્યવાદી (માર્કસવાદી) પક્ષમાં જોડાયા. પક્ષની પશ્ચિમ બંગાળ રાજ્યની સમિતિના સભ્ય બનવા સાથે તેઓ 1998માં સામ્યવાદી પક્ષની કેન્દ્રીય સમિતિના સભ્ય બન્યા.
1971માં પાંચમી લોકસભાની ચૂંટણીમાં ચૂંટાઈને તેમણે સાંસદ તરીકેની સુદીર્ઘ કારકિર્દીના શ્રીગણેશ કર્યા અને ત્યારબાદ સતત ચૌદમી લોકસભાની ચૂંટણીમાં પણ તેઓ દસમી વાર ચૂંટાઈ આવ્યા છે. મુખ્યત્વે તેઓ પશ્ચિમ બંગાળના બોલપુર મતવિભાગનું અને ક્યારેક બર્દવાન અને જાદવપુર મતવિભાગનું પ્રતિનિધિત્વ કરતા. લોકસભાના સાંસદ તરીકે તેમણે જાગ્રત, સક્રિય અને તર્કપૂર્ણ દલીલો દ્વારા ગૃહની ચર્ચામાં પીઢ, અગ્રણી અને ક્રિયાશીલ સભ્ય તરીકેની છાપ ઉપસાવી છે. વિરોધ પક્ષની અગ્રિમ હરોળમાં તેમની હાજરી ચર્ચાઓને ઉત્તેજન પૂરું પાડનારી નીવડતી. ગૃહના નિયમોની શિસ્તમાં રહીને કામ કરવાની તેમજ પ્રશ્નોની અભ્યાસપૂર્ણ, ધારદાર રજૂઆત કરવાની તેમની કુનેહ તેમને અનોખા સાંસદ તરીકે અલગ પાડતી રહી. આવાં જ કારણોસર વિશિષ્ટ અને ઉત્તમ સાંસદ માટેનો 1997-નો પાર્લમેન્ટરી ઍવૉર્ડ તેમને એનાયત થયો હતો. 14મી લોકસભામાં 4 જૂન, 2004ના રોજ તેમને ગૃહના અધ્યક્ષ તરીકે સર્વાનુમતિથી ચૂંટી કાઢવામાં આવ્યા હતા. ભારતીય સામ્યવાદી (માર્કસવાદી) પક્ષના સભ્ય તરીકે અધ્યક્ષપદે ચૂંટાનાર સૌપ્રથમ વ્યક્તિ બનીને તેમણે ઇતિહાસ રચ્યો છે.
સંસદની તેમજ પશ્ચિમ બંગાળ રાજ્યની રાજકીય, સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક – એમ વિવિધ સંસ્થાઓ અને સંગઠનોમાં તેઓ સભ્ય તેમજ અધ્યક્ષ તરીકે સક્રિય ભૂમિકા ભજવે છે. તેમણે શાંતિનિકેતન ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે પણ સેવાઓ આપી છે.
અભ્યાસકાળ દરમિયાન તેમજ વ્યાવસાયિક કારકિર્દીને કારણે તેમણે વ્યાપક પ્રમાણમાં વિદેશપ્રવાસો પણ ખેડ્યા છે; જેમાં અમેરિકા, ઇંગ્લૅન્ડ, યુરોપીય દેશો, ચીન, જાપાન, ફિજી, ટ્રિનિદાદ, તુર્કી વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રવાસો દરમિયાન તેમણે ભારતીય સંસદના પ્રતિનિધિ તરીકે પણ કામગીરી બજાવી છે. કાયદો અને નાગરિક-સ્વાતંત્ર્ય તેમના રસના વિષયો છે. વાચન, બાગકામ અને વિવિધ રમતો જોવી તે તેમનો શોખ છે. જુલાઈ, 2008માં પરમાણુ કરારના મુદ્દા પર સામ્યવાદી પક્ષ યુપીએ-રચિત સરકારમાંથી અલગ પડ્યો. આથી પક્ષે સોમનાથ ચેટરજીને આ મુદ્દે લોકસભાના અધ્યક્ષપદેથી રાજીનામું આપવા આદેશ આપ્યો. જેનો તેમણે અસ્વીકાર કર્યો અને હોદ્દા પર ચાલુ રહ્યા. આથી પક્ષે આ વરિષ્ઠ સભ્યની પક્ષમાંથી હકાલપટ્ટી કરી. વાસ્તવમાં તેઓ અધ્યક્ષ ચૂંટાયા પછી તેમણે સામ્યવાદી પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. તેથી તેમની હકાલપટ્ટી બિનઅસરકારક નીવડી. 23 જુલાઈ, 2008ના રોજ તેઓ આ હોદ્દા પરથી નિવૃત્ત થયા. પક્ષીય સભ્યપદ અંગેના વિવાદને તેમણે ‘સૌથી દિલગીરીભરી ઘટના’ તરીકે ઓળખાવી. ત્યારબાદ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લઈ તેમણે શેષ જીવન શોખની અન્ય પ્રવૃત્તિઓમાં ગાળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેઓ તેમના આ શબ્દોને વળગી રહ્યા છે. સરકારી હોદ્દા નીચે હતા ત્યારે જો તેઓને વિદેશ પ્રવાસે જવાનું થાય તો સાથે જોડાયેલા અન્ય પારિવારિક ખર્ચની ચુકવણી તેમના અંગત ખર્ચમાંથી જ કરતા હતા. જુલાઈ, 2012માં ભારતના રાષ્ટ્રપ્રમુખના હોદ્દા માટેની ચૂંટણીમાં તૃણમૂલ કૉંગ્રેસ પક્ષે પ્રમુખપદના ઉમેદવાર તરીકે તેમનું નામ રજૂ કર્યું હતું.
અગ્રણી સામયિકોમાં પ્રકાશિત થતા લેખો ઉપરાંત પાંચમી અને છઠ્ઠી લોકસભામાં તેમણે આપેલાં પ્રવચનોનો એક સંગ્રહ પ્રકાશિત થયો છે. લોકસભાએ પ્રકાશિત કરેલા સંગ્રહમાં ‘25 ઇયર્સ ઑવ્ પાર્લમેન્ટ’ અને ‘50 ઇયર્સ ઑવ્ પાર્લમેન્ટ’ અંગેના તેમના લેખો નોંધપાત્ર રહ્યા છે. તેમની આત્મકથા ‘કીપિંગ ધ ફેઇથ : મેમોઇસ ઑવ્ પાર્લામેન્ટેરીયન’ પ્રકાશિત થઈ છે (2010).
રક્ષા મ. વ્યાસ