ચેટરજી, બાસુ (જ. 10 જાન્યુઆરી 1930, અજમેર; અ. 4 જૂન 2020, મુંબઈ) : બંગાળી ફિલ્મસર્જક. રજૂઆત માટેની મુશ્કેલીઓ; સતત અવરોધો, પ્રેક્ષકોની અછત વગેરે અનેક દુર્ગમ ઘાટીઓમાંથી સતત સંઘર્ષ કરી સમાંતર સિનેમાનું આંદોલન ચાલુ રાખી તેને સફળ બનાવીને વ્યાવસાયિક પ્રતિષ્ઠા અર્પતા ગણનાપાત્ર ફિલ્મસર્જકો હિંદી ચલચિત્રના ઇતિહાસમાં ઉલ્લેખાયા છે તેમાં મૃણાલ સેન, શ્યામ બેનેગલ, ગોવિંદ નિહલાણી, કુમાર શહાની સાથોસાથ બાસુ ચેટરજીનો ઉલ્લેખ કરી શકાય.
ફિલ્મના માધ્યમ દ્વારા પોતે શું કરવા માગે છે, શું કહેવા માગે છે, કેવી રીતે કહેવા માગે છે આવી કોઈ સમસ્યા બાસુના મનમાં ક્યારેય ન હતી. તેમની ફિલ્મ વિશે તેમની આગવી સમજ છે અને તે પોતાની વ્યાખ્યાનુસાર જ ચલચિત્ર સર્જતા આવ્યા છે.
ફિલ્મસર્જક બન્યા તે પહેલાં 18 વર્ષ લગી તેમણે લોકપ્રિય અંગ્રેજી સાપ્તાહિક ‘બ્લિટ્ઝ’માં કાર્ટૂનિસ્ટ તરીકે કામગીરી બજાવી હતી; પણ ઇટાલિયન ચિત્ર ‘બાઇસિકલ થીફ’ તથા સત્યજિત રેના ‘પથેર પાંચાલી’એ તેમની કારકિર્દીને નવો મોડ આપ્યો અને આ બે ચલચિત્રના પ્રભાવ હેઠળ તેમણે ફિલ્મસર્જનમાં ઝંપલાવ્યું.
‘સારા આકાશ’ ફિલ્મનિર્માતાઓને તથા અનેક ચિત્રસંસ્થાઓને બાસુદા તરફ આકર્ષી ગયું. આ પછી તો બાસુદાએ સંખ્યાબંધ ચલચિત્રો સર્જ્યાં. તેમનાં ચલચિત્રોમાંની હળવાશ, રમૂજ કે મનોરંજક શૈલીએ કહેવાયેલી વાત પ્રેક્ષકોને ખૂબ ગમી ગઈ, જેમાંથી દેશભરમાં તેમના કરોડો પ્રશંસકો થયા.
બાસુદાનાં સવિશેષ ઉલ્લેખનીય ચલચિત્રોમાં ‘સારા આકાશ’ ઉપરાંત ‘પિયા કા ઘર’, ‘રજનીગંધા’ (જેને 1974ના શ્રેષ્ઠ ચલચિત્ર તરીકેનો ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યો), ‘ઉસ પાર’, ‘છોટી સી બાત’, ‘ચિત્તચોર’, ‘સ્વામી’, ‘સફેદ જૂઠ’, ‘પ્રિયતમા’, ‘ખટ્ટામીઠા’, ‘ચક્રવ્યૂહ’, ‘દિલ્લગી’, ‘તુમ્હારે લિયે’, ‘દો લડકે – દોનોં કડકે’, ‘પ્રેમ મંઝિલ’, ‘જીના યહાં’, ‘બાતોં બાતોં મેં’, ‘પસંદ અપની અપની’, ‘લાખોં કી બાત’, ‘પ્રેમવિવાહ’, ‘રત્નદીપ’, ‘મનપસંદ’(જ્યૉર્જ બર્નાર્ડ શૉના ‘માય ફેઅર લેડી’ ઉપરથી), ‘અપને પરાયે’, ‘હમારી બહૂ અલકા’, ‘શૌકીન’, ‘કિરાયેદાર’, ‘શીશા’ વગેરેનો સમાવેશ થાય છે.
તેમણે સર્જેલી ટેલિફિલ્મ ‘ઇક રુકા હુઆ ફૈસલા’થી સારી એવી ચર્ચા જાગી હતી.
તેમણે દૂરદર્શન માટે સર્જેલી કથાશ્રેણીઓમાં ‘રજની’, ‘દર્પણ’ તથા ‘વ્યોમકેશ બક્ષી’ ખૂબ જ સફળ અને લોકપ્રિય નીવડી હતી.
શશિકાન્ત નાણાવટી