ચેટરજી, ઉપમન્યુ (જ. 19 ડિસેમ્બર 1959, પટણા, બિહાર) : ભારતીય અંગ્રેજી નવલકથાકાર. તેમને તેમની નવલકથા ‘ધ મેમરીઝ ઑવ્ ધ વેલ્ફેર સ્ટેટ’ બદલ 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં બી.એ. (ઑનર્સ) અને એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ બંગાળી, હિંદી, મરાઠી અને ફ્રેન્ચ ભાષાના જાણકાર છે. 1983માં તેઓ ભારતીય વહીવટી સેવામાં જોડાયા. તેઓ માનવ સંસાધન વિકાસ મંત્રાલયના શિક્ષણવિભાગના નિયામક તરીકે રહ્યા. હાલ તેઓ ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે કાર્યરત છે.
તેમણે અંગ્રેજીમાં 5 નવલકથાઓ અને વાર્તાઓ આપ્યાં છે. તેમની કેટલીક વાર્તાઓ ‘લંડન મૅગેઝિન’ અને ‘ડેબોનેયર’માં પ્રકાશિત થઈ છે. તેઓ જૉસેફ રોથ અને જીવનાનંદ દાસથી પ્રભાવિત રહ્યા છે. ‘ઇંગ્લિશ ઑગસ્ટ’ (1989), ‘ધ લાસ્ટ બર્ડન’ (1993) અને ‘ધ મેમરીઝ ઑવ્ ધ વેલ્ફેર સ્ટેટ’ (2000), ‘વેઇટ લૉસ્ટ’ (2006) અને ‘વે ટુ ગો’ (2010) તેમની 5 નવલકથાઓ છે. ‘ઇંગ્લિશ ઑગસ્ટ’ પરથી ફિલ્મનું નિર્માણ પણ થયું હતું. તેમને સમકાલીન સાહિત્યમાં નમૂનારૂપ પ્રદાન બદલ ‘ઑફિસર ડિ એલ’ ઑર્ડર ડેસ આર્ટ્સ એર ડેસ લેટર્સ(2009)થી સન્માનિત કરાયા અને તેમની નવલકથા ‘વે ટુ ગો’, ‘ધ હિંદુ બેસ્ટ ફિક્શન ઍવૉર્ડ’ (2010) માટે પસંદગી પામી હતી.
તેમની પુરસ્કૃત કૃતિ ‘ધ મેમરીઝ ઑવ્ ધ વેલ્ફેર સ્ટેટ’માં સમકાલીન નોકરશાહીનો મુદ્દો ઉજાગર થાય છે. તેના દ્વારા પ્રગટ થતું ચરિત્રાલેખનનું પાસું વાચકને પ્રભાવિત કરે છે. હાસ્ય તથા વિવેચન અને વ્યંગ્યની તીવ્રતાથી નોકરશાહીની અસરકારક પ્રતીતિ કરાવતી અમલદાર અને પ્રજા વચ્ચેની ક્રિયા-પ્રતિક્રિયા અહીં રજૂ કરાઈ છે. આ કૃતિ અંગ્રેજીમાં લખાયેલ ભારતીય નવલકથાનો એક મહત્ત્વનો નમૂનો ગણાય છે.
બળદેવભાઈ કનીજિયા