ચેક : નિશ્ચિત બૅંકર પર લખવામાં આવેલી અને રજૂ કર્યે તુરત જ ચુકવણીપાત્ર ઠરતી હૂંડી. ચેક એ કોઈ એક વ્યક્તિએ પોતાની સહી સાથે કોઈક નિશ્ચિત બૅંકર પર લખેલો બિનશરતી આદેશ છે. એમાં લખનાર વ્યક્તિ બકરને આદેશ આપે છે કે તેમાં જણાવેલ ચોક્કસ રકમ તેમાં જણાવેલ ચોક્કસ વ્યક્તિને અગર તો તેના સૂચન મુજબ અથવા ચેકધારકને માગવામાં આવે ત્યારે ચૂકવી આપવી. કાનૂની જોગવાઈઓમાં ચેકના લખાણનું કોઈ ઔપચારિક સ્વરૂપ મુકરર કરવામાં આવેલું નથી. છતાં બૅંકોએ પરંપરાથી ચેકનું નિશ્ચિત સ્વરૂપ પ્રચલિત કરેલું છે અને ગ્રાહકોની સુવિધા માટે તેમને ચેકબુક અપાય છે.
રોજેરોજની વેપારી લેવડદેવડમાં ખરીદવેચાણના અનેક પ્રસંગો ઉપસ્થિત થાય છે. તેને પરિણામે ખરીદ કરનારે વેચાણ કરનારને ચુકવણી કરવાની થાય છે. આ ચુકવણી રોકડેથી અથવા ચેક દ્વારા કરવામાં આવતી હોય છે. નાણાં ચૂકવવા માટે બૅંક ઉપર ચેક લખી આપવાનો રિવાજ ઘણો જૂનો છે. આધુનિક સમયમાં ચેક દ્વારા નાણાં ચૂકવવાનું વલણ વધતું જતું જોવા મળે છે. ચેક દ્વારા ચુકવણી કરવાથી કેટલાક લાભ થાય છે : (1) ચુકવણી કરવામાં સગવડ રહે છે. (2) નાની કે મોટી ગમે તે રકમનો ચેક લખી શકાય છે. (3) રોકડ નાણાંની આપ-લે કરવામાં જે સામાન્ય જોખમો સંકળાયેલાં હોય છે તે ચેક દ્વારા ચુકવણીથી ટાળી શકાય છે. (4) ચેકથી નાણાંની ચુકવણી કરવાથી તેની સાબિતી રહે છે. (5) ચેક ખોવાઈ જાય કે ગેરવલ્લે જાય તો બૅંકને ત્વરિત જાણ કરીને નાણાંની ચુકવણી અટકાવી શકાય છે. (6) વિશિષ્ટ ક્રૉસ કરીને ચેક સહીસલામત અને બિનખર્ચાળ રીતે બહાર મોકલી શકાય છે.
ચેકના પ્રકારમાં : (1) ખુલ્લો અથવા બૅરર ચેક, (2) શાહજોગ ચેક, (3) ફરમાનજોગ ચેક, (4) નામજોગ ચેક, (5) ઉત્તરમિતિ (post dated) ચેક અને (6) ક્રૉસ કરેલા ચેકનો સમાવેશ થાય છે.
ચેક લખનારે પોતાના ખાતામાં પૂરતી રકમ હોવાની ચકાસણી કર્યા પછી જ ચેક લખવો હિતાવહ છે કારણ કે જ્યારે નાણાં મેળવવા માટે હકદાર વ્યક્તિ બૅંકમાં ચેક રજૂ કરે ત્યારે ચેક લખનારના ખાતામાં પૂરતાં નાણાંને અભાવે બૅંક ચેક પરત કરે તો ચેકનો અનાદર (bounce) કહેવાય છે અને ચેક લખનાર કાયદાના નિયમોને અધીન કેટલાક સંજોગોમાં ફોજદારી ગુનાની સજાને પાત્ર થાય છે.
ચેક ક્રૉસ કરવો : ચેકના ડાબે ખૂણે ઉપરના ભાગમાં દોરવામાં આવતી બે ત્રાંસી સમાંતર રેખા. વટાઉખત અધિનિયમ (Negotiable Instruments Act) 1881માં ચેક ક્રૉસ કરવા અંગેની જોગવાઈઓ છે. ક્રૉસ કરેલ ચેકનાં નાણાં બૅંકના કાઉન્ટર પર રોકડાં ચૂકવવામાં આવતાં નથી પરંતુ જેને નાણાં ચૂકવવાનાં હોય તે વ્યક્તિને તેના બૅંક ઍકાઉન્ટ દ્વારા ચૂકવવામાં આવે છે. તેથી ક્રૉસ કરેલ ચેક ગેરવલ્લે જાય, ખોવાઈ જાય અથવા કોઈ અનધિકૃત વ્યક્તિના હાથમાં જઈ પડે તો તે ચેક રજૂ કરનારને નાણાંની રકમ રોકડમાં ચૂકવાતી નથી અને થાપણદારના નાણાં સહીસલામત રહે છે.
ક્રૉસ કરવાના બે મુખ્ય પ્રકારો છે : (1) સાદું અથવા સામાન્ય ક્રૉસ કરવું (general crossing) અને (2) વિશિષ્ટ અથવા ખાસ ક્રૉસ કરવું (special crossing). વટાઉખત અધિનિયમ(1881)ની કલમ 123 મુજબ ચેક પર ડાબે ખૂણે માત્ર બે ત્રાંસી સમાંતર રેખા દોરવામાં આવે અને આ રેખા વચ્ચે ‘ઍન્ડ કંપની’ કે ‘નૉટ નેગોશિયેબલ’ શબ્દો લખવામાં આવે કે ન આવે તો તે ચેક પર સાદું કે સામાન્ય ક્રૉસ કરેલું ગણાય છે. તે અધિનિયમની કલમ 124 મુજબ કોઈ ચેક પર કોઈ વિશિષ્ટ બૅંકરના નામનો નિર્દેશ કરવામાં આવ્યો હોય અને ‘નૉટ નેગોશિયેબલ’ શબ્દો લખવામાં આવે કે ન આવે તો તેવો ચેક તેના પર નિર્દેશિત બૅંકરની તરફેણમાં કરવામાં આવેલો વિશિષ્ટ અથવા ખાસ ક્રૉસ કરેલો ચેક ગણાય છે. તે ચેકનાં નાણાં નિર્દેશિત બૅંક મારફતે જ ચૂકવી શકાય છે અને અન્ય કોઈ બૅંક મારફતે ચૂકવી શકાતાં નથી. સાદા કે સામાન્ય ક્રૉસ કરેલા ચેકની તુલનામાં વિશિષ્ટ કે ખાસ ક્રૉસ કરેલા ચેકથી નાણાંની ચુકવણી વધુ સહીસલામત રીતે થાય છે. તેમ છતાં ચેક લખનાર વ્યક્તિ નાણાંની ચુકવણીને વધુ સહીસલામત બનાવવા માગે તો એટલે કે જેને નાણાં ચૂકવવાનાં હોય (payee) તે સિવાયની અન્ય કોઈ વ્યક્તિને ચેકનાં નાણાં ચૂકવાઈ જવાની બધી જ શક્યતાઓ નાબૂદ કરવા માગે તો તે ચેક પર દોરવામાં આવેલી બે ત્રાંસી સમાંતર રેખા વચ્ચે ‘ઍકાઉન્ટ પેઈ’ કે ‘પેઇઝ ઍકાઉન્ટ’ કે ‘નૉટ ટ્રાન્સફરેબલ’ એવા શબ્દો લખી શકે છે. તેથી ચેક પર નિર્દેશિત નાણાં લેનાર એટલે કે ‘પેઈ’ના બૅંક ખાતામાં જ જમા કરાય. આનો અર્થ એ થાય છે કે ચેક જે વ્યક્તિની તરફેણમાં લખવામાં આવેલો હોય તે વ્યક્તિ તે ચેકના માલિકીહકો અન્ય કોઈ પણ વ્યક્તિને તબદીલ કરી શકે નહિ. અહીં એ નોંધવું જોઈએ કે આવા પ્રકારના ક્રૉસ કરવા વિશે કોઈ ઉલ્લેખ વટાઉખત અધિનિયમ 1881માં કરવામાં આવેલો નથી. તેમ છતાં બૅંકિંગ-વ્યવસાયના વ્યવહારમાં તે માન્ય રાખવામાં આવે છે.
ચેક પર ‘નૉટ નેગોશિયેબલ’ એટલે કે બિનવટાઉ તેવો શેરો મારવામાં આવે તો ચેક મેળવનાર વ્યક્તિ તે ચેકને તેની અગાઉ ધારણ કરનાર વ્યક્તિ કરતાં ચેક અંગેના વધારે ચડિયાતા માલિકીહકો ધારણ કરી શકે નહિ તથા તે ચેક અંગેના પોતાના માલિકીહકો કરતાં વધારે ચડિયાતા ગણાય તેવા માલિકીહકો બીજા કોઈને આપી શકે નહિ (વટાઉખત અધિનિયમ : 1881 કલમ 130). જોકે આવો ચેક બીજા કોઈ પણ ચેકની જેમ, બીજી કોઈ પણ વ્યક્તિને આપી શકાય છે અને અન્ય અનેક વ્યક્તિઓને હસ્તાંતરિત થઈ શકે છે; છતાં નૉટ નેગોશિયેબલ શેરો ધરાવતા ચેકની બાબતમાં માલિકીહકોની સરળ તથા ખામીરહિત તબદીલી થઈ શકતી નથી, જે અન્ય નેગોશિયેબલ દસ્તાવેજોમાં થઈ શકે છે.
ચેક લખનાર વ્યક્તિ (drawer), નાણાં મેળવનાર વ્યક્તિ (payee) અથવા ચેકનો તે પછીનો માલિક કે એન્ડૉર્સી ચેક પર સાદી કે વિશિષ્ટ રીતે ક્રૉસ કરી શકે છે તેમજ સાદા ક્રૉસને બદલે વિશિષ્ટ ક્રૉસ કરી શકે છે. વસૂલાત માટે બૅંકને સોંપવામાં આવેલા સાદા ક્રૉસવાળા ચેક પર બૅંક પોતે પોતાની તરફેણમાં વિશિષ્ટ ક્રૉસ કરી શકે છે. ‘નૉટ નેગોશિયેબલ’ શેરા વગરના ચેકનો કોઈ પણ માલિક તેના ઉપર તે શબ્દો ઉમેરવાનો હક ધરાવે છે પરંતુ ચેક પર કરવામાં આવેલા ક્રૉસને કે તેના કોઈ પણ ભાગને રદ કરવાનો કે તેમાં ફેરફાર કરવાનો હક માત્ર ચેક લખનાર વ્યક્તિ જ ધરાવે છે.
ચેકની ચુકવણીમાં થતી છેતરપિંડી નિવારવા માટે ચેક લખનાર વિવિધ પ્રકારની તકેદારી લઈ શકે છે, જેવી કે (1) ચેક નીચે ઊંધો કાર્બનપેપર રાખીને લખવામાં આવે, (2) ચેક અમુક રકમથી ઓછી રકમનો છે તેવી નોંધ ચેકમાં લખવામાં આવે, (3) ચૂકવવાની રકમ ચેક ઉપર વિશિષ્ટ સાધનની મદદથી શાહી વડે ઉપસાવવામાં આવે.
આધુનિકીકરણના સમયમાં બૅંકો તરફથી ગ્રાહકોને શક્ય તેટલી સવલતો પ્રસ્તુત કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. ચેકોની અવેજીમાં નાણાંની લેવડ-દેવડ કે ફેરબદલી માટે સ્વયંસંચાલિત રોકડ-યંત્ર (Automatic Teller Machine – ATM), નાણાંની વીજળીક ફેરબદલી (Electronic Transfer), શાખ-કાર્ડ (credit card) વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.
સ્વયંસંચાલિત રોકડ-યંત્ર (Automatic Teller Machine) જે સંક્ષિપ્તમાં ATM તરીકે પ્રચલિત છે તેનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે. તેનું ધ્યેય બૅંક બંધ હોય ત્યારે પણ ગ્રાહકને ખાતામાંથી રકમ ઉપાડવાની કે જમા કરવાની સવલત પૂરી પાડવાનું છે. કોઈ પણ જગ્યાએથી અને કોઈ પણ સમયે એટીએમ કેન્દ્ર પરથી નાણાંની લેવડ-દેવડ શક્ય હોવાથી સમયની બચત સાથે ગ્રાહકને સવલત ઉપલબ્ધ થાય છે.
સ્વયંસંચાલિત રોકડ-યંત્રની શોધ અમેરિકન ઇજનેર ડૉન વેન્ઝેલે કરી હતી. તેનું પ્રથમ યંત્ર ન્યૂયૉર્કની મેડિકલ બૅંકમાં મૂકવામાં આવ્યું હતું. તે સમયે કમ્પ્યૂટર-પદ્ધતિ પ્રાપ્ય ન હોવાથી તેનો ઉપયોગ સીમિત રહ્યો હતો. સમયાંતરે કમ્પ્યૂટરની સવલતો ઉપલબ્ધ થતાં તે ગ્રાહકો અને બૅંકિંગ-ક્ષેત્ર માટે એક અગત્યનું લોકપ્રિય સાધન બની રહ્યું હતું.
આ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે બૅંક તરફથી ગ્રાહકને એક કાર્ડ આપવામાં આવે છે. તેમાં ગ્રાહકનું નામ, ખાતા-નંબર, બૅંકનું નામ, શાખા-નંબર વગેરેની માહિતી નોંધવામાં આવેલી હોય છે. તે ઉપરાંત ગ્રાહકને કાર્ડનો ઉપયોગ કરવા અને સલામતી માટે એક ગોપનીય સંકેતાંક (secret password number or pin) બૅંક તરફથી આપવામાં આવે છે. કાર્ડમાં તેની માન્યતાનો સમય પણ નોંધવામાં આવ્યો હોય છે, જે દ્વારા ગ્રાહક પોતાના ખાતાનો વહીવટ કરી શકે છે. કાર્ડની બીજી બાજુ ઘેરા કથ્થઈ રંગની ચુંબકીય પટ્ટી હોય છે, જેના પર બૅંકનો નંબર, ખાતેદારનો નંબર, સાંકેતાંક વગેરેની માહિતી હોય છે. આ ઉપરાંત કાર્ડ બકની સંપત્તિ છે, તેનો ઉપયોગ બૅંકની શરતો પ્રમાણે કરો, કાર્ડ ક્યાંય મળી જાય તો બૅંકમાં અથવા તેની નજીકની શાખામાં જમા કરાવો તેવી સૂચનાઓ આપવામાં આવી હોય છે. બીજી એક પટી પર ખાતેદારે પોતાની અધિકૃત સહી કરવાની હોય છે. ખાતેદાર યોગ્ય લાગે ત્યારે તેમનો સંકેતાંક બદલાવી શકે છે.
ખાતેદાર આ કાર્ય સ્વયં-સંચાલિત રોકડ-યંત્રમાં ભરાવી પોતાનો સંકેતાંક અને ઉપાડવાની રકમનો આંકડો યંત્રમાં નોંધે છે યંત્ર કાર્ડ-વાચકનો (card reader) ઉપયોગ કરી સઘળી માહિતી તેની સાંકેતિક ભાષામાં વાંચે છે. એટીએમ એક માહિતી કેન્દ્ર (data terminal) છે, જે કમ્પ્યૂટરના ઉપયોગ દ્વારા માહિતીનો વિનિમય કરે છે. કાર્ડની અધિકૃતતા અને આદેશ સ્વીકારાય પછી જ યંત્ર રોકડમાં માગેલી રકમ ચૂકવે છે, જે નોટોમાં હોય છે. ત્યારબાદ યંત્રમાંથી એક ચબરખી બહાર આવે છે જેમાં બૅંકનું નામ, ગ્રાહકનો સંકેતાંક, તારીખ, સમય, ઉપાડેલી રકમ અને બાકીની જમા રકમની માહિતી પ્રસ્તુત કરેલી હોય છે. દરેક બૅંકે એટીએમ દ્વારા ગ્રાહકે ઉપાડવાની રકમની મર્યાદા નક્કી કરી હોય છે. તેવી જ રીતે ખાતેદાર જમા કરવાની રકમ એક પરબીડિયામાં મૂકી યંત્રના ખાનામાં નાખી, યંત્રમાં કાર્ડ નાખી સંકેતાંક સાથે જમા કરાવેલી રકમનો આંકડો નોંધે છે. જે રકમ ખાતેદારના ખાતામાં જમા થાય છે. આ સઘળી માહિતી ઉપર દર્શાવ્યા પ્રમાણે ગ્રાહકને ચબરખીમાં મળે છે.
શાખ–કાર્ડ (credit card) : ચેક કે નાણાંની અવેજીમાં શાખ પર માલસામાનની ખરીદી કરવાની સવલત પૂરી પાડતું માધ્યમ. આ એક પ્રકારની ભાડા-ખરીદ-પદ્ધતિ છે જેમાં ગ્રાહક શાખ પર માલસામાનની ખરીદી કરી શાખનું કાર્ડ આવનાર સંસ્થાને નિશ્ચિત અવધિ દરમિયાન કરેલી ખરીદીની કિંમત વ્યાજ તેમજ વહીવટી ખર્ચ સાથે ચૂકવે છે. શાખ-કાર્ડ પર ખરીદી કરવાની રકમની મર્યાદા કાર્ડ પ્રસ્તુત કરનાર બૅંક કે નાણાકીય સંસ્થા કરે છે. ભારતમાં બૅંકો, ડાઇનર્સ કાર્ડ, અમેરિકન એક્સપ્રેસ વગેરે સંસ્થાઓ શાખ-કાર્ડનો વ્યવસાય કરે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ પ્રથા ભારતમાં પ્રચલિત થઈ છે.
ઇલેક્ટ્રૉનિક (વીજાણુ) કમ્પ્યૂટર પદ્ધતિ : કમ્પ્યૂટર દ્વારા સંદેશ-વ્યવહારપદ્ધતિ (Internet) અમલમાં આવ્યા બાદ બૅંકો વચ્ચે કમ્પ્યૂટર દ્વારા નાણાંની તબદીલી કરવામાં આવે છે. વ્યક્તિ કે સંસ્થા પોતાની બૅંક દ્વારા નાણાં મેળવનાર વ્યક્તિ કે સંસ્થાની બૅંકમાં ગ્રાહકના ખાતામાં નાણાં સીધાં જ જમા કરાવે છે; દા.ત., ડિવિડન્ડ. તેમાં ચેકનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેવી જ રીતે એક બૅંકમાંથી બીજી બૅંકમાં ગ્રાહકના ખાતાની જમા રકમ સાથે પણ તબદીલી કરવામાં આવે છે; પરંતુ આ વિધિ રિઝર્વ બક ઑવ્ ઇન્ડિયા દ્વારા જ કરવામાં આવે છે.
ચેક પરત ફરવાનો ગુનો : ભારતીય કરાર અધિનિયમ(Law of Negotiable Instruments)ની કલમ 138 અનુસાર બૅંકમાં જમા કરવામાં આવેલ ચેક આપનારના ખાતામાં પૂરતી રકમ જમા ન હોવાને કારણે બૅંકમાંથી પરત ફરે તો તેને ચેક આપનારની બેદરકારી, ગફલત કે બદદાનત ગણવામાં આવે છે અને તે ગુનો બને છે. ચેક સ્વીકારનાર વ્યક્તિ કે સંસ્થા તેમને થયેલ નુકસાન કે અન્યાયના વળતર માટે કોર્ટમાં ગુનો દાખલ કરાવી શકે છે. પહેલાં વળતર માટે દીવાની અદાલતમાં ગુનો દાખલ કરવામાં આવતો હતો; પરંતુ ઈ. સ. 1988માં કાયદામાં કરવામાં આવેલ સુધારા પછી તેને ફોજદારી ગુનો ગણવામાં આવે છે. ચેક પરત ફરવા માટે જો આપનારને એક વર્ષની જેલની સજા અથવા તો ચેકની રકમ કરતાં બમણી રકમનો દંડ અથવા તો જેલની સજા અને દંડ બંનેની સજા કરી શકાય છે, તેવી જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે.
કોર્ટમાં કેસ દાખલ કરતાં પહેલાં નીચેની કાર્યવહી કરવી આવશ્યક બને છે : (1) ચેક તેના પર નોંધેલ તારીખથી ત્રણ મહિનાની અંદર બૅંકમાં પ્રસ્તુત કરવામાં આવેલ હોવા જોઈએ; (2) બૅંકમાંથી ચેક પરત ફર્યાની માહિતી મળ્યાના પંદર દિવસની અંદર ચેક સ્વીકારનાર વ્યક્તિ કે સંસ્થાએ ચેક આપનારને નોટિસ આપવી આવશ્યક છે; તેમ છતાં પણ નોટિસ મળ્યાના પંદર દિવસની અંદર ચેક આપનાર પૈસા ચૂકવવામાં નિષ્ફળ ગયેલ હોવા જોઈએ. આ કાર્યવહી પછી જ નુકસાન કે અન્યાયના વળતર માટે ફોજદારી અદાલતમાં મુકદ્દમો દાખલ કરી શકાય છે.
શ્રીકૃષ્ણ ગોપીનાથ દેવભાનકર
બાળકૃષ્ણ માધવરાવ મૂળે
જિગીશ દેરાસરી