ચેંગલપટુ (ચિંગલીપુટ) : તામિલનાડુ રાજ્યના ચેન્નાઈ જિલ્લાનું શહેર. 12° 30’ ઉ. અ. અને 79° 50’ પૂ. રે. પર તામિલનાડુ રાજ્યના ઉત્તર તરફના પૂર્વ ભાગમાં આવેલું છે. તામિલનાડુના પાટનગર ચેન્નાઈથી નૈર્ઋત્ય દિશામાં 60 કિમી. દૂર છે. ચેન્નાઈ અને પુદુચેરી રેલમાર્ગ પરનું એક મથક છે. તે સમુદ્રકિનારાથી આંતરિક ભાગમાં 40 કિમી. દૂર છે. સમુદ્રસપાટીથી ચેંગલપટુ 40 મી.ની ઊંચાઈ પર છે. અહીં આજુબાજુનો વિસ્તાર કૃષિયોગ્ય જમીનનો છે. પરિણામે ત્યાં ખાસ વિશિષ્ટ પ્રકારના ઉદ્યોગો વિકાસ પામ્યા નથી. ડાંગર, શેરડી, મગફળી, ચા, કૉફી, કપાસ અને ફળફળાદિ અહીં ઉત્પન્ન થાય છે. ચામડાં, રેશમ અને દીવાસળી ઉદ્યોગોનો વિકાસ થયો છે. ચેંગલપટુ રેલવે અને રસ્તામાર્ગથી ચેન્નાઈ બંદર સાથે જોડાયેલું છે. ચેંગલપટુ શહેરમાં મુખ્ય વસ્તી દ્રવિડ છે અને તે તમિળ ભાષા બોલે છે. એકંદરે તામિલનાડુનાં અન્ય ઔદ્યોગિક શહેરો જેટલો ચેંગલપટુનો વિકાસ થયો નથી. વસ્તી 7,33,960 (2022) છે.
ગોવિંદભાઈ વિસરામભાઈ પટેલ