ચૅપ્લિન, સર ચાર્લ્સ સ્પેન્સર (ચાર્લી)
January, 2012
ચૅપ્લિન, સર ચાર્લ્સ સ્પેન્સર (ચાર્લી) (જ. 16 એપ્રિલ 1889, લંડન; અ. 25 ડિસેમ્બર 1977, જિનીવા) : સિનેક્ષેત્રના એક મહાન સર્જક, અભિનેતા તથા દિગ્દર્શક. યહૂદી માબાપ સંગીતનાં લોકપ્રિય કલાકાર હતાં. લંડનના અત્યંત દરિદ્ર મજૂરવિસ્તાર લૅમ્બથ નામના પરામાં જન્મેલ કુદરતી બક્ષિસ ધરાવતા આ અભિનેતા માત્ર 5 વર્ષની ઉંમરે રંગભૂમિ પર પહેલી વાર તેમના પિતા સાથે આવેલ. પિતાના અવસાન બાદ પોતાના સાવકા મોટા ભાઈ સિડની સાથે 2 વર્ષ ઘેર રહ્યા બાદ 7 વર્ષની ઉંમરે તેમણે રંગભૂમિ પર પુન: પ્રવેશ કર્યો.
10 વર્ષ પછી પોતાના ભાઈ સિડનીને અનુસરીને તે લંડનની તત્કાલીન પ્રસિદ્ધ ફ્રેડકાર્નો નાટકમંડળીમાં જોડાયા અને 7 વર્ષ સુધી ઇંગ્લૅન્ડ, યુરોપ અને અમેરિકા જેવા દેશોમાં મંડળી સાથે પ્રવાસ કરતા રહ્યા. અમેરિકાના પ્રવાસ દરમિયાન 1913માં તત્કાલીન હૉલિવુડની સફળ નિર્માણ કંપની ‘કી-સ્ટોન ફિલ્મ કંપની’ના માલિક અને સિને-નિર્માતા મૅક સેનેટે તેમની અભિનયશક્તિથી પ્રભાવિત થઈને તેમને પોતાની ફિલ્મોમાં અભિનય કરવાને 150 ડૉલરના સાપ્તાહિક વેતનથી રોકી લીધા.
અહીં તેમણે ‘મેકિંગ એ લિવિંગ’(1914)થી આરંભ કરી 35 જેટલી ટૂંકી સ્લૅપસ્ટિક કૉમેડીમાં પોતાનું કૌશલ દાખવ્યું. માત્ર દિગ્દર્શક ટિલીની ‘પંક્ચુએટેડ રોમાન્સ’(1914)ના અપવાદ સિવાય આ સઘળી કૉમેડી માત્ર 2 રીલની કે તેનાથી પણ ટૂંકી હતી. ‘મેકિંગ એ લિવિંગ’માં તેમનું પાત્ર મુખ્યત્વે એક દરિદ્ર પરંતુ વરણાગિયા બ્રિટિશ યુવાનનું રહ્યું હતું; જે અગાઉ નાટકોમાં તેમની માનીતી ભૂમિકારૂપ હતું. ત્યારબાદ મોટા ભાગની કૉમેડીમાં તેમણે રસ્તે રઝળતા રખડુ(tramp)નું રમૂજી પાત્ર ભજવ્યું. જે ‘કિડ ઑટો રેસ ઇન વેનિસ’(1914)માં સર્વપ્રથમવાર રજૂ થયું; પછીની તેમની કારકિર્દીનાં 30 વર્ષમાં આ પાત્ર સતત ઊપસતું રહ્યું. સિને કારકિર્દીમાં તે સ્થિર થતા ગયા તેમ આ પાત્ર તેમની ફિલ્મોમાં અનેકવિધ રીતે વિકસતું ગયું. લઘરવઘર વસ્ત્રપરિધાન અને તે સાથે અસંગત જણાતું વરણાગિયાપણું, શૂરા નારીરક્ષક હોવાની લાક્ષણિકતા સાથે ક્યારેક ડોકાઈ જતી નારીપીડનવૃત્તિ, બહાદુરી સાથે ડરપોકતાનું સંમિશ્રણ અને જુસ્સાભર્યો સ્વતંત્ર મિજાજ તથા તે સાથે આ સઘળામાંથી અનેકવિધ રમૂજ પેદા કરવાની ચૅપ્લિનની પોતાની આગવી હાજરબુદ્ધિના પરિણામે આ રઝળતા રખડુનું પાત્ર અત્યંત સફળ પુરવાર થયું. પરિણામે ‘કી-સ્ટોન કંપની’ના તત્કાલીન લોકપ્રિય કૉમેડિયન રૉસ્કો અરબકલ અને ફૉર્ડ સ્ટર્લિગથી લોકપ્રિયતામાં તે આગળ વધી ગયા. 1915ના જાન્યુઆરીમાં તે એસાની નામની કંપનીમાં 1250 ડૉલરના સાપ્તાહિક વેતનથી જોડાયા. અહીં પણ તેમણે એક વર્ષમાં સ્લૅપસ્ટિક કૉમેડીની શૈલીની 14 ફિલ્મોમાં અભિનય કર્યો. અહીંની તેમની કૉમેડીમાં વેગ ઓછો કરી થોડો સંયમ કેળવ્યો. 1916ના ફેબ્રુઆરીમાં તેમનું કુલ વાર્ષિક વેતન 6 લાખ 70 હજાર ડૉલર થાય તેવી બાંયધરીથી તે ‘મ્યૂચ્યુઅલ ફિલ્મ કંપની’માં જોડાયા. આમ, હૉલિવુડ આવ્યા પછી પ્રતિવર્ષ પોતાની આવકમાં તે દસ ગણો વધારો કરતા રહ્યા.
‘મ્યૂચ્યુઅલ ફિલ્મ કંપની’માં જોડાયા પછી ફિલ્મોમાં પોતાના કામ પ્રત્યે તે સવિશેષ સમય ફાળવવા લાગ્યા અને પાત્રની માવજત બાબત વધુ કાળજી લેવા લાગ્યા. ‘એસાની કંપની’માં તેમના પાત્રમાં પ્રદર્શિત વ્યથા, વ્યંજના અને કટાક્ષની અહીં વધુ માનવીય અભિવ્યક્તિ થવા લાગી. ‘રખડુ’ના પાત્રમાંથી હવે સિદ્ધાંતરહિતતા ધીરે ધીરે ઘટવા લાગી; બાળકને લાત મારવી કે સાથીઓને છેતરવા જેવી પરપીડનલક્ષી હીન ચેષ્ટાઓ તેમના પાત્રમાંથી ઓછી થવા લાગી. તેમની ‘ઇઝી સ્ટ્રીટ’ અને ‘ઇમિગ્રન્ટ’ (બંને 1917) જેવી ફિલ્મોનું બૌદ્ધિકો અને વિવેચકો હવે ગંભીરતાથી પૃથક્કરણ કરવા લાગ્યા. પ્રેક્ષકો અને વિવેચકોનું પોતા પ્રત્યે બદલાતું જતું વલણ પારખીને રંગભૂમિના પોતાના મૂળ લોકપ્રિય પાત્ર ‘મૅક્સ લિન્ડર’ કે જલસાગૃહોની કૉમેડીની લાક્ષણિકતાથી જરા અલગ પડી તે પોતાની મૂક અભિનય(mimetics)ની વિદૂષક તરીકેની કુશળતાની પ્રતિભાને વિશેષ રૂપે આગળ ધરવા લાગ્યા. 1918માં તે ‘ફર્સ્ટ નૅશનલ કંપની’માં 8 ફિલ્મોના નિર્માણના 10 લાખ ડૉલરના મહેનતાણાના કરારથી જોડાયા; નિર્માણ, દિગ્દર્શન, પટકથાલેખન અને તારક અભિનય આટલી યશનામાવલિ પોતાના નામે અનિવાર્ય હોવાની શરત રાખી તે સિવાયની પોતાની લાક્ષણિકતા ધરાવતી ફિલ્મો પોતાની ન હોવાનું તેમણે જાહેર કર્યું. સર્જનની આવી સ્વતંત્રતા હૉલિવુડમાં ભાગ્યે જ ત્યારે કોઈ સિને-પ્રતિભાએ પ્રાપ્ત કરી હતી. તેમની આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતાએ આ વાત શક્ય બનાવી હતી.
હવે તેમના વિશે ગીતો રચાવા લાગ્યાં હતાં અને બાળરમતો યોજાતી હતી. ‘રખડુ’ની લાક્ષણિકતા ધરાવતી નાની પ્રતિકૃતિ પૂતળા રૂપે ત્યારે એક ડૉલરમાં બજારમાં વેચાવા લાગી હતી. 1921માં તેમણે યુરોપની મુલાકાત લીધી ત્યારે પ્રસિદ્ધ પ્રતિભાઓ અને સર્વસાધારણ જનસમુદાય બંનેએ એકીસાથે તેમને અત્યંત ઉમળકાભેર વધાવી લીધા. તેમના પાત્રના પરદા પરના દર્શનથી ગરીબાઈપીડિત અને શોષિત વર્ગ પ્રતિ સહાનુભૂતિ દાખવ્યાના સંતોષની લાગણી પ્રેક્ષકોમાં જન્મતી હતી. વળી તેમની કૃતિના કથામાળખાની સાદાઈથી વણાઈ જતી કલાકૃતિની કાયમી લાક્ષણિકતા સઘળા સાંસ્કૃતિક ભેદોને પણ ભુલાવી દઈ શકતી હતી. વિકટ આર્થિક અને સામાજિક પરિસ્થિતિને હળવાશભરી રીતે અને વિશેષ અસરકારકતાથી પ્રસ્તુત કરવામાં તે અજોડ કલાસ્વામી પુરવાર થયા. તેમની જાણીતી કૃતિ ‘ધ કિડ’માં આ પ્રકારની અભિવ્યક્તિ પરાકાષ્ઠાએ પહોંચી હતી.
1919માં ચૅપ્લિન મહાન દિગ્દર્શક ડી. ડબલ્યુ. ગ્રિફિથ, જાણીતી તારક અભિનેત્રી મેરી પિકફર્ડ તથા તલવારયુદ્ધ માટે જાણીતા તારક અભિનેતા ડગલાસ ફેરબૅન્ક સાથે મળીને સંયુક્ત ભાગીદારીમાં સ્થપાયેલ નિર્માણ કંપની ‘યુનાઇટેડ આર્ટિસ્ટ કંપની’માં ભાગીદારીથી જોડાયા. આ કંપનીના નેજા હેઠળ તેમણે સર્વપ્રથમ ‘વુમન ઑવ્ પૅરિસ’ (1923)નું દિગ્દર્શન કર્યું. તેમાં વર્ણનાત્મક ર્દશ્યાયોજનની સૂક્ષ્મ માવજત તથા અભિનેતાઓ પાસેથી સંતોષકારક રીતે કામ લઈ શકવાની તેમની કુનેહ ગણનાપાત્ર લેખાઈ. આ અરસામાં તેમના પ્રથમ છૂટાછેડાનો કિસ્સો જ્યારે જાહેરમાં ઘણો ચગ્યો હતો ત્યારે તેમણે શ્રેષ્ઠ સિનેકૃતિઓ સર્જી. તે હતી ‘ગોલ્ડ રશ’ (1925), ‘ધ સર્કસ’ (1928) અને ‘સિટી લાઇટ્સ’ (1931). ‘સિટી લાઇટ્સ’માં ચૅપ્લિને અવાજનો ઉપયોગ માત્ર સંગીત અને પશ્ચાદ્સંગીત દ્વારા કેટલીક અસર નિપજાવવા પૂરતો કર્યો હતો. તેમના મુખેથી બોલાયેલ અવાજ છેક ‘મૉડર્ન ટાઇમ્સ’(1936)માં એક ગરબડિયા ગીત દ્વારા સાંભળવા મળ્યો. તે ખરેખર સંવાદ બોલ્યા ‘ધ ગ્રેટ ડિક્ટેટર’માં (1940). આ ફિલ્મ સાથે તેમના ‘રખડુ વરણાગિયા’ના પ્રતીક પાત્રનો અંત આવ્યો.
તેમની છેલ્લી કૃતિ ‘મસ્યર વર્દુ’(1947)માં યુરોપ-અમેરિકામાં એક સમયે વ્યાપેલ આર્થિક મંદીના મોજાથી બેકાર બનેલ બૅંકના કૅશિયર મસ્યર વર્દુ (નાયકના પાત્રમાં પોતે) તરીકે તેમને કેટલાક આર્થિક ગુના, છેતરપિંડી અને ઠંડે કલેજે ખૂન કરવા સુધીના ગુના આચરતા દર્શાવાયા છે. 1952માં તે પોતાની કૃતિ ‘લાઇમલાઇટ’ના પ્રચારકાર્ય માટે યુરોપ ગયા ત્યારે અમેરિકા પાછા ફરવાથી તેમના પર લાદવામાં આવનાર સંભવિત આક્ષેપોથી બચવા માટે તેમણે સ્વિટ્ઝર્લૅન્ડ ખાતે પોતાની ચોથી પત્ની સાથે 5 વર્ષ માટે દેશનિકાલ સમું અને અર્ધક્ષેત્રસંન્યાસ જેવું જીવન ગાળ્યું.
આ જ પ્રકારે સર્જક તરીકેનાં પરદા પરનાં તેમનાં કેટલાંક વિધાનો અને સાહજિક ર્દશ્યોએ પણ ક્યારેક વિવાદ કે ગેરસમજ સર્જ્યાં હતાં. કેટલાંક વિધાનોને કારણે તે સામ્યવાદી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેને લીધે ઇટલી અને જર્મનીમાં તેમની ‘મૉડર્ન ટાઇમ્સ’ ફિલ્મના પ્રદર્શન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
‘ગ્રેટ ડિક્ટેટર’ ફિલ્મમાં જર્મનીના સરમુખત્યાર હિટલર પર સીધો કટાક્ષ હોવાથી જર્મનીમાં તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. સ્વિટ્ઝર્લૅન્ડના નિવાસ દરમિયાન તેમણે સર્જેલ 2 અસફળ સિનેકૃતિઓ તે ‘એ કિંગ ઇન ન્યૂયૉર્ક’ (1957) અને ‘એ કાઉન્ટેસ ફ્રૉમ હૉન્ગકૉન્ગ’ (1966). છેલ્લી ફિલ્મમાં તેમણે હૉલિવુડના તત્કાલીન તારક અભિનેતા માર્લોન બ્રૅન્ડો અને તારક અભિનેત્રી સૉફિયા લૉરેન પાસે અભિનય કરાવ્યો હતો.
સિને ક્ષેત્રે તેમણે કરેલ પ્રદાનની કદર રૂપે 1972માં તેમને ઑસ્કાર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. તેમણે પોતાની ફિલ્મોના હકો વેચી દેવાનો જ્યારે પ્રસ્તાવ મૂક્યો ત્યારે ખાસ ‘બ્લૅક ઇન્ક ફિલ્મ કંપની’ નામની વિતરણ કંપની સ્થાપવામાં આવી, જેણે તેમની કૃતિઓના સઘળા હકો ખરીદી લીધા. તેમનાં સંતાનો સિડની (જુનિયર) અને તેની પુત્રી જેરલ્ડીન બંનેએ ફિલ્મ-અભિનયક્ષેત્ર અપનાવ્યું છે.
તેમણે આત્મકથાનક સ્વરૂપનાં 3 પુસ્તકો લખ્યાં છે : ‘ચાર્લી ચૅપ્લિન્સ ઓન સ્ટોરી’ (1916), ‘માય ટ્રિપ અબ્રૉડ’ (1930) અને ‘માય ઑટોબાયૉગ્રાફી’ (1964 અને 66). 1975માં માતૃભૂમિ ઇંગ્લૅન્ડે ‘સર’ના ઇલકાબથી તેમનું બહુમાન કર્યું હતું.
ચૅપ્લિનને ભારતની સ્વાતંત્ર્ય ચળવળ અને ગાંધીજીની નેતાગીરી પ્રત્યે ઘણી સહાનુભૂતિ હતી. 1931માં ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપવા કૉંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે લંડન ગયા ત્યારે ચૅપ્લિને લંડનના મજૂર વિસ્તારમાં ઈસ્ટ ઇન્ડિયા ડૉક રોડ પરના તેમના ઉતારે મળીને ભારતના સ્વાતંત્ર્ય આંદોલનને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. આ પ્રસંગ ચૅપ્લિને ‘માય ઑટોબાયૉગ્રાફી’માં નોંધ્યો છે.
ચાર્લી ચૅપ્લિનની સર્જક પ્રતિભાની સમગ્ર વિશ્વની અનેક ફિલ્મસર્જક પ્રતિભાઓ પર અસર હતી.
ઉષાકાન્ત મહેતા