ચૅનલ ટાપુઓ : ‘નોર્મન્ડીના ટાપુઓ’ તરીકે ઓળખાતા ટાપુઓ. ફ્રાન્સ અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ચૅનલ(ખાડી)માં ઇંગ્લૅન્ડના દક્ષિણ કાંઠાથી આશરે 130 કિમી.ના અંતરે અને ફ્રાન્સના કોટેન્ટીન દ્વીપકલ્પની પશ્ચિમે લગભગ 49° 20’ ઉ. અક્ષાંશવૃત્ત તથા 2° 40’ પ. રેખાંશવૃત્ત પર આવેલા છે. તેમનું કુલ ક્ષેત્રફળ આશરે 194 ચોકિમી. જેટલું છે.

આ ટાપુઓના જૂથમાં ઍલ્ડર્ની, ગ્વૅર્નસી, જર્સી અને સાર્ક ટાપુઓ મુખ્ય છે. ગ્વૅર્નસીની અગ્નિ દિશામાં આવેલો જર્સી ટાપુ આ બધા ટાપુઓમાં સૌથી વધારે મોટો છે. તે આશરે 117 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવે છે. વળી તેની સાથે નાના નાના થોડાક ટાપુઓ પણ છે.

ચૅનલ ટાપુઓના કિનારા પરની સીધી કરાડો અને ઉપસાગરો અપ્રતિમ કુદરતી સૌંદર્ય ધરાવે છે. ભૂસ્તરીય દૃષ્ટિકોણથી જોઈએ તો આ ટાપુઓની ઉત્પત્તિ, ફ્રાન્સના કિનારા પરથી લંબાયેલા દ્વીપકલ્પના ભાગ રૂપે થયેલી છે. આ ટાપુઓમાં મુખ્યત્ત્વે ગ્રૅનાઇટ અને નાઇસ (gniess) ખડકો જોવા મળે છે. વળી કેટલાક ટાપુઓમાં ગ્રૅનાઇટ ખડકોનું ઉત્ખનન પણ થાય છે.

આ ટાપુઓ પશ્ચિમ યુરોપીય પ્રકારની આબોહવા ધરાવે છે. વળી તેમના કિનારા પરથી અખાતી ગરમ પ્રવાહ પસાર થતો હોવાથી તેમની આબોહવા સૌમ્ય રહે છે.

આ ટાપુઓના નિવાસીઓ ફળો, શાકભાજી અને ફૂલોની ખેતી તેમજ મચ્છીમારી કરે છે. અહીંથી ફૂલો, ફળો, ટમેટાં અને બટાટાની નિકાસ કરવામાં આવે છે. આ સિવાય અહીં પશુસંવર્ધનપ્રવૃત્તિ પણ અગત્ય ધરાવે છે અને અહીંના ટાપુઓનાં નામ પરથી ઢોરોની પ્રખ્યાત ઓલાદોનાં નામ ગ્વૅર્નસી, જર્સી અને ઍલ્ડર્ની આપવામાં આવ્યાં છે. અહીંની સૌમ્ય આબોહવામાં દ્રાક્ષ અને પીચ જેવાં ફળો પાકી જાય છે અને અકુદરતી ગરમીની જરૂર રહેતી નથી. સુંદર કુદરતી ભૂમિર્દશ્યો, ફૂલોથી લચી પડતી વનસ્પતિ અને સૌમ્ય દરિયાઈ આબોહવાને લીધે આ ટાપુઓ લોકપ્રિય વિહારધામ બન્યા છે, જેથી પ્રવાસન-ઉદ્યોગ દ્વારા પણ સારી આવક મળે છે. વળી ઘણા અંગ્રેજોએ આ ટાપુઓ પર કાયમી નિવાસ કર્યો છે.

આ ટાપુઓ પર અંગ્રેજી અને ફ્રેંચ ભાષાનો ઉપયોગ થાય છે. કુલ વસ્તી યુનો દ્વારા દર્શાવેલ માહિતી અનુસાર 1,77,381 (2022) જેટલી છે. અહીંની મુખ્ય વસાહતોમાં જર્સી ટાપુ પરના સેન્ટ હેલિયરનો તથા ગ્વૅર્નસી ટાપુ પરના સેન્ટ પીટર પૉર્ટનો સમાવેશ થાય છે.

આ ટાપુઓ 1204થી બ્રિટન સાથે જોડાયેલા છે, પણ તેના ભાગરૂપ નથી. ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સના તેમના પરના આધિપત્ય અંગેના હકનો મુકદ્દમો 1953 સુધી ચાલ્યો અને આંતરરાષ્ટ્રીય ન્યાયની અદાલતે તેમના પરના બ્રિટિશ સાર્વભૌમત્વને માન્ય કર્યું.

બીજલ પરમાર