ચૂડાસમા વંશ : ઈ. સ. 875 લગભગ સિંધના સમા વંશનો ચંદ્રચૂડ સોરઠ વંથળી આવી તેના મામાની ગાદીએ બેઠો. તેના વંશજો ચૂડાસમા થયા.
તેના પુત્ર મૂળરાજે રાજ્યનો વિસ્તાર વધાર્યો, તેનો પુત્ર વિશ્વવરાહ હતો. તેના પરાક્રમી પુત્ર રાહઘર કે ઘારીઓ જેને જૈન લેખો ગ્રહરિપુ કહે છે તેણે સૌરાષ્ટ્રનો ઘણો ભાગ જીતી લીધો. ગુજરાતના રાજા મૂળરાજ સોલંકીએ તેને ઈ. સ. 979માં પરાજિત કર્યો અને તે ઈ. સ. 982માં ગુજરી જતાં તેનો પુત્ર દયાસ ગાદીએ આવ્યો. ગુજરાતના રાજા દુર્લભરાજ સામે વેર બંધાતાં તે સોરઠ ઉપર ચડી આવ્યો પણ કિલ્લો ન પડતાં તેણે બીજલ નામના ચારણને મોકલી રા’નું માથું દાનમાં માગી તેનું મૃત્યુ આણ્યું. તેના બાલપુત્ર નવઘણને લઈ દાસી નાસી છૂટી અને તે બોડીધર ગામમાં મોટો થયો. વયમાં મોટો થતાં આહીર દેવાયત વગેરેની સહાયથી તેણે તે વખતે જીર્ણદુર્ગ(જૂનાગઢ)નો કિલ્લો જીતી લીધો અને ઈ. સ. 1025માં તે ગાદીએ બેઠો. ત્યારબાદ નવઘણે સિંધ ઉપર ચડાઈ કરી ત્યાંના રાજા હમીર સુમરાને હરાવ્યો.
તેનો અનુગામી ખેંગાર પહેલો તેમજ નવઘણ બીજો અને તેનો પુત્ર ખેંગાર બીજો ઈ. સ. 1098માં ગાદીએ બેઠો. તેણે રાજ્યવિસ્તાર ઘણો વધાર્યો.
ખેંગારના સમયમાં ગુજરાતનો રાજા સિદ્ધરાજ તેના ઉપર ચડી આવ્યો. ખેંગારનો પરાજય થયો તથા મૃત્યુ પણ થયું. પણ ઈ. સ. 1125માં તેના યુવરાજ નવઘણે જૂનાગઢ જીતી લીધું. પરંતુ 1152માં તે રાજા કુમારપાળનાં સૈન્યો સામે લડતાં માર્યો ગયો.
તેના પુત્ર દયાસ ઉર્ફે જયસિંહે ગુજરાતનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું પણ કનોજ ઉપર ચડાઈ કરી કનોજ જીતી લીધું.
તે પછી રાયસિંહ જયમલ, મહિપાલ નામે રાજાઓ થયા. આ સમયમાં વસ્તુપાલ તેજપાલે ગિરનાર ઉપર દેરાં બાંધ્યાં.
તેના પછી માંડલિક પહેલો, નવઘણ ચોથો તથા મહિપાલ ચોથો થયા. તેના સમયમાં ગુજરાતના કર્ણ વાઘેલાનો 1297માં અલાઉદ્દીન સામે લડતાં પરાજય થયો અને મુસ્લિમોએ સોમનાથ ખંડિત કર્યું. મહિપાલે તેનો પુનરુદ્ધાર કર્યો. તેના અનુગામી ખેંગાર ચોથાના સમયમાં દિલ્હીનો સુલતાન મહમદ તઘલખ ચડી આવ્યો. ઈ. સ. 1352માં તે ગુજરી ગયો. તેના પછી જયસિંહ અને મેલિગ ગાદીપતિ થયો. તેણે વંથળીથી રાજધાની જીર્ણદુર્ગ – જૂનાગઢ ફેરવી. તેણે ઈ. સ. 1413માં ગુજરાતના સુલતાન અહમદશાહને પરાજિત કર્યો.
તેના પછી જયસિંહ ત્રીજો અને મહિપાલ છઠ્ઠો થયા. મહિપાલ પછી તેનો યુવરાજ માંડલિક ઉંમર લાયક થતાં તેનો રાજ્યાભિષેક કરી તીર્થવાસ કર્યો.
આ પરાક્રમી અને પવિત્ર રાજા ઉપર મહમૂદ બેગડાએ ચડાઈ કરી. બે વાર તે નિષ્ફળ ગયો પણ ત્રીજી વાર ઈ. સ. 1472માં માંડલિકનો પરાજય થયો અને ચૂડાસમા વંશનો અંત આવ્યો.
તેમના વંશજોને મહમૂદ બેગડાએ રાજતંત્રમાં નીમેલા તથા ગરાસ આપેલો પણ ધીરે ધીરે તેઓનું પ્રાબલ્ય નષ્ટ થયું. આજે તેના વંશજો ચૂડાસમા, રાયજાદા અને સરવૈયા સૌરાષ્ટ્રમાં જુદા જુદા પ્રદેશોમાં વસે છે.
શંભુપ્રસાદ દેસાઈ