ચીનનો સમુદ્ર : ‘ચીનનો સમુદ્ર’ એટલે ચીનના પૂર્વ અને દક્ષિણ તરફના કિનારે આવેલો પીળો સમુદ્ર, પૂર્વ ચીન સમુદ્ર અને દક્ષિણ ચીન સમુદ્ર. દક્ષિણ ચીન સમુદ્ર દક્ષિણમાં છેક વિષુવવૃત્ત સુધી વિસ્તરેલો છે. પૂર્વ ચીન સમુદ્ર મધ્ય ચીનના પૂર્વ ભાગ તરફ અને છેક 41° ઉત્તર અક્ષાંશ સુધી પૂર્વમાં પીળો સમુદ્ર આવેલો છે. આ ત્રણે સમુદ્રો પૂર્વમાં પૅસિફિક મહાસાગર સાથે જોડાયેલા છે. ત્રણે સમુદ્રો ચીનને 4900 કિમી. લાંબો દરિયાકિનારો પ્રાપ્ત કરી આપે છે. ચીનના સમુદ્રોની કેટલીક મહત્વની માહિતી નીચે મુજબ છે :

સમુદ્રનું નામ ક્ષેત્રફળ

(ચોકિમી.માં)

સરેરાશ ઊંડાઈ

(મીટરમાં)

મહત્તમ ઊંડાઈ

(મીટરમાં)

પીળો સમુદ્ર 12,28,800 45 96
પૂર્વ ચીન સમુદ્ર 12,33,920 188 2999
દક્ષિણ ચીન સમુદ્ર 22,91,200 1652 5531

આ ત્રણ સમુદ્રોમાં ચીનની ત્રણ મહત્વની નદીઓ પાણીનો પુરવઠો ઠાલવે છે. પીળા સમુદ્રમાં હવાંગહો, પૂર્વ ચીન સમુદ્રમાં ચાંગ અને દક્ષિણ ચીન સમુદ્રમાં સિક્યાંગ નદી મળે છે. આ ત્રણ નદીઓ ઉપરાંત બીજી કેટલીક નદીઓ ભૂમિવિસ્તાર પરથી પુષ્કળ પ્રમાણમાં માટી ખેંચી લાવે છે તેથી દરિયાકિનારે એકંદરે ઓછાં બંદર છે, પરિણામે જેટલા પ્રમાણમાં બંદરોનો વિકાસ થવો જોઈએ તેટલા પ્રમાણમાં થયો નથી. હવાંગહોની પીળી માટી સમુદ્રમાં ઉમેરાતાં તેનું નામ ‘પીળો સમુદ્ર’ પડ્યું છે. આ નદીએ લાખો વર્ષોથી પુષ્કળ માટી પીળા સમુદ્રમાં ઠાલવી છે તેથી તેની ઊંડાઈ એકદમ ઓછી જોવા મળે છે. આથી જ આ સમુદ્રકિનારે આવેલા તિનત્સિન બંદર પર જહાજો દરિયાકિનારાથી દૂર ઊભાં રહે છે. પૂર્વ ચીન સમુદ્ર પર આવેલું શાંગહાઈ પણ આવું જ બંદર છે. દક્ષિણ ચીન સમુદ્રને કાંઠે આવેલું કૅન્ટૉન ‘તરતું શહેર’ તરીકે જાણીતું છે. પીળા સમુદ્રને કાંઠે ચીચલી અખાત અને કોરિયાનો અખાત છે. દક્ષિણ ચીન સમુદ્રમાં ટોનકિન અખાત છે. આ બધા સમુદ્રો અને અખાતોમાંથી હેરિંગ, કૉડ, મેકેરલ, હેડીક, હૅલિબટ, પ્રૉમ્ફ્રિટ, શાર્ક વગેરે માછલીઓ પકડાય છે. તાઇવાન, ચોસન અને ચેજુ ટાપુઓ મહત્વના છે. ચીનના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેપારમાં તેના કિનારે આવેલા સમુદ્રોનો ફાળો ખૂબ જ મહત્વનો છે.

ગોવિંદભાઈ વિસરામભાઈ પટેલ