ચિશ્તી, ખૂબ મુહમ્મદ (અહમદાબાદી) (જ. 1539, અમદાવાદ; અ. 1614, અમદાવાદ) : અમદાવાદમાં થઈ ગયેલા ઉર્દૂ ભાષાના સૂફી કવિ. શાહખૂબ અને ખૂબમિયાં એ તેમનાં ઉપનામ. તેમણે શેખ કમાલ મુહમ્મદ સીસ્તાની (1572) પાસેથી ધાર્મિક તથા આધ્યાત્મિક જ્ઞાન મેળવ્યું અને ચિશ્તિયા સિલસિલા(સંપ્રદાય)ના શિષ્ય બન્યા. સમગ્ર જીવન તેમણે ચિશ્તિયા ખાનકાહ(મઠ)માં શિક્ષક તરીકે અર્પણ કર્યું. તેમણે લખેલા દશેક જેટલા ગ્રંથો પરથી જણાઈ આવે છે કે તે કુરાન, હદીસ, સૂફીવાદ, જ્યોતિષશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર તથા છંદશાસ્ત્ર જેવા બહુવિધ વિષયોના અભ્યાસી હતા અને અરબી, ફારસી અને ગૂજરી (ઉર્દૂ) ભાષા પર પ્રભુત્વ ધરાવતા હતા. ગૂજરી ભાષામાં લખાયેલો તેમનો પ્રખ્યાત ગ્રંથ ‘ખૂબતરંગ’ (1578) અકબરના હાથે ગુજરાતનું પતન થયા પછી લખવામાં આવ્યો છે. તેમાં પોતાના આધ્યાત્મિક ગુરુ શેખ કમાલ સીસ્તાનીએ આપેલી શિખામણો તથા કહેવતોનો સમાવેશ કર્યો છે. વળી સૂફીવાદના અઘરા વિષયો પર પણ કુશળતાથી કલમ ચલાવી છે. આજથી 400 વર્ષ પૂર્વેની ઉર્દૂ ભાષાનો આવા અઘરા વિષય પરત્વે સફળ પ્રયોગ કરવો એ ખરેખર કપરું કાર્ય હતું; આથી જ તે મૂલ્યવાન ગ્રંથ ગણાય છે. વિદ્વાનોમાં આ ગ્રંથની લોકપ્રિયતા વિશે એમ કહેવાય છે કે આ ગ્રંથને નજર સમક્ષ રાખીને કેટલાય વિદ્વાનોએ અન્ય ગ્રંથોનું નિર્માણ કર્યું. મુહમ્મદ આસિમ બુરહાનપુરીએ ‘નગમાતે હયાત’ (1751) નામે તેનો અનુવાદ કર્યો છે. આ ગ્રંથ અંગે લેખકે પોતે ‘અમવાજે ખૂબી’ (1591) શીર્ષકથી ફારસી ભાષામાં ભાષ્ય લખ્યું. તે પરથી જણાય છે કે ‘ખૂબતરંગ’ની ગૂજરી ભાષા એ આજે ઉર્દૂ તરીકે ઓળખાતી ભાષા જ છે અને તે સમયે ગુજરાતના મુસ્લિમો તેનો વ્યવહારભાષા તથા સાહિત્યિક ભાષા તરીકે ઉપયોગ કરતા.
તેમણે ગૂજરી અને ફારસીમાં કાવ્યો રચ્યાં છે. તેમની ગૂજરી રચનાઓ ‘રિસાલ એ ભાવભેદ’, ‘રિસાલ એ છંદછંદા’ તથા ‘ખૂબતરંગ’માં ગ્રંથસ્થ છે.
અમદાવાદમાં કારંજ વિસ્તારમાં ફર્હતુલ મુલ્કની મસ્જિદમાં તેમનો મજાર છે અને તે મસ્જિદ હવે શાહખૂબની મસ્જિદ તરીકે આજે પણ જાણીતી છે.
જમાલુદ્દીન રહીમુદ્દીન શેખ