ચિનાર : દ્વિદળી વર્ગમાં આવેલા પ્લેટેનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Platanus orientalis Linn. (કા. ચિનાર, બુના, બોનીન; અં. ઑરિયેન્ટલ પ્લેન) છે. તે વિશાળ, સુંદર પર્ણપાતી વૃક્ષ છે. તેની ઊંચાઈ 30 મી. જેટલી અને ઘેરાવો 12 મી. જેટલો હોય છે. તે મુખ્યત્વે ઉત્તર-પશ્ચિમ હિમાલયમાં સતલજની પશ્ચિમે 1200–2400 મી.ની ઊંચાઈએ થાય છે. જમ્મુ-કાશ્મીર રાજ્યમાં રસ્તાઓની બંને બાજુએ અને નહેર-કાંઠે જોવા મળતાં આ સુંદર વૃક્ષો પ્રવાસીઓ માટે સુંદર આકર્ષણ પૂરું પાડે છે. મુઘલકાળ દરમિયાન ઔરંગઝેબ તથા તેમના પૂર્વજોએ આ ખીણપ્રદેશમાં ચિનારનાં વૃક્ષોનું વાવેતર કરાવી આ પ્રદેશની સુંદરતામાં અભિવૃદ્ધિ કરી છે. તેની છાલ ભૂખરી હોય છે અને તેનું મોટી પતરીઓ-સ્વરૂપે અપશલ્કન (exfoliation) થાય છે. પર્ણો પંજાકાર, 5–7 ખંડોવાળાં, 12–20 સેમી. લાંબાં અને લંબાઈ કરતાં વધારે પહોળાઈવાળાં હોય છે. પુષ્પો એકગૃહી (monoecious), એકલિંગી હોય છે અને ગોળાકાર, સઘન મુંડક-સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ ગોળાકાર અને 3 સેમી. જેટલા વ્યાસવાળું હોય છે. તે અસંખ્ય, નાનાં, એકબીજમય ચર્મફળ (achene) ધરાવે છે.
ચિનાર પૂર્વીય ભૂમધ્યપ્રદેશનું મૂલનિવાસી છે; જ્યાંથી તેનું પ્રસરણ પૂર્વમાં થયું છે. કાશ્મીરમાં તેનું સુશોભિત વૃક્ષ તરીકે વાવેતર થાય છે. તેનું મુખ્ય થડ ટૂંકું હોય છે અને શાખાઓ તથા પર્ણો ગોળાકારે ફેલાયેલાં હોય છે. તેને રસ્તાની બંને બાજુએ અને ઉદ્યાનોમાં છાયા માટે ઉગાડવામાં આવે છે. તેનું ભાગ્યે જ પાતન (felling) કરવામાં આવે છે. તેથી તેનો ઘેરાવો વિશાળ બને છે.
તેને ભેજવાળી, ઊંડી, સારા નિતારવાળી જમીન માફક આવે છે અને ઝરણાંઓની નજીક સૌથી સારી રીતે થાય છે. તે હિમસહિષ્ણુ (frost hardy) વૃક્ષ છે. તેનું ધરુવાડિયામાં ઉછેરેલા રોપાઓ, કટકાકલમો કે દાબ (layering) દ્વારા સરળતાથી પ્રસર્જન કરી શકાય છે. બીજ નાનાં અને હલકાં હોય છે. રેતી, ગોરાડુ મૃદા અને પાણી સાથે બીજ ભેળવી માટી અને વધારે પ્રમાણમાં રેતીવાળા ધરુવાડિયામાં તેમની છૂટી વાવણી કરવામાં આવે છે. કેટલીક વાર બીજને પેટીઓમાં પણ વાવવામાં આવે છે. એક વર્ષના રોપાનું જમીનમાં રોપણ કરાય છે. કટકાકલમ માટે શાખાના 30 સેમી. લાંબા અને 2.5–5.0 સેમી. વ્યાસ ધરાવતા ટુકડાઓ કરવામાં આવે છે. આ કટકાઓને જમીનમાં ઊંડે રોપવામાં આવે છે.
આ વૃક્ષની વૃદ્ધિ ઝડપી હોય છે. તેનો ઘેરાવામાં વૃદ્ધિનો સરેરાશ વાર્ષિક દર 2.5 સેમી. જેટલો હેય છે.
પાનનાં ટપકાંનો રોગ Stigmina platani અને S. visianica દ્વારા થાય છે. મૃતકાષ્ઠ ઉપર Capnodis miliaris, Aeolesthes sarta અને Batocera rufomaculata નામનાં ઢાલિયાકીટકો આક્રમણ કરે છે.
ચિનારનું કાષ્ઠ પીળી કે લાલ છાંટ ધરાવતું સફેદ રંગનું હોય છે. અંત:કાષ્ઠ (heartwood) અસ્પષ્ટ, સૂક્ષ્મ-કણિકાયુક્ત, મધ્યમ કઠોર અને ભારે (વજન, 657 કિગ્રા./ઘમી.) હોય છે; પરંતુ મજબૂત હોતું નથી. તે પોચું અને સરળતાથી આકાર આપી શકાય તેવું હોય છે અને માત્ર આવરણ હેઠળ જ ટકાઉ છે. તેને સહેલાઈથી વહેરી શકાય છે. તેની સપાટી લીસી બનાવી પૉલિશ કરી શકાય છે. કાશ્મીરમાં તેના કાષ્ઠનો ઉપયોગ નાની પેટીઓ, ટ્રે, ટિપાય અને તેના જેવાં સાધનો બનાવવામાં થાય છે. તેમના ઉપર વાર્નિશ અને રંગકામ થઈ શકે છે. ચિનારનું કાષ્ઠ પગરખાંનાં બીબાં, કાગળનો માવો, નકશીકામવાળાં બારણાં તેમજ રમકડાં બનાવવા માટે પણ ઘણું ઉપયોગમાં આવે છે. પશ્ચિમ એશિયા અને યુરોપમાં તેનો ઉપયોગ કૅબિનેટ, રાચરચીલું, પૃષ્ઠાવરણ (venner), ઘોડાગાડી બનાવવામાં તથા કોતરકામ, ખરાદીકામ વગેરેમાં થાય છે. છાલ પ્રતિસ્કર્વી (antiscorbutic) અને આમવાતરોધી (antirheumatic) ગુણધર્મો ધરાવે છે. તેને સરકા સાથે ઉકાળી અતિસાર (diarrhoea) અને મરડામાં અપાય છે. તાજાં વાટેલાં પર્ણો નેત્રરોગ (ophthalmia) પર લગાડવામાં આવે છે. છાલમાં પ્લેટેનિન (1.5 %), ટેનિન (5.9 %) અને ટેનિન રહિત પદાર્થ (7.3 %) હોય છે. પ્રરોહ અને પર્ણોમાં ઍલેન્ટોઇન હોય છે. મૂળમાં ફ્લોબેફિન (6.0 %) હોય છે. વૃક્ષના રસમાં 90 % જેટલો મેનિટોલ હોય છે. તેની કલિકાઓમાંથી જીબરેલિન જેવા રસાયણને અલગ કરવામાં આવ્યું છે; જે વામન વટાણાની લંબવૃદ્ધિ ઉત્તેજે છે. ફળ સિવાય વનસ્પતિના બધા ભાગોમાં પ્લેટેનોલિક ઍસિડ (ટ્રાઇટર્પિન) હોય છે. પ્લેટેનોલિક ઍસિડ પ્લેટેનિન અને પ્લેટેનોલ બિટ્યુબિનિક ઍસિડ સાથે સામ્ય દર્શાવતો હોવાનું કેટલાક વિજ્ઞાનીઓ માને છે.
સ્થાનિક કક્ષાએ વૃક્ષ-વાવેતરના કાર્યક્રમોમાં આ વૃક્ષને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. ઋતુના ફેરફાર સાથે એટલે કે શિશિરથી વસંતના આગમન સુધી આ વૃક્ષનાં પર્ણોમાં થતાં રંગપરિવર્તનો નયનરમ્ય હોય છે.
મૃગેન્દ્ર વૈષ્ણવ
બળદેવભાઈ પટેલ