ચિનાબ : પંજાબની પાંચ નદીઓમાંની એક. ઋગ્વેદમાં અસિકની (રેત વિનાની) નામથી આ નદીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેની લંબાઈ 960 કિમી. છે તથા સમુદ્રસપાટીથી 300 મીટર જેટલી ઊંચાઈ પરનું તેનું જલસ્રાવક્ષેત્ર 27,529 ચોકિમી. જેટલું છે. લાહુલ પ્રદેશમાં ઊગમ ધરાવતી તથા ચંદ્રા અને ભાગા નદીઓના સંગમથી તે ચિનાબ નામ ધારણ કરે છે. ભૂતકાળમાં તે ચંદ્રભાગા નામથી ઓળખાતી હતી. કાશ્મીરના કિશ્તવાર પ્રદેશથી તે દક્ષિણ તરફ વળાંક લે છે અને અખનૂરથી તેનો પ્રવાહ સમતળ ભૂમિમાં વહે છે જે નૌકાવિહાર માટે સુગમ છે. પાકિસ્તાનના સિયાલકોટ જિલ્લાના ખૈરી રિહાલથી તે પાકિસ્તાનમાં પ્રવેશે છે.

આ નદીના સંયુક્ત પ્રવાહમાં તેના સિવાય અન્ય ચાર નદીઓનું પાણી ભેગું થાય છે : ત્રિમ્મુ સ્થળે જેલમ નદીનું, સિંધ ખાતે રાવીનું, મડવાલા ખાતે સતલજનું તથા મિઠાનકોટ ખાતે સિંધુનું પાણી એકત્ર થાય છે. તે પ્રવાહ પંચનદ તરીકે ઓળખાય છે.

કાશ્મીરની સરહદથી આશરે 14 કિમી. અંતરે મરાલા ખાતેથી તેની ઉપલી (upper) ચિનાબ નહેર અને 70 કિમી. અંતરે આવેલ ખાંકી ખાતેથી તેની નીચલી (lower) ચિનાબ નહેર શરૂ થાય છે. આ નહેરોને લીધે તે પ્રદેશની જમીનને સિંચાઈનું પાણી પ્રાપ્ત થતાં ખેતીના ઉત્પાદનમાં ધરખમ વધારો થયો છે.

તેના કાંઠા પરના પ્રદેશમાં અનેક જાતની આયુર્વેદિક વનસ્પતિ સાંપડે છે. 1245 સુધી તે હાલ પાકિસ્તાનમાંના મુલતાનની પૂર્વ દિશાથી વહેતી હતી, ત્યારબાદ તેના વહનપથમાં ફેરફારો થતા જઈ, 1397 પછી તે મુલતાનની પશ્ચિમ દિશાથી વહે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે