ચિદમ્બરમ્ : તામિલનાડુ રાજ્યના આર્કોટ જિલ્લાની દક્ષિણમાં, ચેન્નાઈ શહેરની નૈર્ઋત્ય દિશામાં 196 કિમી.ના અંતરે આવેલું પ્રસિદ્ધ પ્રાચીન તીર્થધામ. તે તિલ્લઈ, તિરુપાદિરિપ્યુલિયૂર, પુંડિકપુરમ્, વ્યાઘ્રપુરમ્, તિરુચિરંબલમ્ જેવાં વિવિધ નામોથી પણ ઓળખાય છે. દક્ષિણ રેલવેનું તે મહત્વનું મથક છે. નગરની પડખેથી કોળ્ળામ નદી વહે છે. આ શહેર વિશ્વવિખ્યાત પ્રાચીન હિંદુ નટરાજના મંદિર માટે જાણીતું છે. શંકર ભગવાનનાં અનેક સ્વરૂપોમાંના એક નૃત્યસ્વરૂપની અદભુત મુદ્રાવાળી નટરાજની મૂર્તિ આ મંદિરનું મુખ્ય આકર્ષણ છે. મંદિરની ચારે દિશામાં ચાર ગોપુરમ્ છે. આ ગોપુરોનું બાંધકામ અત્યંત કલાત્મક છે. આ મંદિરમાં તાંડવ નૃત્યની વિવિધ મુદ્રાઓ શિલ્પાકૃતિઓ રૂપે મંદિરનાં પૂર્વ અને પશ્ચિમ પ્રવેશદ્વારે જળવાઈ રહી છે. કરણ એ તાંડવ નૃત્યનું અંગ છે. ત્યાં કોતરવામાં આવેલાં કરણો સ્ત્રીઆકૃતિઓમાં દર્શાવ્યાં છે. આ કરણોની સંખ્યા 108 છે. ચિદમ્બરમની શિલ્પાકૃતિઓ ઉપરથી આ કરણોનાં ચિત્રો ‘તાંડવલક્ષણમ્’ પુસ્તકમાં આપ્યાં છે. તે પૈકી તલપુષ્પપુરમ્, સ્વસ્તિકમ્, ભુજંગવાસિતમ્, લલાટતિલકમ્ તથા ઊર્ધ્વજાનુની આકૃતિઓ નમૂના રૂપે દર્શાવી છે(આકૃતિ 2). વળી તેનો મંડપ તથા સભાગૃહ પણ સુંદર કોતરણીવાળા 1000 સ્તંભો ઉપર ઊભાં કરવામાં આવ્યાં છે. મુખ્ય મંદિરની છત સોનાથી મઢેલી છે. 39 એકર ભૂમિના વિસ્તારમાં આ મંદિરની રચના થયેલી છે. મંદિરના વિસ્તારમાં શિવ ઉપરાંત ગણેશ, વિષ્ણુ, પાર્વતી તથા સુબ્રહ્મણ્યમનાં મંદિરો પણ આવેલાં છે. અહીં જે સિદ્ધિ વિનાયકની મૂર્તિ છે તેવી સુંદર મૂર્તિ અન્યત્ર ભાગ્યે જ જોવા મળે છે. શિલાલેખો પરથી જાણવા મળે છે કે આ નટરાજ મંદિરનું નિર્માણ ઈ. સ. 907થી 953 દરમિયાન ચોળ વંશના રાજા પરાંતકે કર્યું હતું. તેનાં ગોપુરો તથા પાર્વતીમંદિરનું નિર્માણ ચૌદમી સદીમાં થયું હતું. અહીં દર વર્ષે વૈશાખ અને માગશરમાં મેળા ભરાય છે. અહીં વાયુતત્વનું શિવલિંગ છે.
1929માં અન્નામલાઈ યુનિવર્સિટી આ શહેરમાં સ્થાપવામાં આવી છે.
આમ ચિદમ્બરમ્ મંદિરનું નૃત્યશાસ્ત્રની ર્દષ્ટિએ પ્રાચીન નૃત્યપરંપરાને જીવંત રાખવા માટે ખૂબ જ મહત્વ છે.
અમી રાવલ