ચિત્રલેખા : ગુજરાતી સાપ્તાહિક પત્ર. સિનેપટકથા અને નવલકથાલેખક વજુ કોટકે માત્ર 10,101 નકલોના ફેલાવા સાથે મુંબઈથી 1950ની 22મી એપ્રિલે શરૂ કરેલું. 1970માં 22,500, 1975માં 1,40,000 પરથી 1982માં 2,00,000 અને 1990માં 3,25,000 ઉપરના ફેલાવાને આંબી જનાર આ સાપ્તાહિક એક પોતે જ ઊભા કરેલા મૌલિક સ્વરૂપના સામગ્રી-સમુચ્ચયનું સામયિક છે. વૈવિધ્યપૂર્ણ માહિતીલેખો, ધારાવાહી નવલકથા, મનોરંજક હાસ્યવાર્તાત્મક લેખો, છેલ્લામાં છેલ્લી રાજકીય ગતિવિધિની સમીક્ષા, કોઈ સાંપ્રત-સ્થાનિક-દેશી અને વિદેશી ઘટનાઓની ભીતરની પુષ્કળ તસવીરયુક્ત કથા, ઉપરાંત ચિંતનાત્મક ગદ્યખંડો અને ઠઠ્ઠાચિત્રો એ દરેક અંકનું સામાન્ય બંધારણ છે. સર્વેક્ષણ મુજબ દર અઠવાડિયાની તેની વાચકસંખ્યા 40,00,000 ઉપરની ગણવામાં આવે છે. 1988માં ‘ચિત્રલેખા’ની મરાઠી આવૃત્તિ પણ શરૂ થઈ. તે પણ લોકપ્રિય બની છે.
1959માં સ્થાપક-તંત્રી વજુ કોટકના ચુમ્માલીસ વર્ષની વયે થયેલા અવસાન પછી તેમનાં પત્ની મધુરી કોટક અને પત્રકારત્વની કલમમાં સર્જનાત્મક લેખનનો સ્પર્શ ધરાવતા જૂના સાથીદાર હરકિસન મહેતાએ સંયુક્તપણે તંત્રી અને સંપાદકો તરીકેની જવાબદારી સંભાળી. પરિવર્તનશીલ લોકરુચિ અને તેમની રોજિંદી સમસ્યાઓને લક્ષમાં રાખીને દર પાંચ વર્ષે ‘ચિત્રલેખા’ના સામગ્રીસ્વરૂપમાં પણ ફેરફારો થતા ગયા, જે તેમની સફળતાનું એક મહત્વનું કારણ ગણાય. મહેતાએ તેમાં સત્યઘટના પર આધારિત નવલકથાઓ લખવાનો ચીલો શરૂ કર્યો. તેમની ‘જગ્ગા ડાકુનાં વેરનાં વળામણાં’, ‘અમીર અલી ઠગના પીળા રૂમાલની ગાંઠ’ અને ‘જડચેતન’ જેવી એ ધાટીની નવલકથાઓએ ‘ચિત્રલેખા’ને લોકપ્રિય બનાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો.
ફેલાવાની ર્દષ્ટિએ ગુજરાતી ભાષામાં પ્રથમ ક્રમે અને ભારતનાં તમામ ભાષાનાં સામયિકોમાં ચોથા ક્રમે સ્થાન ધરાવે છે. એ એકમાત્ર એવું ગુજરાતી સામયિક છે કે જેની નકલો પ્રવાસીઓના વાચન માટે ઍર ઇન્ડિયા અને કેથે પૅસિફિકનાં હવાઈ ઉડ્ડયનોમાં મૂકવામાં આવે છે. એકસાથે બે ભાગમાં દિવાળી અંકો પ્રગટ કરવાની પહેલ પણ ‘ચિત્રલેખા’એ કરી. તે ઉપરાંત રાષ્ટ્રીય આવૃત્તિ તેમજ ગુજરાતમાં જ અમદાવાદ-વડોદરા, સૌરાષ્ટ્ર-કચ્છ અને સૂરતની અલગ અલગ આવૃત્તિઓ કરવાની પહેલ પણ તેમણે કરી. આ સાપ્તાહિકની આંતરરાષ્ટ્રીય આવૃત્તિ પણ પ્રગટ થાય છે.
‘ચિત્રલેખા’ એક પ્રકાશનગૃહ તરીકે પણ વિકાસ પામ્યું. ‘બીજ’ નામનું ગુજરાતી ડાયજેસ્ટ વીસ વરસ લગી એક પણ જાહેરખબર વિના ચલાવ્યું. અલબત્ત, પછી તેનું પ્રકાશન બંધ થયું. ‘લાઇટ’ નામના અંગ્રેજી ભાષાના સામયિકનો તેમનો પ્રયોગ સંપાદક હરીશ બૂચના અવસાનના કારણે બંધ કરવો પડ્યો, પણ 1958માં તેમણે શરૂ કરેલું ફિલ્મ પાક્ષિક ‘જી’ સફળ રહ્યું. તેની મરાઠી, હિંદી અને અંગ્રેજી આવૃત્તિ પણ એટલી જ લોકપ્રિય રહી.
છાપકામના ક્ષેત્રે પણ ગુજરાતી ટાઇપ ફેઇસને સુધારીને ફોટો કમ્પોઝની ગુજરાતી લિપિને કલાત્મક અને લયપૂર્ણ ટાઇપફેસની શ્રેણી ‘ચિત્રલેખા’એ જ આપી.
રજનીકુમાર પંડ્યા