ચિત્તૂર : આંધ્રપ્રદેશના 26 જિલ્લાઓ પૈકીનો દક્ષિણ તરફ આવેલો જિલ્લો અને જિલ્લામથક.
ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 12 44´ ઉ. અ.થી 13 34´ ઉ. અ. અને 78 2´ પૂ. રે.ની 79 41´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. રાયલસીમા પ્રદેશમાં આવેલા 6 જિલ્લાની ઉત્તરે અન્તામાયા જિલ્લો, દક્ષિણે તામિલનાડુ રાજ્યના તિરુપાતુર, વેલ્લોર તિરુવલ્લુર જિલ્લાઓ જ્યારે ઈશાને કર્ણાટક રાજ્યના તિરુપતિ અને પશ્ચિમે કોલાર જિલ્લાઓ સીમા રૂપે આવેલા છે.
પશ્ચિમઘાટમાં મૂળ ધરાવતી નદીઓ પોન્ની અને સવર્ણમુખી મુખ્ય છે. આ સિવાય અરનીયાર, બહન્ડા, બીમા, ચેયેપુર (Cheyyepur) કલોંગી, કલ્યાણી, કોઉન્ડીન્યા, નીવા, પાપાઘની, પીસેરુ, પીન્ચા અને પેહુરુ ઉપરોક્ત કોઈ નદી બારમાસી નથી. ભૂસ્તરીય રચનાની દૃષ્ટિએ આ જિલ્લો એક સપાટ-ક્ષેત્રના ભાગ રૂપે છે. અહીં ધારવાડ શ્રેણીના ખડકો અને કડપ્પા શ્રેણીના ખડક-સમૂહનો કેટલોક ભાગ આ જિલ્લામાં આવેલો છે. રાયલસીમા પ્રદેશમાં આવેલા આ જિલ્લાનો ઉચ્ચભૂમિ અને એક વિસ્તૃત ઉચ્ચપ્રદેશીય ક્ષેત્રમાં સમાવેશ થાય છે.
આબોહવા : ચિત્તૂર જિલ્લાનો પૂર્વ ભાગ પ્રમાણમાં નીચો છે. પૂર્વ ઘાટ કરતાં પશ્ચિમ ઘાટ વધુ ઊંચાઈ ધરાવે છે. ઉનાળામાં કેટલીય વાર તાપમાન 44 સે. તેના પૂર્વ ભાગમાં અનુભવાય છે. સામાન્ય રીતે તાપમાન 36 થી 38 સે. રહે છે. શિયાળામાં પશ્ચિમ ઘાટ કરતાં તાપમાન નીચું રહે છે. એટલે કે 12 સે.થી 14 સે. રહે છે. જ્યારે જિલ્લાના પૂર્વ ભાગમાં તાપમાન 16 સે.થી 18 સે. રહે છે. એટલે કે આ જિલ્લાની આબોહવા વિષુવવૃત્તીય ભેજ અને સૂકી કહી શકાય. વાયવ્ય ભાગમાં મધ્ય ગરમ અને સૂકી આબોહવા રહે છે. આ જિલ્લાનો વાર્ષિક વરસાદ 918 મિમી. રહે છે. નૈઋત્યના મોસમી પવનો વર્ષાઋતુમાં વરસાદ વધુ આપે છે. જિલ્લાનો સરેરાશ વરસાદ 438 મિમી. રહે છે. (જૂનથી સપ્ટેમ્બર) ઑક્ટોબર-નવેમ્બર માસમાં ઈશાનના પવનો 396 મિમી. વરસાદ આપે છે. 2002 અને 2003ના વર્ષમાં વરસાદ અનુક્રમે 982 મિમી. અને 934 મિમી. નોંધાયો હતો.
અર્થતંત્ર–પરિવહન–પ્રવાસન : આ જિલ્લો ઉચ્ચપ્રદેશમાં આવેલો છે, પરંતુ કેટલોક ભાગ સમતળ છે. પરિણામે ડાંગર, શેરડી, કઠોળ, મગફળી, તેલીબિયાંની ખેતી થાય છે. આ સિવાય ફળો અને અને શાકભાજીનું વાવેતર થાય છે. જેમાં કેરી, કેળાં, ટમેટા અને અન્ય શાકભાજી મુખ્ય છે. ખેતીની સાથે પશુપાલનપ્રવૃત્તિ વિકસી છે. દૂધ અને માંસનો વેપાર જોવા મળે છે. નાની નદીઓને કારણે મત્સ્ય પકડવાનો વ્યવસાય પણ છે.
રાષ્ટ્રીય ધોરી માર્ગ નં 69 અને 40 આ જિલ્લામાંથી પસાર થાય છે. છ માર્ગીય એક્સપ્રેસ વે જે તિરુપતિ— બૅંગાલુરુને સાંકળતો રેલમાર્ગ તૈયાર થઈ રહ્યો છે. જેનો લાભ આ જિલ્લાને પણ થશે. આ સિવાય રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 42નો પણ લાભ મળે છે. રાજ્ય ધોરી માર્ગો, જિલ્લા માર્ગો અને તાલુકા માર્ગોનું ગીચ જાળું પણ પથરાયું છે. આ જિલ્લાને બે રેલવેસ્ટેશનો ચિત્તૂર અને કુથામ મળ્યાં છે. આ જિલ્લાનું નજીકનું હવાઈ મથક તિરુપતિ – 68 કિમી. દૂર અને કુમાથ હવાઈ મથક જે 120 કિમી. દૂર છે.
આ જિલ્લામાં પ્રવાસન મથકોમાં કોન્ડીન્યા (Koundinya) વન્ય અભયારણ્ય, વેરાંજનીયા માતાજીનું મંદિર, વિનાયક મંદિર (જે 11મી સદીનું છે.), કૈગલ જળધોધ (જે 40 ફૂટ ઊંચો છે.) અહીંના અભયારણ્યમાં હાથી, હરણ, સાબર જેવાં પ્રાણીઓ અધિક છે.
વસ્તી : આ જિલ્લામાં હિન્દુઓની વસ્તી 90% કરતાં અધિક છે. જ્યારે મુસ્લિમ અને ક્રિશ્ચિયનોની વસ્તી ઘણી ઓછી છે. અહીં એક હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 993 છે. પછાત જાતિ અને આદિવાસી જાતિનું પ્રમાણ અનુક્રમે 21% અને 2.75% છે. અહીંની મુખ્ય ભાષા તેલુગુ છે. આ સિવાય તમિલ અને ઉર્દૂ ભાષા પણ બોલાય છે. વહીવટી કામકાજ માટે અંગ્રેજી ભાષાનો ઉપયોગ થાય છે. આ જિલ્લાને વહીવટી સરળતા ખાતર 4 જિલ્લા અને 32 મંડલમાં વહેંચવામાં આવેલ છે. આ જિલ્લામાં મ્યુનિસિપાલિટી કૉર્પોરેશન ચિત્તૂરમાં છે. જ્યારે કુપ્પામ, પુંગાનુર, પાલામાનૅર અને નગરીમાં નગરપાલિકા છે. આ જિલ્લાનો વિસ્તાર 6,855 ચો. કિમી. છે. જ્યારે વસ્તી 2011 મુજબ 18,72,951 છે.
ઇતિહાસ : ભારત 1947માં સ્વતંત્ર થતા ચિત્તૂર પ્રદેશ મદ્રાસ રાજ્યનો ભાગ હતો. આ જિલ્લો પહેલાં આરકોટ જિલ્લા તરીકે ઓળખાતો હતો. 19મી સદીમાં બ્રિટિશરોના શાસન દરમિયાન ચિત્તૂરને મુખ્ય મથક બનાવાયું હતું. 1985માં 66 મંડળના સમૂહથી ચિત્તૂર જિલ્લો બન્યો. 4 એપ્રિલ, 2022માં પુનઃ આ જિલ્લાને 31 મંડળ અને ચાર ડિવિઝનમાં વહેંચવામાં આવ્યો.
ચિત્તૂર (શહેર) : ચિત્તૂર પોઈની નદીના ખીણપ્રદેશમાં સમુદ્રની સપાટીથી 33 મી. ઊંચાઈએ આવ્યું છે. આ શહેર ખેતીની વિવિધ ઊપજોનું મુખ્ય બજાર છે. અહીં પરિવહનની સુવિધા રહેલી છે. આ શહેરમાં ડાંગર છડવાના એકમો, તેલની મિલો ઉપરાંત ખાંડ, આલ્કોહૉલ, દીવાસળી, સ્લેટ, સીવવાના દોરા, ઑટોમોબાઇલ સાથે સંકળાયેલા નાના એકમો, હાથ બનાવટની વસ્તુઓ અને કાપડ વણવાના ગૃહઉદ્યોગો પણ આવેલા છે. આ શહેરની વસ્તી 2011 મુજબ 1,75,647 છે.
નીતિન કોઠારી