ચિટ ફંડ : ઉછીનાં નાણાં મેળવવા માટે, અરસપરસ શ્રદ્ધા અને સહકારની ભાવનાથી ઊભી થયેલી પ્રાચીન નાણાકીય સંસ્થા. બ્રિટિશરોના ભારત-પ્રવેશ પહેલાં તથા આધુનિક નાણાકીય સંસ્થાઓની શરૂઆત પહેલાં, ખાસ કરીને દક્ષિણ ભારતમાં તે શરૂ થઈ. તમિળ તેમજ મલયાળમ ભાષામાં ‘ચિટ’નો અર્થ ‘લખેલો કાગળનો ટુકડો’ થાય છે.
ચિટ ફંડની પ્રાથમિક શરૂઆત રમૂજી તેમજ વિચિત્ર સંજોગોમાં થઈ – કોઈ બુદ્ધિશાળી પરંતુ જરૂરિયાતવાળી તથા સમાજમાં કાંઈક પ્રતિષ્ઠિત વ્યક્તિ, પોતાના સામાજિક કે વ્યાવહારિક પ્રસંગે ચોખાની તાત્કાલિક જરૂરિયાત માટે, તેના મિત્રોને એકઠા કરી, એક યોજના તૈયાર કરે છે. તે મુજબ જૂથની દરેક વ્યક્તિ, અમુક મુકરર જથ્થો આપે છે અને કુલ ભંડોળ, જરૂરિયાત મુજબ, જૂથની દરેક વ્યક્તિને મળે છે. આમ, આ પ્રથા, ચોખાની જરૂરિયાતમાંથી શરૂ થઈને પૈસાની જરૂરિયાત માટે યોજાવા લાગી. આ પ્રાચીન સંસ્થાનાં જુદાં જુદાં સ્વરૂપો હતાં.
ચિટ ફંડનું સાવ જ સાદું સ્વરૂપ ‘લૉટ’ ચિઠ્ઠી, જેમાં સંસ્થાના સભ્યો દર મહિને ચોક્કસ રકમ ભરે છે અને અમુક સમયને અંતરે, એક સભ્યને પસંદ કરી, તેને ઇનામની મુકરર કરેલી રકમ અપાય છે. સંસ્થાના સભ્યો તેમજ હપતાની રકમમાં વધારો થતાં ઇનામની રકમ વધે છે.
સૌથી પ્રચલિત પદ્ધતિ ‘ઑક્શન’ ચિટ છે, જેમાં સભ્યોનું કુલ ભંડોળ, દરેક હપતાના સમયે હરાજ કરાય છે અને જે સભ્ય વધુમાં વધુ વળતર આપવા તૈયાર થાય તેને આ ભંડોળની રકમ, બોલેલું વળતર કાપીને મળે છે. જેઓ માસિક હપતો ભરવામાં કસૂર કરે તેઓને હરાજીમાં ભાગ લેવા દેવામાં આવતો નથી.
સમયના વહેણ સાથે, વાહનવ્યવહારનાં સાધનોમાં થયેલા સુધારા, વસ્તુવિનિમયને બદલે નાણાના આધારે થતા વ્યવહારો, શિક્ષણનો બહોળો પ્રચાર, આર્થિક વિચારોમાં પરિવર્તન તથા લોકોની વેપારી ર્દષ્ટિને કારણે વર્તમાન સમયમાં ‘ઑક્શન’ ચિટ વધુ લોકપ્રિય બની છે. આ પદ્ધતિના વિસ્તાર સાથે તથા યોજના ઘડનારની વૃત્તિઓ બગડતાં, તેના અમલમાં અનેક ગેરરીતિઓ દાખલ થઈ, જેથી તેના નિયંત્રણ માટે કાયદાઓ ઘડવાની જરૂર જણાઈ.
કોચીન કુરીઝ રેગ્યુલેશન ઍક્ટ, 1932, ત્રાવણકોર ચિટ્ટીઝ ઍક્ટ, 1945 તથા તામિલનાડુ ચિટ ફંડ ઍક્ટ, 1961 એ ત્રણ મહત્વના કાયદાઓ દ્વારા આ પ્રવૃત્તિને નિયંત્રિત કરવાનો પ્રયત્ન થયો છે; જોકે જે રાજ્યોમાં કાયદાઓ નહોતા તેવાં ભારતનાં અન્ય રાજ્યો જેવાં કે આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, પોંડિચેરી વગેરે સ્થળોએ પણ આ પ્રવૃત્તિ વિસ્તરી છે.
ભારતીય ચિટ ફંડ ઍસોસિયેશન (The All India Association of Chit Funds) રાષ્ટ્રીય કક્ષાએ દેશના સઘળા ચિટ ફંડોનું સર્વોચ્ચ ઍસોસિયેશન છે, જે ચિટ ફંડોની વ્યવસ્થિત અને કાર્યદક્ષ કામગીરી પર દેખરેખ રાખે છે અને તેમના હિતની દેખભાળ રાખે છે.
ઈન્દુભાઈ દોશી