ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર (ખંભાત) : ખંભાતના બજારમાં બંધાયેલું જિનાલય. આ જિનાલયના ઉપરના ભાગમાં મહાચિંતામણિ પાર્શ્વનાથ અને ભોંયરામાં સ્તંભન પાર્શ્વનાથ બિરાજે છે. આ મંદિર વિશાળ, ભોંયરાયુક્ત હોવાથી તેનું સ્થાપત્ય ખૂબ જ પ્રસિદ્ધ છે. પ્રકાશ આવે તે માટે નવીન પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ જિનાલયમાં આવેલ મૂળનાયકની પ્રતિમા ભવ્ય અને નયનરમ્ય છે. તેની પ્રતિષ્ઠા વિજયસેનસૂરિના વરદ હસ્તે થઈ હતી. દેરાસરની અંદર દેરાસરનું સુંદર વિસ્તૃત વર્ણન કરતો એક સુંદર પ્રશસ્તિ-લેખ છે.
પશ્ચિમાભિમુખ આ મંદિર ભૂમિગૃહ સહિત બાંધેલું છે. ઉપરનું ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર ગર્ભગૃહ, મંડપ અને શૃંગાર ચૉકીઓનું બનેલું છે. મંડપની મધ્યે ચાર સ્તંભો આવેલા છે અને તેની પર ઘૂમટની રચના કરી છે. ઉત્તર અને પશ્ચિમ દિશામાં પ્રવેશ ચૉકી આવેલી છે. મંડપની ઉત્તર, દક્ષિણ અને પશ્ચિમની દીવાલો પર ચિત્રાંકન કરેલું છે. જેમાં શ્રીપાલ રાજાના ચરિત્રના પ્રસંગોનું આલેખન નોંધપાત્ર છે. આ ઉપરાંત આબુ, શત્રુંજય, પાવાપુરીના પટો પણ આવેલા છે.
પશ્ચિમના પ્રવેશની બંને બાજુએથી નીચેના ભોંયરામાં જવા માટે પગથિયાંની રચના કરેલી છે. ભોંયરાવાળો આ ખંડ સ્તંભરહિત છે. એની ઉત્તર અને દક્ષિણની દીવાલોમાં કમાનયુક્ત પાંચ પાંચ ગવાક્ષોની રચના કરી છે. ગવાક્ષોની કમાન મુઘલકાલીન હોય તેમ સ્પષ્ટ જણાય છે. ભોંયરાના ગર્ભગૃહમાં મૂળનાયક તરીકે શ્રી સ્તંભન પાર્શ્વનાથ બિરાજમાન છે. પ્રવેશની બંને બાજુએ એક એક બારીની રચના કરીને અંદર હવા-પ્રકાશ લાવવાની વ્યવસ્થા કરેલી છે.
મૂળનાયકની પ્રતિમા સપરિકર છે. સપ્તફણા સર્પનું છત્ર છે. તેની જમણી તરફ સંભવનાથ તથા ડાબી તરફ નેમિનાથની પ્રતિમા છે. નીચે નવગ્રહનો પટ છે. અહીં 20 પાષાણ પ્રતિમા છે, જેમાં આદિનાથ, ધર્મનાથ, પાર્શ્વનાથ વગેરે મુખ્ય છે. મૂળનાયકની પ્રતિમા શ્યામવર્ણની પદ્માસનસ્થ છે, ગાદીના ભાગમાંના લેખમાં સં. 1706 જેઠ વદ ત્રીજને ગુરુવાર જણાવેલ છે. ઉપરાંત આદીશ્વરની મૂર્તિ પરના લેખમાં સં. 1656 અને વૈશાખ સુદ 7 ને બુધવાર જણાય છે.
નીચે ભોંયરામાં સ્તંભન પાર્શ્વનાથની ભવ્ય અને દર્શનીય પરિકરયુક્ત પ્રતિમા છે. આ પ્રતિમાની ઊંચાઈ 3.55 મી. અને લંબાઈ-પહોળાઈ 2.59 મી.ની છે. તેની જમણી તરફ કાળા આરસમાં પાર્શ્વનાથની પ્રતિમા છે, જેના પર સં. 1632 વૈશાખ સુદ 13નો લેખ જોવા મળે છે. તેની ડાબી તરફ ચંદ્રપ્રભની કાળા આરસની પ્રતિમા છે. એની બાજુમાં સ્ફટિકની એક મોટી પ્રતિમા પણ છે.
ઉપર મંદિરના મંડપની દક્ષિણ તરફની દીવાલ પર બે શિલાલેખ છે જેમાંના ડાબી બાજુના લેખમાં જણાવ્યા પ્રમાણે આ મંદિર પરીખ વજિયા અને રાજિયા નામના બે ભાઈઓએ વિ. સં. 1644(ઈ. સ. 1588)માં બંધાવ્યું હતું.
આ લેખમાં નીચે પ્રમાણે સમગ્ર મંદિરનું વર્ણન કરેલું છે : ‘‘આ મંદિરમાં બાર સ્તંભો હતા, એને છ દ્વારો હતાં; સાત નાની દેવકુલિકાઓ હતી અને બે દ્વારપાલોની મૂર્તિઓ હતી. મૂળ પ્રતિમાની આસપાસ બીજી પચ્ચીસ ઉત્તમ મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી હતી. તે મંદિરમાં વળી એક ભવ્ય ભૂમિગૃહ (ભોંયરું) હતું જેને 25 પગથિયાં હતાં. એ સોપાનની સામે જ સુંદરાકૃતિવાળી ગણેશની મૂર્તિ બેસાડેલી હતી. એ ભૂમિગૃહ સમચતુષ્ક (ચોરસ) હતું અને દશ હાથ જેટલું ઊંચું હતું. એની અંદર બીજી નાની 26 દેવકુલિકાઓ હતી અને એનાં પાંચ દ્વાર હતાં. એ ભૂમિગૃહના પણ બે દ્વારપાલો હતા, તેમજ ચાર ચામરધારકો હતા. એની વેદિકા ઉપર 37 આંગળ-પ્રમાણ આદિનાથની, 33 આંગળ-પ્રમાણ મહાવીરદેવની અને 27 આંગળ-પ્રમાણ શાંતિનાથની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. વળી એ ભૂમિગૃહમાં 10 હાથીઓ અને 8 સિંહો કોતરેલા હતા. આવી રીતે સ્તંભતીર્થ(ખંભાત)માં ભૂષણસમાન અને જોવાલાયક એ મંદિર ઉક્ત બંને ભાઈઓએ બંધાવ્યું હતું.
આ ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલયના પટાંગણમાં કુલ ચાર ગુરુમંદિરો આવેલાં છે.
જી. પ્ર. અમીન