ચાવડા, શ્યાવક્ષ (જ. 11 ડિસેમ્બર 1914, નવસારી, ગુજરાત; અ. 18 ઑગસ્ટ 1990, મુંબઈ) : પશુસૃષ્ટિ અને ભારતીય નૃત્યોનાં આલેખનો કરવા માટે જાણીતા આધુનિક ભારતીય ચિત્રકાર. એક પારસી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. રંગોના ઠઠારા વિના પેન્સિલની રેખા કે પીંછીના આછા લસરકાથી જ નૃત્યના લય અને ધબકારને કાગળ પર કેદ કરી શકવાનું સામર્થ્ય આ કળાકારે દાખવ્યું છે. 1933માં એ મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં કળાનો અભ્યાસ કરવા ગયા અને 1938માં ચિત્રકળાનો ડિપ્લોમા મેળવ્યો. વધુ અભ્યાસ માટે એ 1938માં લંડનની જાણીતી કળાશાળા સ્લેટ સ્કૂલમાં દાખલ થયા. અહીં તેમણે ત્રણ વરસનો અભ્યાસક્રમ માત્ર બે જ વરસમાં પૂરો કર્યો અને રંગભૂમિને આનુષંગિક વેશભૂષા તથા નેપથ્યવિધાનનો અભ્યાસ કર્યો. નૃત્યોમાં તેમનો વિશેષ રસ આ જ સમયથી જાગ્રત થયો. ત્યાંથી પૅરિસ જઈ ત્યાંની અકાદમી દ લા ગ્રાન્દ શુમિયેમાં બીજા નવ મહિના રહી વધુ કળાઅભ્યાસ કરી એ ભારત પાછા આવ્યા. તેઓ સફેદ પોશાક જ પહેરતા. પહેરણ અને કુરતું. મુંબઈના મેટ્રો સિનેમા પાસે આજે જ્યાં ઝવેરી બ્રધર્સનો શો-રૂમ છે તે મકાનના ચોથા માળે એ રહેતા. એમના કુટુંબમાં એમનાં પત્ની ખુરશીદે શિક્ષણ અંગેનો ડિપ્લોમા ધારણ કરેલા છતાં તેમણે નૃત્ય ક્ષેત્રે સારી પ્રગતિ કરી. ખુરશીદે ઉદયશંકર, મેનકા, રામગોપાલ અને તાંજોરના બાબા પિલ્લાઈ પાસેથી નૃત્યની તાલીમ લીધેલી. વિખ્યાત નર્તકી શીરીન વજીફદાર ખુરશીદનાં બહેન થાય.
આમ, ચાવડાનાં માત્ર ચિત્રોમાં જ નહિ, પરંતુ ઘરમાં પણ નૃત્યનો ધબકાર સતત ચાલુ હતો. ચાવડાનો પુત્ર પરવેઝ સ્થપતિ બનેલો. પુત્રી જેસને પણ નૃત્યમાં રસ હતો. ઘરમાં એક મોટો ખંડ હતો, જેમાંથી અડધો ભાગ ખુરશીદની નૃત્ય કરવાની જગ્યા તરીકે તથા બાકીનો અડધો ભાગ ચાવડાના ચિત્રકળાના સ્ટુડિયો તરીકે વપરાશમાં રહેલો. મુંબઈમાં ધોબીતળાવ જેવા ધમાલિયા લત્તામાં એક ઇમારતના ઉપરના માળે સર્જનપ્રવૃત્તિ શક્ય બની.
ચિત્રકળાની ચાલુ ફૅશનો અને વાદમાં આ ચિત્રકાર કદી ફસાયા જ નહોતા. ધીમે ધીમે તેમણે લઢણો અને ટૅક્નિકની વળગણોમાંથી મુક્ત થઈને કળામાં પ્રૌઢિ દાખવી. જર્મન કળા ઇતિહાસકાર હર્માન ગોએત્ઝ જેને ઝેન ચિત્રકારોની સાદગી ગણાવે છે એ નરી શાહી અને રેખાની તાકાત દર્શાવતી ચાવડાની ચિત્રકૃતિઓ આધુનિક ફ્રેન્ચ ચિત્રકારો માતિસ અને દુફીનાં ચિત્રો જેટલી સાદગી ધારણ કરે છે. અજંતાની એકધારી રેખાઓ, ચીન-જાપાનની ભાવાનુકંપી પીંછી વડે જાડીપાતળી થતી રેખાઓ તથા યુરોપના રચનાબદ્ધ પિંડદાનની પદ્ધતિનો તેમણે પોતાનાં ચિત્રોમાં સમન્વય અને સુમેળ કર્યો છે, જે ઘણો જ આહ્લાદક બને છે. જે સમયે ભારતમાં આધુનિક ચિત્રકારો રાજસ્થાની-પહાડી લઘુચિત્રો, બંગાળ શૈલીનાં ચિત્રો કે પશ્ચિમ યુરોપિયન વાસ્તવવાદી ઢબનાં ચિત્રોની જથ્થાબંધ નકલો કરતા જોવા મળતા ત્યારે ચાવડાની સમન્વય શૈલીએ મૌલિકતા અને તાજગીનાં દર્શન કરાવ્યાં, એક નવું દિશાસૂચન કર્યું.
ચાવડા જબરા ઘુમક્કડ હતા. ખજૂરાહો, ભોપાળ, જાવા-સુમાત્રા, આસામ, કેરળ, ઓરિસા, બંગાળ, ગુજરાત વગેરે પ્રદેશો તેઓ વાંરવાર ખૂંદી વળેલા અને ત્યાં જ તેમણે જથ્થાબંધ સ્કેચીઝ કરેલા. 1948માં આસામની સરકારે તેમને ત્યાંના આદિવાસીઓની જીવનશૈલી, પહેરવેશ, નૃત્યો વગેરેનાં ચિત્રો દોરવા માટે આમંત્રણ આપેલું. ત્યારે આસામમાં જીપગાડી મારફત 2000 કિલોમીટરનો પ્રવાસ કરીને તેમણે અઢળક સ્કેચીઝ કર્યા; જેના ઉપરથી પછી તેમણે ઘણાં ચિત્રો ચીતર્યાં. નૃત્યકાર ઉદયશંકરના એક નૃત્યના જલસામાં તાંડવનૃત્યના ર્દશ્યથી પ્રભાવિત થઈને લગભગ વીસ વરસ સુધી તેમણે નૃત્ય અને નર્તકોનાં સ્કેચીઝ દોર્યાં અને ચિત્રો ચીતર્યાં. મુંબઈમાં કોઈ પણ થિયેટરનો નૃત્યોનો કાર્યક્રમ હોય ત્યારે એક ખૂણે બેસીને તેઓ પેન વડે એનાં ઝડપી રેખાંકનો કરતા હોય. ગુજરાતના રાસ, ગરબા, મહારાષ્ટ્રના તમાશા, દક્ષિણના મોહિનીઅટ્ટમ અને ભરતનાટ્યમ્, ઓરિસાના છાઉ, મણિપુરના મણિપુરી અને ઉત્તર ભારતના કથ્થકથી માંડીને કંબોડિયા, ઇન્ડોનેશિયા અને થાઇલૅન્ડનાં નૃત્યોની વિશાળ શ્રેણી એમનાં ચિત્રોમાં કેદ થઈ છે. ઘણી વાર તો જલસાની ટિકિટ તેમને ઉપલબ્ધ થઈ ન હોય તો ડોરકીપર કે મૅનેજરને સ્કેચબુક બતાવીને પ્રવેશ મેળવવાનો વારો પણ આવતો. અસંખ્ય રેખાંકનો કરવામાં તેમના હાથની આંગળીઓમાં આંટણ અને ભાઠાં પડી જતાં. ઘણા ભારતીય ચિત્રકારો ઉપર તેમની અસર પડેલી, જેમાં પ્રદ્યુમ્ન તન્નાને મુખ્ય ગણી શકાય.
તેમણે ભારતીય પરંપરાનાં શૃંગારરસપ્રધાન નૃત્યો આલેખિત કર્યાં છતાં તેમાં કામુકતા અને શૃંગાર મળતાં
નથી ! ઘરેણાંથી લદાયેલી મુગ્ધ કન્યાઓ કે મનોહર પ્રેમિકાઓના ઠઠારા પણ તેમાં નથી. રાધાકૃષ્ણ કે શિવપાર્વતીના નામે પ્રણયવ્યવહારના આલેખનથી તેઓ મુક્ત જ રહ્યા.
ચાવડાનાં ચિત્રોમાં પશુસૃષ્ટિ પ્રત્યેનો પ્રેમ પણ વ્યક્ત થયો છે. આ માટે પણ ચાવડા ઘણાં જંગલો, અભયારણ્યો, મુંબઈના રાણીબાગ જેવાં ઝૂ, તબેલાઓ અને તારાપોરવાલા જેવાં માછલીઘર ખૂંદી વળેલા. પોતાના લોનાવાલામાંના ફાર્મ પર જઈને એ મરઘાં-બતકાંના સ્કેચીઝ કરતા. માત્ર કૂકડાઓનાં ચિત્રોનું એક વાર એમણે એક પ્રદર્શન ભરેલું, જેનું નામ એમણે રાખેલું : ‘મેજેસ્ટીઝ’.
1960 પછી ભારતીય ચિત્રજગતમાં આધુનિકતાનો અતિરેક થતાં ઘણાં વિવેચકોને ચાવડાનાં ચિત્રો એકધારાં, એકસરખાં અને જૂનવાણી જણાયાં. કેટલાક વિવેચકોએ ચાવડા ઉપર પસ્તાળ પાડીને એવી છાપ ઊભી કરી કે ચાવડાનાં ચિત્રોમાં નવીનતાનો અભાવ છે. ફળસ્વરૂપે ચાવડાએ કામમાં થોડો ઝોક બદલ્યો. થોડી ભૌમિતિક-તાંત્રિક અસરવાળાં ચિત્રો ચીતરવા તેમણે ચાલુ કર્યાં, પણ આ ચિત્રોમાં અગાઉ જેવો જોસ્સો જોવા મળતો નથી.
અમદાવાદમાં કાળુપુરની ટ્યુટોરિયલ સ્કૂલમાં તેમણે ચિત્રશિક્ષકની સેવાઓ આપેલી. તેમનાં પ્રદર્શનો અમદાવાદ, મુંબઈ, સિંગાપોર, લંડન, પૅરિસ, ઝ્યુરિક, ન્યૂયૉર્ક અને દિલ્હીમાં યોજાયેલાં. ચાવડાનાં ચિત્રો લંડનના વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ, હંગેરીના બુડાપેસ્ટ મ્યુઝિયમ, નવી દિલ્હીની નૅશનલ ગૅલરી ઑફ મૉડર્ન આર્ટ, વડોદરા મ્યુઝિયમ, નાગપુર સંગ્રહાલય, મુંબઈના નૅશનલ સેન્ટર ફૉર પરફૉર્મિંગ આર્ટ્સ, ઇન્ડિયન ઍરલાઇન્સની ઑફિસ અને ટાટા ઇન્ડસ્ટ્રિયલ હાઉસમાં કાયમી ધોરણે સચવાયાં છે. લલિતકળા અકાદમીએ તેના વિશે એક પુસ્તિકા પણ પ્રકાશિત કરી છે. ચાવડાએ ચેક રિપબ્લિક, હંગેરી, જર્મની અને ઇટાલીનો વિદેશ પ્રવાસ પણ ખેડ્યો છે.
ચાવડાનાં ચિત્રોમાં નૃત્યમગ્ન માનવાકૃતિઓ ચંચળ, ચપળ અને સ્પંદનાત્મક ગતિ ધરાવતી નજરે પડે છે. વિષયની સાદગીભરી રજૂઆત અને અલંકારોનો (ઘરેણાંનો) અભાવ એ તેમની લાક્ષણિકતા છે.
એમણે ચીતરેલાં હરણાં, વાઘ, વરુ, આદિ જાનવરોની આકૃતિઓમાં રેખાનાં જોશ અને જોમ અનોખાં છે, પણ પાછળથી તો એમણે રેખાનો ઉપયોગ પણ અદકી કરકસરથી કરવા માંડેલો. એમની નજર સપાટી ત્યાગીને ઊંડાણ તરફ વળી. કૌતુકરાગી વલણો ત્યાગીને સૌષ્ઠવપ્રિયતા એમણે કેળવી. વિવિધ પ્રાણીઓનાં વિશિષ્ટ અંગમરોડ, આવેગ-સંવેગ અને મુખગત ભાવોને દાખવતી તેમની રેખાઓમાં અજબની કુમાશ દેખાય છે. એમની રેખાઓ અત્યંત સ્ફૂર્તિમાન જણાય છે.
આરંભથી જ ચિત્રકળા અને નૃત્યકળા ઉપરાંત અન્ય સાંસ્કારિક પ્રવૃત્તિઓમાં પણ તેમને રસ હતો. શારીરિક સૌષ્ઠવના આગ્રહી એવા ચાવડાનું શરીર પણ કસાયેલું ચુસ્ત હતું. ગ્રીક આદર્શ મુજબ તેને તેઓ એક પાયાની જરૂરિયાત માનતા. અંગ્રેજી સાહિત્યના જૂના-નવા પ્રવાહોથી પણ એ પરિચિત રહેતા. વર્ષો સુધી એમણે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની ગાયકીની તાલીમ લીધેલી તેથી તેઓ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના અચ્છા જાણકાર હતા.
અમિતાભ મડિયા