ચાવડા વંશ : ઈ.સ. 756થી 942 સુધીમાં થયેલો મનાતો વનરાજ ચાવડાનો રાજવંશ; પરંતુ એને લગતો સહુથી પ્રાચીન ઉલ્લેખ કુમારપાળના વડનગર શિલાલેખ(ઈ.સ. 1151)માં મળે છે, જેમાં એ વંશ માટે ‘ચાપોત્કટ’ શબ્દ પ્રયોજાયો છે. ‘મોહરાજ પરાજય’ (ઈ.સ. 1174–76)માં ‘ચામુક્કડ’(સં. ચાપોત્કટ)નો ઉલ્લેખ છે. ‘સુકૃતસંકીર્તન’ તથા ‘સુકૃતકીર્તિકલ્લોલિની’માં પણ ‘ચાપોત્કટ’ શબ્દ મળે છે. સત્તરમા–અઢારમા શતકની ‘રત્નમાલા’માં ‘ચાપોત્કટ’ તથા ‘ચાઉડા’ બંને રૂપ વપરાયાં છે. ‘પ્રબંધચિંતામણિ’માં ‘ચાપોત્કટ’ રૂપ છે. વિવિધ ગચ્છીય પટ્ટાવલીઓમાં ‘ચારૂડ’ તથા ‘ચાવડો’ રૂપ છે. ભાટચારણોની અનુશ્રુતિઓમાં બીજાં કેટલાંક ‘ચાવડા’ રાજકુલનો વૃત્તાંત છે. એટલે કે ‘ચાપોત્કટ’, ‘ચાવોત્કટ’ અને ‘ચાઉડા’ કે ‘ચાવડા’ એ સ્પષ્ટત: એક જ શબ્દનાં ભિન્ન ભિન્ન રૂપ છે. એમાં ‘ચાઉડા’ (કે ‘ચાવડા’) એ મૂળ હોય ને ‘ચાવોત્કટ’ તથા ‘ચાપોત્કટ’ એ એનાં સંસ્કૃતીકૃત રૂપાંતર થયાં હોય એમ પણ બને. ‘પ્રબંધચિંતામણિ’માં આપેલી વનરાજ ચાવડાના ઉત્તરાધિકારી રાજા યોગરાજને લગતી અનુશ્રુતિમાં એના પૂર્વજોના કલંકને લઈને એનું રાજ્ય ચરટો(ચોરો)નું રાજ્ય ગણાતું હોવાનો ઉલ્લેખ છે. એ પરથી ‘ચાઉડા’–‘ચાવડા’ શબ્દ ગુજરાતી શબ્દ ‘ચોટ્ટા’–‘ચોરટા’(ચોરી કરવાની ટેવવાળા)ને મળતો હોવાનું સૂચિત થાય છે ને તો ચાવડા એ ચોરી ને ચાંચિયાગીરી કરતી સાહસિક જનજાતિ હોવી સંભવે છે. આ કુળને સમય જતાં રાજસત્તા પ્રાપ્ત થઈ.
વનરાજના પૂર્વજો અગાઉ પંચાસરમાં રાજ્ય કરતા હતા. વનરાજના પિતા વિશે ભિન્ન ભિન્ન અનુશ્રુતિઓ નોંધાઈ છે. વનરાજના પિતા પંચાસરના રાજા જયશિખરીને લગતી અનુશ્રુતિ ઘણી સંભવિત જણાય છે. જયશિખરીના મૃત્યુ પછી પંચાસરના ચાવડા રાજ્યનો અંત આવ્યો ને ત્યાં પચાસેક વર્ષ સુધી કનોજના પ્રતિહાર રાજાઓનું શાસન ચાલ્યું. એ પછી વનરાજે 50 વર્ષની વયે અણહિલવાડ વસાવી ત્યાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. તે પછી એક અનુશ્રુતિ પ્રમાણે આ ચાવડા વંશમાં 8 રાજાઓ થયા, જ્યારે બીજી અનુશ્રુતિ પ્રમાણે આ વંશમાં 7 રાજાઓ થયા. આ વંશનાં પોતાનાં કોઈ તામ્રશાસનો, શિલાલેખો કે સિક્કા પ્રાપ્ત થયાં નથી.
આ સિવાય ભિલ્લમાલનો ચાપવંશ (ઈ.સ. 628); વઢવાણનો ચાપવંશ (ઈ.સ. 805થી 914); દીવ (ઈ.સ. આઠમી સદીથી બારમી-તેરમી સદી), સોમનાથ પાટણ; ઓખામંડળ (ઈ.સ. છઠ્ઠી સદીથી તેરમી સદી); કચ્છમાં પાટગઢ (તા. લખપત, ઈ.સ. નવમી સદી); વીંઝાણ (તા. અબડાસા, ઈ.સ. 562–934) જેવાં રાજ્યો જુદા જુદા સમયે અસ્તિત્વમાં હતાં.
યતીન્દ્ર દીક્ષિત