ચાર ચક્રમ : 1932માં રણજિત મૂવીટોન દ્વારા નિર્મિત હાસ્યરસનું પ્રથમ બોલતું-ગાતું ચિત્રપટ. ફિલ્મની પટકથા જયંત દેસાઈ અને જિતુભાઈ મહેતાની હતી અને તેનું હિન્દી રૂપાંતર એસ. એલ. શ્રીવાસ્તવ ‘અનુજ’ દ્વારા કરાયું હતું. ‘ચાર ચક્રમ’ના નિર્દેશક જયંત દેસાઈ હતા. સંગીતનિર્દેશન ઉસ્તાદ ઝંડેખાંસાહેબનું હતું. ફિલ્મના કલાકારોમાં ઘોરી, ઈ. બીલીમોરિયા, કેકી અડાજણિયા, દીક્ષિત, ઈશ્વરલાલ, શાન્તા અને કમલા વગેરે હતાં.
ફિલ્મની હાસ્યરસિક કથામાંના ચાર ચક્રમ એટલે બે મિત્રો બૅરિસ્ટર સાહેબ અને શાસ્ત્રીજી તથા બૅરિસ્ટરનો પુત્ર નવીન અને શાસ્ત્રીજીનો પુત્ર વિનોદ. બૅરિસ્ટર અને શાસ્ત્રીજી બંને પોતાના પુત્રો સદાચારી હોવાનો દાવો કરે છે અને કદી કોઈ સ્ત્રીની સામે આંખ પણ ન ઉઠાવે તેવા સદગુણી માને છે. આ દાવો વાદવિવાદમાં પરિણમે છે અને અંતે બંને વચ્ચે શરત લાગે છે કે જેનો પુત્ર દુરાચારી છે તેવો પુરાવો મળે તેણે પોતાની બધી મિલકત–સંપત્તિ બીજાને આપી દેવી. આ શરતમાંથી ફિલ્મમાં વિવિધ છબરડા ઊભા થાય છે અને તેમાંથી હાસ્યરસની સરવાણી વહેતી રહે છે, કારણ કે વાસ્તવમાં બંને પુત્રો વિનોદ અને નવીન, જુદી જુદી યુવતીઓ સાથે પ્રેમના લફરામાં ફસાયેલા જ છે. બંને મિત્રો શાસ્ત્રીજી અને બૅરિસ્ટર પુત્રોનાં લક્ષણો તો જાણી જાય છે; પરંતુ બંને જાણે કંઈ જાણતા નથી તેવો દેખાવ કરતા રહે છે. આ બંને બુઢ્ઢાને તેમના પુત્રો પણ જાતજાતની અને ભાતભાતની ચાલાકીઓ અજમાવી મૂર્ખ બનાવતા રહે છે. ફિલ્મમાં સ્થૂળ હાસ્યરસના પ્રસંગો વિશેષ જોવા મળે છે. બંને બુઢ્ઢાને તેનાં સંતાનો નશીલી દવા પિવડાવી દે છે અને કાબૂ ખોઈ બેઠેલા બંને બુઢ્ઢા જુદી જુદી સુંદરીઓની પાછળ પાગલ થઈને લટ્ટુ બને છે; પરંતુ એ સુંદરીઓ તો વેશધારી બંને પુત્રો નીકળે છે. ફિલ્મના અંતમાં બંને બુઢ્ઢા પોતાના પુત્રને મનગમતી યુવતી સાથે પરણાવી દે છે અને મધુર વાતાવરણ વચ્ચે ફિલ્મની સમાપ્તિ થાય છે.
બોલતી ફિલ્મોના ઇતિહાસમાં પ્રથમ હાસ્ય બોલપટ તરીકે ઐતિહાસિક મહત્વ ધરાવતી આ ફિલ્મ અન્ય રીતે પ્રભાવક બનતી નથી. ફિલ્મમાં કુલ 7 ગીતો મૂકવામાં આવ્યાં છે. ગીતોમાં ઉર્દૂ ભાષાની છાંટ પણ દેખાય છે. ‘જી ભરકે સાકિયા પિલા દે…’ તથા ‘તૂ રૂપમેં યકતા હૈ મૈં હુસ્નમેં લાસાની…’માં આ અસર વરતાય છે. પ્રેમનો મહિમા પ્રગટ કરતું ગીત ‘પ્રેમમય ભગવાન હૈ, યહ પ્રેમમય સંસાર, પ્રેમ હૈ આનંદદાતા, પ્રેમ હી બસ સાર હૈ’ ધ્યાનાકર્ષક છે. ઠૂમરી જેવા ઢાળ પર આધારિત ‘ઉનકે બિના હૈ મોહે ન ચૈન’ ગીત પણ ફિલ્મમાં છે. તે સમયે પાર્શ્ર્વગાયન પ્રથા નહોતી તેથી કલાકારોએ જાતે ગીતો ગાયાં છે. ફિલ્મમાં બૅરિસ્ટરનું પાત્ર ભજવનાર કલાકાર કેકી અડાજણિયા તથા શાસ્ત્રીનું પાત્ર દીક્ષિતે ભજવ્યું હતું. નવીનના પાત્રમાં ઘોરી અને વિનોદના પાત્રમાં ઈ. બીલીમોરિયાએ અભિનય આપ્યો હતો.
હરીશ રઘુવંશી