ચામુંડરાજ (ઈ. સ. 997–1010) : ગુજરાતનો સોલંકી કુળનો રાજવી. સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના અવસાન પછી એનો પુત્ર ચામુંડરાજ ઈ. સ. 997માં ગુજરાતનો રાજવી બન્યો. એની માતા માધવી ચાહમાન કુલની હતી. ચામુંડરાજ ગાદીએ આવ્યો તે પહેલાં યુવરાજ તરીકે તેણે શ્વભ્રમતી (સાબરમતી) નદી ઓળંગીને લાટ પર ચડાઈ કરી હતી અને ભરૂચના દ્વારપ(બારપ)ને હરાવી મારી નાખ્યો હતો. એ રાજા થયો તે પછી, માળવાના પરમાર રાજા સિંધુરાજના આક્રમણથી ગભરાઈ જતાં વાચિનીદેવી (ચાચિણીદેવી) નામની એની બહેને એને ગાદી પરથી દૂર કરી ચામુંડરાજના મોટા પુત્ર વલ્લભરાજને ગાદીએ બેસાડ્યો. વલ્લભરાજે માળવા ઉપર આક્રમણ કર્યું; પરંતુ રસ્તામાં શીતળાના રોગને કારણે તે અચાનક મૃત્યુ પામ્યો. એ પછી ચામુંડરાજે પોતાના બીજા પુત્ર દુર્લભરાજને ઈ. સ. 1010માં ગાદીએ બેસાડ્યો અને પોતે તીર્થસ્થાનમાં (સંભવત: શુક્લતીર્થમાં) જઈને અનશન કરી જીવનનો ત્યાગ કર્યો. આમ ચામુંડરાજે 997થી 1010 સુધી એટલે કે 13 વર્ષ રાજ્ય કર્યું. એણે પાટણમાં ચંદનાથદેવ અને ચાચિણેશ્વરદેવના પ્રાસાદો બંધાવ્યા હતા. એ ઉપરાંત, જૈન ધર્મના મંદિર માટે દાન આપ્યું હતું. એના પુરોહિત તરીકે સોલશર્માનો પુત્ર લલ્લ હતો.

મુગટલાલ પોપટલાલ બાવીસી